આ તે શી માથાફોડ !/૪૨. ઠીક લ્યો ત્યારે !

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૪૧. સરસ ઉકેલ આ તે શી માથાફોડ !
૪૨. ઠીક લ્યો ત્યારે !
ગિજુભાઈ બધેકા
૪૩. બતાવે તો ? →


: ૪૨ :
ઠીક લ્યો ત્યારે !

“બાપા, મારે તમારી હારે આવવું છે.”

“ના ભાઈ, ત્યાં તારું કામ નથી.”

“એં... એં... અમને લ‌ઈ જાઓ.”

“પણ તું અહીં જ રહે. જો, હું તારે માટે ટીકડી લાવીશ.”

“ના, અમારે તો તમારી હારે આવવું છે.”

“ઠીક લ્યો ત્યો; અરધેથી પાછા આવજો.”

બાપ-બેટો આગળ ચાલ્યા.

“બાપા, મને તેડોને ? હું થાકી ગયો.”

“ના ભાઈ, હું તેડવાનો નથી.”

“એં...એં... મને તેડો; મને તેડો.”

“જો તારે આવવું હોય તો ચાલ, નહિતર પાછો જા.”

“એં...એં... મને તેડો; મારા પગ દુ:ખે છે.”

“ઠીક લ્યો ત્યારે; થોડીક વાર તેડીશ.”

“આ ઠીક લ્યો.” એ આપણાં અવિચાર અને નબળાઈ છે. બાળક આવાં માબાપ પાસે લાધું ભાળે છે, ને આપણી નબળાઈ જાણ્યા પછી તેનો લાભ ઉઠાવે છે. માટે આપણે પ્રથમથી જ વિચારીને હા કે ના પાડીએ, ને તેને દૃઢતાથી વળગી રહીએ. ભલે બાળક રડે કે ઊંધું પડી જાય, પણ તે એક જ વાર બનશે.