અવિનાશી આવો રે જમવા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
અવિનાશી આવો રે જમવા
પ્રેમાનંદ સ્વામી


પ્રેમાનંદ સ્વામી.

પદ ૧ થાળ ગરબી ૧.

અવિનાશી આવો રે, જમવા શ્રીકૃષ્ણ હરિ,
શ્રી ભક્તિધર્મસુત રે, જમાડું પ્રીત કરી ... ૧

શેરડિયો વાળી રે, ફૂલડાં વેર્યાં છે,
મળિયાગર મંદિર રે, લીપ્યાં લેર્યાં છે ... ૨

ચાખડિયો પહેરી રે, પધારો ચટકંતા,
મંદિરિયે મારે રે, પ્રભુજી લટકંતા ... ૩

બાજોઠે બેસારી રે, ચરણકમળ ધોવું,
પામરીએ પ્રભુજી રે પાવલિયા લોવું ... ૪

ફુલેલ સુગંધી રે, ચોળું શરીરે,
હેતે નવરાવું રે હરિ ઊને નીરે ... ૫

પહેરાવું પ્રીતે રે, પીતાંબર ધોતી,
ઉપરણી ઓઢાડું રે, અતિ ઝીણાં પોતી ... ૬

કેસર ચંદનનું રે, ભાલે તિલક કરું,
વંદન કરી સ્વામી રે, ચરણે શીશ ધરું ... ૭

ઉર હાર ગુલાબી રે, ગજરા બાંધીને,
નીરખું નારાયણ રે, દ્રષ્ટિ સાંધીને ... ૮

શીતળ સુગંધી રે, કળશ ભર્યા જળના,
ઉલેચ બાંધ્યા છે રે, ઉપર મખમલના ... ૯

કંચન બાજોઠે રે, બિરાજો બહુનામી,
પકવાન પીરસી રે, થાળ લાવું સ્વામી ...૧૦

મોતૈયા લાડુ રે, સેવૈયા સારા,
તમ કાજ કર્યા છે રે, લાખણસાઈ પ્યારા ...૧૧

મગદળ (ને) સેવદળ રે, લાડુ દળના છે,
ખાજા ને ખુરમા રે, ચૂરમાં ગોળનાં છે ...૧૨

જલેબી ઘેબર રે, બરફી બહુ સારી,
પેંડા પતાસાં રે, સાટાં સુખકારી ...૧૩


મરકી ને મેસુબ રે, જમો જગવંદનજી,
સૂતરફેણી (છે) રે, ભક્તિનંદનજી ...૧૪

ગગન ને ગાંઠિયા રે, ગુંદવડાં વાલા,
ગુંદરપાક જમજો રે, ધર્મતણા લાલા ...૧૫

એલાયચી દાણા રે, ચણા છે સાકરિયા,
ગુલાબપાક સુંદર રે, જમજો ઠાકરિયા ...૧૬

ટોપરાપાક ટાઢો રે, સકરપારા સારા,
સેવો ઘી સાકર રે, તમે છો જમનારા ...૧૭

કેસરિયો બીરંજ રે, ગળ્યો ને મોળો છે,
સાકરનો શીરો રે, હરીસો ધોળો છે ...૧૮

લાપસી કંસારમાં રે, ઘી બહુ રસબસ છે,
ખીર ખાંડ ઘી રોટલી રે, જમો બહુ સરસ છે ...૧૯

બદામ ચારોળી રે, દ્રાક્ષ (તે) નાખીને,
દૂધપાક કર્યો છે રે, જુઓ હરિ ચાખીને ...૨૦

પૂરી કચોરી રે, પૂરણપોળી છે,
રોટલીઓ ઝીણી રે, ઘીમાં બોળી છે ...૨૧

પાપડ ને પૂડલા રે, મીઠા માલપૂડા,
માખણ ને મિસરી રે, માવો દહીંવડા ...૨૨

ઘઉંની છે બાટી રે, બાજરાની પોળી,
ઝાઝી વાર ઘીમાં રે, હરિ મેં ઝબકોળી ...૨૩

તલસાંકળી સુંદર રે, બીજી ગળપાપડી,
ગાંઠિયા ને કળી રે, ત્રીજી ફૂલવડી ...૨૪

ભજિયાં ને વડાં રે, સુંદર દહીંથરિયાં,
વઘાર્યા ચણા રે, માંહી મીઠું મરિયાં ...૨૫

ગુંજા ને મઠિયાં રે, ફાફડા ફરસા છે,
અળવી આદાનાં રે, ભજિયાં સરસાં છે ...૨૬

કંચન કટોરે રે, પાણી પીજો જી,
જે જે કાંઈ જોઈએ રે, માગી લેજો જી ...૨૭

રોટલી રસ સાકર રે, જમજો અલબેલા,
રાયણ ને રોટલી રે, ખાંડ કેળાં છેલા ...૨૮


મુરબ્બા કર્યા છે રે, કેરી દ્રાક્ષ તણા,
સુંદરવર જમજો રે, રાખશો મા મણા ...૨૯

કટોરા પૂર્યા રે, સુંદર શાકોના,
કેટલાંક ગણાવું રે, છે ઝાઝાં વાનાં ...૩૦

સૂરણ તળ્યું છે રે, સુંદર ઘી ઝાઝે,
અળવી ને રતાળું રે, તળ્યાં છે તમ કાજે ...૩૧

મેં પ્રીત કરીને રે, પરવળ તળિયાં છે,
વંતાક ને વાલોળ રે, ભેળાં ભળિયાં છે ...૩૨

કંકોડાં કોળાં રે, કેળાં કારેલાં,
ગલકાં ને તુરિયાં રે, રૂડાં વઘારેલાં ...૩૩

ચોળા વાલોળો રે, પ્રીત કરી તળિયો,
દૂધિયાં ને ડોડાં રે, ગુવારની ફળિયો ...૩૪

લીલવા વઘાર્યા રે, થયા છે બહુ સારા,
ભીંડાની ફળીઓ રે, તળિયો હરિ મારા ...૩૫

ટાંકો તાંદળજો રે, મેથીની ભાજી,
મૂળા મોગરીઓ રે, સૂવાની તાજી ...૩૬

ચણેચી ડોડી રે, ભાજી સારી છે,
કઢી ને વડી રે, સુંદર વઘારી છે ...૩૭

નૈયાનાં રાયતાં રે, અતિ અનુપમ છે,
મીઠું ને રાઈ રે, માંહી બે સમ છે ...૩૮

કેટલાંક ગણાવું રે, પાર તો નહિ આવે,
સારું સારું જમજો રે, જે તમને ભાવે ...૩૯

ખારું ને મોળું રે, હરિવર કહેજો જી,
મીઠું મરી ચટણી રે, માગી લેજો જી ...૪૦

અથાણાં જમજો રે, સુંદર સ્વાદુ છે,
લીંબુ ને મરચાં રે, આંબળાં આદુ છે ...૪૧

રાયતી ચીરી રે, કેરી બોળ કરી,
ખારેક ને દ્રાક્ષમાં રે, નાખ્યાં લવિંગ મરી ...૪૨

કેરાં ને કરમદાં રે, તળી છે કાચરીઓ,
બીલાં સહુ સારાં રે, વાંસ ને ગરમરીઓ ...૪૩


પંખાળીના ભાતમાં રે, સુંદર સુગંધ ઘણો,
એલાયચીનો પીરસ્યો રે, આંબા મો'ર તણો ...૪૪

મેં કઠણ કરી છે રે, દાળ હરિ તુવેરની,
પાતળી પીરસી છે રે, દાળ હરિ મસુરની ...૪૫

મગ ને અડદની રે, કરી છે ધોઈને,
ચોળા ચણાની રે, ઘીમાં કરમોઈને ...૪૬

દાળ ને ભાત જમજો રે, તમને ભાવે છે,
ચતુરાઈએ જમતાં રે, પ્રીતિ ઉપજાવે છે ...૪૭

દહીં ને ભાત જમજો રે, સાકર નાખી છે,
દૂધ ને ભાત સારુ રે, સાકર રાખી છે ...૪૮

દૂધની તર સાકર રે, ભાત જમો પહેલાં,
સાકર નાખીને રે, દૂધ પીઓ છેલા ...૪૯

જે જે કાંઈ જોઈએ રે, તે કહેજો અમને,
કાંઈ કસર રાખો તો રે, મારા સમ છે તમને ...૫૦
 
જીવન જમીને રે, ચળું કરો નાથ,
ચંદન ગારેશું રે, ધોવરાવું હાથ ...૫૧

તજ એલચી જાયફળ રે, જાવંતરી સારી,
કાથો ને ચૂનો રે, સારી સોપારી ...૫૨

નાગરવેલીનાં રે, પાન લાવી પાકાં,
ધોઈને મૂક્યાં છે રે, અનોપમ છે આખાં ...૫૩

માંહી ચૂરણ મેલી રે, બીડી વાળી છે,
લલિત લવિંગની રે, ખીલી રસાળી છે ...૫૪

મુખમાં હું મેલું રે, બીડી પ્રીત કરી,
આરતી ઉતારું રે, પ્રભુજી ભાવ ભરી ...૫૫

ફૂલસેજ બિછાવું રે, પોઢો પ્રાણપતિ,
પાવલિયા ચાંપું રે, હૈડે હરખ અતિ ...૫૬

થાળ ગાયો પ્રીતે રે, ધર્મકુળ મુગટમણિ,
આપો પ્રેમાનંદને રે, પ્રસાદી થાળ તણી ...૫૭