આત્મવૃત્તાંત/કુટુંબ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
મણિલાલ નભુભાઇ દ્વિવેદીનું આત્મવૃત્તાંત
કુટુંબ
મણિલાલ દ્વિવેદી
૧૯૭૯
શાળા, શેરી અને સોબત →


૧. કુટુંબ


મારૂં કુટુંબ નડીયાદમાં ક્યાંથી આવ્યું હશે તે મને ખબર નથી, પણ તેની પાંચ સાત પેઢી નડીયાદમાં જ થએલી એમ મારા સમજવામાં છે. મારા દાદા દવે ભાઈલાલ ગણપતરામને ત્રણ દીકરા ને એક દીકરી હતાં. સાઠોદરા નાગરના વેદપુરુષ અથવા બ્રાહ્મણ વર્ગમાં અમારું કુટુંબ હતું. બીજા નાગરોમાં ગૃહસ્થ અને બ્રાહ્મણો વચ્ચે જે તફાવત હોય છે તે અમારી જ્ઞાતિમાં નથી. અન્યોન્ય કન્યા આપવાલેવાનો રીવાજ મૂળમાં ઘણે હશે એમ હાલમાંની મારી ગૃહસ્થો સાથેની સગાઈથી હું ધારું છું. હાલમાં રીવાજ બંધ છતાં પણ મારા કાકાની દીકરી ગૃહસ્થને ઘેર પરણેલી છે. જમવા ખાવામાં પણ બ્રાહ્મણો ફક્ત પુણ્યસંબંધમાં જ ગૃહસ્થને ઘેર જમે ને ગૃહસ્થ બ્રાહ્મણને ઘેર કદી નહિ, એમ તો હાલ પણ નથી. અન્યોન્ય વ્યવહારથી જ સર્વે એક એકને ત્યાં જમે જમાડે છે. ત્યારે અમારું બ્રાહ્મણપણું ફક્ત એટલામાં જ કે શ્રૌત સ્માર્ત કર્મ કરાવી અમે દક્ષણા લઈએ; તથા અમારા વંશપરંપરાના અમુક યજમાન હોય તેમને ક્રિયામાત્ર કરાવીએ. નડીયાદમાં ગૃહસ્થ લોકે મારી ઇર્ષ્યા કરવામાં ને હું બ્રાહ્મણ માટે કોઈક અધમ જીવ એમ સમજવા સમજાવવામાં બાકી રાખી નથી માટે આ ખુલાસો કરી જાઉં છું; તે ઉપરાંત એમ પણ વાંચનારને સમજવા માટે જણાવું છું કે અમે બ્રાહ્મણો ફક્ત અમારી જ્ઞાતિના ગૃહસ્થની જ દક્ષણા લઈ કર્મ કરાવીએ. પણ નડીયાદના ગૃહસ્થો તો કડીયા, કુંભાર, કણબી વગેરેનું ગોરપદું અદ્યાપિ કરે છે. છતાં માણસની મગરૂરીને કાંઈ સીમા નથી! અમારે વંશપરંપરાથી યજમાનમાં ફક્ત એક કે બે ઘર ને તે પણ સહીઆરાં હોવાથી મારા દાદાના સમયથી જ કે તે પહેલાં પણ મારા કટુંબમાં કોઈ શ્રૌત ગૃહ્યાદિ કર્મ ભણી કુશલ થયેલું મારા જાણવામાં નથી. બ્રાહ્મણને યોગ્ય સંધ્યાદિ સર્વ જાણીએ પણ બીજી વાત કોઈને ખબર નહિ. આમ થવાથી અમારી મુખ્ય વૃત્તિ નોકરી વેપાર સિવાય બીજી ન હતી. મારા દાદા નડીયાદમાં ફોજદાર હતા અને સુરત જિલ્લામાં કહીં મામલતદાર થવાના હતા તેવામાં નોકરી મુકી એમ મારા જાણવામાં છે. પોતે નોકરી મુકી ત્યારે વડા દીકરા હરિભાઈને તે જગા અપાવેલી, જેણે તે જ રીતે પોતાનાથી નાના ભાઈ હરસદરાયના વડા દીકરાને તે જગા સોંપાવેલી, તે તે અદ્યાપિ ભોગવે છે. આ વખતમાં મારા દાદાએ બહુ સારી આબરૂ મેળવેલી. ને ગામમાંના સર્વ મોહોટા માણસો સાથે ઘરવટ રાખેલી તથા બ્રાહ્મણ વર્ગ, જે પોતાનો, તેની દ્વેષબુદ્ધિથી ગૃહસ્થોમાં છેક સગાઈ જેવો નાતો ઘણે ઠેકાણે કરી દીધેલો. નાતમાં પણ ખરચખુટણમાં તેમણે પહેલો નંબર મેળવેલો એમ મારી જ્ઞાતિના વૃદ્ધ ગૃહસ્થોના બોલવા પરથી મને સમજાય છે. કહે છે કે અમારી નાતમાં કોઈ મરણખર્ચ પ્રસંગે વાપરવું હોય ત્યારે ચાણોદ કરનાળી વગેરેના બ્રાહ્મણોને તેડવા અને તે જે સો બસો આવે તે દરેકને રૂ. ૪-૫ દક્ષણા આપવી એ રીવાજ પ્રથમ મારા દાદાનો કે તેમના મરણ પછી તેમના દીકરાઓનો પાડેલો છે. ખોટો કે ખરો પણ તે વડે એમની તે જમાનામાં પ્રતિષ્ઠા ઘણી થઈ ગણાય છે. ભાઈલાલ દવેની આબરૂની પરીક્ષા મને પણ એક પ્રસંગે થઈ હતી. હું ૧૮૭૫માં મુંબઈ ગયો ત્યારે પરનાતીનું જમતો નહિ. નડીયાદના પ્રસિદ્ધ ફર્સ્ટક્લાસ વતનદાર દેસાઈ રાવબહાદુર વિહારીદાસ અજુભાઈ પણ તે વખત ત્યાં હતા. તેમના નાના દીકરા સાથે હું સ્કુલમાં ભણતો એટલે તેના સહાધ્યાયી તરીકે મને ઓળખતા. પરનાતીનું હું ન જમતો એ વાત સંબંધે તેમણે કહ્યું કે તારી નાતના બધા જમે છે. એક ભાઈલાલ દવે ન જમતા. મેં કહ્યું કે હું તેનો પૌત્ર છું. તે સાંભળી તેમણે જે ઘરવટ દાખવી તથા મારા પર ભાવ બતાવ્યો તેથી મને ઘણો આનંદ થયો હતો.

મારા પિતા નભુભાઈ એ સર્વથી નાના ભાઈ હતા. તેમના પિતાનો તેમના પર ભાવ સારો હતો. તેમના મરણ પછી ત્રણે ભાઈ જુદા રહેતા. ભાગની વ્યવસ્થા તેમના પિતાએ જ કરેલી હતી. દરેકને લગભગ ૨૦૦૦નું એકેક ઘર તથા આશરે ૪-૫ હજાર રોકડ અને ૧૦૦૦ સુધીનાં ઘરેણાં વાસણ તથા બેત્રણ હજારની ઉઘરાણી એમ આપેલું મારા સ્મરણમાં કોઈ જુના દસ્તાવેજ પરથી છે. દાદાએ પોતાની દીકરી ગુજરી ગયેલી તેની દીકરીને પરણાવી તથા તેને પણ પોતાના દિવસ ધણી ન હોય તોપણ નીકળે તેવો બંદોબસ્ત કરી આપ્યો અને ધણી છતે પણ પાળતા. તે બિચારી થોડા જ સમયમાં ડોસા મુવા પછી રાંડેલી છે તે હાલ હયાત છે. દાદાએ એક સંઘ કાઢી કાશી તથા ઉત્તર હિન્દુસ્તાનની જગન્નાથ સુધી જાત્રા કરેલી. આ બધું જોતાં તેમણે દ્રવ્ય ઠીક સંપાદન કર્યું જણાય છે; ને આજે પણ દરેક ભાઈને ત્રાજુવે રૂપૈયા વ્હેંચી આપેલા છે એમ નાતમાં કહેવાય છે તે વાત કાંઈક સંભવિત છે.

દવેનું કુટુંબ અમારામાં પ્રતિષ્ઠિત અને કુલવાન્ ગણાય છે. મારા પિતા બે વાર પરણેલા હતા, તેમજ મારા એક કાકા પણ. મારા પિતાનાં પ્રથમ લગ્ન જે સ્ત્રી સાથે થયેલાં તે સ્વભાવે ખરાબ હતી. અને તેને સંતાન ન હતું એ મેં સાંભળ્યું છે. આ બીના યાદ રાખવા જેવી છે કેમકે મારાં લગ્ન, જે ઘણાં કમનસીબ નીવડેલાં જણાશે, તે પણ એ જ સ્ત્રીની ભાણેજ-બેહેનની દીકરી- સાથે થયેલાં છે. મારાં માતુશ્રી મારા પિતાનાં બીજી વારનાં પત્ની છે.

મારાં માતુશ્રીના બાપ સારા પ્રતિષ્ઠિત તથા ઉદાર હતા. તેમનો વહેપાર આસપાસનાં ગામડાંમાં ગરાસીઆ, કોળી વગેરેમાં હતો. થોડી જમીન પણ તેમને હતી ને તે સર્વની ઉપજમાં તેમનું ગુજરાન બહુ સારી રીતે નભતું. તેમને ઘેર ગાય ભેંસ વગેરે ઢોર રહેતાં અને ચઢવાને ઘોડી પણ રાખતા. તેમને મેં જોયા નથી પણ તેમનાં પત્ની જેને મેં મારાં મા માનેલાં હતાં ને જેના હાથમાં હું ઉછર્યો હતો તે ઘણાં ઉદાર, માયાળુ ને ભલા દીલનાં હતાં. આમને ત્રણ દીકરી ને ત્રણ દીકરા હતાં. ત્રણે દીકરા વ્યસની, અભણ અને તેથી ઘણા સ્વચ્છંદી તથા મિજાજી પણ દિલે ઉદાર રહ્યા. મારા પર એ સર્વેનું હેત ઘણું હતું કે મને હાથમાં ને હાથમાં રાખતાં – સિવાય કે એક મારા મ્હોટા મામા અને મ્હોટી માસી. મ્હોટા મામા સિવાય કોઈ પરણેલું ન હતું. તેમની સ્ત્રી ઘણી ખરાબ હતી. તેને સંતાન થયાં – પણ હાલ તે સ્ત્રી કે સંતાન કોઈ હયાત નથી. મારી નાની માસીનું મને સ્મરણ નથી. તે મારા બાલપણમાં જ મરી ગઈ. મ્હોટી માસી પણ સંતાન વિના અમદાવાદ પોતાને સાસરે ધણી પછી મરી ગયાં તે મને યાદ છે. મારા મોસાળમાં હાલ ફક્ત મ્હોટા મામા હયાત છે બાકી કોઈ નથી. આમ જોતાં મારા મોસાળ પક્ષમાં મારા વિના કોઈ બાલક ન હોવાથી સર્વેનું હેત મારા પર રહે એ સ્વાભાવિક છે. મારાં વડાં માને બે બહેનો હતી તેની પ્રજા પણ હાલ બહોળી છે.

મારા મ્હોટા કાકાને એક દીકરો ને એક દીકરી હતાં. દીકરો સ્વભાવે બાયલો હતો તે તેના તેવા જ મિજાજમાં આપઘાતથી મરી ગયો. તેનો એક પુત્ર છે. મારા કાકાની દીકરી પણ હયાત છે. કાકા પોતે તથા કાકી હાલ હયાત નથી. મારા વચલા કાકાને પ્રથમ સ્ત્રીથી પુત્ર ૧ તે હયાત છે ને બાપ સાથે ન બનવાથી મોસાળમાં રહે છે. તેને પ્રજા કોઈ હયાત નથી. જાતે સરકારી નોકરીમાં તલાટી છે, ગામમાં પ્રતિષ્ઠિત છે, પણ ગર્વિષ્ઠ તથા અદેખા સ્વભાવનો છે. બીજી સ્ત્રીથી તે કાકાને જે પ્રજા થઈ તેમાં ત્રણ પુત્ર ને એક પુત્રી હયાત છે. કાકા ને તેમની બીજી પત્ની પણ હયાત છે. મારા પિતાને જે પ્રજા થઈ તેમાં હું તથા એક દસ વર્ષનો મારો ભાઈ બે હયાત છીએ.