આજ અલબેલો બાઈ મારે મંદિરે પધાર્યા

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આજ અલબેલો બાઈ મારે મંદિરે પધાર્યા
પ્રેમાનંદ સ્વામીઆજ અલબેલો બાઈ મારે, મંદિરે પધાર્યા,
વા'લાજીએ બાઈ મારાં કારજ સાર્યાં રે... આજ ટેક

થોડું થોડું હસતા, બોલતા મીઠી વાણી,
ગુણવંત આવ્યા ગોપિયુંનાં, ચિત્તડાંને તાણી રે... આજ ૧

આવી રે આંગણીએ ઊભા, (વા'લો) આળસડું મોડે,
વા'લપ વધારી વા'લો મુજ, સાથે પ્રીત જોડે રે... આજ ૨

પ્રીતડી કરીને વા'લે, અધર રસ પીધો,
જનમ સુફળ બાઈ મારો, હરિવરે કીધો રે... આજ ૩

હરિવર મળિયા, આનંદ ઓઘ વળિયા,
પ્રેમાનંદનો સ્વામી આજ, અઢળક ઢળિયા રે... આજ ૪