આ ઈતિહાસ જ્યારે પાનબાઈએ સાંભળ્યો રે

વિકિસ્રોતમાંથી
ગંગાસતીના ભજનો
આ ઈતિહાસ જ્યારે પાનબાઈએ સાંભળ્યો રે
ગંગાસતી



આ ઈતિહાસ જ્યારે પાનબાઈએ સાંભળ્યો રે


આ ઇતિહાસ જ્યારે પાનબાઈએ સાંભળ્યો રે, ત્યારે લાગ્યાં સતીને પાય
આજ મને તમે પાવન કીધી ને, અંગમાં આનંદ ન માય રે...
આ ઇતિહાસ જ્યારે...

ભાઈ રે ! મોહરૂપી પડળ ઊઘડી ગયાં રે, હવે બીજું ગોઠે નહિ કાંઈ રે;
જગત સરવે મને જૂઠું જણાયું ને, જાગ્યો પ્રેમ ઉરમાંય રે...
આ ઇતિહાસ જ્યારે...

ભાઈ રે ! હવે મને આપ અભ્યાસ કરાવો રે, ઈ રે માગું વરદાન રે;
ભલે રે તમે મારો મોહ ટાળ્યો ને, પવિત્ર તમારાં દર્શન રે...
આ ઇતિહાસ જ્યારે...

ભાઈ રે ! જેથી આવાગમન નડે નહિ ને, જીવદશા મટી જાય રે;
એવો ઉપદેશ આપો મને રે, જેથી જીવન્મુક્ત દરશાય રે...
આ ઇતિહાસ જ્યારે...

સરલવાણી ગંગાસતીની સાંભળી ને, પૂરણ પ્રગટયો અધિકાર રે;
ગંગાસતી એમ બોલિયાં રે, હવે લાગ્યો વચનમાં એકતાર રે...
આ ઇતિહાસ જ્યારે...