આ તે શી માથાફોડ !/૧૦૪. બાળકો મનમાં બોલે છે
Appearance
← ૧૦૩. માબાપોને શું કહેવું ? | આ તે શી માથાફોડ ! ૧૦૪. બાળકો મનમાં બોલે છે ગિજુભાઈ બધેકા |
૧૦૫. હું ગમ્યો નહિ કારણકે — → |
: ૧૦૪ :
બાળકો મનમાં બોલે છે
❊
બાળકો મનમાં બોલે છે
જુઓને, બાપા તો બેઠા બેઠા છાપાં વાંચ્યા જ કરે છે; બા જ બધું ઘરનું કામકાજ કર્યા કરે છે.
બાપા તો કોઈને પોતાની ઓરડીમાં આવવા જ નથી દેતા. પણ બાની ઓરડીમાં જવાની સૌને છૂટ છે.
બાપા જરાક બોલીએ તો કહે છે : “ચૂપ, ગડબડ નહિ. અહીંથી ભાગો.” પણ બાની પાસે ગડબડ સડબડ બધું ચાલે. બા કોઈને કહેતી નથી કે ભાગો.
બાપા રોજ એક જ સવાલ પૂછે છે : “કેમ, નંબર કેટલામો આવ્યો ? લેસન બરાબર કર્યા હતાં ?” બા તો કેટલી યે વાતો કરે છે.
બાપા ગંભીરતાથી બેસી રહે છે ને અમારી સાથે બહુ જ થોડું બોલે છે. બા તો વાતો કરે, હસે ને હસાવે; એ તો અમે ન બોલીએ તો યે બોલાવે.
બાપાની અમને બહુ બીક લાગે છે. આઘેથી દેખાય ત્યાં તો અમે ડાહ્યાંડમરાં થઈને બેસી જઈએ છીએ. બાની બીક જરા યે લાગે તો કે ? એની આગળ તો બધું ચાલે જરા ધમાધમી, ધિંગામસ્તી, બધું.