આ તે શી માથાફોડ !/૧૨૬. એવી વાર્તા કહેવી ?
← ૧૨૫. અથાણું | આ તે શી માથાફોડ ! ૧૨૬. એવી વાર્તા કહેવી ? ગિજુભાઈ બધેકા |
એવી વાર્તા કહેવી ?
કાળી બાંગ નાખી ચમન જાગી ઊઠ્યો. “ઓય, વોય, બાડી રે...”
બાપા : ચમન, ચમન ! શું છે ?”
બા : “ચમના ! બાપા, શું થયું ?”
બાએ ચમનને છાતીએ ચાંપ્યો; બાપા માથે હાથ ફેરવવા લાગ્યા.
ચમનની છાતી થડક થડક થતી હતી. આંખમાંથી ડબકડબક આંસુ પડતાં હતાં ઉહ ઉહ , કરીને ચમન ઊંડેથી રડતો હતો; ધ્રુજતો હતો.
“હાય, હાય ! આ ચમનને શું થયું ? ચમન, બાપુ પાણી પીને ? ચમના ! મને ઓળખે છે કે ? ચમન ચમન !”
ચમન ઝબકતો હતો. આમ તેમ અકળવકળ જોતો હતોઃ હીબકાં ભરતો હતો. બોલીએ શકતો ન હતો.
“દોડોને, કો'કને બોલાવોને; ચમનને કંઈક વળગ્યું લાગે છે.” “વળગે શું ? વખતે આંચકી આવતી હોય કે કાંઈક દુખતું હોય તો.”
“હેં ચમન ! કહે જોઈએ શું છે ? પેટમાં દુઃખે છે ?”
“બાપુ, દોડો, દોડો, દોડો; ઓલ્યો વાઘ મને મારી નાખશે. એં..એં..એં...” “ચમન, ચમન ! બેટા અહીં વાઘ નથી હોં; આ તો આપણું ઘર છે.”
“પેલી ઓરડીમાં વાઘ છે. એ... પણે આવતો હતો.
ચમન હજુ ઊંઘતો હતો; ઊંઘમાં બીતો હતો.
બાપા : “સમજ્યો સમજ્યો. આતો હું રાતે બધાંને વાઘ-સિંહની વાતો કહેતો હતો તેનું સ્વપ્નું આવ્યું લાગે છે !”
બા : “તમારા ય કાંઈ હેવા છે ! એવી છોકરાં બીએ એવી વાતો ન કરતા હો તો ? આમારા ચમનનો ઘાંટો બેસી ગયો.”
બાપા : “ ચમન આતો આપણું ઘર છે; એ તો તને સ્વપ્નું આવ્યું હતું.”
નાનીબેન : “હટ્ ચમના, સ્વપ્નાના વાઘથી તે બિવાતું હશે ? “
ચમન : “અરે એ તો સાચો વાઘ પાંજરામાંથી છૂટ્યો'તો.”
બા : “લે રાખ્ય ગાંડા ! ત્યાં વાઘ કયાંથી છૂટતો'તો.”
સૌ વિચરમાં પડયા. ચમન બાને વળગી પડ્યો; બાપા વિચારમાં પડ્યા કે એવી વાર્તા ન કહેવી ?