આ તે શી માથાફોડ !/૬૪. વળગણી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૬૬. કજિયા આ તે શી માથાફોડ !
૬૪. વળગણી
ગિજુભાઈ બધેકા
૬૬. કજિયા →


: ૬૪ :
વળગણી

એક ઘરમાં ગયો. બાળકોને કપડાં પહેરવાં હતાં. કપડાં પહેરવાની ઉતાવળ હતી પણ કપડાં વળગણી ઉપર હતાં. બા કે મોટી બેન આવે ત્યારે તે મળે તેમ હતાં. કોઈ મોટું આવ્યું, કપડાં ઉતારી દીધાં ને પછી બાળકોએ પહેર્યાં. હું કપડાં ઉતારી આપી શકત પણ હું જોતો હતો કે આ શું ચાલે છે.

મને થયું: “આમ શા માટે ? એક વળગણી નીચી ને બીજી ઊંચી ન રાખી શકાય ? અને તેમ જો બની શકે તો બાળકો પોતાનાં કપડાં પોતાની મેળે લઈ શકે ને પહેરી લે. કાઢીને પાછાં પોતાની મેળે ત્યાં જ મૂકી દે.”

મને થયું : “આ બાળકોનાં માબાપને વાત કહું.” મેં તેમને કહ્યું ને મારું કહેવું તેમને ગળે ઊતર્યું. એક નીચે વળગણી નખાઈ ને છોકરાંને ત્યાં કપડાં મૂકવા મળ્યું.

બીજી વાર હું આવી ચડ્યો ને મેં છોકરાંને પોતાની મેળે કપડાં ઉતારતાં અને પહેરી લેતાં જોયાં. તેઓને કોઈની રાહ જોવાની ન હતી. તેઓની પરાધીનતા દૂર થઈ હતી; તેઓ એટલા પૂરતા સ્વતંત્ર થયાં હતાં. તેઓને એટલું પોતાનું રાજ મળ્યું હતું.

મેં એમનાં માબાપનું બાળકોની સ્વાધીનતા તરફ લક્ષ ખેંચ્યું. માબાપોએ મારા વિચારને ઘરમાં ચારે કોર અમલમાં ઉતાર્યો, ને બાળકોને ઝીણી ઝીણી સગવડ કરી આપી.

થોડા દિવસ પછી મેં બાળકોને માટે નીચે મૂકેલો નાનો એવો ગોળો જોયો. તેઓ પોતાની મેળે પાણી પીતાં હતાં. કોઈની પાસે માગવું પડતું ન હતું. જમતી વખતે નાના એવ ઘોડા ઉપરથી પોતાનાં વાસણો પોતે જ લઈ આવતાં હતાં. અગાઉ જે કામોને માટે તેઓને મોટાંની મદદ લેવી પડતી હતી તે તેઓ જાતે કરી લેતાંહતાં.

મને થયું કે “મારે મારો અનુભવ સર્વ માબાપોને જણાવવો જોઈએ.”