લખાણ પર જાઓ

આ તે શી માથાફોડ !/ બે બોલ

વિકિસ્રોતમાંથી
આ તે શી માથાફોડ !
બે બોલ
ગિજુભાઈ બધેકા
આમુખ →


બે બોલ

(પહેલી આવૃત્તિ વખતે)

માથાફોડ કરવી કોઇને ગમતી નથી, પણ ઈશ્વર માનવીને માથાફોડ કરાવ્યા વિના જંપે તેવો ક્યાં છે ? રાયથી માંડી ને રંક સુધી સર્વને માથાફોડ, માથાફોડ ને માથાફોડ ! તમામ માબાપોને જે માથાફોડ કરવી પડે છે તેનાથી તોબા ભગવાન ! એ કરતા તો છોકરાં ન થાય તો સુખે રહીએ એમ થઈ જાય !

પણ છતાં માબાપોની આ માથાફોડ અંદરથી કેટલી બધી મીઠી છે તે જાણવું હોય તો માતાને જઈને પૂછો એટલે ખબર પડે. અને આવી માથાફોડને મીઠી માનનારી માતાઓ એક બે નથી પણ લાખો કરોડો છે, એમ નક્કી સમજો.

છતાં આવી મીઠી માથાફોડ પણ ઘડીભર તો મા બાપનું પણ જીવતર ખારું કરી નાખે છે, એમાં શક નથી. એટલે આજે મારા મિત્ર ગિજુભાઈ બહાર આવે છે ને કહે છે : "સારી આલમનાં માબાપો ! તમને જે માથાફોડ લાગે છે તે માથાફોડ જ નથી. તમારી તબિયત ઠેકાણે રાખીને જુઓ એટલે માથાફોડ ટળી જઈને તમને એ સ્થાને કંઈક બીજું જ દેખાશે." ઉપરથી માથાફોડ દેખાતી વસ્તુ ખરી રીતે કંઈ બીજું જ છે એ દેખાડવા માટે મારા મિત્રે આ લખ્યું છે. ગિજુભાઈનાં ચશ્મા જેઓ આંખે ચડવશે તેમને આ નવું દર્શન થશે. એ ચશ્મા સૌ કોઈ પહેરી શકે એવાં જ છે. માત્ર કોઈ લોકો માથાફોડને જોવાનો જ આગ્રહ રાખી ચશ્માં ન ચડાવે તો ગિજુભાઈ બિચારા શું કરશે ? એવાંની માથાફોડ એમને મુબારક હો !

ભાઈ તારાચંદ કોઠારીએ પોતાનાં ધર્મ પત્ની જાસુબહેનના સ્મરણમાં આ પુસ્તક છપાવી દક્ષિણામૂર્તિને તો આભારી કરી છે, પણ ગુજરાતનાં માબાપોને પણ આભારી કર્યા છે, એમ કહું તો વધારે પડતું નહિ ગણાય.



૭, ૮, ૩૪.
નાનાભાઈ કા. ભટ્ટ
નિયામક