આવો મારા મીઠડા બોલા માવ
દેખાવ
આવો મારા મીઠડા બોલા માવ પ્રેમાનંદ સ્વામી |
આવો મારા મીઠડા બોલા માવ
આવો મારા મીઠડા બોલા માવ, વા'લમ વહાલા લાગો રે ટેક
વા'લમ મુજને વહાલા લાગો બહુ, નટવર સુંદર નાવ;
હેત કરી હૈયા પર રાખું, રસિયા જાદવરાવ... આવો ૧
પલંગ ઉપર પધરાવું પ્યારા, દૂધડે પખાળું પાવ;
ભૂધર ભેટું પ્રેમ કરી મારે, ઘણા દિવસનો ભાવ.. આવો ૨
કેસર ચંદન ચરચી કરું, હું તો ફૂલડાંમાં ગરકાવ;
આંખલડીથી અળગા ન મેલું, શોભાના દરિયાવ... આવો ૩
જેમ રાજી રહો તેમ કરું હરિ, ન જોઉં ન્યાય અન્યાય;
પ્રેમાનંદના નાથજી તમ પર, પ્રાણ કરું ન્યોછાવ... આવો ૪