આવું તારું ધન રે

વિકિસ્રોતમાંથી
આવું તારું ધન રે
દેવાનંદ સ્વામી



આવું તારું ધન રે


આવું તારું ધન રે જોબન ધૂળ થાશે,
કંચન જેવી કાયા તે રાખમાં રોળાશે... ટેક

ટાઢા-ઊના રે તુંને તાવ જ આવશે, ને વસમું થઈને વિતાશે;
દાતણ પાણી ને નાહ્યા વિના તારી,
  દેહ બધી ગંધાશે રે... આવું ૧

બોલવા ચાલવા નહિ દીએ પ્રાણી, તારી જીભલડી તો ઝલાશે;
શ્વાસ ચડશે ને આંખો ફરકશે,
  નાકની તે ડાંડી નમી જાશે રે... આવું ૨

વૈદ્ય તેડાવે એની નાડી જોવરાવે, કડવાં તે ઔષધ પાશે;
તૂટી એની બૂટી નહીં મળે એના,
  જીવની શી ગતિ થાશે રે... આવું ૩

એકબીજા વિના ઘડીએ ન ચાલે, તારી ત્રિયા તો રંડાશે;
જુગો રે જુગનું છેટું પડ્યું પ્રાણી તારા,
  નામની તે ચૂડીઓ ભંગાશે રે... આવું ૪

ખોખરી દોણીમાં તારી આગ જ કાઢશે ને, મસાણે લાકડાં લેવાશે;
સઘળું કુટુંબ તને સળગાવી દઈ પછી,
  બારમાના કાગળો લખાશે રે... આવું ૫

દશ દિવસ તારું સૂતક પાળશે ને, દાઢી ને મૂછ મૂંડાશે;
સઘળું સૂતક તારું કાઢી નાખીને પછી,
  બારમાનાં સુખડાં ખવાશે રે... આવું ૬

દયા ધર્મ ને ભક્તિ વિના તારું, સઘળું દ્રવ્ય લૂંટાશે;
દેવાનંદ કહે હરિ ભજ્યા વિના જમ,
  છોટા મોટાને લઈ જાશે રે... આવું ૭