આ તે શી માથાફોડ !/૭૭. આ છોકરો કોનો છે ?

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ૭૬. જરા વિચાર કર્યો હોત તો ? આ તે શી માથાફોડ !
૭૭. આ છોકરો કોનો છે ?
ગિજુભાઈ બધેકા
૭૮. બાબાપુ મૂંઝાયાં →


આ છોકરો કોનો છે ?

આમ છે તો કતડિયા જેવો. આંખ મારકણી છે. પગની પીંડીઓ ભરેલી છે. જે સોંપે છે તે કામ ઝટઝટ કરે છે. બાપા માગે છે તે લાવી આપે છે. "એલા, ઓવરકોટ."ઓવરકોટ ઢસડી અવ્યો. "એલા આ કૂતરું હાંક. "કૂતરાને એક પથરો માર્યો તે કૂતરું ડાઉં ડાઉં કરતું ચાલ્યું ગયું ! "એલા જા દુકાને, ને બે પૈસાનાં પાન લઈ અવા." દોડતો જઈને બે પૈસાનાં પાન લઈ આવ્યો.

બાપા બહાર ગયા. છોકરો ઘોડી પાસે જઈને હાથ ફેરવવા લાગ્યો. "બાપો, બાપો." છોકરાની માએ સાદ પાડ્યો: "એ છોકરા, જા તો, સામે ઘેરથી છાશ લઈ આવ." છોકરો દોડતો છાશ લઈ અવ્યો.

છોકરો નવરો પડ્યો. એક સૂતરનો દડો લીધો ને એક ગેડી લીધી. ફળીયામાં એકલો એકલો એક કલાક રમ્યો.

ત્યાં બાપા આવ્યા ને કહે: "એલા, જા, બજારે જા મેં મૂળા લઈ રાખ્યા છે ઉપાડી આવ." છોકરો દોડતો ગયો ને લઈ આવ્યો.આ છોકરો કોનો છે ?

પગથી માથા સુધી કિંમતી લૂગડાં પહેર્યા હતાં. રખેને ટાઢ લાગે ને શરદી થાય માટે એક ઉપર એક એમ ત્રણ કપડા હતાં. માથે કિંમતી કાનટોપી હતી. પગમાં નાનાં એવાં મોજાં ને તેની ઉપર બૂટ હતા. હાથાંમાં એક કિંમતી વીંટી હતી. ગળામાં પણ કંઇક દાગીનો હતો તો ખરો. ચહેરો ચોખ્ખો હતો; વાળ ઓળેલા હતા; હાથ પણ ચોખ્ખા ને ઉજળા હતા.

છોકરો ચાલવા જતો હતો તેની પાછળ ચાલનાર તેને ઊંચકી લેતો હતો. છોકરો દોડવા જતો હતો તો નોકર કહેતો હતો; "જાળવજો; પડી ન જાઓ. "ભાગે તો તે તેને દોડવા ન દેતો; તેને આંગળીએ જ વળગાડી રાખતો. ભાઈ, ચાલતાં જરા હલી ગયા એટલે નોકરે કહ્યું: "ભાઇ, ખમા !" ભાઇએ પુછયું: આ શું છે?" નોકરે કહ્યુ: "જી, બાપુ એ તો ગાડુ છે."ભાઇએ ટોપી કાઢી નાખવાને માટે હાથ કાન આગળ લીધો. નોકરે કહ્યું: "બાપુ, શરદી લાગે. બાએ ટોપી કઢી નાખવાની ના કહી છે."

છોકરે પાણી માગ્યું ને નોકર પાણી લેવા દોડ્યો. પાણી લાવતાં વાર થઇ એટલે છોકરે કહ્યુ: "એય, ગદ્ધા ! કેટલી બધી વાર ? "નોકરે અદબથી કહ્યુ: "બાપુ, હશે; માફ કરો. હું તો દોડતો આવ્યો છું."આ છોકરો કોનો છે ?

આંખમાં ચિપડા છે; માથે મોટા લાંબા વાળ વધેલા છે; નખમાં મેલ છે ને ખૂબ વધેલા છે. ડિલે આખે ઉઘાડો છે. પગે ને હાથે મેલ છે ને ન નહાવથી ઓઘરા વળ્યા છે.

હાથમાં બટકું રોટલો છે ને તડકે બેઠો બેઠો ખાય છે. નાકમાં શેડા આવે છે તે સરડ દઈને ઊંચે ચડાવે છે. રોટલો ચડવતો જાય છે ને હરતોફરતો એક પગે કૂદતો જાય છે.

એની બા નીકળે છે: "એલા હું આવું ત્યાં સુધી અહીં રમજે, હો. આ હમણાં ખડ લઈને આવી. "છોકરો કહે: "હું સાથે આવું." મા કહે છે: "રોયા ! ત્યાં શું દાટ્યું'તું ? અહીં પડ્યો રહે; આ લખડો આવ્યો એની સાથે રમ."

બા ગઈ. આસપાસથી એના જેવા છોકરા ભેગા થયા. ધૂળના ઢગલા કરવા માંડ્યા. ઢગલા કરીને એની ઉપર મૂતર્યા. પછી એના ગોળા કર્યા. એમ કરતાં બાઝી પડ્યા ને એકબીજાને ગાળો ભાંડી. પણ થોડી વાર થઈ ત્યાં પાછા ધૂળના ઢગલા કરવા માંડ્યા ને મોટો ડુંગરો કર્યો. પછી બધા ફરતા ફેરા ફરવા લાગ્યા. આ બાઈનો છોકરો પણ એમાંનો એક હતો.આ છોકરો કોનો છે ?

કડે કંદોરો, પગમાં સાંકળાં, હાથે વીંટી ને ગળામાં ગળચવો.

કપડાં મેલાં ને મોં એવું સરખું ઊજળું, પણ ગંદુ.

છોકરો બોલે ત્યારે જરા જરા તોતડાય. છોકરાને કાછડી પૂરી પહેરતાં ન આવડે. કંદોરા નીચે માંડ માંડ રહે.

છોકરો ઊઠે કે તરત દફતર-પાટી કાઢે ને આંક લખવા બેસે. આંક બહુ આવડે. છોકરો તોતડું બોલતો બોલતો બેસે. આંક બહુ આવડે. છોકરો તોતડું બોલતો બોલતો કવિતાઓ મોઢે કરે.

"એક અડપલો છોકરો
જીવો જેનુ નામ;
અતિશે કરતો અડપલાં
જઈ બેસે જે ઠામ."

છોકરો દાતણ કરે કે ન કરે તેનું કોઇ ન પૂછે; છોકરો પાઠ કરે તેની કાળજી સૌ રાખે.

છોકરો રોજ હાટે જાય ને બાપા પાસે બેસે. છોકરો પાઈ, પૈસા, બે પૈસા, રૂપિયો બરાબર સાચવે. છોકરને પાઈની ટીકટી બરાબર ગણીને દેતાં આવડે. છોકરો બાપાને સંભારી આપે: "બાપા, તમરા ખીસામાં રૂપિયા છે કોઇ લઈ ન જાય."