અમદાવાદના મિલમજુરોની લડતનો ઇતિહાસ/લવાદી સંબંધી કાગળો અને પોતાના ઉપવાસ વિષે ગાંધીજીનો ખુલાસો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← પરિશિષ્ટ અમદાવાદના મિલમજુરોની લડતનો ઇતિહાસ
લવાદી સંબંધી કાગળો અને પોતાના ઉપવાસ વિષે ગાંધીજીનો ખુલાસો
મહાદેવભાઈ દેસાઈ
(૧)

કારીગરો તરફની દલીલ


રા. આનન્દશંકરભાઈ,

અમદાવાદની મીલોના સાળખાતાના કારીગરોને તેમના પગારમાં મળવો જોઈતો વધારો નક્કી કરવા માટેની તપાસના સંબંધમાં હું આપની આગળ નીચેની હકીકત રજુ કરવાની રજા લઉં છું.

સાળખાતાના કારીગરોના પગારમાં થવો જોઇતો વધારો નક્કી કરવામાં નીચેની બે બાબત ઉપર ખાસ વિચાર ચલાવવાની જરૂર છે: (૧) કારીગરો સાદાઈથી પણ સંતોષકારકરીતે પોતાનું જીવન ગાળી શકે તે માટે તેમને શો પગાર મળવો જોઈએ ? એટલે તેમના પગારમાં શો વધારો થવો જોઇયે ? (૨) એ વધારો મીલો આપી શકે કે નહિ ? પૂરેપૂરો ન આપી શકે તો કેટલો આપી શકે ?

૧ કારીગરોને કેટલો વધારો મળવો જોઇએ ?

સલાલના સંબંધમાં પહેલેથી જ જણાવી દેવું જોઇએ કે કારીગરોની રહેણીનું હાલનું ધોરણ સંતોષકારક નથી; પરંતુ તેમાં સુધારો કરવાનો સ્હેજ પણ વિચાર કર્યા વગર માત્ર એ ધોરણ જળવાઈ રહે એમ ઇચ્છતા હોઈએ તોપણ મોંઘવારીને કારણે કારીગરોને તેમના જુલાઈના દર ઉપર ઓછામાં ઓછા ૫૦ ટકા જેટલો વધારો મળવો જોઇએ અને જો હાલની સ્થિતિ કાયમ રાખવાને બદલે તે સુધારવા ચાહતા હોઈએ–કારીગરો વધારે તન્દુરસ્ત, સુઘડ, શિક્ષિત અને સુખી થાય એમ ઈચ્છતા હોઈએ,–તો તો આ મોંઘવારીના વધારા ઉપરાંત બીજો ખાસ જાથુકનો વધારો તેમને અપાવવા જોઈએ. નહિ તો હવાવાળાં ઘરો, રાત્રિશાળાઓ, વાચનાલયો, દવાખાનાં, કક્લબો વગેરે જરૂરની સગવડો માટે મીલો તરફથી બંદોબસ્ત થવો જોઈએ.

કારીગરોને મોંઘવારીને લીધે તેમના જુલાઈ મહિનાના દર ઉપર ઓછામાં ઓછા ૫૦ ટકા જેટલા વધારાની જરૂર છે એમ નીચેની હકીકત ઉપરથી ખાત્રી થશે:—

કારીગરોને મળવાના વધારાની ગણત્રી તેમના ૧૯૧૭ના જુલાઈ મહિનાના પગાર ઉપર થાય છે, અને એ મહિનામાં તેમને સરેરાસ રૂ. ૨૨ મળ્યા હતા એમ ભાઈ અંબાલાલ તરફથી જણાવવામાં આવ્યું હતું. હવે કારીગરોના એ જ મહિનાના ખરચના અંદાજ તપાસતાં જણાય છે કે એ રૂ. ૨૨ તે વખતમાં પણ તેમના ગુજરાન માટે પુરતા ન હતા. એ અંદાજની વિગતો આપતાં પહેલાં એટલું જણાવવાની જરૂર છે કે કારીગરોના મોટા ભાગનાં કુટુંબ અવિભક્ત અને મોટાં છે અને તે છ, સાત કે તેથી પણ વધારે માણસોનાં બનેલાં હોય છે. પરંતુ તેવાં કુટુંબોના અંદાજ તપાસતાં પહેલાં કારીગરોની રહેણી ઠીક સમજાય તે માટે બાપ, મા, છોકરો અને છોકરી એમ ચાર માણસના એક કાલ્પનિક કુટુંબના કરકસરીયા ખર્ચનો અંદાજ નીચે આપ્યો છેઃ–

સાળખાતાનો કારીગર, બે સાંચા ચલાવનાર મુસલમાન.

કુટુંબ: માણસ ૪. ૧ પુરુષ, ૧ સ્ત્રી, ૧ છોકરો, ૧ છોકરી. કમાનાર પુરુષ ૧.

માસિક ખર્ચ

ચોખા ૧ મણ રૂા. ૨-૧૨-૦ ૧૦-૩-૦
દાળ ૦ાા મણ રૂા. ૧-૩-૦
ઘઉં ૨ મણ રૂા. ૪-૮-૦
માંસ ૪ શેર રૂા. ૦-૮-૦
લાકડાં ૪ મણ રૂા. ૧-૪-૦
શાક રોજનું ૦)৲ રૂા. ૧-૧૪-૦
તેલ-મસાલો રૂા. ૧-૦-૦
ધી, ગોળ, ખાંડ (ટાંકણે) રૂા. ૧-૦-૦
ચા-દૂધ રૂા. ૨-૦-૦
ધુપેલ રૂા. ૦-૩-૦
સાબુ રૂા. ૦-૪-૦
હજામત રૂા. ૦-૬-૦
પાન-બીડી રૂા. ૧-૮-૦
ભાડું રૂા. ૧-૮-૦
બત્તી ૩ બાટલી રૂા. ૦-૬-૦
રૂા. ૨૦-૪-૦

વાર્ષિક ખર્ચ

પાટલુન નંગ ૪ રૂા. ૪-૦-૦
કોટ „ ૩ રૂા. ૩-૧૨-૦
પહેરણ „ ૪ રૂા. ૩-૪-૦
ખમીસ „ ૨ રૂા. ૧-૧૪-૦
ફેંટો „ ૧ રૂા. ૧- ૫-૦
બુટ જોડ ૧ રૂા. ૧૨- ૦–૦
છત્રી નંગ ૧ રૂા. ૧-૨-૦
ટોપી „ ૧ રૂા. ૨-૬-૦
સુરવાળ „ ૪ રૂા. ૨-૦-૦
પહેરણ „ ૪ રૂા. ૩-૦-૦
કોટ „ ૪ રૂા. ૨-૪-૦
ઓઢણાં ” રૂા. ૨-૪-૦
પીસ્વાજ ” ૧ રૂા. ૪-૮-૦
ઇજાર ” ૪ રૂા. ૩-૦-૦
કુડતાં ” ૪ રૂા. ૩-૦-૦
જોડીઓ રૂા. ૦-૮-૦
બંગડીઓ રૂા. ૦-૮-૦
એાઢણીઓ નંગ ૩ રૂા. ૧-૧૪-૦
રૂા. ૫૧-૧૩-૦

વાર્ષિક ખર્ચ રૂા. ૫૧–૧૩-૦ ÷ ૧૨ = માસિક ખર્ચ રૂ. ૪–૫–૦ એટલે કુલ માસિક ખર્ચ રૂા. ૨૦-૪-૦ + રૂા. ૪-પ-૦ = રૂા. ૨૪-૯-૦.

આ અંદાજમાં કેટલીક બાબતો સંબંધી વિચાર કરવામાં આવ્યો નથી. પરંતુ તે પણ એટલી જ અગત્યની છે, અને તેથી તે ઉપર ધ્યાન ખેંચવાની જરૂર જોઉં છું.

(૧) કારીગરોનો પગાર— ઉપર કારીગરની માસિક આવક રૂ. ૨૨ની ગણી છે, પરંતુ કારીગર હમેશ તેટલું રળી શકતો નથી. દિવસભર જે સખત કામ તેને કરવું પડે છે તે, વરસના બારે મહિના તે કરી શકતો નથી. અશક્તિ, બીમારી કે વખતે બેકારીને લીધે દિવસો પડે છે અને સરેરાસ તેનું કામ વરસના ૧૧ મહિના જેટલું જ ઉતરે છે. એટલે તેની આવક વાસ્તવિકરીતે તો રૂ. ૨૦ની જ ગણાવી જોઈએ.

(૨) વ્યાજ— કારીગરોનો ઘણોખરો ભાગ દેવામાં ડુબેલો છે. તેમને સર્વને ભારે વ્યાજ આપવું પડે છે. આ વ્યાજની રકમ ઉપરના અંદાજમાં ગણી નથી.

તંગીમાં આવી પડેલા કારીગરો કાંધીયા કે પઠાણના પંજામાં સપડાતાં તેમની સ્થિતિ કેટલી દયાજનક થાય છે તેનો યથાર્થ ખ્યાલ આપી શકાય એમ નથી. પરંતુ તે સંબંધમાં એક જાણવાજોગ દાખલો અત્રે આપું છું. પ્રેમ દરવાજા બહાર આવેલી જુગલદાસની ચાલીમાં ઝગડુ શેખુ નામના એક જઈફ મુસલમાન કારીગર છે. તેની સ્ત્રી ફાતમા પાસે સીવવાનો સાંચો હતો અને તે ઉપર કામ કરી પોતાના ધણીની આવકમાં તે કાંઈક વધારો કરતી. પરંતુ તંગીને લીધે તેને તે સાચો ગીરો મુકી પૈસા લેવા પડ્યા. એ સાંચાની કિંમત રૂા. ૮૦ની હતી, પરંતુ તે ઉપર મગન દલસુખ નામના વાણીયાએ રૂ. ૭ ધીર્યા અને રૂપીયે બે આના જેટલું વ્યાજ ઠરાવ્યું. પરંતુ એ બાઈ રૂપીયા કે વ્યાજ આપી શકી નથી અને હજુ વરસ પૂરું થયું નથી તેટલામાં તો મગનભાઇએ એનું દેવું વ્યાજ ગણીને રૂ. ૨૬નું ઠરાવ્યું છે. ટૂંકમાં એ સાંચો હવે એ બાઈને પાછો મળવાનો નથી. આવા બીજા અનેક દાખલાઓ આપી શકાય અને તે સર્વે એ જ બતાવે છે કે તંગીને લીધે કરજમાં ઉતરેલા કારીગરોની સ્થિતિ અત્યંત દયાજનક છે; અને તેમને એ સ્થિતિમાંથી બહાર કાઢવાને પદ્ધતિસર પ્રયત્નો થવા જોઈએ. એ સંબંધમાં આપને એટલી વિનન્તિ છે કે આ બાબત તરફ મીલમાલિકોનું ધ્યાન ખેંચી તેમને યેાગ્ય પગલાં લેવા પ્રેરશો.

(૩) દવા—કારીગરોને ઘરમાં સુવાવડ કે માંદગીના વખતમાં દવા વગેરેમાં ખર્ચ થાય છે. કોઈ વખતે મીલમાં કામ કરતાં અકસ્માત થાય છે તેનો ખર્ચ પણ ઘણી વખતે તેમને જ માથે પડે છે. એ ખર્ચની રકમ પણ ઉપરના અંદાજમાં ગણી નથી.

(૪) લગ્ન–મરણ—કારીગરોને પોતાને ઘેર લગ્ન, વિવાહ કે મરણ હોય તે માટે, વાર તહેવારને દિવસે ધર્માદા તથા જમણ માટે, અને સગાંવહાલાં કે નાતજાતમાં લગ્ન વગેરે પ્રસંગે રીત માટે જે ખર્ચ થાય તે ઉપરના અંદાજમાં આવી શકે. પરંતુ તે પણ ગણત્રીમાં લેવાયેલ નથી.

(૫) વીમો—આ ખર્ચ ઉપરાંત દરેક કારીગરે પોતાના તથા પોતાના કુટુંબના હિતને માટે અકસ્માત તથા જીંદગીને માટે વીમો ઉતરાવવો જ જોઈએ, અને એ વીમા માટે પ્રીમીયમ ભરી શકે એટલી સગવડ તેને રહેવી જોઈએ.

(૬) કેળવણી—કારીગરોએ પોતાનાં છોકરા છોકરીઓને કેળવણી આપવી જોઈએ. કેટલાક કારીગરો પોતાનાં છોકરાંને નિશાળે મોકલે છે, પરંતુ તેમની સંખ્યા બહુ નાની છે. તેનો ખર્ચ પણ ઉપરના અંદાજમાં ગણ્યો નથી.

હવે આ વધારાની બાબતનો વિચાર ન કરીયે તોપણ ઉપરના અંદાજ પ્રમાણે નાના કુટુંબને જુલાઈ મહિનાનો ખર્ચ રૂ. ૨૪ જેટલો ગણાય, જ્યારે તેની આવક તો માત્ર રૂ. ૨૨ જેટલી જ જણાવવામાં આવી છે. એટલે મોંઘવારી પહેલાં પણ તેનો નિભાવ મુશ્કેલીથી જ થતો હોવો જોઈએ.

પરંતુ આવાં નાનાં કુટુંબો તો કારીગરવર્ગમાં પ્રમાણમાં થોડાં જ છે; અને ઉપર જણાવવામાં આવ્યું છે તે પ્રમાણે સાધારણ રીતે તે છ થી સાત માણસનાં બનેલાં હોય છે. એટલે એવાં કુટુંબના શો ખર્ચ થાય તે જોવાની જરૂર છે.

સાળખાતાનો કારીગર—બે સાંચા ચલાવનાર—જાતે મુસલમાન. કુટુંબ માણસ ૬—૧ પુરુષ, ૨ સ્ત્રીઓ (તેમાં ૧ ડોસી), ૩ છોકરાં—કમાનાર પુરૂષ ૧.


માસિક ખર્ચ

ચોખા ૧ાા મણ રૂા. ૪-૦-૦ ૧૪-૧૪-૦
દાળ ૦ાાા મણ રૂા. ૧-૧૨-૦
ઘઉં ૩ મણ રૂા. ૬-૧૨-૦
માંસ ૪ શેર રૂા. ૦-૮-૦
લાકડાં ૬ મણ રૂા. ૧-૧૪-૦
શાક રોજનું ૦)৲ાા રૂા. ૨-૧૨-૦
તેલ–મસાલો રૂા. ૧-૪-૦
ધી, ગોળ, ખાંડ (ટાંકણે) રૂા. ૧-૮-૦
ચા–દૂધ રૂા. ૨-૦-૦
ધુપેલ રૂા. ૦-૬-૦
સાબુ રૂા. ૦-૪-૦
હજામત રૂા. ૦-૮-૦
પાન–બીડી રૂા. ૨-૦-૦
ભાડું રૂા. ૨-૦-૦
બત્તી ૩ બાટલી રૂા. ૦-૬-૦
માસિક રૂા. ૨૭-૧૪-૦
કપડા લત્તાં મળીને રૂા. ૬-૦-૦
રૂા. ૩૩-૧૪-૦

આ અંદાજ ઉપરથી કારીગરાની વિટંબનાનો કાંઈક ખ્યાલ આવશે. પ્લેગ બેનસ (લગભગ ૫૦ થી ૭૦ ટકા જેટલું હોવાથી એ વખતે કારીગરની આવક રૂા. ૨૨ ને બદલે રૂા. ૩૩ થી ૩૭ જેટલી થઈ હતી ) પહેલાં કારીગરને ૧૨ કલાકની મજુરીથી પણ પોતાના કુટુંબના ગુજરાન માટે પૂરતું મળતું નહિ, અને પરિણામે તેને દેવું કરી દાણાવાળા તથા શાહુકારના આશ્રિત થઈ રહેવું પડતું.

હવે હાલની સ્થિતિ સમજવા કારીગરનો અત્યારનો ખર્ચ શો છે તે તપાસીયે. તે માટેનો અંદાજ જોવા પહેલાં તેમની જરૂરીયાતોની વસ્તુના ભાવમાં શા ફેરફાર થયા છે તે જોવાની જરૂર છે.


અનાજના ભાવ

અનાજ જુલાઈ એપ્રીલ ૨૦ મોંઘવારી
ટકા
ઘઉં રૂા. ૧ શેર ૧૮ શેર ૧૦ ૮૦
બાજરી રૂા. ૧ શેર ૨૦ શેર ૧૦ ૧૦૦
ચોખા રૂા. ૧ શેર ૧૫ શેર ૧૦ ૫૦
દાળ રૂા. ૧ શેર ૧૭ શેર ૧૫ ૧૩
માંસ રૂા. ૦) શેર ૧ રૂા. ૦) શેર પ૦
લાકડાં રૂા. 0ા મણ ૧ રૂા. ૦ાા મણ ૧ ૬૦
તેલ રૂા. ૦)-ાા શેર ૧ રૂા. ૦ા શેર ૧ ૧૪
ગોળ રૂા. ૦) શેર ૧ રૂા. ૦) શેર ૧
ઘી રૂા. ૧ શેર ૧ા શેર ૧ા ૧૦
ખાંડ રૂા. ૦) શેર ૧ રૂા. ૦) શેર
દુધ રૂા. ૦)-ા શેર ૧ રૂા. ૦)-ાા શેર ૧ ૧૨
મીઠું રૂા. ૦)૦ાા શેર ૧ રૂા. ૦) શેર ૧ ૧૦૦
દીવેલ રૂા. ૦) શેર ૧ રૂા. ૦ા શેર ૧ ૨૩
કેરોસીન રૂા. ૦) બાટલી રૂા. ૦ા બાટલી ૧ ૧૦૦

કાપડના ભાવ

કાપડ જુલાઈ એપ્રીલ ૨૦ મોંઘવારી
ટકા
શેનો (પાટલુન માટે) રૂા. ૦) વાર ૧ રૂા. ૦ાા વાર ૬૦
મલમલ(પહેરણ માટે) રૂા. ૦) વાર ૧ રૂા. ૦) વાર ૪૦
ચેક (ખમીસ માટે) રૂા. ૦ા વાર ૧ રૂા. ૦ા વાર ૫૦
ગંજીફરાક રૂા. ૦ા નં ૧ રૂા. ૦ા નં ૧ ૨૦
ટોપી રૂા. ૦)-ાા નં. ૧ રૂા. ૦ા નં. ૧ ૧૦૦

ફેંટો રૂ. ૧ા નં. ૧ રૂ. ૧ાાા નં. ૧ ૪૦
છત્રી રૂ. ૧) નં. ૧ રૂ. ૧ાા નં. ૧ ૩૩
સાલ્લા રૂ. ૧) નં. ૧ ૱ ૧ાા નં. ૧ ૫૦
ઓઢણાં રૂ. ૦ાાા નં. ૧ રૂ. ૧ા નં. ૧ ૬૬
છીંટ (ઘાઘરા માટે) રૂ. ૦ા વાર ૧ રૂ. ૦ાા ૩૩
નેનસુખ (પીસ્વાજ) રૂ. ૩ાા તાકો રૂ. ૫ તાકો ૪૨
છીંટ (ઇજાર) રૂ. ૦ા વાર રૂ. ૦ાા વાર ૬૭
જાફર (ચોળી માટે) રૂ. ૦ા૦ાા વાર રૂ. ૦ાા વાર ૩૩
ઓઢણી રૂ. ૦ાા વાર રૂ. ૧ વાર ૬૦
છીંટ (ઘાઘરી માટે) રૂ. ૦ાાા વાર રૂ. ૧ વાર ૩૩

એ ભાવો પ્રમાણે ઉપરને ધોરણે ચાર તથા છ માણસના કુટુંબનો ખર્ચ નીચે મુજબ થાય:

ચાર માણસનું કુટુંબ

માસિક ખર્ચ
વાર્ષિક ખર્ચ
ચોખા મણ ૧ રૂ. ૪-૦-૦ ૧૬-૧-૦ પાટલુન નં. ૪ રૂ. ૫-૮-૦
દાળ મણ ૦ાા રૂ. ૧-૫-૦ કોટ નં. ૩ રૂ. ૫-૪-૦
ઘઉં મણ ૨ રૂ. ૮-૦-૦ પહેરણ નં. ૪ રૂ. ૪-૪-૦
માંસ શેર ૪ રૂ. ૦-૧૨-૦ ખમીસ નં. ૨ રૂ. ૨-૮-૦
લાકડાં મણ ૪ રૂ. ૨-૦-૦ ફેંટો નં. ૧ રૂ. ૧-૧૨-૦
શાક રોજ ૦) રૂ. ૧-૧૪-૦ બુટ જો ૪ રૂ. ૧૨-૦-૦
તેલ–મસાલો રૂ. ૧-૦-૦ છત્રી નં. ૧ રૂ. ૧-૮-૦
ઘી, ગોળ ટોપી નં. ૧ રૂ. ૦-૫-૦
ખાંડ રૂ. ૧-૦-૦ સુરવાળ નં. ૪ રૂ. ૩-૦-૦
ચા રૂ. ૨-૦-૦ પહેરણ નં. ૪ રૂ. ૩-૧૨-૦
દુધ રૂ. ૦-૦-૦ કોટ નં. ૪ રૂ. ૩-૦-૦
ધુપેલ રૂ. ૦-૩-૦ ઓઢણાં નં. ૩ રૂ. ૩-૧૨-૦
સાબુ રૂ. ૦-૪-૦ પીસ્વાજ નં. ૧ રૂ. ૬-૦-૦
હજામત રૂ. ૦-૬-૦
પાન–બીડી રૂ. ૧-૮-૦ ઇજાર નં. ૪ રૂ. ૫-૦-૦
ભાડું રૂ. ર-૦-૦ કુડતાં નં. ૪ રૂ. ૬-૦–૦
બત્તી રૂ. ૦-૧૨-૦ જોડી રૂ. ૦-૮-૦
બંગડીયો રૂ. ૨-૦-૦
એાઢણી નં. ૩ રૂ. ૩-૦-૦


રૂ. ૨૭-૦-૦ રૂ. ૬૯-૧-૦

÷ ૧૨=માસિક
રૂ. ૫-૧૨-૧

રૂા. ૨૭-૦-૦+૫-૧૨-૧=કુલ માસિક ખર્ચ રૂ. ૩૨–૧૨–૧

૬ માણસના કુટુંબનું ખર્ચ

ચોખા મણ ૧ાા રૂ. ૬-૦-૦ ૨૩-૧૨-૦ મશાલો રૂ. ૨-૧૨-૦
દાળ મણ ૦ાા રૂ. ૨-૦-૦ તેલ રૂ. ૧-૪-૦
ઘઉં ૩ મણ રૂ. ૧૨-૦-૦ ઘી ગોળ
માંસ ૪ શેર રૂ. ૦-૧૨-૦ ખાંડ રૂ. ૧-૮-૦
લાકડાં ૬ મણ રૂ. ૩-૦-૦ ચા રૂ. ૨-૦-૦
શાક રોજ ૦)-ાા રૂ. ૧-૧૪-૦ ધુપેલ રૂ. ૦-૬-૦
સાબુ રૂ. ૦-૪-૦ હજામત રૂ. ૦-૮-૦
બીડી પાન રૂ. ૨-૦-૦ ભાડુ રૂ. ૦-૨-૦
બત્તી રૂ. ૦-૧૨-૦
રૂ. ૩૭-૦-૦
+માસિક કપડાંલત્તાં રૂ. ૭-૦-૦

=કુલ માસિક ખર્ચ રૂ. ૪૪-૨-૦

એટલે ચાર માણસનો હાલ ખર્ચ રૂા. ૩ર થાય અને છ નો રૂા. ૪૪ થાય; અને તેટલી આવક જો તેમને અપાવવી હોય તો તેમને જુલાઈના દર ઉપર ઓછામાં ઓછા પચાસ અને વધારેમાં વધારે સો ટકા મળવા જોઇયે.

૨. મીલો કેટલા ટકા આપી શકે ?

ઉપરની હકીકત ઉપરથી જણાશે કે કારીગરોને તેમના ગુજરાનને માટે હાલના મોંઘવારીના સમયમાં જુલાઈ મહિનાના પગાર ઉપર ૫૦ ટકા જેટલો વધારો મળવો જોઇયે. એટલે જો જુલાઈ મહિનાની તેમની આવક રૂા. ૨૨ની ગણીયે તો હાલમાં તેમને ઓછામાં ઓછા રૂા. ૩૩ મળવા જોઈએ. પરંતુ આટલો વધારો મીલો આપી શકે કે નહિ એ પણ વિચારવાની જરૂર છે. કારણ કે જે ઉદ્યોગમાંથી કારીગરોને તેમની રોજી મળે છે એ ઉદ્યોગમાં કંઈ પણ કસ ન રહે એટલી મજુરી તો કારીગરો ન જ માગી શકે. પરંતુ હાલના સમયમાં આ ૫૦ ટકાની માગણી કોઈ પણ રીતે વધારે પડતી નથી, એ નીચેની હકીકત ઉપરથી સમજાશે.

જુલાઈ મહિનામાં સુતરનો ભાવ રતલે બાર અના હતો અને તે સાથે વણાટનો ખર્ચ રતલે ૬ આના જેટલો હતો. એટલે રતલ સુતરનું કાપડ એક રૂપીયે બે આને તૈયાર થતું. એ કાપડની બજારકિંમત રતલે રૂા. ૧-૫-0 હતી. એટલે મીલોને રતલે રૂા.-૦-૩-૦ નફો રહેતો; અને સાળ દીઠ ૧૦ રતલ સુતર હોઈ બે સાળ ઉપર તેમને રૂા.-૩-૧૨-૦ જેટલો નફો મળતો. તે અરસામાં પ્લેગને લઈને કારીગરોને ૫૦ થી ૭૦ ટકા જેટલો વધારો મળ્યો. એ વધારો રૂા. ૨૨ ઉપર ગણીએ તો રોજના ૬ આના જેટલો આવે છે. અને બે સાળ ઉપર નફો રૂા. ૩-૧૨-૦ જેટલો મળતો; એટલે ૬ આના આપતાં પણ રૂા. ૩-૬-૦ જેટલો નફો રહેતો.

મીલોને માટે આ સ્થિતિ આજે કાયમ છે એટલું જ નહિ, પણ તે ઘણી સુધરી છે. આજે સુતરના ભાવ રતલે રૂા. ૧-૪-૦ છે અને વણાટનું ખર્ચ ૮ આના જેટલું આવે છે. એટલે રતલ સુતરનું કાપડ રૂા. ૧-૧૨-૦નું પડે છે. એ કાપડના બજારભાવ આજે રૂા. ૨-૪-૦ છે. એટલે મીલોને રતલે ૮ આના જેટલો નફો રહે છે. અને એક સાળનું રોજનું ઉત્પન્ન (production) ૧૦ રતલનું ગણીએ તો બે સાળ ઉપર રૂા. ૧૦ જેટલા નફો થાય છે. હવે જો પ્લેગના વખતમાં રૂા. ૩–૧૨-૦ના નફામાંથી કારીગરોને ૬ આનાનો વધારો આપવો પોસાયો તો હાલ રૂા. ૧૦માંથી ૬ આના આપવા ભારે પડે એમ કહી શકાય નહિ.

મીલોની હાલની સ્થિતિ બહુ સારી છે. તેનો એક પુરાવો તો કેટલાક મીલએજન્ટોએ પોતાના કમિશનના ધોરણમાં ફેરફાર કર્યો છે તેમાંથી મળી આવે છે. જુની રીત પ્રમાણે એજન્ટોને દર રતલે રૂા. ૦-૦-૩ કમિશન મળતું તેને બદલે હવે તેમણે ૩ાા ટકા કમિશન લેવા માંડ્યું છે. અને ગણત્રી કરતાં તે પહેલાંના કરતાં ચાર ગણું આવે છે. કારણ કે એક સાલનું રોજનું ઉત્પન્ન (production) ૧૬ રતલ ગણીયે તો પહેલાંના દર પ્રમાણે એજન્ટોને ૧૬ પૈસા એટલે ૪ આના મળે. પરંતુ ૩ાા ટકા પ્રમાણે ગણુતાં ૧૬ રતલના રૂા. ૧–૧૨–૦ લેખે રૂા. ૨૮ થાય, અને તે ઉપર કમિશન લગભગ રૂા. ૧ જેટલું થાય. જો મીલોને હાલ અસાધારણ નફો નહિ હોત તો એજન્ટો આટલું કમિશન માગી શકત જ નહિ, અને શેરહોલ્ડર આપવાની હા પણ પાડત નહિ.

ઉપરની હકીકત ઉપરથી ખાતરી થશે કે કારીગરોને મોંઘવારીને લીધે ઓછામાં ઓછા ૫૦ ટકા વધારાની જરૂર છે, અને મીલો બે સાળ દીઠ હાલ રોજ રૂા. ૧૦ રળે છે તે જોતાં તેમને આ વધારો આપવો ભારે પડે એમ નથી. તો પછી એમ પ્રશ્ન થશે કે ગાંધી સાહેબે માત્ર ૩૫ ટકા જ કેમ વાજબી ગણ્યા. એનો જવાબ માત્ર એટલો જ છે કે પહેલાં પંચનામાની એક શરત એવી હતી કે અમદાવાદના સાળખાતાના કારીગરોને મુંબઈની મીલોના કારીગરો કરતાં વધારે મળવું જોઈએ નહિ. અને મુંબઈની મીલો સંબંધી તપાસ કરતાં ચાર જુદી જુદી મીલો તરફથી તેમના કારીગરોને મળતા માસિક પગારના નીચલા આંકડા મળ્યા હતા.

( ૧ ) રૂા. ૩ર-૩-૦ થી રૂા. ૩૪-૮-૦
( ર ) રૂા. ૩૦ (ચાર દિવસ હડતાળ હતી.)
( ૩ ) રૂા. ૩૦ થી રૂા. ૪૪
( ૪ ) રૂા. ૪૨

આમાંથી ઓછામાં ઓછો આંકડો ત્રીસનો લેતાં પણ ચાળીસ ટકા વ્યાજબી ગણી શકાય. પરંતુ મીલો ઉપર વધારે બોજો ન પડી જાય એ વિચારથી ૩૫ ટકા જ નક્કી કરવામાં આવ્યા. અને તેમાંથી ૧ ટકો પણ ન્યાયની દૃષ્ટિએ ઓછો થઈ શકે નહિ એમ હું ખાતરીથી કહી શકું છું.

મજુરોના પગારના વધારા માટેની તપાસના સંબંધમાં તો અત્યારે આટલી જ હકીકત રજુ કરી શકું છું. પરંતુ આ ગાંધી સાહેબને પણ મોકલી છે; અને એમને જરૂર જણાશે તો તેઓ આમાં ઉમેરો કરશે.

લી.
શંકરલાલ ઘેલાભાઈ બેન્કરના
સવિનય વન્દમાતરમ્
 (૨)

મીલએજન્ટો તરફની હકીકતઆ મુકદ્દમામાં મજુરોની તરફેણની મિ. બેન્કરની સહીથી રજુ થયેલી હકીકત અમે વાંચી છે.

અમે એમ કહેવાની રજા લઈએ છીએ કે જ્યાં જ્યાં મિ○ બૅન્કરના હકીકતપત્રમાં પ્રો○. ધ્રુવની સલાહ માગવામાં આવી છે તેમાં દર્શાવેલી બાબતો સિવાય બીજી હકીકત જણાવી છે ત્યાં ત્યાં તે અસ્થાને છે ને તેથી તે હકીકત ધ્યાનમાં લેવાવી જોઈએ નહિ. મિ○ બૅન્કરે આવો પ્રયાસ કર્યો છે તે જોઈ અમને ઘણી જ નવાઈ થાય છે. અને તેમાં તેમનો હેતુ લવાદને ભૂલાવો ખવડાવવાનો છે એમ અમારું ધારવું છે. આ પ્રયાસ અન્યાયભરેલો તેમજ કાયદા વિરૂદ્ધ છે. આ મુકદ્દ્‌મામાં જે જે મુદ્દાઓ સલાહ માટે રજુ કરવામાં આવ્યા છે તે સંબંધે હકીકતપત્રમાં દર્શાવેલી બાબતોનો નીચે પ્રમાણે અમારા જવાબ છેઃ—

अ (૧) મિ○ બૅન્કરે દર્શાવેલી સર્વ હકીકત તદ્દન ખોટા સિદ્ધાંત પર રચાયેલી છે. સર્વ મીલો ભૂતદયા અને પરોપકારના હેતુથી ચલાવવામાં આવે છે, તેમજ તેમનો ઉદ્દેશ મૂડીવાળાઓ તથા મજુરોની સ્થિતિ એકસરખી કરવાનો છે, એવા સિદ્ધાંતો પર તેમની સર્વ દલીલ રચાયેલી છે. અમે જણાવવાની રજા લઈયે છીયે કે આ સિદ્ધાંતો તદ્દન ખોટા છે. વાસ્તવિક રીતે જોતાં મીલો ખાનગી માલિકીની મિલકત છે. તેમને ચલાવવાનો મૂળ અને ખરો હેતુ નફો મેળવવાનો છે. આ હેતુ ધ્યાનમાં રાખીને જ તેમાં મજુરો રોકવામાં આવે છે. અને તેથી, મજુરોને રોકવાનું કાર્ય તથા તેમને કેવી શરતે રોકવા તે, મજુરોની પ્રવીણતાને લક્ષમાં લીધા બાદ, ફક્ત ખ૫ અને છત ( Supply and Demand ) ના ધોરણથી જ નક્કી કરવામાં આવે છે, અને તેમજ થવું જોઇએ. આખા જગતમાં બધે ઠેકાણે આ ધોરણસર કાર્ય થાય છે એમ કહેવાની અમે રજા લઈએ છીએ. અમારા જાણવા મુજબ કોઈપણ ઠેકાણે મૂડીવાળાઓ તથા મજૂરવર્ગને પરસ્પર સંબંધ મિ○ બૅન્કરના હકીકતપત્રમાં જણાવેલી પદ્ધતિસર નક્કી થયો નથી; અને તેમ ન થવામાં સ્પષ્ટરીતે ડહાપણ રહેલું છે. તેમણે બતાવેલી પદ્ધતિનું સ્વરૂપ જ અસંભવિત, અસાધ્ય અને સ્વપ્નતુલ્ય છે. તે થોડેઘણે અંશે ‘યુટોપીયા’ને માટે છે. તે આ જગતમાં, આ દેશ કે આ શહેરને માટે વ્યાવહારિક નથી.

(૨) વળી આ હકીકતપત્ર નિરાશાજનકરીતે ખોટા તર્ક પર રચાયેલું છે. દાખલા તરીકેઃ—

૧ એજન્ટોના કમિશનમાં વધારો

સૌ કોઈ જાણે છે કે અમદાવાદ શહેરમાં મીલના કાર્યવાહકોને તથા એજન્ટોને પદ્ધતિસર કમિશન મળે છે. એક પદ્ધતિ પ્રમાણે તૈયાર થયેલા દર પાઉન્ડે ત્રણ પાઈ પ્રમાણે કમિશન આપવામાં આવે છે. આ પદ્ધતિ ઘણે ઠેકાણે ચાલે છે. બીજી પદ્ધતિ પ્રમાણે વેચાણ થયેલા માલની કિંમત પર સેંકડે ૩ થી ૪ ટકા કમિશન મળે છે. ખરું જોતાં આ બન્ને પદ્ધતિસર પહેલાં ઘણી સારી રીતે કામ ચાલ્યું હતું. કારણ કે હિસાબે તે બે રીતે મળતા કમિશનમાં ઘણો જ થોડો તફાવત રહેતો. આગલા વર્ષોમાં તો આ બન્ને રીતે એક જ રકમ કમિશન તરીકે મળતી હતી. પણ લડાઈની શરૂઆત પછી બારીક કાપડ તૈયાર કરવાની જરૂર પડવાને લીધે, તેમજ ભાવ વધી જવાને લીધે પાઉન્ડના હિસાબથી એજન્ટોનું કમિશન ઓછું ને ઓછું થવા લાગ્યું અને તે સાથે શેર ભરાવનારાઓને નફો વધારે મળવા લાગ્યો. આથી એજન્ટો નુકસાનમાં આવી પડ્યા. આ કારણને લીધે બીજી પદ્ધતિસર કમિશન આપવાનો ધારો થયો. તેમ છતાં ઓછું કે વત્તું કમિશન આપવાની સત્તા શેર ધરાવનારાઓની છે, કારણકે તેમ કર્યાથી તેમના જ નફામાં વધઘટ થાય છે. તે મુદ્દો ચાલુ પ્રશ્નને લાગતોવળગતો નથી.

૨ મજુરોને માટે નિશાળો, દવાખાનાં, રાતની ક્લબો, વીમા ફન્ડો વગેરે પુરા પાડવાની જરૂર સંબન્ધે.

આ સર્વ સગવડો ઘણી જ સારી છે. પરંતુ તેને વ્યાવહારિક સ્વરૂપમાં મુકી શકાય કે નહિ તે જોવાનું છે. આ સગવડો ધનવાન તેમજ વચલા વર્ગોના લોકોને પણ મળતી નથી. મીલમજુરોને માટે તો તેઓ નવાઇની ચીજો જેવી છે. વળી આમાંની ઘણી બાબતો પર સરકાર અને મ્યુનિસિપાલિટીનું જ ધ્યાન ખેંચવાની જરૂર છે, કારણકે તેઓ જ તે સંબંધી કાંઈ પણ કાર્ય કરી શકે એમ છે. ચાલુ મુકદ્દમામાં આ સગવડો પર ભાર દેવો એ અન્યાયભરેલું તેમજ અવાસ્તવિક છે. આને માટે સુંદર શરૂઆત અને વ્યવસ્થા કરવામાં આવે તો આવા પ્રશ્નોને જલદીથી કામમાં લેવા કરતાં વધારે આવકારદાયક કાર્ય અમને બીજું કોઈપણ જણાતું નથી; અને એવી સ્થિતિમાં તેને માટે જોઇતા ખર્ચ તથા નાણાંમાં અમારો યોગ્ય ભાગ અમે પુરેપુરી ખુશીથી આપીશું.

૩ પ્લેગને લીધે આપવામાં આવેલો વધારો

આ વધારો ખાસ અમુક વખતને માટે જ આપવામાં આવ્યો હતો. હવે પ્લેગ જતો રહ્યો છે એટલે ગમે તે વખતમાં તેના પર ભાર મુકવો તે અયોગ્ય જ કહેવાય.

૪ મુંબઈના મજુરો તથા તેમને મળતી રોજીની સાથે સરખામણી.

આ સરખામણીમાં નીચેની બાબતો સંબધે વિચાર કરવામાં આવેલો નહિ હોવાથી તે તદ્દન ભૂલભરેલી છે:—

(૧) મુંબઈમાં ઘરભાડાં સુદ્ધાં સર્વ ખર્ચ વધારે છે.
(૨) ત્યાંના મજુરો વધારે હોશીયાર અને પ્રવીણ છે.
(૩) આ કારણને લીધે મુંબાઇની મીલોમાં વધારે સુંદર અને ખૂબીવાળાં વણાટકામ તૈયાર થઈ શકે છે.
(૪) મુંબાઇના મજુરો ઘણુંખરું એક જ જગાએ કાયમને માટે કામ કરે છે.
(પ) ત્યાં જો નોટિસ આપ્યા વગર કે રજા લીધા વગર કોઈપણ મજુર કામ પરથી જતો રહે તો તેને પગાર આપવામાં આવતો નથી. (અમદાવાદમાં હર હમેશ નોટિસ આપવાનો રિવાજ છે.)

આવા મોટા તફાવત સંબંધી વિચાર કર્યા વગર સરખામણી કરવાથી ભૂલ થવાનો સંભવ છે. તે ન્યાયવિરૂદ્ધ તથા અવાસ્તવિક છે. વળી પ્રગતિમય મુંબઇમાં પણ વીમાફંડ, રાતની ક્લબો વગેરેનો હજુ સુધી અભાવ જ છે. વળી આ ઉપરની સરખામણીમાં મુંબાઇસરકાર તેમજ રેલવે કંપનીઓએ પોતાના નોકરોના પગાર વધાર્યા છે તે હકીકત પર ધ્યાન રાખવામાં આવ્યું નથી.

મિ○ બૅન્કરના હકીકતપત્રના બાકી રહેલા ભાગમાં મજુરો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવી જોઈએ તે મુદ્દાને આધારે તેમનો પક્ષ સબળ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પરંતુ અહીં પણ કેટલીક બાબતો ખોટી રીતે મુકવામાં આવી છે.

૧ અમે તેમાંની નીચેની બાબતો ખરી ન હોવા સંબંધે ખાત્રી ધરાવીએ છીએ. (अ) સાધારણ મજુરના કુટુંબમાં એક પુરૂષ, તેની સ્ત્રી અને ત્રણ ચાર છોકરાં હોય છે.

અમે પુરેપુરી તપાસ કરીને એ નિર્ણય પર આવ્યા છીયે કે સાધારણ મજુરના કુટુંબમાં માબાપ ઉપરાંત ઘણેખરે ઠેકાણે એક જ છોકરું હોય છે, અને ઘણે જ થોડે ઠેકાણે બે હોય છે, આમ હોવાથી તેમની ગણત્રી ખોટી ઇબારત પર રચાઈ છે.

(ब) આખા કુટુંબનું પોષણ એકલે પુરૂષ જ કરે છે.

આ સંબંધે પણ સર્વ કોઈ જાણે છે કે ઘણેખરે ઠેકાણે છોકરાઓ કામ કરતા હોય છે. આમ હોવાથી આ બાબત પર ભાર મુકવાની જરૂર નથી. મીલોમાં ઘણાં છોકરાં કામે લાગે છે તે દેખીતું છે. વળી કોઈ કોઈ ઠેકાણે તો સ્ત્રીઓ પણ કામ કરે છે. આમ હોવાથી મીલ મજુરોના કુટુંબની કમાઈ ઘણી જ વધારે છે તે મનમાં રાખવું જોઈયે.

(क) માસિક ખર્ચનો આંકડો પણ ઘણો જ વધારે દર્શાવવામાં આવ્યો છે.

(ड) મજુરોને ગજા ઉપરાંત ઘણું જ કામ કરવું પડે છે.

આ હકીકત પણ તદ્દન ખોટી છે. કોઈ પણ મીલમાં જઇને જોવાથી માલુમ પડશે કે બીડી પીવાના તથા પાણીના ઓરડામાં, તેમજ મીલના કમ્પાઉન્ડમાં પણ મજુરો વખત ગુમાવતા અને ભટકતા જ હશે. અમારો મત એ થયો છે કે જે તેઓ પોતાના કામ પર એક ચિત્ત રાખતા હોય તો તેમને જે મળે તેના કરતાં તેમની ઉપરની ટેવોને લીધે તેમને ઘણું જ ઓછું મળે છે, એટલું જ નહિ પણ તેને લીધે મીલોને પણ ઘણી રીતે નુકસાન થાય છે. દાખલા તરીકે માલ ઓછો તૈયાર થાય છે, અને ઘરાકો અને સાળો ઘણી વખત બંધ કરવાની જરૂર પડે છે. આળસ રાખવાની મજુરોની આવી ટેવ દૂર થાય એ ખાસ ઈચ્છવાયોગ્ય છે. અમે વારંવાર તેમાં સુધારો કરવાનો પ્રયાસ કર્યો છે, પણ તે નિષ્ફળ ગયો છે. મજૂરવર્ગના મિત્રો હકીકત રજૂ કરે તેમજ સહાનુભૂતિ દર્શાવે તેથી જે લાભ મળે તેના કરતાં જો તેઓ કામ પર વધારે લક્ષ રાખે તો પોતાની મેળે તેઓ ઘણું જ વધારે કમાય અને તેમની સ્થિતિ સુધરે, એટલું જ નહિ પણ મીલોને પણ ભારે નફો મળે. આથી મજુર તેમજ મૂડીવાળા બન્નેને પરસ્પર લાભ થાય. આ બાબતમાં આપણા મજુરીયાત લોકોએ તેમના મુંબઇના ભાઈઓનું અનુકરણ કરવું ઘટે છે.

(इ) બીજી ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે મજુરો વારંવાર નોકરી બદલે છે. મીલોની બદલીનું પત્રક જોતાં જણાઈ આવશે કે તેઓ સ્થિર રહી શકતા નથી. આને લીધે અમને તેમજ મીલને ઘણું જ નુકસાન થાય છે.

(फ) આ બાબતમાં કૅલિકો મીલમાં તૈયાર થયેલા માલનું પત્રક જોવા અમે વિનયપૂર્વક વિનંતિ કરીયે છીયે. તેમાંથી સ્પષ્ટ દીસી આવે છે કે પ્લેગનો વધારો તથા વધારે પગાર આપવાથી પણ મીલની કમાણીમાં કંઇ સારો વધારો થયો નથી; બલ્કે તે ઘણી જ ઓછી થઈ ગઈ છે. મજુરોને વધારે કમાવાની જે તકો આપવામાં આવી છે તેનું પરિણામ એ થયું છે કે માલ ઓછો તૈયાર થયો છે; અને આમ હોવાથી અમને આને અંગે લાભ થવાને બદલે નકામું ઘણું જ નુકસાન થયું છે. તે જ પત્રક પરથી બીજી બાબત એ જણાઈ આવશે કે જે વધારો મજૂરવર્ગ હમણાં માગે છે તે તેમજ તેથી વધારે તેઓ મેળવી શક્યા હોત, પરંતુ તેમને આપવામાં આવેલી તકોનો પણ તેમણે લાભ લીધો નથી. અમે આનું કારણ એમ સમજીયે છીયે કે મજુરોની ટેવ અને રીતભાત આળસ વગેરેથી ભરેલી છે. તેમને અમુક કમાઈ મળે તેમજ અમુક સગવડો મળે એ બેથી તેઓ સંતોષ માને છે, અને મહોરમ વગેરે તહેવારના દિવસો સિવાય બીજી બધી વખતે વધારો મેળવવાની તેમને જે તક આપવામાં આવે છે તેનો તેઓ લાભ લેતા નથી. આ સંબંધે મજુરોની કામ કરવાની રીત જોઈને નંધાયેલો અમારો દૃઢ મત એ છે કે અમદાવાદમાં વધારે મજુરી આપવાથી તે લોકોની ખરેખરી માસિક આવકમાં ભારે વધારો થતો નથી. અને અમારી સૂચના એ છે કે આ બાબતમાં મજુરોની ટેવો સુધારવાની ખાસ આવશ્યકતા છે.

(૨) ઉપર બતાવેલી હકીકતપરથી એ તો સ્પષ્ટ છે કે મિ○ બૅન્કરના હકીકતપત્રની ખાસ વિચાર કરવા જેવી હવે ઘણી થોડી બાબત રહી છે. હિન્દી જનસમાજના સર્વ ભાગોની તેમજ મજૂરવર્ગોની સ્થિતિ સુધારવાની તેમજ સારી કરવાની ખાસ જરૂર છે, મિ○ બૅન્કરના વિચારને અમે પણ મળતા થઈયે છીયે. આ કામ ઘણું જ વહેલું થાય તે પણ અમે કબુલ કરીયે છીયે, પણ માણસો અને રિવાજ મિ○ બૅન્કર ધારે છે તેટલા થોડા સમયમાં પુરેપુરા સુધરી શકે નહિ. યુટોપીયા એક દિવસ, વર્ષ કે પેઢીમાં જ અસ્તિત્વમાં આવી શકે નહિ. મિ○ બૅન્કરે મજુરોને માટે જે વધારાની માગણી કરી છે તે વધારો જો તેઓ જાતે મહેનત કરે અને તેઓ વધારે નિયમિત અને ઓછા આળસુ થાય તો તેમને મળી શકે તેમ છે. આ ઉપાય તેમના પોતાના હાથમાં છે. દયાની લાગણીને અંગે સારી રીતે કે હમેશને માટે તે લાભ તેમને મળી શકે તેમ નથી. તેઓ પોતાની લાયકાત અને ઉદ્યોગને અંગે જ વધારે સારી કમાઈ કરી શકશે. આ સંબંધે અમે એમ જણાવવાની રજા લઈયે છીયે કે મિ○ બૅન્કર અને તેમના મિત્રો મજુરોને જે જે ખોટી ટેવો પડી છે તે વિષે તેમને પુરેપુરી રીતે સમજાવવામાં પોતાના ઉત્સાહનો ઉપયોગ કરશે તો ઘણો જ લાભ થશે. આમ કરવાથી જે લોકોનો પક્ષ તેમણે લીધો છે તેમને પણ તેઓ અનહદ લાભ આપી શકશે.

(૩) અમે લવાદ સાહેબનું ધ્યાન એ બાબત પર ખેંચવાની રજા લઈયે છીયે કે ચુકાદાને અંગે જે વધારો આપવાનું ઠરાવવામાં આવે તે જ્યાં સુધી હાલના સંજોગો ચાલુ રહે ત્યાં સુધી જ અમલમાં મુકવામાં આવે. હમણાં મોંઘવારી છે એ તો ખરું, પણ તેનું કારણ હાલની લડાઈ છે. સારાં વર્ષો આવ્યેથી તેમજ લડાઈ બંધ થયેથી આ મોંઘવારી નાશ પામવાની; અને તેની સાથે મીલોમાં હમણાં મળતો નફો પણ ઘણો જ ઓછો થઈ જવાનો. વધુ કરોને લીધે, તેમજ ઘણા જ જોરથી ફરી ચાલુ થવાની લૅન્કેશાયર સાથેની હરીફાઈને લીધે મીલો કફોડી સ્થિતિમાં આવી જવાનો ઘણો સંભવ છે. આ બે કારણોને લીધે મીલઉદ્યોગ પર શી અસર થશે તે વિષે અત્યારે તર્ક નકામો છે; પરંતુ હાલના જેટલો નફો આગળ ઉપર નહિ મળે તે પહેલેથી જ સમજવું વધારે લાભકારક છે. બંગાળાના ભાગલાનાં ઉત્તમ વર્ષોમાં મીલમાં ઇ. સ. ૧૯૦૦ થી ૧૯૦૯ સુધી ઘણો સારો નફો મળ્યો હતો. પરંતુ ઈ. સ. ૧૪૦૪ થી તે લડાઈની શરૂઆત થઈ ત્યાં સુધી મીલોને ઘણા જ બારીક સમયમાંથી પસાર થવું પડ્યું. તે વખતે કેટલી મીલો ખરેખર ફડચામાં ગઈ હતી. એટલા માટે અમે ખરા અંતઃ કરણથી એમ આશા રાખીએ છીએ કે મુડીવાળાના અને મજૂરવર્ગના સર્વે મિત્રો આવી સંભવિત (અને ખરેખરી) હકીકતનો પુરેપુરી સંભાળપૂર્વક વિચાર કરશે.

હવે મજુરોને શો વધારો આપવો જોઈએ એ પ્રશ્નનો જ વિચાર કરવાનું રહ્યું. રેફરન્સમાં તેઓ ૩૫ ટકા વધારાની માગણી કરે છે. અમે ૨૦ ટકા વધારે આપી શક્યા છીયે. ઉપર દર્શાવેલ સર્વ સંજોગોમાં અને નજીદીકના ભવિષ્યના સમય વિષે ધ્યાનપૂર્વક વિચાર કર્યા પછી અમે જે વધારો આપ્યો છે તે યોગ્ય છે, એમ જણાવવાની રજા લઇયે છીયે. ખરું જોતાં તે જોઈએ તે કરતાં વધારે છે, છતાં પણ અમે હાલના બારીક સમયને લીધે વધારે આપવાનું વાજબી ધાર્યું છે. અમદાવાદમાં પ્લેગ આવ્યો ન હોત તો મજૂરવર્ગ આ વધારાથી સંતોષ પામ્યો હોત એમ અમારું માનવું છે. હાલ તો અમદાવાદમાં પ્લેગ છે જ નહિ, અને તેથી જે સંજોગોના વિચારોને પરિણામે તેમને પ્લેગનો વધારો આપવામાં આવ્યો તે વિષે ચાલુ પ્રશ્નમાં કંઈ પણ કહેવું જોઈએ નહિ. મજુરો જો વધારે ઉદ્યોગીગી થાય અને વારંવાર નોકરી બદલવાની તેમની ટેવ મુકી દઈ તેઓ એક જ ઠેકાણે સ્થિર રહે તો વધારે નહિ તો હાલ જે વધારો તેઓ માગે છે તેટલો તેઓ જાતે હસ્તગત કરી શકે. તેઓ જો વધારે કામ કરે તો વધારે પગાર આપવાને અમે ઘણા જ ખુશી થઈશું. તેમના હાલના મિત્રો તેમને જે સર્વ લાભો કરી આપે તેના કરતાં વધારે લાભ તેમનો પોતાનો ઉદ્યોગ જ તેમને અને અમને કરી આપશે. આ ઉપરથી અમે જે વધારો આપવાનું કહીયે છીયે તે ન્યાયપુરઃસર છે, એમ કહેવાની અમે છેવટે રજા લઈયે છીયે.

ગોરધનદાસ ઇ. પટેલ
પેસ્તનશા ન. વકીલ
જોઈન્ટ ઑનરરી સેક્રેટરીઓ,
મીલ એજન્ટોનું ગ્રૂપ.
 (3)

પંચનો નિર્ણયગયા શીયાળામાં અમદાવાદના મીલમાલિકોના ‘ગ્રૂપ’ અને કાપડ વણનાર કારીગરો વચ્ચે કારીગરોના પગારના દરના સંબન્ધમાં વાંધો પડેલો, અને તેને પરિણામે હડતાળ અને ‘લૉકઆઉટ’ – બહાર તાળા–ની ખેદકારક સ્થિતિ ઉપન્ન થઈ હતી. તેનો અન્ત તા. ૨૦ મી માર્ચ ૧૯૧૮ ને દિને બન્ને પક્ષ તરફથી મને પંચનું કામ સોંપાઇને આવ્યો. તે પછી પંચના કામની શરૂઆત થઈ. પોતાની હકીકત લખી રજુ કરવાની મેં બન્ને પક્ષ પાસે માગણી કરી. તે પ્રમાણે અનિવાર્ય અડચણોને લીધે મીલમાલિકોના ‘ગ્રૂપ’ તરફની હકીકત ત્રણ માસની અંદર મને મળી નહિ, એક પક્ષની હકીકતથી સંતોષ પામીને ચુકાદો કરવો એ મને વાજબી લાગ્યું નહિ, અને તેથી પંચનો અધિકાર સમાપ્ત કરી, બન્ને પક્ષે માંહોમાંહે મળીને સમજુતી કરવી, અને તેમાં બન્ને પક્ષના મિત્ર તરીકે મારી મદદની જરૂર હોય તો તે આપવા હું રાજી છું, એમ મેં જણાવ્યું. પણ બન્ને પક્ષ તરફથી એમ જણાવવામાં આવ્યું કે એ બની શકે તેમ નથી, અને પંચના કામની મુદ્દત વધારવા તેઓ એકમત થયેલા છે. તેથી મેં પંચનું કામ જારી રાખ્યું. તા. ૨૮ મી જુને મીલમાલિકોના ‘ગ્રૂપ’ તરફની હકીકત મને મળી. તેમાંથી કેટલાક અગત્યના પ્રશ્ન ઉપસ્થિત થયા, તેનો ખુલાસો મેં બન્ને પક્ષ પાસે માગ્યો હતો. તા. ૩ જી જુલાઈ સુધીમાં કારીગર પક્ષ તરફથી એ સંબન્ધમાં કાંઈ લખાઈ આવ્યું નથી. મોટે ભાગે તો જે ખુલાસા તથા હકીકતની મારે જરૂર હતી તે મીલમાલિકોને પુરી પાડવાની હતી, અને તેઓ તરફથી એક ‘ખાનગી’ સુચના સાથે થોડીક હકીકત રજુ કરવામાં આવી છે. પણ તેનાથી મેં પુછેલા સર્વ પ્રશ્નોનો ઉત્તર થતો નથી, અને જેટલાનો થાય છે તેટલાનો પણ અપૂર્ણ રૂપમાં થાય છે, અને કેટલીક હકીકતા તો ઘણી મીલોમાંથી મેળવીને પુરી પાડવામાં આવે તો જ તેનો ઉપયોગ થઈ શકે એમ છે. પરંતુ તે હકીકત અત્યારે ભેગી કરવી શક્ય નથી, એમ તેઓ તરફથી જણાવવામાં આવે છે. આ સ્થિતિમાં હું બન્ને પક્ષ વચ્ચેની તકરારમાં વાસ્તવિક ન્યાય શો છે એના નિર્ણય ઉપર આવી શકતો નથી. પણ મીલમાલિકો અત્યારે હવે વિશેષ હકીકત આપી શકે એમ નથી, અને ગરીબ કારીગરોને પંચનો નિર્ણય સત્વર મળવો જોઈયે એ ઈષ્ટ છે, તેથી મારે વ્યવહારૂ ન્યાય યાને ચુકાદા ઉપર આવવું પડે છે. પંચના ઠરાવની વાટ ન જોતાં કુદરતના બળે મીલમાલિકો અને કારીગરો વચ્ચે પ્રસ્તુત પ્રશ્નના સંબધમાં જે વાસ્તવિક સ્થિતિ ઉત્પન્ન કરી દીધી છે તેમાંથી મને એ વ્યવહારૂ ન્યાય કરવાનું ધોરણ મળી આવે છે. પક્ષકારો તરફથી મળેલી હકીકત ઉપરથી મારા જાણવામાં આવે છે કે અત્યારે ઘણીખરી મીલમાં ૩૫ ટકાનો વધારો અપાઈ ચુક્યો છે, અને કેટલીકમાં તો એ વધારો ૫૦ ટકા સુધી પણ પહોંચ્યો છે. તો તકરારને લગતા બાકીના વખતને માટે ૩૫ ટકા વધારો આપવો ઘટારત છે. તેથી હું પંચ તરીકે મને મળેલા અધિકારથી જાહેર કરૂં છું કે મીલમાલિકોએ કારીગરોને તકરારને લગતા બાકીના વખતના પગારમાં ૩પ ટકા વધારો આપવો, એટલે કે ૨૭ાા ટકા આપતાં બાકી રહેલી રકમ તેઓએ કારીગરોને આપવી.

છેવટે, બન્ને પક્ષે પરસ્પર સહનશીલતા અને શાન્તિથી કામ કર્યું છે અને પંચના નિર્ણયમાં વિલંબ થયો તે દરમીયાન બન્ને પક્ષે માંહોમાંહે સમજીને મીલનું કામ ચાલતું રાખ્યું છે એ સંતોષની વાત અત્રે નોંધું છું. આશા રાખું છું કે ઉભય પક્ષ વચ્ચે સંપથી કામ ચાલ્યાં કરશે.

તા. ૧૦–૮–૧૯૧૮.
આનન્દશંકર બાપુભાઈ ધ્રુવ
 

(૪)

પોતાના ઉપવાસ વિષે ગાંધીજીના ખુલાસોમને લાગે છે કે મારે મારા છેલ્લા ઉપવાસ વિષે પ્રજા આગળ ખુલાસો કરવો જોઇયે. કેટલાક મિત્રો મારું આ પગલું નાદાનીભરેલું લેખે છે, બીજાઓ નામર્દાઈવાળું માને છે અને બીજા કેટલાક વળી તેથી પણ વધારે ખરાબ ગણે છે. પરંતુ હું તો એમ માનું છું કે જો મેં આ પગલું લીધું ન હોત તો હું મારા કર્તાને અને હાથધરેલા કાર્યને બેવફા થયો હોત.

એકાદ માસ ઉપર હું મુંબઈ ગયો હતો. તે વખતે મને એમ કહેવામાં આવ્યું હતું કે મરકીને વખતે જે બોનસ અમદાવાદના મીલમજુરોને આપવામાં આવતો હતો તે જો અપાતું બંધ કરવામાં આવે તો તેઓ હડતાલ પાડે અને ધીંગામસ્તી કરે એવી વકી છે. મને વચ્ચે પડવા કહેવામાં આવ્યું. અને હું તેમ કરવા કબુલ થયો.

મજુરોને ગયા ઑગસ્ટ માસથી મરકીને લીધે ૭૦ ટકા જેટલું બોનસ મળતું હતું. તે બોનસ બંધ કરવાના પ્રયત્નથી મજુરોમાં ભારે અસંતોષ ફેલાયો. મીલમાલિકોએ લગભગ છેલ્લી ઘડીએ, મરકીને લઇ અપાતા બોનસને બદલે, ઘણી મોંઘવારીને સબબે તેઓની મજુરીમાં વીસ ટકાનો વધારો કરી આપવા જણાવ્યું. પરંતુ તેથી મજુરો સંતોષ ન પામ્યા. વાત પંચ ઉપર મુકવામાં આવી અને સરપંચ તરીકે અમદાવાદના કલેક્ટર મિ○ ચેટફીલ્ડ નીમાયા. 

છતાં કેટલીક મીલના મજુરોએ હડતાલ પાડી. માલિકોએ વિચાર્યું કે મજુરોએ આમ યોગ્ય કારણ વિના કર્યું છે, એટલે તેઓ પંચમાંથી ખસી ગયા, અને ‘લૉકઆઉટ’ જાહેર કર્યો. તેઓએ એમ પણ નક્કી કર્યું કે જે વીસ ટકાનો વધારો તેઓએ અપવા જાહેર કર્યો હતો તે કબુલી લેવાની સ્થિતિમાં મજુરો થાકીને આવી ન પડે ત્યાં સુધી ‘લૉકઆઉટ’ ચાલુ રાખવો. ભાઈ શંકરલાલ બૅન્કર, ભાઈ વલ્લભભાઈ પટેલ અને હું મજુરો તરફથી પંચમાં નીમાયા હતા. અમે જોયું કે જો અમે તાબડતોબ અને મક્કમતાથી કંઈ પણ પગલું નહિ લઇએ તો મજુરોને હેઠા પાડવામાં આવશે. એટલે અમે વધારા વિષે તપાસ કરવી શરૂ કરી. અમે મીલમાલિકોની મદદ મેળવવા પ્રયત્ન કર્યો, પરંતુ તેઓએ અમને તે ન જ આપી. તેઓના મનમાં મીલમજુરોના સંપને હંફાવે એવું મીલમાલિકોનું સંયુક્ત બળ યોજવાની એક જ વાત રમતી હતી. એક રીતે જોતાં, અમારી તપાસ એકતરફી હતી. છતાં અમે મીલમાલિકોનો પક્ષ વિચારવાનો પ્રયત્ન કર્યો, અને એવા ઠરાવ ઉપર આવ્યા કે ૩૫ ટકાનો વધારો વાજબી લેખી શકાય. મીલમજુરોને અમારો આ આંકડો જણાવ્યો તે પહેલાં અમે મીલમાલિકોને અમારી તપાસનું પરિણામ બતાવ્યું અને સાથે એમ પણ કહ્યું કે જો તેઓ ક્યાંય ભૂલ દેખાડશે તો અમે તે સુધારી લેવા તૈયાર છીયે. પરંતુ તેઓએ અમારી સાથે સલાહ ન જ ઇચ્છી. તેઓએ જવાબ વાળ્યો, અને તેમાં જણાવ્યું કે સરકાર અને મુંબઈના શેઠીયાઓ તરફથી અપાતા દર અમારા નક્કી કરેલા દર કરતાં ઘણો ઓછો છે. મને લાગ્યું કે તેઓના જવાબમાં આ વાત વધારેપડતી હતી, અને એક જંગી સભામાં મેં જાહેર કર્યું કે મીલમજુરો ૩૫ ટકાનો વધારો કબુલ કરશે. આ બીના ધ્યાનમાં રાખવા જેવી છે કે મજુરોને મરકીના કારણથી તેઓની મજુરી ઉપર ૭૦ ટકાનો વધારો મળતો હતો, અને તેઓએ પોતાના ઈરાદો જાહેર કર્યો હતો કે મોંઘવારી વધતી હોવાથી તેઓ ૫૦ ટકાથી ઓછો વધારો કબુલ નહિ કરે. પરંતુ તેઓને પોતાના ૫૦ ટકાની અને મીલમાલિકોના ૨૦ ટકાની વચ્ચેનો દર સ્વીકારવા કહેવામાં આવ્યું. ( વચલો દર લેવાનું નક્કી થયું એ કેવળ અકસ્માત જ હતો. ) સભા કેટલોક બડબડાટ કર્યા પછી ૩૫ ટકાનો વધારો લેવા કબુલ થઈ; અને તેની સાથે એમ માની લેવામાં જ આવ્યું હતું કે જે ઘડીએ મીલમાલિકો લવાદત મારફત ફડચો કરવા કબુલ થાય તે જ ઘડીએ મજુરો પણ તેમજ કરે. ત્યાર પછી દરરોજ હજારો માણસ ગામની બહાર એક ઝાડની છાયા હેઠળ ભેગા થતા. તેમાંથી કેટલાક તો બહુ દૂરથી ચાલીને આવતા, અને ખરા દિલથી ઈશ્વરના સોગંદ ખાઈને ૩૫ ટકાથી જરાપણ ઓછું ન લેવાને પોતાનો ઠરાવ પાકો કરતા. પૈસાની મદદ તેઓને આપવામાં આવતી ન હતી. આ તો સમજી શકાય એવું છે કે આવી સ્થિતિમાં તેમાંથી ઘણાને ભૂખમરાની પીડા વેઠવી પડે, અને જ્યાં સુધી તેઓ બેકાર હતા ત્યાં સુધી તેઓને કોઈ ધીરે પણ નહિ. બીજી તરફ, અમે તેઓના મદદગાર એવા ઠરાવ ઉપર આવ્યા કે તેમાંથી તાકાતવાળા રોટલો કમાવા તૈયાર ન થાય, અને અમે જાહેર ફાળો ઉઘરાવી તેનો ઉપયોગ તેઓને ખવરાવવામાં કરીયે, તો અમે તેઓને ખરાબ જ કરીયે. જે લોકોએ સંચા ઉપર કામ કર્યું હતું તે લોકોને રેતી કે ઈંટની ટોપલી ઉપાડવા સમજાવવું બહુ કઠણ હતું. તેઓ તે કામ કરવા જતા, પણ ઘણી નાખુશીથી. મીલમાલિકોએ પણ પોતાનાં હૈયાં કઠણ કર્યા. તેઓએ પણ વીસ ટકાથી વધારે ન આપવાનો ઠરાવ કર્યો હતો, અને મજુરોને તાબે થઈ જવા સમજાવી લાવવા જાસુસો નીમ્યા હતા. લૉકઆઉટની શરૂઆતમાં જ અમે કામ ન કરનારને મદદ કરવા ના પાડી હતી, પરંતુ તેની જ સાથે અમે તેઓને ખાત્રી આપી હતી કે તેઓને ખોરાક અને કપડાં પૂરાં પાડ્યા પછી જ અમે પોતે ખાશું અને પહેરશું. આ પ્રમાણે ૨૨ દિવસ પસાર થયા. ભૂખમરાની અને મીલમાલિકોના જાસુસોની અસર થવા લાગી. અસુરી ભાવ તેઓના કાન ફૂંકવા લાગ્યો અને કહેવા લાગ્યો કે જગતમાં ઈશ્વર જેવું કંઈ નથી કે જે તેઓને મદદ કરે; અને વ્રતો તો યુક્તિઓ છે કે જેનો આશ્રય નબળા લોક કરે છે. પાંચથી દશ હજાર માણસોને ઉત્સાહ અને હોંશથી એકઠા થતા હું હમેશાં જોતો. તેઓની દૃઢતા તેઓના ચહેરા ઉપરથી જ જણાઈ આવતી. પરંતુ તેને બદલે એક દિવસ મેં માત્ર બે હજાર માણસોને એકઠા થયેલા જોયા; અને તેઓનાં મોઢાં ઉતરી ગયેલાં દેખાયાં. અમે તે જ અરસામાં એમ પણ સાંભળ્યું હતું કે અમુક એક ચાલમાં વસતા મીલમજુરોએ સભામાં આવવા ના પાડી છે અને વીસ ટકાનો વધારો સ્વીકારવાની અણી ઉપર છે. અને તેઓ અમને સંભળાવતા હતા (અને હું ધારૂં છું કે તેમાં તેઓ વાજબી હતા) કે અમારી પાસે મોટર ગાડીઓ છે, પુરતું ખાવાનું છે, સભામાં હાજર રહેવાનું અને મરણ આવે તો પણ મક્કમ રહેવાની સલાહ આપવાનું અમારે માટે સ્હેલું છે. આવી સ્થિતિમાં મારે શું કરવું જોઈએ ? મને તેઓનો વાંધો વાજબી જણાયો. ઈશ્વર ઉ૫ર મને, પ્રત્યક્ષ ઉપર હોય તેવી અચલ શ્રદ્ધા છે. અને હું એમ માનું છું કે ગમે તે ભોગે વચનનું પાલન કરવું આવશ્યક છે. હું જાણતો હતો કે અમારી સમક્ષ ઉભેલા માણસો ઈશ્વરથી ડરે છે, પરંતુ લૉકઆઉટ અને હડતાળ બહુ લંબાયાથી તેઓ ઉપર અસહ્ય બોજો આવી પડ્યો છે. હિન્દમાં મેં ઘણી મુસાફરી કરી છે. તે દરમ્યાન મેં સેંકડો માણસો એવાં જોયાં છે કે જેઓ પલકમાં પ્રતિજ્ઞા કરે છે અને પલકમાં તેનો ભંગ કરે છે. મારા ખ્યાલમાં આ પણ હતું કે આપણામાંથી સૌથી સારા લેખાતા માણસોને પણ ઇશ્વરમાં અને આત્મબળમાં ઢીલી અને અસ્પષ્ટ શ્રદ્ધા હોય છે. મને લાગ્યું કે મારે માટે આ ક્ષણ પવિત્ર છે. મારી શ્રદ્ધા કસોટીએ ચઢેલી જણાઈ, અને હું વિના સંકોચે ઉભો થયો અને જણાવ્યું કે જે પ્રતિજ્ઞા ભાવપૂર્વક લેવાઇ છે તેનો ભંગ મીલમજુરો કરે એ મારે માટે અસહ્ય છે. એટલે મેં પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી તેઓને ૩૫ ટકાનો વધારો નહિ મળે, અથવા જ્યાં સુધી તેઓ ઢીલા નહિ થાય ત્યાં સુધી હું અન્ન નહિ લઉં. અત્યાર સુધી આ સભા આગલી સભાઓ જેવી ઉત્સાહી ન હતી; મંદ હતી. પરંતુ તેમાં હવે જાદુઈ રીતે ઉત્સાહ આવી ગયો. દરેકે દરેકના ગાલ ઉપર આંસુ ટપકવા લાગ્યાં, અને એક પછી એક ઉઠી જણાવવા લાગ્યા કે જ્યાં સુધી તેઓની માગણી કબુલ નહિ થાય ત્યાં સુધી તેઓ કદિ પણ મીલમાં કામ ઉપર નહિ જાય, અને વળી સભામાં હાજર નહિ રહેનારને શોધી કાઢશે અને તેઓના હૃદયને મક્કમ કરશે. સત્ય અને પ્રેમના પ્રભાવનું પ્રાગટ્ય નિહાળવાનો આ એક અમૂલ્ય અવસર હતો. દરેકને એમ લાગવા માંડ્યું કે ઈશ્વરની પાલકશક્તિ પ્રાચીન કાળમાં જેટલી આપણી આસપાસ રહેતી તેટલી જ આજે અમારી આસપાસ છે. પ્રતિજ્ઞા લેવા માટે મને શોચ થતો નથી. પરંતુ મારી તો આ શ્રદ્ધા છે કે જો હું બીજી કોઈ રીતે વર્ત્યો હોત તો હાથ લીધેલા કાર્યનો મેં દ્રોહ કર્યો હોત. પ્રતિજ્ઞા લીધી તે પહેલાં હું જાણતો હતો કે તેમાં કેટલીક મોટી ખામીઓ રહી જાય છે. મીલમાલિકોના નિશ્ચય ઉપર કોઈ પણ જાતની અસર કરવા આવા પ્રકારની પ્રતિજ્ઞા લેવી એ તો તેઓ પ્રતિ અણછાજતો અન્યાય જ કરેલ કહેવાય. હું જાણતો હતો કે તેમાંથી કેટલાક સાથે તો હું મિત્રતા ભોગવવા ભાગ્યશાળી થયો છું; પરન્તુ તેને માટે હવે હું મને નાલાયક બનાવું છું, અને હું એ પણ સમજતો હતો કે આ પગલું ભરવામાં ગેરસમજુતી થવાનું જોખમ રહેલું છે. તેઓના નિર્ણય ઉપર મારા ઉપવાસની અસર થતી અટકાવી મારે માટે શક્ય ન હતી. વળી, તેઓના પરિચયથી મારી જોખમદારી વધી હતી, જે ઉપાડવા હું સમર્થ ન હતો. આવા પ્રકારની લડતમાં સામાન્યત: જે રાહત મેળવવામાં હું વાજબી ઠરૂં, તે પણ મજુરો માટે મેળવવા હું અસમર્થ થઈ પડ્યો. હું એ પણ જાણતો હતો કે મીલમાલિકો પાસેથી ઓછામાં ઓછું જે હું મેળવી શકું તેનાથી જ, અને મજુરોએ લીધેલી પ્રતિજ્ઞાનાં તત્ત્વોની સિદ્ધિને બદલે તેના સ્થૂળ અર્થની સિદ્ધિથી જ મારે સંતોષ માનવો પડશે; અને તેમજ થયું છે. મેં મારી પ્રતિજ્ઞાના દોષો એક ત્રાજવામાં મુક્યા, અને બીજામાં તેના ગુણો મુક્યા. મનુષ્ય–પ્રાણીનાં એવાં કર્મ તો ક્વચિત જ હશે કે જે સાવ દોષરહિત હશે. મને ખબર હતી કે મારૂં કર્મ તો ખાસ દોષવાળું છે. પરંતુ ભવિષ્યની પ્રજા એમ કહે કે ઈશ્વર સમક્ષ વીસ વીસ દિવસ થયાં લેવાયલી પ્રતિજ્ઞા દસ હજાર માણસે ઓચિંતી તોડી, તેના કરતાં મીલમાલિકોની સ્વતંત્રતા અને સ્થિતિ અણઘટતી રીતે કફોડી અવસ્થામાં મુકવાથી મારી અપકીર્તિ થાય, એ મને વધારે ગમ્યું. મારી એવી દૃઢ માન્યતા છે કે જ્યાં સુધી માણસો લોઢા જેવા કઠણ થયા નથી, અને જ્યાં સુધી દુનીયા તેએનાં વચનને, મીડ અને ફારીસીના કાયદા પેઠે કદિ ન તુટે તેવું અચલ ન ગણે, ત્યાં સુધી તેઓ એક પ્રજા થઇ શકતી નથી. મિત્રોએ ગમે તે મત બાંધ્યો હોય, છતાં અત્યારે તો મને લાગે છે કે ભવિષ્યમાં આવો પ્રસંગ આવે, તો આ પત્રમાં વર્ણવ્યા છે એવા સામાન્ય પ્રકારનો પાઠ ફરીથી ભજવવામાં હું પાછો નહિ પડું.

આ પત્ર હું બંધ કરૂં તે પહેલાં હું બે જણનાં નામ જણાવવા ઈચ્છું છું. તે માટે હિન્દને મગરૂર થવા કારણ છે. રા○ અંબાલાલ સારાભાઈ મીલમાલિકોના પ્રતિનિધિ હતા. તે એક લાયક ગૃહસ્થ છે; અને ઘણા કેળવાયેલા તેમ બાહોશ માણસ છે. આ ઉપરાંત તેઓ દૃઢ મનના છે. ત્હેમનાં બ્હેન અનસૂયા બ્હેન, મીલમજુરોનાં પ્રતિનિધિ હતાં. તેમનું હૃદય કંચન જેવું નિર્મળ છે, અને ગરીબો પ્રતિ અતિ દયાળુ છે. મીલમજુરો તેમને પૂજે છે, અને તેઓ ઉપર તો તેમના શબ્દની અસર કાયદા સમાન છે. મેં કોઇ એવી લડત સાંભળી નથી કે જેમાં ખટાશ માત્ર નામની જ હોય અને બન્ને પક્ષ વચ્ચે આટલો બધો વિનય હોય. આવું મધુર પરિણામ, મુખ્યતઃ રા○ અંબાલાલ સારાભાઇ અને અનસૂયા બ્હેનના લડત સાથેના સંબન્ધને લઇને આવ્યું છે.