લખાણ પર જાઓ

આત્મવૃત્તાંત/પુત્રોનાં જનોઈ

વિકિસ્રોતમાંથી
← વીલ કર્યું મણિલાલ નભુભાઇ દ્વિવેદીનું આત્મવૃત્તાંત
પુત્રોનાં જનોઈ
મણિલાલ દ્વિવેદી
૧૯૭૯
પ્રેમ અને પ્રવૃત્તિ →


૨૦. પુત્રોનાં જનોઈ


તારીખ ૧૧-૪-૯૧
નડીઆદ
 

વ્યવહાર બાબતમાં જાણવાજોગ એટલું જ છે કે તા. ૨૧-૩-૯૧ને રોજ પેલી રંડાને નાત બહાર મુકાવવા બ્રાહ્મણોએ ઠરાવ કર્યો. સબબ એવો બન્યો કે એ રાંડ તથા માધવલાલ અથવા ફલીઓ તે બે જે અહીં ભેગાં રહેતાં હતાં તે નાશી ગયાં. લોકમાં એમ કહેવાય છે કે એ ફુલીઆની માને દીનશા કરીને એક મામલતદાર અત્રે હતો તેણે રાખેલી, ને તે જ દીનશા હાલ છોટાઉદેપુર દીવાન છે તેથી તેણે ફુલીઆની માને નોકરી આપી આ રાંડને પોતાના ઉપયોગ માટે મગાવી લીધી. ખાનગી તપાસથી સમજાય છે કે છે પણ ત્યાં જ. આ કારણથી બ્રાહ્મણોએ “અંબાલાલ રવીશંકરની દીકરી” તથા એ ફલીઆને નાતબહાર મૂકાવવા ઠરાવ કરી તે ઠરાવ તા. ૩૦-૩-૯૧ને રોજ આખી નાતમાં રજુ કર્યો. 157 ઉપરથી આખી નાતે એ ઠરાવે મંજુર કરી બન્નેને નાતબહાર મૂક્યાં અને વિશેષમાં જે તાળુ પૂર્યાની હકીકત આગળ મેં નોંધી છે તે પણ કારણરૂપે ઉમેરી. હું ધારું છું કે આ રાંડ સાથેના મારા સંબંધરૂપી નાટકનો આ છેલો જ પ્રવેશ હો!

મારા બે છોકરાને જનોઈ દેવાની વ્યવસ્થા ચાલે છે. જનોઈ વૈશાખ એટલે મે મહીનામાં દેવાનું છે. છોકરા તથા મારો ભાઈ તેમને નાતમાં કહી પણ કન્યાનો સંભવ નથી. કુલ, પહેરામણી, વગેરે આગળ જે જે અમારૂં હતું તેનો હવે હીસાબ નથી, કેમકે પૈસા ખર્ચા વિના કન્યા મળતી નથી. હું ત્રણને માટે ત્રીસ હજાર રૂપીઆ આપી શકું એવી મારી શક્તિ નથી, તેમ કદાપિ શક્તિ હોય તો પણ કન્યાનું જડ સરખું પણ વિદ્યમાન નથી, સબબ કે આગળ ગૃહસ્થો બ્રાહ્મણને કન્યા આપતા એ વહીવટ હાલ કેવલ બંધ છે, શુરૂ થાય તેવો સંભવ નથી, અને બ્રાહ્મણોમાં તો કન્યા જ નથી. આવા વિચારથી છોકરાંને પરણાવવાની મોટી અડચણ થઈ આવી છે. વળી તેમને કુંવારાં રાખવામાં અનેક હરત છે. મારા પોતાના અનુભવથી તેમ બીજાનાં દૃષ્ટાંતથી એક વાતનો મને નિશ્ચય થયો છે કે પુરુષાતન યોગ્ય વયનું થતાં માણસ જો સ્ત્રીસમાગમ ન પામે તો તે કુછંદી થઈ જાય છે. આ એક મહા અનર્થ છે. ખાવાપીવા કરી આપનાર ન હોય તેથી દુઃખી થાય તે વાત તો એક જુજ છે, પણ આ અનર્થ બહુ ભયંકર છે. અને એનાથી સ્ત્રીસમાગમની મૃદુ અસરને અભાવે, માણસ ઋક્ષ, સ્વછંદી, બેદરકાર અને કુછંદી થઈ જઈ આત્મલાભ વણસાડે છે. બહુ બલિષ્ઠ સંસ્કાર હોય તો જ સીધો રહી શકે છે, કે બગડીને ઠેકાણે આવે છે. મારા ભાઈ તથા છોકરાંને આવા ભયમાંથી બચાવવા માટે યત્નવાન થવું, જો કે ખરૂં નિમિત્ત તો તેમનું પ્રારબ્ધ છે. એ મારી ફરજ છે એમ સમજીને મેં નિશ્ચય કર્યો છે કે બાયડમાં છોકરાંને પરણાવવાં, અને નાતને વળગી રહેવું નહિ. એ બાબત ઠરઠરાવ પાકે પાયે કરેલા છે અને હાલ મારા ભાઈનો તથા મહોટા છોકરાનો વિવાહ કરી, રૂ. ૫૦૦) આપ્યા છે. પ્રત્યેક કન્યાએ રૂ. ૨૦૦૦) બધા મળી ખરચ થવાના એવો ઠરાવ છે. રૂ. પ૦૦ની યોગ્ય પહોચ લીધી છે. વ્યવહારમાં પ્રતિષ્ઠા વધે એવો એક બનાવ એ થયો છે કે મને અત્રેના ઓનરરી માજીસ્ટ્રેટની બેંચમાં હાલ નીમ્યો છે. મેં ઘણી ના કહી છતાં નીમ્યો કેમકે હું જ એ બેંચ બાબત કેટલીક હરકતો સરકારને બતાવવા બેઠો હતો. ધારું કે મારાથી એમાં વખત બગાડાશે નહિ અને મારે રાજીનામું આપવું પડશે. સરકારથી જે ગ્રેચ્યુઈટી મળનાર હતી તેના રૂ. ૧૫૦૦) આવી ગયા છે.

ઉપજીવિકાની બાબતમાં વડોદરાનું કામ ષડ્દર્શનસમુચ્ચય પુરૂં થઈ ગયું. તેના રૂ. ૧૬૦૦) મળશે. પણ હજુ વડોદરામાં નક્કી વાત થઈ નથી. યાદી વગેરે લખાઈ ગયા છતાં વિલંબ થયાં જાય છે એ પ્રારબ્ધ ! કચ્છથી ઠરાવ ત્રણ વર્ષ માટે પ્રતિમાસ રૂ. ૧૦૦)નો આવી ગયો. તેમને ઇન્ડક્ટીવ લોજીકની વાત પસંદ ન પડતાં તેઓ કાંઈ બીજા ગ્રંથની યુક્તિ માગે છે તે બાબત વિચારી તેમને જણાવીશ. સોસાઇટીવાળું ડીડક્ટીવ લોજીક લખાય છે. વડોદરા કન્યાશાળાની પુસ્તકમાળાને મેં તકરાર થવાથી પાછી ખેંચી લીધી હતી, પણ તેમાં છેવટને ભાગે રા. હરગોવનદાસે બહુ આગ્રહ કર્યો તથા મારી મરજીને પણ કાંઈક અનુસર્યા તેથી તે પુસ્તકમાલાને જરા સુધારાવધારી ફરી મોકલવી ઠરી છે. તેનું કામ ચાલે છે. ઇંગ્લંડથી બરટ્રામ કીટલી નામનો એક ગૃહસ્થ મદ્રાસ થીઓસોફીકલ સોસાઈટીના મુખ્ય સ્થાને આવ્યો છે. તેની મારા ઉપર સારી મમતા છે. તેણે ઓનરેબલ સુબ્રહ્મણ્ય આયર તરફથી મને બહુ આગ્રહ કરી માણ્ડુક્યોપનિષદ્ તથા ભાષ્ય અને કારિકાનું ભાષાન્તર કરવાનું આપ્યું છે. રૂ. ૩૫૦) ઠર્યા છે અને પ્રથમાવૃત્તિ પછીનો કોપીરાઈટ મારો છે એવો ઠરાવ છે. એ ઉપરાંત વળી અમેરિકાથી જજસાહેબે લખ્યું છે કે મહીને ૩૦ ડોલર આપીશું અને તમારે નાનાં બે ચોપાનીઆં દર માસે ધર્મતત્ત્વવિચારાદિ બાબત લખી મોકલવાં. એ વાત મેં સ્વીકારી છે, કેમકે તે વાત હું સ્વીકારૂં તેના માટે તેણે બહુ આગ્રહ કર્યો છે તથા બીજા મિત્રોની ભલામણ કરાવી છે. પણ હાલમાં બરટ્રામ કીટલી લખે છે કે એ યોજના માટે માણસ બંધાય તે મદ્રાસ રહે તો ઠીક એટલે આ વાત તો મારાથી બને નહિ, તેથી મેં તેને લખ્યું છે કે જજનો વિચાર તેવો જણાતો નથી તેથી મેં હા કહી છે, પણ જો તમારે તે રીતે એ વિચારનો ઉપયોગ કરવો હોય તો મેં હા કહી છે છતાં તે વાત ઉપરથી મારો હાથ ઉઠાવું છું. હવે જે થાય તે ખરૂં. લંડનના “લ્યુસીફર"માં રાજયોગ તથા યોગસૂત્રની બહુ જ પ્રશંસા થઈ છે. અને રૂ. ૧૧૦)ના 'રાજયોગ' પુસ્તક પણ તુરત વેચાયાં છે. સ્ટોકહોમવાળી કોન્ગ્રેસમાં મેં જે "પુરાણ” બાબત પેપર મોકલ્યો હતો તે મેક્ષમ્યુલરની વિરૂદ્ધ હતો માટે જ દાબી દેવામાં આવ્યો એમ હમણાં મી. મીડ તરફથી મને નિશ્ચય જણાયું છે અને તે પેપર લ્યુસીફરમાં છપાય છે. “ઈન્ડીઅન એકેડેમી” એ નામનું એક અંગરેજી ત્રિમાસિક કેવલ તત્ત્વજ્ઞાનની ચર્ચા માટે કાઢવું એમ ઈચ્છા થઈ છે, તે માટે વિલાયત, અમેરિકા, તથા અત્ર, એમ સર્વસ્થલે મિત્રોની સલાહ લેવા માંડી છે, જો ત્રણસે ઘરાક થશે તો કાઢીશું.

સુદર્શન સારૂં ચાલે છે. આ વર્ષે તેમાં નફો કાંઈક ૧૦૦-૫૦ રહેશે અને પાછલી ખોટ પુરી થશે. સુધારાવાળા હાલમાં બહુ ઉપડ્યા છે, પણ લોકની વૃત્તિ તેમના તરફ વળતી જણાતી નથી. તેમનો ને મારો વિવાદ બહુ ચાલે છે. તેમાં કેટલાક મધ્યસ્થ વિદ્વાનોએ પોતાની સ્વત:પ્રેરણાથી મારો બચાવ કરવાનું લખાણ ઉપાડી લીધું છે.

“અધ્યાત્મમંડલ” એ નામે એક સભા સ્થાપી છે, તેમાં બે વિભાગ રાખ્યા છે. એક બાહ્ય તે તો થીઓસોફીકલ સોસાઈટી જેવો જ, પણ ગુજરાતીમાં; અને બીજો તે કેવલ યોગાભ્યાસાદિ માટે, જેમાં પ્રતિજ્ઞા ઉપર જ દાખલ કરી શકાય. બને મંડલમાં ગુરુશિષ્ય કાંઈ નહિ, અને સર્વ સમાન. ઉભયમાં ઘણાક ગૃહસ્થો દાખલ થાય છે.

અભ્યાસમાં હાલ કેન્ટ અને તત્ત્વ સંબંધી વાદગ્રંથોનું મનન ચાલે છે. જે નિત્યક્રમ છે તે ચાલે છે, ને તેમાં સપ્તશતી પાછી ચલાવી છે. હાલમાં તો બાળાનો જપ, અને સપ્તશતી, તથા શ્રીયંત્રની પૂજા એ આદિનું ફલ અપૂર્વ જણાવા લાગ્યું છે.

મારા મિત્રવર્ગમાં બહુ સારો ભાવ ચાલ્યાં જાય છે. લોકોમાં તો મારા વિચાર ઉપર બહુ જ રુચિ પ્રવર્તી છે. મારા મિત્રોમાં જે છોટાલાલ વજુભાઈ છે તેણે પ્રેમની પરાકાષ્ઠાનું કામ સાધ્યું છે. હું સમજતો નથી કે તે મેં સ્વીકાર્યું તેમાં સારૂં કર્યું કે ખોટું પણ તેણે તેની સ્ત્રીને કાંઈ પણ સંકોચ વિના મારી કરી આપી છે, અને અમે ત્રણે એક જ હોઈએ તેમ તેણે કર્યું છે. હું આ માટે તેનો નિરંતર દાસ છું, પ્રેમથી બાંધેલો છું, પણ એ થવાથી એક મહાલાભ મેં એ સાધ્યો છે કે મારી આ બાબતમાં જે નઠારી ચંચલ વૃત્તિ છે તેને બીલકુલ ઠેકાણે લાવવી. સંકલ્પ કર્યો છે કે કોઈ સ્ત્રી તરફ હવે વૃત્તિ જવા દેવી નહિ, જ્યારે વર્ષે છ મહીને બે વર્ષે આ કહી તે સ્ત્રી મળે ત્યારે તે વાત, મરજી હોય તો કરવી – મારાથી આ મિત્રને માટે જે થઈ શક્યું છે તે ઉપરાંત શું થાય છે તે મારે નિરંતર કાળજીથી વિચારવાનું છે.