અલબેલા આવો રે આજ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
અલબેલા આવો રે આજ
પ્રેમાનંદ સ્વામી


અલબેલા આવો રે આજ મારે આંગણે જો
પૂરો મારા હૈડા કેરી હામ જો
હળવા તે ભરજો રે પગલાં હેતમાં જો
આવો મારા વહાલા પૂરણકામ જો... ટેક


શેરી વાળીને મેં તો સજ કરી જો
ફૂલડાં વેર્યાં છે ઊભી વાટ જો
કેસરને કુમકુમનાં છાંટ્યાં છાંટણાં જો
મારો વહાલોજી પધારે તે માટ જો... ૧


અગર ને ચંદને લીપ્યા ઓરડા જો
મોતીડે કંઈ પૂર્યા છે ચોક જો
મોંઘે તે મળિયાગરે લીપ્યા લાડમાં જો
વ્હાલા તમને પધરાવ્યાના ગોખ જો... ૨


ફૂલડે (તે) સમારી વહાલા સેજડી જો
મેવા ને મીઠાઈના નહીં પાર જો
પ્રેમાનંદના સ્વામી જોવું વાટડી જો
આવો મારા હૈડા કેરા હાર જો... ૩