લખાણ પર જાઓ

આ તે શી માથાફોડ !/૨૨. આબાદબેનના બૂટ

વિકિસ્રોતમાંથી
← ૨૧. બધું ય ભાવવું જોઇએ આ તે શી માથાફોડ !
૨૨. આબાદબેનના બૂટ
ગિજુભાઈ બધેકા
૨૩. રોવાથી વીંછી નહિ ઊતરે →


: ૨૨ :
આબાદબેનના બૂટ

દેવ મંદિરમાં આબાદબેનના બૂટા ખોવાયા. આબાદબેને શાંતિથી કહ્યું: “મારા બૂટ ખોવાઈ ગયા.”

મેં કહ્યું: “કંઈ હરકત નહિ.”

પછી બૂટ ક્યાં મૂક્યા હતા તેની તજવીજ કરીને ક્યાં મૂક્યા હોત તો ન ખોવાત તેની વાતો કરી મંદિરની બહર ગયાં.

નર્મદાબેને રસ્તામાં આબાદબેને કહ્યું: “કાંઈ ચિંતા કરશો મા. એ તો ખોવાય.”

આબાદબેનનું હ્રદય જરાય ધડકતું ન હતું. તે રડ્યાં નહિ એટાલું જ નહિ પણ સૌની સાથે એટાલા જ આનંદથી ચાલવા ને દોડવા લાગ્યાં.

સાધારણ રીતે આવા પ્રસંગે બાળક રડી પડે છે, પણ આબાદ બેન ન રડ્યાં. હું એનું કારણ વિચારતો ચાલ્યો.

વખત બહુ થઈ ગયો હતો. અમે સૌ આબાદબેનને ઘેર મૂકવા ગયાં. અમે ત્યાં પહોંચ્યા તે પહેલાં તો બચુભાઈએ જઈને કહ્યું: “આબદબેનના બૂટ ખોવાયા.”

તેમનાં માશીબા પિલાંમાયજીએ કહ્યું: “ક્યાં ખોવાયા ?”

બચુભાઈ કહે: “દર્શન કરવાં ગયાં હતાં ત્યાં, જશોનાથમાં.”

પિલાંમાયજીએ કહ્યું: “હશે આવો બાપ ! તેમાં શું થઈ ગયું ?”

એટલામાં હું નજીક પહોંચી ગયો. મેં જોઈને કહ્યું : “અમરે અમારા બાલમંદિરના બાળકોનાં માબાપ અને સગાંવહાલાં આવાં જ જોઈએ છીએ.”

પિલાંમાયજીએ કહ્યું: “બૂટની કાંઈ ચિંતા નથી. હું મારાં ભુલકાને સુખી ભાળું તો બસ !”

આમ બોલી પિલાંમાયજીએ આબાદબેનની છાતી ઉપર હાથ મૂકી તેને પોતાની પાસે ખેંચી પ્યાર કર્યો.

આબાદ બેન રસ્તામાં શા સારુ રડ્યાં ન હતાં, તેનું કારણ હું સમજી ગયો. આબાદબેનને અનુભવ નહિ થયો હોય કે ભૂલથી કંઈ ખોવાઈ જાય તો ઠપકો મળે, અને માર પડે. કશું ખોઈને આવનાર બીજા બાળકના મનની સ્થિતિનો આબાદબેનને ક્યાલ જ નહિ હોય. એને માટે ધન્યવાદ કોનો ઘટે ? તેમનાં માતાપિતા ને માશીબાને જ તો !

બીજી માશી કે બા હોત તો જોડા તો ખોવાયા જ હતા, પણ ઊલટું વધારામાં આબાદબેનને મારના જોડા આપત.

પણ માબાપ સમજુ હોય ત્યાં ?