અપૂર્વ અવસર એવો ક્યારે આવશે

વિકિસ્રોતમાંથી
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે
શ્રીમદ્ રાજચંદ્ર
ગુણસ્થાન ક્રમારોહની ભાવના


અપૂર્વ અવસર


અપૂર્વ અવસર એવો ક્યારે આવશે,
ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો ?
સર્વ સબંધનું બંધન તીક્ષ્ણ છેદીને,
વિચરીશું કવ મહત્પુરુષને પંથ જો ? અપૂર્વ...

સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી,
માત્ર દેહ તે સંયમહેતુ હોય જો;
અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં,
દેહ પણ કિંચિત્ મૂર્છા નવ જોય જો. અપૂર્વ...

દર્શન-મોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ જો,
દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન જો;
તેથી પ્રક્ષીણ ચારિત્રમોહ વિલોકીએ,
વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો. અપૂર્વ...

આત્મ-સ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની,
મુખ્યપણે તો વર્તે દેહપર્યંત જો;
ઘોર પરિષહ કે ઉપસર્ગ ભયે કરી,
આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો. અપૂર્વ...

સંયમના હેતુથી યોગ-પ્રવર્તના,
સ્વરૂપલક્ષે જિન-આજ્ઞા આધીન જો;
તે પણ ક્ષણક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં
અંતે થાયે નિજ સ્વરૂપમાં લીન જો. અપૂર્વ...

પંચ વિષયમાં રાગ-દ્વેષ-વિરહિતતા,
પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો;
દ્રવ્ય, ક્ષેત્ર ને કામ ભાવ પ્રતિબંધ વણ
વિચરવું ઉદયાધીન પણ વીતલોભ જો. અપૂર્વ...

ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ-સ્વભાવતા,
માન પ્રત્યે તો દીનપણાનું માન જો;
માયા પ્રત્યે માયા સાક્ષીભાવની,
લોભ પ્રત્યે નહીં લોભ સમાન જો. અપૂર્વ...


બહુ ઉપસર્ગ-કર્તા પ્રત્યે પણ ક્રોધ નહીં,
વંદે ચક્રી તથાપિ ન મળે માન જો;
દેહ જાય પણ માયા થાય ન રોમમાં,
લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જો. અપૂર્વ...

નગ્નભાવ, મુંડભાવ સહ અસ્નાનતા,
અદંતધોવન આદિ પરમ પ્રસિદ્ધ જો
કેશ રોમ નખ કે અંગે શૃંગાર નહિ,
દ્રવ્યભાવ સંયમમય નિગ્રંથ સિદ્ધ જો. અપૂર્વ...

શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા,
માન અમાને વર્તે તે જ સ્વભાવ જો;
જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા,
ભવ મોક્ષે પણ વર્તે શુદ્ધ સ્વભાવ જો. અપૂર્વ... ૧૦

એકાકી વિચરતો વળી સ્મશાનમાં,
વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો;
અડોલ આસન ને મનમાં નહિ ક્ષોભતા,
પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો. અપૂર્વ...૧૧

ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહિ,
સરસ અન્ને નહિ મનને પ્રસન્નભાવ જો;
રજકણ કે રિદ્ધિ વૈમાનિકદેવની,
સર્વે માન્યા પુદ્ગલ એક સ્વભાવ જો. અપૂર્વ...૧૨

એમ પરાજય કરીને ચારિત્રમોહનો,
આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ જો;
શ્રેણી ક્ષપકતણી કરીને આરૂઢતા,
અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ જો. અપૂર્વ...૧૩

મોહ સ્વયંભૂ-રમણ સમુદ્ર તરી કરી,
સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણ-મોહ-ગુણ-સ્થાન જો;
અંત સમય ત્યાં સ્વરૂપ વીત-રાગ થઈ,
પ્રગટાવું નિજ કેવલજ્ઞાન નિધાન જો. અપૂર્વ...૧૪


ચાર કર્મ ઘનઘાતી તે વ્યવચ્છેદ જાં,
ભવના બીજ તણો આત્યંતિક નાથ જો;
સર્વભાવ શાંતા દ્રષ્ટા સહ શુદ્ધતા,
કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જો. અપૂર્વ... ૧૫

વેદનીયાદિ ચાર કર્મ વર્તે જહાં,
વળી સીંદરીવત્ આકૃતિમાત્ર જો;
તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે,
આયુષ પૂર્ણે મટીએ દૈહિક પાત્ર જો... અપૂર્વ... ૧૬

મન વચન કાયા ને કર્મની વર્ગણા,
છૂટે જહાં સકળ પુદ્ગલ સંબંધ જો;
એવું અયોગી ગુણસ્થાન ત્યાં વર્તતું,
મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અબંધ જો. અપૂર્વ...૧૭

એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા,
પૂર્ણ કલંકરહિત અડોલ સ્વરૂપ જો;
શુદ્ધ નિરંતર ચૈતન્યમૂર્તિ અનન્યમય,
અગુરુલઘુ અમૂર્ત સહજ-પદરૂપ જો. અપૂર્વ... ૧૮

પૂર્વ પ્રયોગાદિ કારણના યોગથી,
ઉર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો;
સાદિ અનંત અનંત સમાધિ મુખમાં,
અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો. અપૂર્વ... ૧૯

જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં,
કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો;
તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે,
અનુભવ ગોચર માત્ર રહે તે જ્ઞાન જો. અપૂર્વ... ૨૦

એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં,
ગજા વગરનો હાલ મનોરથ રૂપ જો;
તોપણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો,
પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો. અપૂર્વ... ૨૧


II અપૂર્વ અવસર સમાપ્ત II