અપરાધી/દયા આવે છે

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← એક પગલું આગળ અપરાધી
દયા આવે છે
ઝવેરચંદ મેઘાણી
અદાલતમાં →


૩૧. દયા આવે છે

“કોઈ બાઈ મળવા આવી છે.”

“કોણ છે ?”

“અંજુડીની મા છું, એમ કહે છે. મારી છોકરીને કેદમાં નાખી છે તેને માટે અરજ કરવા આવી છું એમ કહે છે.”

“એમ મળવા અવાય કે ?”

“મેં તો સાહેબ, એને ઘણું સમજાવ્યું કે સાહેબ પાસે આવી વાતો કરવા અવાય જ નહીં. પણ એ તો કહે છે કે મારી અંજુડીનું નામ પડશે ત્યાં જ સાહેબ મને બોલાવશે.”

પ્રભાતની તડકીમાં લાઈબ્રેરીની ખુરશી પર બેઠેલા શિવરાજે મનોભાવ છુપાવ્યો અને ધર્મસંકટ અનુભવ્યું.

“ને કહે છે કે મને સરસ્વતીબહેને મોકલી છે.” પટાવાળાએ ઉમેર્યું.

તોપણ શિવરાજે જવાબ ન વાળ્યો.

“સાહેબ, લંગડાતી લંગડાતી ઠેઠ કાંપને ગામડેથી આવી લાગે છે. કહો તો — જે કહો તે જણાવી દઉં.”

નોકરને જવાબ વાળતાં પહેલાં શિવરાજ અકળાયો ; પછી કહ્યું : “આવવા દે.”

અજવાળીની માએ અંદર પગ મૂકતાં જ શિવરાજે ગળામાં રુઆબ રાખીને કહ્યું : “આ રીત સારી ન કહેવાય, બાઈ, આ તમે કાયદા વિરુદ્ધ કરો છો.”

“ઈ તો મને ખબર છે, બાપા ! હું કાંઈ અણસમજુ નથી.” અજવાળીની મા આંસુડાં લૂછતી લૂછતી ને કંપતી કંપતી કહેવા લાગી. “પણ બાપુ જીવતા હતા ને તયેં કાંપમાં બાપુ થાણદાર હતા તે ટાણે મારે આ અંજુડીના બાપની સાટુ બે-ત્રણ વાર બાપા પાસે જાવું પડેલું; ઈણે કેદીય ના ન’તી પાડી. કોઈની છોકરી આડે માર્ગે વળી ગઈ હોય, કોઈની બાયડી ધણીની મારપીટથી ભાગીને બાપાને શરણે દોડી ગઈ હોય, તો બાપા અચૂક આશરો આપતા. મને તો લોકોએ કહ્યું, કે બાપાના જેવું જ ગરીબની દાઝ રાખનાર તમારું — ઈમના દીકરાનું — હૈયું છે. ને વળી કાલ સાંજે સરસ્વતીબેન રસ્તે મળ્યાં. મને અગશર લગતાં શીખવાડતાંને ભાળ્યું, ઈ બોન. ઈની પાસે મારાથી મૂઈથી રોઈ પડાણું. ને ઈ તો આખી વાત સાંભળીને કે, કે ડોશલી, બસ, તું હાલ ને હાલ ઘડી શિવરાજસા’બ પાસે જા — છોટાસા’બ પાસે જા — ને હું પણ સવારે આવી પોગીશ. એટલે મેં આ હરમત કરી બાપા, કે ઓલ્યા કાગળ જે હું તમ પાસે વંચાવી જાતીને, ઈ તો કોઈક બનાવટી કાગળ હતા. અંજુડીને તો બચાડીને ક્યાંય ધણીબણી મળ્યો ન’તો. ઈ તો મુંબીમાં ક્યાંક રઈ’તી.”

એને વધુ વાત કરતી અટકાવવા શિવરાજે કહ્યું : “હેઠાં બેસો, બાઈ, બોલો શું કહેવું છે ?”

“બીજું તો કશુંય નહીં, બાપા ! પણ આ મારી અંજુડી અગાઉ કેદીય રેઢિયાળ નો’તી, હો ! માણસો ખોટું આળ ચડાવે છે, હો ! આ તો કોણ જાણે કેમ કરતાં ભૂલ થઈ ગઈ ને કોને ખબર છે. એમાંય વધુ વાંક કોનો, મારી અંજુડીનો હશે કે આગલા જણનો ? તેય પણ અંજુડીને ઘરનો આશરો નો મળ્યો — કાળી રાતે એને ઘર બહાર કાઢી — ત્યારે જ મારી અંજુડી ક્યાંક ભેખડે ભરાઈ ગઈને, બાપા ! નીકર ઘરમાં મારી આગળ હતી ત્યાં લગણ મારી અંજુડીએ આંખ પણ ઊંચી કરી છે ? પણ તેદુની અધરાત, વરસતો મે, પવનના સુસવાટા, એના બાપને ચડેલો કાળ : બધુંય ભેળું થયું, ને મારી છોકરીનાં પગલાં શેરીમાં પાછાં વળ્યાં. ઈ પગના ધબકારા તો હું બળીને મસાણે રાખ થઈ ગયેલ મેંથી શે ભુલાશે, બાપા!

“અને અંજુડી પાછી આવી તયેય એના બાપે શા બોલ કાઢ્યા, ખબર છે, બાપુ? કહ્યું કે બહારનાં આણેલાં આંહીં જણવા બેઠી છો, તે લાજતી નથી ? કેટલાંક મોઢાંમાં અમે રોટલો મૂકશું ? દાણાની કોઠિયું ચાવી જાનારી વેજા આંહીં શીદ લઈ આવી છો ? — આવાં વેણ સાંભળનારી જુવાન દીકરીને કાળજે શી શી છરિયું ફરી ગઈ હશે, વિચારો તો ખરા, બાપા ! અને એવી ઝાળ્યુંની દાઝેલી એ પશુડી શું કરી બેઠી હશે, એનું એનેય થોડું ભાન રહ્યું હશે ! અંધારી રાતે ભેંકાર ગોઝારે કોઠે ગઈ હશે તયેં એનો આત્મો તો ખદખદી હાલ્યો હશે ને ! સવાર પડશે તો બાપ ગજબ ગુજારશે એવી ભે લાગી હશે, તયેં જ ને ! નીકર કાંઈ મા જેવી મા ઊઠીને… તમને તો શું કહું બાપા, સમજદાર છો. પણ જનેતાનું હૈયું તો જનેતા જ સમજે હો ! ને મારે માથે તો વીતી ગઈ છે. પણ મારી અંજુડીને મેં જીવતી રાખી, કારણ કે મારો બાપ નિરદયાળુ નો’તો.”

બાઈ બોલતી ગઈ, રડતી ગઈ, આંખનાં પાણી લૂછતી ગઈ, શિવરાજના પગમાં માથું નમાવતી ગઈ. શિવરાજ સ્તબ્ધ જ રહ્યો.

“અને ભગવાને જો ધ્રોપદીની ધા સાંભળી’તી તો મારી ધા શું નહીં સાંભળે ? અટાણે મારી અંજુડી ક્યાં હશે, શું કરતી હશે, ઈ વિચારે રાતે મારો જીવ ચડી જાય છે ને સા’બ, એટલે પછી આંખ એક મટકુંય મારતી નથી — સવારોસવાર જાગતી પડી હોઉં છું. કાગડા બોલે એટલે કામે લાગું છું. બીજું શું કરું, બાપા ?”

શિવરાજની લાગણીઓ એની ન્યાયાધીશ તરીકેની કર્તવ્યબુદ્ધિના પાળા તોડવા લાગી હતી. એણે મોં પર કરડાઈ ધારણ કરીને બાઈને કહ્યું : “તમારે આંહીં આવવું જોઈતું નહોતું. મેં પણ તમને બોલ-બોલ કરવા દીધાં એ ભૂલ થઈ છે. હું તો તમને મળત જ નહીં, પણ આ તો હું મળ્યો, કારણ કે તમારી દીકરીનું કામ મારે નથી ચલાવવાનું.”

“હેં ? — તમે નહીં ચલાવો, બાપા ?” બાઈ તો બાઘી બની ગઈ. “તમે દયાળુ મારી અંજુડીનો કેસ નથી ચલાવવાના એમ કેમ કહો છો ? હેં !”

“હું બરાબર કહું છું. થાણદારસાહેબ ચલાવશે ને પછી રાજકોટ મોકલવી હશે તો મોકલશે.”

“અરે ભગવાન ! અરે રામ !” બાઈ ભાંગી પડીને ભોંય પર બેસી ગઈ : “મેં આઠ પો’ર ઈશ્વરને વીનવ્યો, કે ભગવાન, ભલો થઈને છોટાસા’બને રાજકોટથી પાછા વાળજે. કારણ, તમે તો જાણો છો બાપુ, થાણદારસા’બ આવી બાબસ્તા હોય તયેં જુવાન બાઈયુંને માથે બઉ કંટા બને છે.”

“એવું ન બોલાય આંહીં — મેં ન કહ્યું તમને ?”

“ના બાપુ, હું એનો કોઈ વાંક નથી કાઢતી; ઈ તો કાયદો જેમ કે’તો હોય એમ જ કરે ને ?”

થોડી વાર ચુપકીદી છવાઈ.

પછી શિવરાજે કહ્યું : “હું તો કેસ ચલાવવાનો નથી, પણ બનશે તો હું થાણદાર — સાહેબને આ બધી બાબત લખી જણાવીશ.”

“તો તો તમે જ મારા પ્રભુ. મારી અંજુડી અને હું બેય આખો ભવ તમારી માળા ફેરશું, મારા બાપ !”

“ઠીક, હવે જાવ.”

“તમારી અમર કાયા થાવ. તમને નવ નધ ને આઠે રધ મળજો. કેવું મન છે ! લોક કંઈ ખોટું કહે છે ? — બાપાના જેવું જ કૂણું મન છે.”

કહેતી કહેતી બાઈ પગથિયાં ઊતરી, અને થોડી વાર થંભીને હાથ જોડી બોલી : “મારાથી વધુઘટુ કાંઈ બોલાઈ ગયું હોય તો હાથ જોડું છું હો, બાપા ! માનું હૈયું ખરું ને ? એનું કાંઈ ઠેકાણું કહેવાય ?”

“સારું, માડી, જાવ હવે.”

“મને માડી કહી !” અંજુની મા સ્તબ્ધ બનીને વળી એક પળ થંભી, ફરી પાછી બોલી : “મારી અંજુડી તમ જેવી ભણેલી ગણેલી તો થોડી છે ? પણ જોજોને, છૂટશે એટલે તરત તમને એની ઠરેલી આંતરડીનો કાગળ લખશે. ઈ તમારો ગણ નહીં ભૂલે.”

“નહીં નહીં, એવું કશું એણે નથી કરવાનું. જાવ હવે.”

અજવાળીની મા હજુ કશુંક રહી ગયેલું કહેવા જતી હતી, પણ પટાવાળાએ એને હાથ ઝાલીને બારણા બહાર દોરી.

વળી પાછી બારણા સુધી જઈને ભીની આંખે એ ઊંચે જોઈ રહી. ત્યાં શિવરાજની માતાની જુવાનીની તસવીર હતી. તેને એણે સરસ્વતીની તસવીર સમજી લીધી, ને હસવું આણીને કહ્યું : “લોકોમાં તો વાતું થાય છે કે છોટાસા’બનાં લગન થવાનાં છે. સારું, સારું, માડી ! માતાજી અમીની છાંટ નાખે ! વરવહુ વચ્ચે સદાય લીલી ને લીલી હેતપ્રીતની વેલ્યું વધે. સાચું સોનું, ખરું ધન તો છે જ છે ને, ભાઈ ! ખમા તમને.”

શિવરાજ કશોક જવાબ વાળવા મથ્યો પણ એ ન બોલી શકયો. એણે ફક્ત હાથ હલાવીને આ બાઈને વિદાય થઈ જવાનું જ કહ્યું ને એકલો પડતાં એ વિચારી ઊઠ્યો :

“શું ખોટું છે ? ન્યાયના નિયમનો ભંગ કર્યા વગર જો હું આ માદીકરીનો મેળાપ કરાવી દઈ શકું તો એમાં ઈશ્વરનો કયો અપરાધ થઈ જવાનો ? હું પોતે તો હિંમત નહીં કરી શકું. ન્યાયાસન પર બેઠાં બેઠાં મારા જ અપરાધનો બત્રીસો બનનાર છોકરી મારાથી જોઈ શકાશે નહીં. એટલે એક માર્ગ છે. થાણદારના હૃદયમાં દયાના શબ્દો મૂકું, મા-દીકરીની દુર્દશા સમજાવું. એ હવે પેન્શન પર ઊતરવાની તૈયારીમાં છે. છેલ્લે એક દયાનું કામ કરવાની એ ના નહીં પાડે. મને જોઈને કદાચ અજવાળી ઉશ્કેરાશે તો ? મારો અપરાધ ઉઘાડો પાડશે તો ? અને કદાચ હું હસી કાઢીશ ત્યારે માલુજીને બોલાવશે તો ? —”

માલુજીનું નામ યાદ આવવાની સાથે જ એણે ચાઊસને સાદ કર્યો, “ચચા !” એ ચાઊસના ખોળામાં ખેલતો ત્યારથી “ચચા” શબ્દે સંબોધતો : “ચચા, માલુજીભાઈને કેમ છે ?”

“અચ્છા હૈ. બદન ઠંડા હૈ — હાં, ઠીક હૈ — નીંદ કર રહા હૈ —”

આગલા દિવસથી માલુજી નીંદ જ કરી રહેલ છે તેમ એનું શરીર ઠંડું છે, એ સમાચારથી શિવરાજ વહેમાયો. એ માલુજીની પથારી પાસે ગયો. માલુજી જીવનની નીંદમાં નહોતા, મૃત્યુના ઘારણે ઘોટેલા હતા. એ કાંઈ નસકોરાંની બંસી નહોતી બોલતી, ગળાનો હરડિયો આખરી બુમરાણ બોલાવતો હતો.

“ચચા !” શિવરાજે બૂઢા ચાઉસની સામે માથું ધુણાવ્યું. હાથ માલુજીના કાંડાની નાડ પર હતો. “ચચા, માલુજીની આખરી નીંદ છે આ તો.”

ચાઊસે જોયું કે જોડી તૂટી ગઈ. બાળક જેવો ચાઊસ કશું બોલી ન શક્યો. જલભરી આંખે એ ત્યાંથી ખસી ગયો ને બાજુના ખંડમાં જઈ એણે ફાતિહા પઢવા માંડ્યું.

માલુજીના શબને સ્મશાનમાં આગ મૂકીને પછી શિવરાજ સૌના કહેવાથી પાછો ફર્યો. એના ગમગીન અંતરમાં એક પ્રકારની રાહત હતી : બાપુની પાછળ તલસી તલસી બાપડા જીવ કેટલાંય વર્ષો સુધી પીડા પામત. તે કરતાં શાંતિથી છૂટી ગયા. મારે તો છત્ર ગયું, પણ એનો આત્મા ઠેકાણે પડ્યો.

ઉપર પ્રમાણેના શબ્દો શિવરાજના તાળવામાં ગોઠવાતા હતા. એ શબ્દો એના ગળામાં ચૂંટાતા હતા. શા માટે એ ઘૂંટી રહ્યો હતો ? કોઈક બીજા શબ્દોને બોલતા રોકવા માટે. એ બીજા શબ્દો ટૂંકા જ હતા : ‘હું બચી ગયો.’

સાંજે બાગના મોરલા કળેળ્યા એટલે શિવરાજે જાણ્યું કે પિતાપુત્રી આવી પહોંચ્યાં. પણ આવનાર એકલા પંડિતસાહેબ જ હતા. માલુજીનો ખરખરો કરીને પંડિતસાહેબે સરસ્વતીના ન આવવાનું કારણ સમજાવ્યું :

“એણે તમને ઘણાં આશ્વાસન કહેવરાવેલ છે. એ તો આજે ઘેરાઈ ગયેલ છે. પેલી ખેડૂતની છોકરી બાળહત્યાના કેસમાં પકડાઈ છે તેનો બચાવ કરવાનો મોટો કોલાહલ આખા શહેરમાં ઊઠ્યો છે. ગામનાં સ્ત્રીપુરુષોનું એક ડેપ્યુટેશન સરસ્વતી પાસે પહોંચ્યું છે. સરસ્વતીને ખૂબ પુષ્પો ચડાવી રહ્યા છે : તમે આ બાઈને બચાવો : આ કેસ છોટાસાહેબે જ ચલાવવો જોઈએ : છોટાસાહેબ એક તમારું જ કહ્યું માનશે !”

શિવરાજનું મોં લચેલ આંબાડાળ જેવું નીચું ઢળ્યું, પણ તુરત એણે પંડિતસાહેબના નવા શબ્દો સાંભળ્યા : “ને બીજી તૈયારી એ ખેડુની છોકરીના અપરાધના સાચા જવાબદાર પુરુષનો પત્તો લગાવવાની ચાલે છે.”

શિવરાજ હેબતાયો.

“પણ કાયદો એ પુરુષને તો અપરાધી ઠરાવી જ નથી શકતો ને !" શિવરાજ આ શબ્દો બોલ્યો ત્યારે એના દાંતની ડાકલી વાગી. એના લલાટે સ્વેદનું ઝૂમખું બાઝ્યું.

“એ તો મેં સરસ્વતીને સમજાવ્યું. પણ બધા લોકોની તેમ જ સરસ્વતીની જીદ છે, કે કાયદો ભલે કશું ન કરી શકે, એ દુષ્ટને અમે દુનિયાની દેવડીએ નૈતિક સજા અપાવીશું — વગેરે વગેરે ભાંજગડમાં સરસ્વતી તો પડી ગઈ છે. અને તમારી પાસે એ ગામના ડેપ્યુટેશનને લઈને કાલ સવારે વિનંતી કરનાર છે કે અદાલતમાં આ કેસપર તમે જ બેસો.”

શિવરાજ નિઃશબ્દ રહ્યો. પંડિતસાહેબે વાતવાતમાં કહ્યું : “લોકોને તો વહેમ પડ્યો છે તે ભાઈનું નામ સાંભળતાં તમે ચમકશો.”

શિવરાજના કલેજા પર કાળ-ડંકા પડ્યા. હમણાં જ આ ભાવિ સસરાજી જાણે મારા મોં પર તિરસ્કારનો તમાચો લગાવીને ઊઠી જશે. એના ડોળા નિશ્ચલ બન્યા.

“પેલો તમારો રામભાઈ છાપાના બાતમીદાર વકીલ ‘મહારાજ’નો દીકરો !”

“હોય નહીં !” શિવરાજને નવું આશ્ચર્ય ચમકાવી રહ્યું.

“લોકો વાતો કરે છે કે જે રાત્રિએ અજવાળી અદૃશ્ય થઈ તે જ રાત્રિથી એ રામભાઈનો પત્તો નહોતો. છેક આજે જતો એ પાછો આવ્યો છે. ને, ઓછામાં પૂરું, લોકોના આ પોકારમાં એનો બાપ શામિલ થયો નથી એટલે લોકસંશય દૃઢ થયો છે.”

“પણ રામભાઈ ! રામભાઈને તો હું ઓળખું. એ કદી એવું કરે જ નહીં.”

આ શબ્દો બોલનાર શિવરાજના અંતરનો એક ગુપ્ત ખૂણો ગલીપચી અનુભવી રહ્યો હતો. પોતે વધુ સલામત બન્યો છે. લોકસંશય બીજી જ દિશામાં વહી રહેલ છે. ફિકર નહીં. વાહ પ્રભુ ! કેટલી તારી કરુણા !

પણ રામભાઈ આવ્યો છે ? એ મને મળવા આવશે તો ? અને આ વાત નીકળશે તો ? વાત નીકળે કે ન નીકળે, પણ રામભાઈને આ બધી લોકવાયકા તો બે જ દિવસમાં બદનામ કરી મૂકશે. અપરાધ મારો, અને એ નિર્દોષ જ માર્યો જશે ! રામભાઈ સાદરામાં જઈને પ્રેક્ટિસ કરતો હતો, એ સૌ જાણે છે. પણ એ તો ગયો હતો બાપથી રિસાઈને; એ ભયાનક રાત્રિના અપરાધ સાથે એને કશો જ સંબંધ નથી.

ને મૂળ પુરુષ — અપરાધીનો પત્તો લગાવવા ઊતરેલી સરસ્વતી ક્યાંક મને પકડી પાડશે તો ? ખુદ અજવાળી જ એને મોંએ કબૂલ કરી નાખશે તો ? મારા સંસારનાં ઘડિયાળાં વાગી જશે. હું ક્યાં જાઉં ? કયા એકાંતમાં લપાઉં ? મારે પાછળથી દગલબાજ ગણાવું પડે તે કરતાં અત્યારથી જ જવું જોઈએ.

શિવરાજ એ વિચારે ઘૂમતો હતો ત્યારે પંડિતસાહેબ આરામખુરશી પર લાંબા પગ કરીને સિગાર પીતા પીતા આંખો મીંચી ગયા હતા.

“મારે આપને કંઈક કહેવું છે.” શિવરાજના એ શબ્દોએ પંડિતસાહેબને જાગ્રત કર્યા.

“હેં — હું પણ તમને કહી નાખવાના વિચાર ગોઠવતો હતો, કે હવે તો મારો છુટકારો કરો બેઉ જણાં, એટલે હું ઓચિંતો મરું તોપણ આ માલુજીના જેવું મૂંઝાતું હૃદય લઈને મરવું ન પડે.”

આ શું ? પંડિતસાહેબ માલુજીના હૃદયની મૂંઝવણ જાણતા હશે ! શિવરાજ ચીથરાંને પણ સાપ સમજી ભડકવા લાગ્યો. હવે તો પ્રકટ કરી જ નાખવું જોઈએ. એણે શરૂ કર્યું :

“મારે પણ આપને એને જ લગતી બાકી રહેલી બાબત કહી દેવી છે. થોડા વખત પર મેં આપને મારા એક વખતના જુવાન અસીલની મુશ્કેલીની વાત પૂછેલી — યાદ છે ?”

“હા.”

“એ વાત કોઈ અસીલ-મિત્રની નહોતી, મારી પોતાની જ હતી.”

લાંબા થઈને પડેલા પંડિતસાહેબે ધીરેથી આંખો ખોલીને શિવરાજને દષ્ટિમાં લપેટી લીધો. પાછી એણે આંખો બંધ કરી.

“હાં, પછી ?”

“આ અજવાળીવાળો જ એ કિસ્સો — એનો અપરાધી હું છું !”

પાંચ મિનિટની ચુપકીદી પડી. પંડિતના કપાળ પર કરચલીઓનાં ગૂંચળાં વળ્યાં.

“શાના અપરાધી ?” ડેપ્યુટીએ મીંચેલ પોપચે જ પૂછવા માંડ્યું.

શિવરાજે ઉત્તર ન આપ્યો.

“બાઈને બાળક રહ્યું તેના અપરાધી તમે જ છો, ને બીજા કોઈ જ નથી એમ તમે કહી શકો છો ? શા આધારે કહી શકો છો ? બાઈ કેટલો વખત તમારી સાથે હતી ?”

“એક દિવસ.”

“તે પછીના દિવસોની એની સીધી ચાલચલગત વિશે તમને ખાતરી છે ?”

“ના, જી.” શિવરાજે જ્યાં ભૂકંપ ઊઠવાની ધાસ્તી સેવેલી ત્યાં પોતાના રક્ષણની જ કિલ્લેબંદી થતી જાણી.

“તમને પાકી ખાતરી છે કે એણે પોતાનું બાળક મારી નાખ્યું છે ?”

“ના, જી.”

“ને એને જો બાળક હતું, બાળકને જો એણે મારી નાખ્યું હોય, તો તે બાળક તમારું જ હતું એવું તમે ખાતરીથી કહી શકો છો ?”

“ના, જી. એમ તો નહીં, પણ આ છોકરી અસલ તો સારી —”

“વેદિયા ન બનો. તમે પોતે કશું જ ચોક્કસ જાણો છો ?”

“ના, જી. હું કહી નથી શકતો.”

“ફક્ત અનુમાનોનાં વાદળમાં ગૂંચવાઓ છો ? અને એ અનુમાનને જોરે તમે આ છોકરીનો મુકદ્દમો ચલાવવાની ના પાડો છો ? ભાઈસાહેબ, તમે તો એ બાપડીને આજથી જ અપરાધી ગણી બેઠા છો એનો ન્યાય પણ તોળાયા પહેલાં.”

“એ ખરું !”

“તમે તમારી જાતને પણ અન્યાય આપી રહ્યા છો. માનો કે કદાચ છોકરીએ પોતાના બાળકની હત્યા કરી હોય, તો એ હત્યાના ગુનેગાર તમે કઈ રીતે બનો છો ?”

“મેં એને એ સ્થિતિમાં ઉતારી.”

“કબૂલ, એ જે થયું તે ઘણું બૂરું કામ થયું, પણ એ બૂરાઈને તે પછી આ બાઈએ આચરેલી બૂરાઈ સાથે શો સંબંધ છે ? તમારી એ બૂરા કામમાં સહાનુભૂતિ હતી ?”

“તોબાહ ! તોબાહ !”

“તમે એનો ત્યાગ કર્યો હતો ? તમે એને દુનિયાની દયા પર ફગાવી દીધી હતી ? તમે એને કદી પૈસા વિનાની રઝળાવી હતી ? એને છોકરું આવ્યું હોય તો છોકરાનું ભરણપોષણ એ ન કરી શકે તેવી સ્થિતિમાં શું તમે એને છોડી દીધી હતી ?”

“ના, જી. એમ હવે મારાથી ન કહી શકાય.”

“તો પછી એણે કરેલી બાળહત્યામાં તમારો હાથ છે એમ તમે કયા ન્યાયે કહી શકો છો ? એણે જો હત્યા કરી જ હોય, તો એના હેતુઓ જુદા જ હોવા જોઈએ. એ હેતુઓ ને એ કારણો જોડે તમારે કશી જ નિસબત નથી.”

“પણ… પણ મારી નૈતિક જવાબદારી.”

“નૈતિક જવાબદારી ? એ નૈતિક જવાબદારીના વેદિયાવેડાથી તો હું હવે ત્રાસી ગયો છું. ઓરતના પ્રત્યેક દુરાચરણને માટે જવાબદારી પુરુષની — એ બધા લાગણીવેડાનો અંત જ નથી. કાયદા અને ઈન્સાફનો પાયો એક જ વાતમાં છે કે ગુનો કરે તે ગુનેગાર. બીજી લપછપ શું વળી ?”

“ત્યારે તો આપનું એમ માનવું છે કે…”

“મારું માનવું આમ છે.” પંડિતસાહેબ ઊઠીને ટટાર થઈ બેઠા બેઠા બોલ્યા, “કે આખો મામલો અતિશય શોચનીય છે, તિરસ્કારને પાત્ર છે. પણ એ બાઈએ જો ગુનો કર્યો જ હોય, ને તમે એ ગુનામાં બિલકુલ કશું જાણતા ન હો, તો એના કરેલા ગુનાને માટે તમે બિલકુલ જવાબદાર નથી. તમારે તો તમારી ફરજ અદા કર્યે જવાની છે. શા માટે નહી ? તમે આમાં સંડોવાયેલ વ્યક્તિ છો માટે ? કાંપ જેવા નાના શહેરમાં, અરે, રાજકોટમાં ને મુંબઈમાં પણ, ન્યાયાધિકારી એક યા બીજી રીતે અનેક મુકદમાઓમાં સંડોવાયેલ વ્યક્તિ નથી હોતા શું ? એનાં સગાં-સ્નેહી-સંબંધીઓને લગતા કેસો એમની પાસે નથી આવતા શું ?”

“પણ મને ડર…”

“ડર ? શાનો ડર ? જાહેર પ્રજાનો ? એ ડર તો આ કેસ ઉપર બેસવામાં નહીં, પણ નહીં બેસવામાં છે. તમે આજે સ્મશાને પણ ગયા ને જો અદાલતમાં નહીં બેસો તો લોકો વધુ ગુસપુસ નહીં કરે ? કારણો નહીં કલ્પે ?”

“પણ એ છોકરી મને જોઈને…”

“છોકરી જો ગુનેગાર હોય, ને આજ સુધી જીભ ચૂપ કરીને બેઠી છે, તો મને લાગે છે કે છેવટ સુધી ચૂપ જ રહેવાની.”

શિવરાજ જાણે કોઈ બંધિયાર જગ્યામાં પુરાયેલો હતો તેમાંથી ખુલ્લી હવામાં આવ્યો.

“અને,” પંડિતસાહેબે ફરી પાછા ખુરશી પરથી ઊઠીને પૂછ્યું, “મારો પણ કંઈ વિચાર કરશો ને !”

“જરૂર.”

“તો બસ, મારી માગણી આટલી જ છે તમારી ફરજ અદા કર્યે જાઓ.”

“એક બીજા માનવીનો પણ વિચાર કરવાનો રહે છે.” છેવટ સુધી પોતાનું હૃદયસંશોધન કરતા રહેલા શિવરાજે થોડી વારે કહ્યું.

“કોણ બીજું ?”

“જેનું નામ પણ આ કિસ્સામાં લેતાં પાપમાં પડાય છે તે સર…સ્વતીબાઈ.”

“સરસ્વતીને વળી આમાં કાં સંડોવો, ભાઈસાહેબ ?”

“એ મૂળ અપરાધીની શોધ કરે છે એમ આપ કહો છો. કેસ ચાલ્યા પહેલાં જ એને સાચો પત્તો મળે તો ? તો મારો ન્યાય એને કેવો લાગશે ? છોકરી છૂટી જાય તો એ તો માનશે કે મેં જ મારો અપરાધ છુપાવવા એને છોડી. ને છોકરીનો કેસ હું કમિટ કરું તો તો તે પછી અમારા બેઉનાં જીવનમાં શો રસ રહેવાનો ?”

એના શબ્દોમાં ગદ્‌ગદિત ઊર્મિઓ હતી. છતાં પંડિતસાહેબે તો શુષ્ક અધીરાઈ ધરીને કહ્યું : “પાણી આવ્યા પહેલાં જોડા શીદ ઉતારો છો ? બીજી લપ છોડો, કાયદેસર ફરજ બજાવો !”

કહીને ડેપ્યુટી ઊઠ્યા ને જતાં જતાં કહેતા ગયા : “ભલા થઈને આ બધું સરસ્વતી આગળ બબડશો નહીં. મારા આખરી દિવસોને માથે છૂરી ફેરવશો નહીં. વેદિયાવેડા છોડો, હવે જિંદગીમાં જવાબદારી લેવાની છે.”

બંગલાના કમ્પાઉન્ડને દરવાજે શોર સંભળાયા :

“છોટાસાહેબની જય ! ન્યાયની જય ! ગરીબની જય !”

એ જયઘોષણા કરનારું એક નાનું એવું સરઘસ-શોખીન ટોળું હતું. મોખરે સરસ્વતી

હતી. દરવાજો ઉઘાડો હતો. બૂઢો ચાઊસ અંદર દાખલ થતી સરસ્વતી સામે હાથની અદબ કરીને ઊભો રહ્યો.

શિવરાજ બેઠો હતો ત્યાં, પિતાજીના પુસ્તકાલયના પુનિત ખંડમાં, વગર સંકોચે ટોળું દખલ થયું.

“અમે અરજ કરવા આવ્યા છીએ.” ટોળાનો આગેવાન બોલ્યો, “આપ ન્યાયાસન પર બેસો. એક મહાન અન્યાય થતો અટકાવો.”

“અમે આપને પાલખીમાં બેસાડી ઉઠાવીને લઈ જવા તૈયાર છીએ.” બીજાએ પોતાના ખભા થાબડ્યા.

શિવરાજે સરસ્વતીની સામે સૂચક નજર કરી. સરસ્વતી શિવરાજ સામે તાકી રહી.

“નહીં તો, સાહેબ !” ટોળાના આગેવાને કહ્યું, “સાચો ગુનેગાર છટકી જશે. જેના વાલેશરીએ આટલાં વર્ષો સુધી અમારાં લોહી પીધાં છે. આબરૂદારોને જગબત્રીશીએ ચડાવી ચડાવી ધૂળ મેળવેલ છે એ…”

“તમે આવું બોલવા આવ્યા હો તો મારાથી સાંભળી શકાશે નહીં.” શિવરાજે બોલનારા કોના પર સંશય લઈ જાય છે. એ સમજી જઈ આંખના ખૂણા તપાવ્યા.

“સાચું, સાહેબ ! માફ કરો. એને બોલવાનું ભાન નથી.” ટોળા માંહેલા એક જડભરત ખેડૂતે આગેવાન તરફ આંગળી કરી : “ગમે ઈ હોય. જે હશે તેની — મા’રાજ હશે કે મોટો ચમરબંધી હશે તેની — નાનાસાહેબ ખબર લઈ નાખશે.”

“પણ તમારાથી આમ કોઈનું નામ ન દેવાય.” શિવરાજ આ ટોળાના વધુ પડતા ડહાપણનું પ્રદર્શન ન સાંખી શક્યો.

“તો ખુશીથી, સાહેબ ! અમો ભૂલ્યા. અત્યારથી મા’રાજનું નામ નથી દેવું. જીભ કચરીએ છીએ.” ત્રીજાએ પણ એની એ જ વાત કરી. શિવરાજે ‘હસવું ને હાણ્ય’ બેઉ ભાવ જોડાજોડ અનુભવ્યા. પોતે મનમાં ને મનમાં લજ્જિત બન્યો. ડેપ્યુટીસાહેબ પંડિત કહી ગયા હતા કે દેવકૃષ્ણ મહારાજના દીકરા અને પોતાના બાળભેરુ રામભાઈ ઉપર જ આ લોકશંકાની વાદળી ઘેરાઈ ગઈ હતી. નિર્દોષ રામભાઈનો બાપને પાપે બત્રીસો ચડી રહેલ છે, ને પોતે સાચો અપરાધી સલામત બેઠો બેઠો ન્યાયાસનનો પરમ રક્ષણહાર મનાઈ રહેલ છે ! શી બલિહારી !

“તમે સૌ જાઓ. હું મારાથી બનતું કરી જોઈશ.” શિવરાજના એ જવાબે ટોળાને ઉઠાડ્યું. નીકળતાં નીકળતાં ટોળાએ નાના સાહેબની ને ન્યાયની બેવડી બુલંદ જયઘોષણા બોલાવી. ટોળાને યાદ ન રહ્યું કે સરસ્વતી રોકાઈ ગઈ છે. તેઓ સ્ટેશનયાર્ડમાં આવી પહોંચેલી આગગાડીને પહોંચવા દોટ કાઢીને વિદાય થયા.

સરસ્વતીને લઈ જવા તો મોટરગાડી બહાર હાજર થઈ ચૂકી હતી.

એણે શિવરાજને ખુલાસો કર્યો : “હું ટોળાની સરદારી લઈને નથી આવી. મારે તો મારા તરફથી જ તમને વીનવવા છે. રામભાઈ તમારો મિત્ર છે. અજવાળીનો બાપ આખા ગામમાં બરાડતો ફરે છે કે એક વાર કોરટનું કામ ચાલવા તો દો, ખરો ગુનેગાર કોણ છે તેની હાંડલી હું કોરટમાં અભડાવી દેવાનો છું. છોકરીની વાંસે વાંસે વરસ દિવસથી ફરનારા અને છોકરી ગઈ તે જ રાતે અલોપ થઈ જનારા એ માણસને હું છતો કરી દઈશ.”

“એટલે કે રામભાઈ ?”

“હા, એ તમારા દોસ્તને બચાવી લેવા માટે જ તમે માંદા પડી ગયા છો એમ ચણભણ થવા લાગ્યું છે.”

શિવરાજ લાલ બની રહ્યો. એની આંખો ધુમાડા છાંટતી હતી.

સરરવતી શિવરાજની નજીક ગઈ, કોઈ ન જોઈ જાય તેમ એના હાથનાં આંગળાં ઝાલ્યાં ને એણે કહ્યું : “એક નિર્દોષ બાઈ બચી જશે તો… તે…”

“તો શું ?”

“તો આપણા —”

“કહો, કહો.”

“આપણા સંસારનું મંગળ શુકન થશે.” એ નીચે જોઈ ગઈ, અને એના કાનના મૂળ સુધી ગુલાબી લોહીની ઝાંય પથરાઈ વળેલી શિવરાજે જોઈ. એ અરુણોદય પ્રેમનો હતો. શંકાહીન, નિષ્પાપ પ્રેમની એ પ્રભાતપાંદડીઓ હતી.

કહી દઉં, બધું જ પાપ ઠાલવી નાખીને આ નિષ્પાપને મારી છૂપી શયતાનિયતનો પંજો અડે તે પૂર્વે નાસી છૂટવાની તક આપું — શિવરાજ તલપી ઊઠ્યો, પણ જીભ તાળવે ચોંટી રહી. એના રુધિરહીન ગાલ જળવિહોણા બે સરોવરો શા ભયાનક બની રહ્યા.

“આટલા શુભ શુકનની લહાણ મને મારા શુભ સૌભાગ્યને સારુ થઈને લેવા દો.”

એની લાચાર આંખો દયામણી નજરે નિહાળી રહી.

“પણ — પણ…”

“મને અપશુકન ન કરાવો, હા કહો, વહા —” ‘લા’ અક્ષરનું ઉચ્ચારણ એ ન કરી શકી. પહેલી જ વાર એ બોલ એની જીભે ચડ્યો અને શિવરાજનું અંતર શતધા ભેદાયું.

“પણે કાયદો કાયદાનું કામ કરશે.”

“કાયદો ને દયા બેઉ.”

‘દયા’ શબ્દ શિવરાજના લમણાં વીંધી નાખ્યાં. કોણ કોની દયા કરશે ? જલ્લાદ તો હું પોતે જ છું. અંતરમાં ઊથલપાથલ થઈ રહી. લમણે હાથ ટેકવી, આરપાર નીકળેલા શલ્યના છિદ્રને દબાવી, પોતાના મસ્તકનું રુધિર ફૂટી નીકળતું ખાળતો હોય તેમ તે બેઠો, ને બે જ મિનિટમાં વિચાર-ઘટમાળના સેંકડો ઘડો ભરાઈ ભરાઈને એના અંતરમાં ઠલવાયા.

બરાબર છે. અજવાળીના અટપટા કિસ્સામાં શકનો લાભ આપવાના પૂરતા સંયોગો છે. કાયદાની ચાર મર્યાદાઓની બહાર તો મારે જવાનું નથી. અજવાળીએ ગુનો કર્યો હોય યા ન કર્યો હોય, મારે તો મારી સામે પડનાર જુબાનીઓ અને પુરાવાઓ પૂરતા જ જવાબદાર રહી દોષિત કોણ એટલું જ નક્કી કરવાનું છે. બાળકને એણે જ માર્યું છે, કે એ મરેલું જ અવતર્યું છે કે પછી બાળક પોતાની જાતે મૂઉં છે, એટલું જ મારે જોવાનું છે. લાંચિયો થાણદાર એ નહીં તપાસે; એ તો ખાટકી જ બનશે. આખરે બહુ બહુ તો મારે તો કેસ કમિટ જ કરવાનો રહેશે ને ! હું મારા હાથ ધોઈ નાખીશ. મારે માથે કયો અપરાધ આવવાનો છે ?

ઘણો સમય ગયો. સરસ્વતીએ ફરી એક વાર શિવરાજનાં આંગળાં પર પોતાનાં આંગળાંની દાંડી પીટી. જવાબમાં શિવરાજે કહ્યું: “ભલે, જાઓ, હું જ કેસ ચલાવવા આવીશ.”

હર્ષનો ઉન્માદ સરસ્વતીને હડી કઢાવી મોટર સુધી લઈ ગયો. મોટરનો ઘરેરાટ સંભળાયો ત્યાં સુધી શિવરાજના કાનમાં સરસ્વતીનો સ્વર ગાજતો રહ્યો : ‘કાયદો અને દયા બેઉ !’