લખાણ પર જાઓ

આ તે શી માથાફોડ !/૩૯. દેખે તેવું કરે

વિકિસ્રોતમાંથી
← ૩૮. કોઈની દાઝ બાળક ઉપર આ તે શી માથાફોડ !
૩૯. દેખે તેવું કરે
ગિજુભાઈ બધેકા
૪૦. શિક્ષકના અભિપ્રાયો →


: ૩૯ :
દેખે તેવું કરે

એક જ માબાપનાં અને એક જ માળામાં ઊછરેલાં એક જ ડાળે બેઠેલાં પોપટનાં બચચાંને વાઘરીએ પકડ્યાં ને વેચ્યાં; એક કોઈ ખાદાન અમીરને ત્યાં ને બીજું કલાલને ત્યાં.

અમીરના ઘરમાં સુલેહ અને સંપ, હેત અને પ્રીત, માન અને પાન. અમીરને ત્યાંનું અમીરતા શીખ્યું. પાંજરે બેસી મીઠા બોલ બોલે, રૂડી વાણી ઓચરે. કોઈ આવે તો બોલે: “આવોજી બેસોજી જલપાન લેશોજી ?” જેવું સાંભળ્યું; જેવું દીઠું એવું કર્યું.

કલાલને ત્યાં ગાળાગાળી, કજિયો, કંકાસ મારકૂટ ને ધમ પછાડા. કલાલને ત્યાંનું વાઘરાઈ શીખ્યું. પાંજરે બેસી કડવાં વેણ બોલે, તીખી વાણી ઓચરે. કોઈ આવ્યું તો કહે: "ભાગો, ભાગો ! અહીંથી કેમ નીકળ્યા ? જાઓ, નાસી જાઓ." જેવું સાંભળ્યું એવું એ શીખ્યું. જેવું દીઠું એવું એણે કર્યું.

આપણે આપણાં બચ્ચાંઓને કેવા ઘરમાં રાખશું ? આપણે એને કેવું દેખાડશું ? આપણે ત્યાં એ શું સાંભળશે ? ચોક્કસ વાત છે કે બચ્ચાં દેખશે એવું કરશે ને સાંભળશે એવું બોલશે.