આત્મસિદ્ધિ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આત્મસિદ્ધિ
શ્રીમદ્ રાજચંદ્ર
શાસ્ત્ર


જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુ:ખ અનંત,
સમજાવ્યું તે પદ નમું — શ્રી સદગુરુ ભગવંત. ૧.

વર્ત્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લોપ,
વિચારવા આત્માર્થિને, ભાખ્યો અત્ર અગોપ્ય. ૨.

કોઈ ક્રિયા-જડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ,
માને મારગ મોક્ષનો, કરૂણા ઊપજે જોઈ. ૩.

બાહ્ય ક્રિયામાં રાચતા, અંતર ભેદ ન કાંઈ,
જ્ઞાનમાર્ગ નીષેધતા, તેહ ક્રિયાજડ આંઈ. ૪.

બંધ મોક્ષ છે કલ્પના, ભાખે વાણી માંહિ,
વર્ત્તે મોહાવેશમાં, શુષ્કજ્ઞાનિ તે આંહિ. ૫.

વૈરાગ્યાદિ સફળ તો, જો સહ આતમજ્ઞાન,
તેમજ આતમજ્ઞાનની, પ્રાપ્તિતણાં નિદાન. ૬.

ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન,
અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજભાન. ૭.

જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ,
ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ. ૮.

સેવે સદગુરુ ચરણને, ત્યાગી દઈ નિજપક્ષ,
પામે તે પરમાર્થને, નિજપદનો લે લક્ષ. ૯.

આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ,
અપૂર્વ વાણી પરમશ્રુત, સદગુરુ લક્ષણ યોગ્ય. ૧૦.

પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર,
એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર. ૧૧

સદગુરુના ઉપદેશવણ, સમજાય ન જિનરૂપ,
સમજ્યા વણ ઉપકાર શો, સમજ્યે જીનસ્વરૂપ. ૧૨

આત્મવાદી અસ્તિત્વનાં, જેહ નિરૂપક શાસ્ત્ર,
પ્રત્યક્ષ સદગુરુ યોગનહિં, ત્યાં આધાર સુપાત્ર. ૧૩

અથવા સદગુરુએ કહ્યાં, જે અવગાહન કાજ,
તે તે નિત્ય વિચારવાં, કરી મતાંતર ત્યાજ. ૧૪

રોકે જીવ સ્વછંદ તો, પામે અવશ્ય મોક્ષ,
પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ. ૧૫

પ્રત્યક્ષ સદગુરુ યોગથી, સ્વછંદ તે રોકાય,
અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણો થાય. ૧૬

સ્વછંદ મત આગ્રહ તજી, વર્તે સદગુરુ લક્ષ,
સમક્તિ તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ. ૧૭

માનાદિક શત્રૂ મહા, નિજ છંદે ન મરાય,
જાતા સદગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય. ૧૮

જે સદગુરુ ઉપદેશથી, પામ્યો કેવળજ્ઞાન,
ગુરૂ રહ્યા છદ્મસ્થ પણ, વિનય કરે ભગવાન. ૧૯

એવો માર્ગ વિનય તણો, ભાખ્યો શ્રી વીતરાગ,
મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઈ સુભાગ્ય. ૨૦

અસદગુરુ એ વિનયનો, લાભ લહે જો કાંઈ,
મહામોહિની કર્મથી, બુડે ભવજળ માંહિ. ૨૧

હોય મુમુક્ષુ જીવ તે, સમજે એહ વિચાર,
હોય મતાર્થિ જીવતે, અવળો લે નિર્ધાર. ૨૨

હોય મતાર્થિ તેહને, થાય ન આતમલક્ષ,
તેહ મતાર્થિ લક્ષણો અહીં કહ્યા નિર્પક્ષ. ૨૩

બાહ્યત્યાગ પણ જ્ઞાન નહિં, તે માને ગુરૂ સત્ય,
અથવા નિજકુળધર્મના, તેગુરૂમાં જ મમત્વ. ૨૪

જે જિનદેહ પ્રમાણને, સમવસરણાદિ સિદ્ધિ,
વર્ણન સમજે જિનનું, રોકિ રહે નિજબુદ્ધિ. ૨૫

પ્રત્યક્ષ સદગુરુ યોગમાં, વર્ત્તે દ્રષ્ટિ વિમૂખ,
અસદગુરુને દ્રઢ કરે નિજ માનાર્થે મુખ્ય. ૨૬

દેવાદી ગતિભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન,
માને નિજમત વેષનો, આગ્રહ મુક્તિ નિદાન. ૨૭

લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહ્યું વ્રત અભિમાન,
ગ્રહે નહીં પરમાર્થને, લેવા લૌકિક માન. ૨૮

અથવા નિશ્ચય નયગ્રહે, માત્ર શબ્દની માંય,
લોપે સદ્વ્યવહારને, સાધન રહીત થાય. ૨૯

જ્ઞાનદશા પામે નહીં, સાધન દશા ન કાંઈ,
પામે તેનો સંગ જે, તે બુડે ભવમાંહિ. ૩૦

એ પણ જીવમતાર્થમાં, નિજમાનાદી કાજ,
પામે નહીં પરમાર્થને, અન અધિકારીમાજ. ૩૧

નહિં કષાય ઉપશાંતતા, નહિં અંતર વૈરાગ્ય,
સરળપણું ન મધ્યસ્થતા, એ મતાર્થિ દુર્ભાગ્ય. ૩૨

લક્ષણ કહ્યાં મતાર્થિના, મતાર્થ જાવા કાજ,
હવે કહું આત્માર્થિના, આત્મઅર્થ સુખસાજ. ૩૩

આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરૂ હોય,
બાકી કુળ ગુરુ કલ્પના, આત્માર્થિ નહિં જોય. ૩૪

પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિનો, ગણે પરમ ઉપકાર,
ત્રણે યોગ એકત્વથી, વર્તે આજ્ઞાધાર. ૩૫

એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ,
પ્રેરેતે પરમાર્થને, તે વ્યવહાર સમંત. ૩૬

એમ વિચારી અંતરે શોધે સદ્ગુરૂયોગ,
કામ એક આત્માર્થનું બીજો નહીં મનરોગ. ૩૭

કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ,
ભવે ખેદ, પ્રાણીદયા, ત્યાં આત્માર્થનિવાસ. ૩૮

દશા ન એવી જ્યાંસુધી, જીવ લહે નહિ જોગ્ય,
મોક્ષ માર્ગ પામે નહીં, મટે ન અંતરરોગ. ૩૯

આવે જ્યાં એવી દશા, સદગુરુ બોધ સુહાય,
તે બોધે સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. ૪૦

જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજજ્ઞાન,
જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ. ૪૧

ઉપજે તે સુવિચારણા, મોક્ષમાર્ગ સમજાય,
ગુરૂ શિષ્ય સંવાદથી, ભાખું ષટ્પદ આંહિ. ૪૨

'આત્મા છે' 'તે નિત્ય છે', 'છે કર્ત્તા નિજકર્મ',
'છે ભોક્તા' 'વળિ મોક્ષ છે', 'મોક્ષ ઉપાય સુધર્મ'. ૪૩

ષટ્ સ્થાનક સંક્ષેપમાં, ષટ્ દર્શન પણ તેહ,
સમજાવા પરમાર્થને, કહ્યાં જ્ઞાનિયે એહ. ૪૪

નથી દૃષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ,
બીજો પણ અનુભવ નહીં, તેથિ ન જીવસ્વરૂપ. ૪૫

અથવા દેહજ આતમા, અથવા ઈન્દ્રિય, પ્રાણ,
મિથ્યા જૂદો માનવો, નહિં જૂદું એંધાણ. ૪૬

વળિ જો આત્મા હોય તો, જણાય તે નહિં કેમ?
જણાય જો તે હોય તો, ઘટ પટ આદી જેમ. ૪૭

માટે છે નહિં આતમા, મિથ્યા મોક્ષ ઉપાય,
એ અંતર શંકા તણો, સમજાવો સદુપાય. ૪૮

ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન,
પણ તે બંને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. ૪૯

ભાસ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન,
પણ તે બંને ભિન્ન છે, જેમ અસીને મ્યાન. પ૦

જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ,
અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવ સ્વરૂપ. ૫૧

છે ઇંદ્રિય પ્રત્યેકને, નિજ નિજ વિષયનું જ્ઞાન,
પાંચ ઇંદ્રિયના વિષયનું, પણ આત્માનેભાન. પર

દેહ ન જાણે તેહને, જાણે ન ઇંદ્રિય, પ્રાણ,
આત્માની સત્તા વડે, તેહ પ્રવર્તે જાણ. ૫૩

સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય.
પ્રગટ રૂપ ચૈતન્યમય, એ એંધાણ સદાય. ૫૪

ઘટ પટ આદી જાણ તું, તેથી તેને માન,
જાણનાર તે માન નહીં, કહિયે કેવું જ્ઞાન? પપ

પરમબુદ્ધિ કૃષ દેહમાં, સ્થૂળ દેહ મતિ અલ્પ,
દેહ હોય જો આતમા, ઘટે ન આમ વિકલ્પ. પ૬

જડ ચેતનનો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ,
એક પણું પામે નહીં, ત્રણે કાળ દ્વય ભાવ. પ૭

આત્માની શંકા કરે, આત્મા પોતે આપ,
શંકાનો કરનાર તે, અચરજ એહ અમાપ. પ૮

આત્માનાં અસ્તિત્વના, આપે કહ્યા પ્રકાર,
સંભવ તેનો થાય છે, અંતર કર્યે વિચાર. પ૯

બીજી શંકા થાય ત્યાં, આત્મા નહીં અવિનાશ,
દેહ યોગથી ઊપજે, દેહ વિયોગે નાશ. ૬૦

અથવા વસ્તુ ક્ષણીક છે, ક્ષણે ક્ષણે પલટાય,
એ અનુભવથી પણ નહીં, આત્મા નિત્ય જણાય. ૬૧

દેહ માત્ર સંયોગ છે, વળી જડ રૂપી દૃશ્ય,
ચેતનનાં ઉત્પત્તિ લય, કોના અનુભવ દૃશ્ય! ૬૨

જેના અનુભવ દૃશ્ય એ, ઉત્પન્ન લયનું જ્ઞાન,
તે તેથી જુદા વિના થાય ન કેમેં ભાન. ૬૩

જે સંયોગો દેખિયે, તે તે અનુભવ દૃશ્ય,
ઊપજે નહીં સંયોગથી, આત્મા નિત્ય પ્રત્યક્ષ. ૬૪

જડથી ચેતન ઊપજે, ચેતનથી જડ થાય,
એવો અનુભવ કોઈને, ક્યારે કદી ન થાય. ૬૫

કોઈ સંયોગોથી નહીં, જેની ઉત્પત્તિ થાય,
નાશ ન તેનો કોઈમાં, તેથી નિત્ય સદાય. ૬૬

ક્રોધાદી તરતમ્યતા, સર્પાદિકની માંય,
પૂર્વજન્મ સંસ્કાર તે, જીવ નિત્યતા ત્યાંય. ૬૭

આત્મા દ્રવ્યે નિત્ય છે, પર્યાયે પલટાય,
બાળાદી વય ત્રણ્યનું, જ્ઞાન એકને થાય. ૬૮

અથવા જ્ઞાન ક્ષણીકનું, જે જાણી વદનાર,
વદનારો તે ક્ષણિક નહીં, કર અનુભવ નિર્ધાર. ૬૯

ક્યારે કોઈ વસ્તુનો, કેવળ હોય ન નાશ,
ચેતન પામે નાશ તો, કેમાં ભળે તપાસ. ૭૦

કર્ત્તા જીવ ન કર્મનો, કર્મજ કર્ત્તા કર્મ;
અથવા સહજ સ્વભાવ કાં, કર્મ જીવનો ધર્મ. ૭૧

આત્મા સદા અસંગ ને, કરે પ્રકૃતિ બંધ;
અથવા ઈશ્વરપ્રેરણા, તેથી જીવ અબંધ. ૭૨

માટે મોક્ષ ઉપાયનો, કોઈ ન હેતુ જણાય;
કર્મતણું કર્ત્તાપણું, કાં નહીં, કાં નહીં જાય. ૭૩

હોય ન ચેતન પ્રેરણા, કોણ ગ્રહે તો કર્મ,
જડ સ્વભાવ નહીં પ્રેરણા, જુઓ વિચારી મર્મ. ૭૪

જો ચેતન કરતું નથી, નથી થતાં તો કર્મ,
તેથી સહજ સ્વભાવ નહીં તેમ જ નહિં જીવધર્મ. ૭૫

કેવળ હોત અસંગ જો, ભાસત તને ન કેમ?
અસંગ છે પરમાર્થથી, પણ નિજ ભાને તેમ. ૭૬


કર્તા ઈશ્વર કોઈ નહિ, ઈશ્વર શુદ્ધ સ્વભાવ,
અથવા પ્રેરક તે ગણ્યે, ઈશ્વર દોષ પ્રભાવ. ૭૭

ચેતન જો નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ,
વર્તે નહિ નિજભાનમાં, કર્તા કર્મ પ્રભાવ. ૭૮

જીવ કર્મ કર્તા કહો, પણ ભોક્તા નહિ સોય,
શું સમજે જડ કર્મ કે, ફળપરિણામી હોય. ૭૯

ફળદાતા ઈશ્વર ગણ્યે, ભોક્તાપણું સધાય,
એમ કહ્યે ઈશ્વરતણું, ઈશ્વરપણું જ જાય. ૮૦

ઈશ્વર સિદ્ધ થયા વિના, જગત નિયમ નહિં હોય,
પછી શુભાશુભ કર્મનાં, ભોગ્ય સ્થાન નહિં કોય. ૮૧

ભાવકર્મ નિજ કલ્પના, માટે ચેતનરૂપ,
જીવ વીર્યની સ્ફૂરણા, ગ્રહણ કરે જડધૂપ. ૮૨

ઝેર સુધા આજે નહીં, જીવ ખાય ફળ થાય,
એમ શુભાશુભ કર્મનું, ભોક્તાપણું જણાય. ૮૩

એક રાંકને એક નૃપ, એ આદી જે ભેદ,
કારણ વિના ન કાર્ય તે, તેજ શુભાશુભ વેદ્ય. ૮૪

ફળદાતા ઈશ્વરતણી, એમાં નથી જરૂર,
કર્મ સ્વભાવે પરિણામેં, થાય ભોગથી દૂર. ૮૫

તે તે ભોગ્ય વિશેષના, સ્થાનક દ્રવ્ય સ્વભાવ.
ગહન વાત છે શિષ્ય આ, કહિ સંક્ષેપે સાવ. ૮૬

કર્તા ભોક્તા જીવ હો, પણ તેનો નહિં મોક્ષ,
વીત્યો કાળ અનંત પણ, વર્તમાન છે દોષ. ૮૭

શુભ કરે ફળ ભોગવે, દેવાદી ગતિમાંય,
અશુભ કરે નર્કાદિફળ, કર્મ રહીત ન ક્યાંય. ૮૮

જેમ શુભાશુભ કર્મપદ, જાણ્યાં સફળ પ્રમાણ,
તેમ નિવૃત્તિ સફળતા, માટે મોક્ષ સુજાણ. ૮૯

વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ,
તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ. ૯૦

દેહાદિક સંયોગનો, આત્યંતિક વિયોગ,
સિદ્ધ મોક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખ ભોગ. ૯૧

હોય કદાપી મોક્ષપદ, નહિં અવિરોધ ઉપાય,
કર્મો કાળ અનંતનાં, શાથી છેદ્યાં જાય? ૯૨

અથવા મત દર્શનઘણાં, કહે ઉપાય અનેક,
તેમા મત સાચો કયો, બને ન એહ વિવેક. ૯૩

કયી જાતિમાં મોક્ષ છે, કયા વેષમાં મોક્ષ,
એનો નિશ્ચય ના બને, ઘણા ભેદ એ દોષ. ૯૪

તેથી એમ જણાય છે, મળે ન મોક્ષ ઉપાય,
જીવાદી જાણ્યા તણો, શો ઉપકાર જ થાય? ૯૫

પાંચે ઉત્તરથી થયું, સમાધાન સર્વાંગ;
સમજું મોક્ષ ઉપાય તો, ઉદય ઉદય સદભાગ્ય. ૯૬

પાંચે ઉત્તરની થઈ, આત્મા વિશે પ્રતીત,
થાશે મોક્ષોપાયની, સહજ પ્રતિત એ રીત. ૯૭

કર્મ-ભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજવાસ,
અંધકાર અજ્ઞાનસમ, નાશે જ્ઞાન પ્રકાશ. ૯૮

જે જે કારણ બંધના, તેહ બંધનો પંથ;
તે કારણ છેદક દશા, મોક્ષ-પંથ ભવઅંત. ૯૯

રાગ, દ્વેષ અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ,
થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ. ૧૦૦

આત્મા સત ચૈતન્યમય, સર્વાભાસ રહીત,
જેથી કેવળ પામિયે, મોક્ષપંથ તે રીત. ૧૦૧

કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ,
તેમાં મુખ્ય મોહિનિય હણાય તે કહું પાઠ. ૧૦૨

કર્મ મોહિનિય ભેદ બે, દર્શન ચારિત્ર નામ,
હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ. ૧૦૩

કર્મબંધ ક્રોધાદિથી, હણે ક્ષમાદિક તેહ,
પ્રત્યક્ષ અનુભવ સર્વને, એમાં શો સંદેહ? ૧૦૪

છોડી મતદર્શનતણો, આગ્રહ તેમ વિકલ્પ,
કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અલ્પ. ૧૦૫

ષટ્પદનાં ષટ્પ્રશ્ર્ન તેં, પૂછયાં કરી વિચાર.
તે પદની સર્વાંગતા, મોક્ષમાર્ગ નિર્ધાર. ૧૦૬

જાતિ, વેષનો ભેદ નહિ, કહ્યો માર્ગ જો હોય,
સાધે તે મુક્તી લહે, એમાં ભેદ ન કોય. ૧૦૭

કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ,
ભવે ખેદ અંતરદયા, તે કહિયે જિજ્ઞાસ. ૧૦૮

તે જિજ્ઞાસુ જીવને, થાય સદગુરુ બોધ,
તો સામે સમકીતને, વર્તે અંતર શોધ. ૧૦૯

મતદર્શન આગ્રહ તજી, વર્તે સદગુરુલક્ષ,
લહે શુદ્ધ સમકીત તે, જેમાં ભેદ ન પક્ષ. ૧૧૦

વર્તે નિજ સ્વભાવનો, અનુભવ લક્ષ પ્રતીત,
વૃત્તિવહે નિજભાવમાં, પરમાર્થે સમકીત. ૧૧૧

વર્ધમાન સમકીત થઈ, ટાળે મિથ્યાભાસ,
ઉદય થાય ચારિત્રનો, વીતરાગપદવાસ. ૧૧૨

કેવળ નિજસ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન,
કહિયે કેવળ જ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ. ૧૧૩

કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં શમાય,
તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય. ૧૧૪

છુટે દેહાધ્યાસ તો, નહિ કર્ત્તા તું કર્મ,
નહિં ભોક્તા તું તેહનો, એજ ધર્મનો મર્મ. ૧૧૫

એજ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષસ્વરૂપ,
અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ. ૧૧૬

શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયં જ્યોતિ સુખધામ;
બીજું કહિયે કેટલું, કર વિચાર તો પામ. ૧૧૭

નિશ્ચય સર્વે જ્ઞાનિનો, આવી અત્ર શમાય,
ધરી મૌનતા એમ કહી, સહજ સમાધીમાંય. ૧૧૮

શિષ્ય-બોધબીજપ્રાપ્તિ કથન

સદગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વભાન,
નિજપદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન. ૧૧૯

ભાસ્યું નિજ સ્વરૂપતે, શુદ્ધ ચેતના રૂપ,
અજર અમર અવિનાશિ ને, દેહાતીત સ્વરૂપ. ૧૨૦

કર્ત્તા ભોક્તા કર્મનો, વિભાવ વર્ત્તે જ્યાંય,
વૃત્તિ વહી નિજભાવમાં, થયો અકર્ત્તા ત્યાંય. ૧૨૧

અથવા નિજપરિણામ જે, શુદ્ધ ચેતના રૂપ,
કર્ત્તા ભોક્તા તેહ નો, નિર્વિકલ્પ સ્વરૂપ. ૧૨૨

મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ;
સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિર્ગ્રંથ. ૧૨૩

અહો! અહો! શ્રી સદગુરુ, કરૂણાસિંધુ અપાર,
આ પામર પર પ્રભુ કર્યો, અહો! અહો! ઉપકાર. ૧૨૪

શું પ્રભુ ચરણકનેધરૂં, આત્માથી સૌ હીન;
તે તો પ્રભુએ આપિયો, વર્ત્તું ચરણાધીન. ૧૨૫

આ દેહાદી આજથી, વર્ત્તો પ્રભુ આધીન,
દાસ, દાસ હું દાસ છું, તેહ પ્રભુનો દીન. ૧૨૬

ષટ્સ્થાનક સમજાવિને, ભિન્ન બતાવ્યો આપ,
મ્યાન થકી તરવારવત્ એ ઉપકાર અમાપ. ૧૨૭

ઉપસંહાર

દર્શન ષટે શમાય છે, આ ષટ્ સ્થાનક માંહિ,
વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઈ. ૧૨૮

આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ,
ગુરૂ આજ્ઞાસમ પથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. ૧૨૯

જો ઈચ્છો પરમાર્થતો, કરો સત્ય પુરૂષાર્થ,
ભવસ્થિતિ આદી નામ લઈ, છેદો નહિ આત્માર્થ. ૧૩૦

નિશ્ચય વાણી સાંભળી, સાધન તજવાં નોય,
નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય. ૧૩૧

નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ,
એકાંતે વ્યવહાર નહિ, બન્ને સાથ રહેલ. ૧૩૨

ગછ મતની જે કલ્પના, તે નહિ સદ્વ્યવહાર,
ભાન નહીં નિજરૂપનું, તે નિશ્ચય નહીં સાર. ૧૩૩

આગળ જ્ઞાની થઈગયા, વર્તમાનમાં હોય,
થાશે કાળ ભવિષ્યમાં, માર્ગભેદ નહિં કોય. ૧૩૪

સર્વ જીવ છે સિદ્ધસમ, જે સમજે તે થાય,
સદગુરૂ આજ્ઞા જિનદશા, નિમિત્ત કારણ માંય. ૧૩૫

ઉપાદાનનું નામ લઈ, એ જે તજે નિમિત્ત,
પામે નહીં સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત. ૧૩૬

મુખથી જ્ઞાન કથે અને, અંતર છુટ્યો ન મોહ,
તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનિનો દ્રોહ. ૧૩૭

દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય,
હોય મુમુક્ષુ ઘટવિષે, એહ સદાય સુજાગ્ય. ૧૩૮

મોહભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત,
તે કહિયે જ્ઞાની દશા, બાકી કહિયે ભ્રાંત. ૧૩૯

સકળ જગત તે એઠવત, અથવા સ્વપ્ન સમાન,
તે કહિયે જ્ઞાનીદશા, બાકી વાચા જ્ઞાન. ૧૪૦

સ્થાનક પાંચ વિચારિને, વર્ત્તે જેહ,
પામે સ્થાનક પાંચમું, એમાં નહીં સંદેહ. ૧૪૧

દેહ છતાં જેની દશા, વર્ત્તે દેહાતીત,
તે જ્ઞાનીનાં ચરણમાં, હો! વંદન અગણિત. ૧૪૨

શ્રી નડિયાદ, આસો વદ ૧, ગુરુ, ૧૯૫૨
 

૧ શ્રી સુભાગ્ય ને શ્રી અચળ, આદિ મુમુક્ષુ કાજ; તથા ભવ્યહિત કારણે, કહ્યો બોધ સુખસાજ.


૧ સાધન સિદ્ધ દશા અહીં, કહી સર્વ સંક્ષેપ; ષટ્ દર્શન સંક્ષેપમાં, ભાખ્યાં નિર્વિક્ષેપ.