આ તે શી માથાફોડ !/૫૭. તારી મદદ નો'તી જો'તી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૫૬. બા, દાડમ આપને ? આ તે શી માથાફોડ !
૫૭. તારી મદદ નો'તી જો'તી
ગિજુભાઈ બધેકા
૫૮. કયું ભણતર સાચું →


: ૫૭ :
તારી મદદ નો’તી જો’તી

નાની ચાર વર્ષની વિજુ મારી પાસે બેસીને જમતી હતી. ભાણામાં ખીચડી હતી ને ખીચડીમાં ઘી હતું. વિજુએ ખીચડી સામે જોયું. હાથ લંબાવી ખીચડી કસણવા લાગી. ઘી આમથી તેમ જવા લાગ્યું. વળી વિજુએ હાથ એક બે વખત ઉપાડી લીધો.

મને થયું કે આવડતું નથી તેથી દાઝે છે. મેં ઝટ કરીને હાથ લંબાવ્યો ને ખીચડી કસણી આપી. ખીચડી દઝાય તેવી ન હતી.

વિજુનું મોં પડી ગયું. તે કહેતી હોય એમ લાગ્યું કે "એ તો મારે કરવું હતું ને તમે ક્યાં કર્યું ? મને તો આવડતું હતું. તમારી મદદ નો'તી જો'તી."

રાતે અમે સૌ ગાદલાં ગોદડાં પાથરતાં હતાં. મોટા મોટા ખાટલા મેં ઢાળ્યા; ગાદલાં હું નાખતો હતો. સુબજી પોતાની નાની ગોદડી ઊપાડીને ચાલી; ગોદડી એણે જેમ તેમ કરી માથે મૂકી હતી.

મને થયું કે તેનાથી નહિ ઊપડે ને ડોક વળી જશે. મેં ગોદડી લઈ લીધી ને મનને સારું લાગ્યું. મને થયું કે નાના બાળકથી આવું ન થઈ શકે.

સુબજી થંભી ગઈ. વીલે મોંએ બા પાસે જઈને બેસી ગઈ. એ મૂંગી મૂંગી બોલતી હોય એમ લાગ્યું કે “મારાથી તે ઊપડતું હતું. મારે તે ઉપાડવું હતું. મારે તમારી મદદ નો'તી જો'તી.”

બે વરસનો ભૂલુ ઘૂંટણભર ચાલતો થયો હતો. દિવસ બધો ચાલ ચાલ જ કર્યા કરે. આખું ઘર કેટલી યે વાર ફરી વળે.

એક વાર તે ખુરશી પાસે આવ્યો. લંબાઈને તે તેનો ટેકો લેવા માંડ્યો. એક વાર ખુરશીને ન અંબાયું ને જરાક ખસી પડ્યો; કાંઈ વાગ્યું ન હતું. પાછો ઊભો થયો ને ખુરશી પકડવા ગયો. ફરી ખસી પડ્યો. કાંઈ વાગ્યું ન હતું. પાછો ઊભો થયો ને ખુરશી પકડવા ગયો.

મને થયું કે તેને ખુરશી પર ચડવું છે; ક્યારનો ઉતાવળો થાય છે. ચાલને ઉપાડીને બેસારી દઉં! મેં તેને ઉપાડીને ખુરશી પર બેસાડ્યો.

ભૂલુએ મોં ચડાવ્યું. ખુરશી પરથી લપસી તે નીચે આવ્યો ને પોતે ચડતો હતો તેમ પાછો ચડવા લાગ્યો, ને આ વખતે તો જાતે જ ચડીને ઉપર ગયો. તેણે વગર બોલ્યે મને કહી દીધું કે "મારે પોતે જ ચડવું હતું. શું કામ મને ચઢાવ્યો ? મારે તમારી મદદ નો’તી જો’તી.”

અમે બધાં સાજે ફરવા નીકળેલાં; મોટાંઓ હતાં ને બાળકો પણ હતાં. નાની અઢી ત્રણ વર્ષની બાલુ પણ હતી. બધાં ચાલ્યાં જતાં હતાં. બાલુ પણ સૌની સાથે ચાલતી હતી.

થોડેક ગયાં એટલે એની બાએ કહ્યું: "આ બાલુને તેડી લ્યો. થાકી ગઈ હશે.”

મેં એને તેડી લીધી. તેડી તો ખરી પણ એ તો પગ તરફડાવવા માંડી. રડવા જેવી થઈ ગઈ. હાથેથી લપસવા લાગી ને ભારેખમ થઈ ગઈ.

સૌ કહે: “ત્યારે ચાલવું હોય તો ચાલવા દ્યોને ? થાકશે ત્યારે એની મેળાએ અટકશે.”

બાલુ નીચે ઊતરી દોડવા લાગી. પણ પાછું વાળીને જાણે કહેતી જતી હતી કે “હજી હું થાકી ન હતી; મારે હજી ચાલવું હતું. મારે તમારી મદદ નો'તી જો'તી.”

લખુ છ સાત વરસનો. પાટી અને કાંકરો લઈ લખવા બેઠો હતો. વારે વારે કંઈક કાઢતો હતો ને ભૂંસતો હતો.

મને થયું કે આ તે શું કરે છે ? મેં જઈને જોયું તો કાંઈક કાઢવા તે મથતો હતો. મેં કહ્યું: “અલ્યા શું લખે છે ?”

લખુ કહે: “ ‘ઈ’ કાઢું છું.” મેં કહ્યું: “એમાં વાર શી છે ?”

એમ કહીને હાથ પકડી કાંકરો ફેરવાવી પાટી ઉપર 'ઈ' કાઢી દેવરાવ્યો “જો આમ ‘ઈ’ થાય. આવી રીતે કર.”

લખુ મારી સામે જોઈ રહ્યો. પછી બોલ્યો: "મને આવો 'ઈ' કાઢતાં તો કે દિ'નો આવડે છે. પણ અમારી નિશાળના પૂંઠા પર કાઢેલો છે તેવો સરસ મજાનો 'ઈ' કાઢતાં હું શીખતો હતો ! 'ઈ' કાઢતાં તો મારી મેળે અવાડત. મારે તમારું કામ નહોતું."