લખાણ પર જાઓ

આજ મારે ઓરડે રે

વિકિસ્રોતમાંથી
આજ મારે ઓરડે રે
પ્રેમાનંદ સ્વામી


પદ ૨૦૦૩ મું - રાગ ગરબી

આજ મારે ઓરડે રે, આવ્યા અવિનાશી અલબેલ;
બાઈ મેં બોલાવિયા રે, સુંદર છોગાવાળો છેલ... ૧
નીરખ્યા નેણાં ભરી રે, નટવર સુંદર શ્રી ઘનશ્યામ;
શોભા શી કહું રે, નીરખી લાજે કોટિક કામ... ૨
ગૂંથી ગુલાબના રે, કંઠે આરોપ્યા મેં હાર;
લઈને વારણાં રે, ચરણે લાગી વારંવાર... ૩
આપ્યો મેં તો આદરે રે, બેસવા ચાકળિયો કરી પ્યાર;
પૂછ્યા પ્રીતશું રે, બાઈ મેં સર્વે સમાચાર... ૪
કહોને હરિ ક્યાં હતા રે, ક્યાં થકી આવ્યા ધર્મકુમાર;
સુંદર શોભતા રે, અંગે સજિયા છે શણગાર... ૫
પહેરી પ્રીત શું રે, સુરંગી સૂંથણલી સુખદેણ;
નાડી હીરની રે, જોતાં તૃપ્ત ન થાયે નેણ... ૬
ઉપર ઓઢિયો રે, ગૂઢો રેંટો જોયા લાગ;
સજની તે સમે રે, ધન્ય ધન્ય નીરખ્યા તેનાં ભાગ્ય... ૭

મસ્તક ઉપરે રે, બાંધ્યું મોળીડું અમૂલ્ય;
કોટિક રવિ શશી રે, તે તો નાવે તેને તુલ્ય... ૮
રેશમી કોરનો રે, કરમાં સાહ્યો છે રૂમાલ;
પ્રેમાનંદ તો રે, એ છબી નીરખી થયો નિહાલ... ૯