અપરાધી/મુંબઈને માર્ગે

વિકિસ્રોતમાંથી
← સરસ્વતી પાછી આવે છે અપરાધી
મુંબઈને માર્ગે
ઝવેરચંદ મેઘાણી
ત્રાજવામાં →


૧૬.મુંબઈને માર્ગે

ગગાડીએ વીરમગામ સ્ટેશન છોડીને જ્યારે ગુજરાતનું હાર્દ વીંધવા માંડ્યું, ત્યારે અનેક ગુર્જરોની આંખો અજવાળીના અર્ધઢાંક્યા અધખુલ્લા ચહેરા પર, ગોળને માથે મકોડો ચડે તેમ, ચડવા લાગી. બૂઢો માલુજી અબોલ રહી બેઠો હતો. એને નિહાળીને અમદાવાદી પાઘડીઓએ આંખો મિચકારી.

“દીઠા ?”

“શું ?”

“કાઠિયાવાડી પાઘડીના આંટા.”

“હા ! સરસ !”

“પાઘડીમાં છે એટલા જ પેટમાં, હાં કે ?”

“વટાવવા જતો લાગે છે.”

“કાઠિયાવાડને તો ગુજરાત દૂઝે છે. છોડીઓનાં નાણાં કરી કરીને તો કાઠિયાવાડીઓ ગુજરાતનો કસ લઈ ગયા છે.”

“મારા દીચરા વાઘરાંની છોડીઓને વાણિયા-બામણ જોડે વરગાડી જાય છે.”

“આ બૈરું કંઈક ઓર જાત લાગે છે.”

“તમારે ભાગ રાખવો જણાય છે !”

“ડોસો પૂરો પાજી જણાય છે. માંજરી ઝીણી આંખો દીઠી એની ?”

“પૂરી ઉઘાડતો નથી, પણ આપણને તાકી તાકીને જોઈ લેતો જણાય છે, હાં કે ?”

‘જણાય છે’ શબ્દ કેટલો ભયંકર બની શકે છે તે આ વાર્તાલાપે બતાવી આપ્યું.

કેટલાક મુસાફરોએ માલુજીનું મોં ખોલાવવા પ્રયત્ન કર્યો : “કાં, કાકા ? ચ્યોંથી આવો છો ? ચ્યોં હીંડ્યા ? લો, સોપારી ખાશો ? નડિયાદ-આણંદ બાજુનું કામ હોય તો કહેજો. આપણે પુષ્કર ઓરખાણ્યો સે પાટીદારોમાં. બાઈ તમારી દીચરી જણાય છે. ઠાવકી બાઈ છે. ગુજરાતણોનાં તો મોં બાર્યાં જેવાં, હો કાકા ! કાઠિયાવાડની કેમત્ય પણ ગુજરાત્ય જ કરી જાણે, હો કાકા ! બીજે જશોને, તો…”

માલુજીના હાથ ખાજવી ઊઠ્યા. ભત્રીજાને એકાદ અડબોત લગાવી દેવાનું કામ કાંઈ આકરું નહોતું. પણ પોતે એક ગંભીર કામગરી લઈ નીકળ્યો છે : ગુજરાતીઓ કિકિયારણ આદરશે : ફજેતો થશે : પોલીસ પજવશે. કાકાપાઠ ભોગવી લીધો.

મુંબઈ આવ્યું ત્યારે ગાડી જાણે કે પાટાઓની જટિલ ઝાડીમાંથી પોતાનો માર્ગ શોધતી એકસરખી ચીસો પાડતી હતી. સિગ્નલોની રાતી અને લીલી આંખો ગાડી પર સળગી રહી હતી. બારી બહાર ડોકિયું કરીને આ કોઈ પ્રકાંડ કાવતરાના પથરાવને જોઈ છાનીમાની અકળાતી અજવાળી વારે વારે પોતાની ભુજાએ બાંધેલા માદળિયાને સ્પર્શ કરતી હતી. માદળિયામાં પોતાની આખરી રક્ષા રહેલી છે, માદળિયું જ પોતાને પાછી શિવરાજ પાસે પહોંચાડનાર છે. માદળિયાએ એનો ભય મોળો પાડ્યો. મુંબઈની માયાજાળ વચ્ચે આ માદળિયું છે ત્યાં સુધી મને કોનો ભો છે ? માદળિયાએ એને છાતી આપી.

“બેટા.” ગાડી ધીમી પડી ત્યારે માલુજીએ આખી મુસાફરી દરમિયાનનો દસમો શબ્દ ઉચ્ચાર્યો : “આપણે હવે તારા આશરાના થાનકમાં આવી પહોંચ્યાં. તને એક વાત પૂછી લઉં. કોઈ કાંઈ પૂછશે તો શું કહીશ ?”

“કહીશ કે તમે મારા બાપ છો.”

“પણ બીજું બધું પૂછશે તો ?”

“તો કહીશ — મને ખબર નથી.”

“બધી જ વાતમાં ?”

“હા.”

“હું તને બે-ચાર વાતો કરું ?”

“મને યાદ નહીં રહે.”

માલુજીને હસવું આવ્યું. એ હસવું એનું પોતાનું જ કલેજું વીંધતું હતું : કેવા તરકટનો શિકાર બની છે આ છોકરી !

“તને આંહીં કેમ મોકલી – જાણ છ ?”

અજવાળીએ ખુલાસો ઝીલવા આંખો પાથરી. એ ખુલાસો માલુજીએ કર્યો : “ભણીગણીને હુશિયાર થાવા, મારા શિવરાજને માટે લાયક ને સુલક્ષણી બનવા. થોડો વખત છુપાઈને રહ્યા પછી હું પોતે જ તારો એની જોડે વિવાહ કરીશ, હું નહીં મરું, હો ! મોત આવશે તોય પાછું મોકલીશ.”

ભણીગણીને હોશિયાર બનવાની વાત અજવાળીના કાનમાં પોતાના ખેતરમાં ટહુકતા તેતરની કિલકિલ બોલી-શી ગુંજી ઊઠી. પોતાને અક્ષરો ઊકલશે ? કાળા કાળા મકોડા અને ખડમાંકડી મારીને ચોંટાડ્યાં હોય તેવા વિચિત્ર રૂપવાળા શબ્દોની સૃષ્ટિ પોતાને સમજાતી થશે ? પોતે ‘શિવરાજ’ એવો શબ્દ લખી શકશે ? શિવરાજના કાગળો આવશે ને પોતે એ કાગળોની વાણી ભેદી શકશે ? પોતે જ્યારે સામો જવાબ વાળશે ત્યારે શું શું લખશે ? આંગળીઓ એ શબ્દોના કેવા મરોડ કાઢશે ? હાય હાય ! મૂઈ અજવાળી ! હું કાગળ લખીશ ત્યારે મારી આંગળીઓ ઓગળીને ખરી જ પડશે ને ?

માલુજીના વાળ સફેદ હતા. માલુજીનું બૂઢું, બોખું મોં અવિશ્વાસ કે દગાખોરીની એક પણ રેખા દાખવતું નહોતું. અજવાળી પોતાનાં માતપિતા પર ભરોસો હારી બેસીને હવે આ અજાણ્યા ઊજળા પુરુષો પર કયા વિશ્વાસે ઢળતી હતી ? પોતાને જ એ બધું અકળ લાગ્યું.

પહેલો કાગળ ભણીગણીને શિવરાજને લખીશ, કે મારી માને ? અજવાળીને એ વાત તે ઘડીથી મૂંઝવવા લાગી.

“ભરોસો રાખજે, હો દીકરી !” માલુજીએ અજવાળીના વિચારમગ્ન મોં પરથી ઉચાટ અનુભવીને કહ્યું : મારો શિવરાજ લોફર નથી. એની માએ ધાવણો મેલેલો તે દા’ડાથી આ મારા હાથની જ આંગળી ચૂસીને એ આવડો થયો છે. એ તને રઝળાવે નહીં. એણે તને સુધારવા મોકલી છે.”

સુધારવા ? મુંબઈમાં ? અજવાળીએ આજ સુધી મુંબઈનું નામ પચીસ-પચાસ વાર સાંભળ્યું હતું. બાપના જ મોંએથી એક બોલ વારંવાર પડ્યો હતો. માને બાપ કહેતો : “તેં, રાંડ, તેં મને પરણ્યા પે’લાં ગેરકામ ન કર્યું હોય તો બોલ — તારા માથે મુંબઈનું પાપ !” મહારાજ દેવકૃષ્ણ પણ વારે વારે આવીને ધમકાવતા : “આ વખતે તારે વિઘોટી ભરવાના પૈસા ન હોય તો બોલ — તારા માથે મુંબઈનું પાપ !” પાડોશણ કુંભારણ વિધવાને લેણદાર વેપારી આવીને ઘણી વાર સોગંદ દેતો : “રૂપિયા ન હોય તો ખા સમ — તારા માથે આખી મુંબઈનું પાપ !”

“મુંબઈનું પાપ ! એ જ આ મુંબઈ ! આમાં પાપ ક્યાં છે ? એ તો ઈન્દ્રાપરી જેવું શહેર છે. આંહીં તો લાખો લોકો દોટમદોટ રોજી રળે છે, આંહીંના રસ્તા આરસ જેવા સુંવાળા, આંહીં બબ્બે દુકાનને આંતરે ભજિયાં ને પૂરી તળાય છે, આંહીં પાન ચાવીને ગરીબોય રાતાચોળ મોઢાં કરે છે, અહીં ગલીએ ગલીએ માલણો ફૂલના, હારગજરા વેચે છે, આંહીં માર્ગે માર્ગે ઠાકરનાં મંદિરોનો પાર નથી, અહીં બાઇમાણસો પગમાં જોડા પહેરી ને માથે છત્રી ઢાંકીને ચાલી જાય છે, આંહીં હીરા-મોતી ને ઝવેરાતની આટઆટલી હાટડીઓ ઉઘાડી પડી છે તો પણ કોઈ લૂંટ કરતું નથી, આંહીં ઘરેઘરને બારીઓ છે છતાં, કોઈને ચોરનો ભો નથી — ત્યારે મુંબઈનું પાપ ક્યાં ?”

કેમ જાણે એના મનમાં ઊઠતા પ્રશ્નનો જવાબ વાળતો હોય તેમ વિકટોરિયાગાડીનો ગાડીવાન ઘોડો દાબીને બોલ્યો : “લ્યો, કાકા. આંહીં તમારો આશરમ.”

“આવી ગયો ?”

“હા જ તો, કાકા, જુઓને આ મોટું પાટિયું ! નામ વાંચો, સોનેરી મોટા અક્ષરો. આ એકલા પાટિયાના જ પાંચ હજાર રૂપિયા ખરચ્યા છે આશરમવાલાઓએ, હો કાકા !”

“એમ ?”

“હા, કાકા. અમે પાલનપુરના ગાડીવાળા જૂઠું ના બોલીએ.”

વાહ ! જ્યાં ગાડીવાળા જેવા અભણ માણસો પણ જૂઠું ન બોલે, તે મુંબઈમાં પાપ કેમ હોય ? અજવાળીને ગુપ્ત આનંદ થયો. પોતે જાણે કોઈ તીર્થક્ષેત્રમાં આવી પહોંચી છે.

બંધ દરવાજાનાં બારણાં ઊઘડ્યાં. થોડી જ પળમાં અજવાળી ‘પીડિત-આશ્રમ’ની ઓફિસમાં પહોંચી, અને માલુજી જેવા જઈફની કેમ જાણે મરજાદ કરતી હોય તેમ પચાસેક જુવાન સ્ત્રીઓ, એક આધેડ વયની લઠ્ઠ ઓરતનો સિસકાર સાંભળતાંની વારે જ બેબાકળી પરસાળમાંથી ઊઠીને અંદરના મકાનમાં દોડી ગઈ. તેમની લજ્જાનું રક્ષણ કરનારાં અંદરનાં દ્વાર પણ ભિડાઈ ગયાં.

માલુજીએ એ લઠ્ઠ આધેડ બાઈના હાથમાં કાગળ મૂક્યો. બાઈએ કહ્યું : “લાવો – રૂપિયા લાવ્યા છો કે ?”

માલુજીએ નોટોની થોકડી હાથમાં આપવા માંડી. બાઈ દાઝતી હોય તેવું મોં કરીને બોલી : “ટેબલ પર મૂકો.”

માલુજીએ પોતાની ભૂલ થઈ હોય તેવા ભાવે કાનની બૂટ ઝાલીને કહ્યા મુજબ કર્યું. “હવે તમે જઈ શકો છો.”

માલુજીએ જતાં જતાં અજવાળીની સામે વિદાય સૂચવતા બે હાથ જોડ્યા. અજવાળીની આંખો ભીની થઈ. લઠ્ઠ બાઈએ અજવાળીને પહેલો જ પ્રશ્ન પૂછ્યો :

“કાંઈ ખોટું કામ કરીને તો નથી આવીને, બાઈ ?”

અજવાળીએ માથું ધુણાવી ના ભણી. એનું લક્ષ્ય આ સવાલના અર્થ તરફ નહોતું. એ તો બંધ થતાં બારણાં વચ્ચેથી દેખાતી માલુજીની પીઠ પર જ મીટ માંડી રહી હતી. એને મોડું મોડું યાદ આવ્યું. મેં કેમ ન કહેવરાવ્યું કે એ સાચવીને રહે ? એ ? ‘એ’ એટલે કોણ ? નામ કેમ જીભ પર નહોતું આવતું ? એવું પ્રિય અને પવિત્ર એ નામ હતું એટલું બધું મીઠું હતું. કે જીભ પર ચડતાં પાણી પાણી થઈ જાય !

લઠ્ઠ બાઈએ બીજો પ્રશ્ન પૂછ્યો : “તારી પાસે કાંઈ પૈસા-દાગીના કે જરજવાહિર નથી કે ?”

“ના.”

“જો — છુપાવતી નહીં.”

“હો.”

આટલા પ્રશ્નો પૂછતાં સુધી તો એ બાઈનું મોઢું પોતાના ચોપડા ને રજિસ્ટરમાં હતું, પણ રજિસ્ટરમાં વિગતો પૂરી લીધા પછી જ્યારે એણે અજવાળીના ચહેરા સામે આંખો માંડી, ત્યારે એ લઠ્ઠ બાઈના હોઠ આપોઆપ મલક્યા, “તું ગામડાની છે ?”

“હા.”

“ગરાસણી છે ?”

“ના”

“છતાં આટલી બધી રૂપાળી છે તું ? તું ધંધો શો કરતી હતી ?”

“મજૂરી.”

“શાની ?”

“ખેતરની.”

“વાહ રે ! બસ ! ત્યારે તારું તો જલદી ઠેકાણું પડી જવાનું. કશી વાર નહીં લાગવાની.”

“આ બાઈ આવા બોલ કેમ કાઢે છે ?” અજવાળી સંભ્રમમાં પડી : “આ બાઈ સ્ત્રી હોવા છતાં મારા રૂપને કેમ વખાણવા લાગી છે ? આંહીં શું રૂપાળાંને જ રાખતાં હશે ? રૂપાળાંને વિદ્યા ઝટપટ ચડતી હશે ?”

“ચાલ અંદર.”

અજવાળીને અંદરના ખંડમાં લઈ જતી એ લઠ્ઠ બાઈ શિખામણ દેતી હતી : “જોજે બીજી બાઈઓ સાથે બોલવાચાલવાનું કે બેસવાઊઠવાનું બહુ ન રાખતી. કાંઈ મૂંઝવણ હોય તો મારી પાસે આવજે. અહીં એવો નિયમ છે.”

અજવાળીને પોતાના ગામની નિશાળ સાંભરી. નિશાળ પાસેથી એ કોઈ કોઈ વાર નીકળી હતી. ત્યાં કન્યાઓને ચુપચાપ બેસવાનું હતું. આ પણ નિશાળ જ છે ને ? એટલે જ મને વાતો કરવાની ના પાડતાં હશે.

અંદર જતાં જતાં જ સામે એક બાઈ મળી. એણે એ લઠ્ઠ બાઈને કાનમાં કહ્યું : “ચાલો જોવું હોય તો : રોશન અને રમા ક્યારની બેઠી બેઠી ગુસપુસ ગુસપુસ કરે છે. બંને એકબીજીને અડકીને બેઠી છે; વારે વારે હસે છે.”

એક લાંબા લાંબા ખંડમાં, જ્યાં બંને દીવાલો પર હારબંધ પેટીઓ ને પાથરણાં ગોઠવાયાં હતાં, ત્યાં એક ખાલી જગ્યાએ અજવાળીને બેસવાનું કહીને એ લઠ્ઠ બાઈ દૂર બીજા છેડાના ખૂણા પર ઊપડતે પગલે જઈ પહોંચી.

બે જુવાન સ્ત્રીઓ ત્યાં સાથે બેસીને વાર્તાલાપ કરતી હતી. એકની આંખો તાજી રડેલી હતી. રડેલી મુખમુદ્રા એના રૂપમાં વધારો કરતી હતી. બીજી એને સાંત્વન આપતી હતી તે એકાએક અટકી ગઈ. લઠ્ઠ બાઈએ તેમની સામે એક હાથ લાંબો કર્યો. એ હાથની આંગળીએ બેઉને પોતપોતાનાં સ્થાન બતાવ્યાં. બેઉ જુદી પડીને બેસી ગઈ. બેઉની આંખોમાં આવી કડકાઈ પ્રત્યે મૂંગો તિરસ્કાર સળગતો રહ્યો. પચાસ બાઈઓ પાંચ પાંચ વર્ષનાં નાનાં છોકરાંની પેઠે પલાંઠો ભીડીને બેસી ગઈ.

“સૌ પોતપોતાનું કામ કરવા લાગો.” લઠ્ઠ બાઈ આટલું કહીને ચાલી ગઈ. પચાસે બાઈઓના હાથ કામની શોધમાં આમતેમ અફળાયા. કામ કશું હતું નહીં.

એકસો આંખો સામસામી ચકળવકળ કરતી હતી. એ દૃષ્ટિમાં ધાક અને અવિશ્વાસની શૂન્યતા હતી.