લખાણ પર જાઓ

આ તે શી માથાફોડ !/૨. વાંચ્યા, તું શું વાંચતો'તો

વિકિસ્રોતમાંથી
← ૧. રડતું છાનું રાખવું આ તે શી માથાફોડ !
૨. વાંચ્યા, તું શું વાંચતો'તો
ગિજુભાઈ બધેકા
૩. ગજુડો →


: ૨ :
વાંચ્યા, તું શું વાંચતો’તો?

બાળક મોટી ચોપડીમાંથી ક, પ, ડ, ચ એવા અક્ષરો ઉકેલતું બેઠું છે. નવા અક્ષરો શીખેલું છે તેથી તેને વાંચવાનો ઘણો ઉમંગ છે. મોટી ચોપડી કે નાની ચોપડી, અક્ષરવાચન માટે તેને મન બન્ને સરખી છે.

છોકરો કહેઃ "બાપા, હું વાચું છું.”

છોકરો શું વાંચે છે એ જાણવાની દરકાર કર્યા વિના બાપા કહેઃ "વાંચ્યાં, તું શું વાંચતો'તો ! આવડો મોટો ચોપડો શું જોઈને લીધો છે ? જા બાળપોથી વાંચ !

×××

બાળક બાપાને કહે છેઃ "બાપા, હાલો તો ઓલી ગરોળી ટીડડાને ખાઈ જાય છે; જોવા જેવું છે. હાલો હાલો, નવું નવું છે.”

બાપાને મન એમાં કશો ચમત્કાર નથી. બાળકને મન આ બધું નવીન છે. બાળક બાપાને તેડી જઈ પોતાના નવા જ્ઞાનના આનંદના ભાગી કરવા માંગે છે. બાપાને મન આ જુગજૂની વાત છે.

બાપા કહેઃ "હવે એમાં શું જોવું' તું ? ગરોળું ટીડડું ખાય જ ના ? જો મોટી નવાઈની વાત કહેવા આવ્યો ! જા પાઠ કર, પાઠ.”

×××

આવી રીતે આપણે બાળકોને ઘણીવાર છણકાવી નાખીએ છીએ. તેમનું મન સમજ્યા વિના તેમના ઉપર ટીકા કરીએ છીએ. તેને વિષે અનુદાર ઉદ્‌ગાર કાઢીએ છીએ. તેનું અપમાન કરીએ છીએ. તેને સહાનભૂતિ આપતા નથી. ઊલટું આપણી ને તેની વચ્ચે ગેરસમજણ ને અંતર ઊભા કરીએ છીએ. જરા વખત બચાવી, જરા બાળકના દૃષ્ટિબિંદુથી બધું જોઇ, તેના આનંદમાં જરા ભાગ લઈએ ને તેને સહાનુભુતિ આપીએ તો બાળકના અંતરને આપણે વધારે સુખી, આપણી વધારે નજીક, ને તેથી વધારે આપણુ કરી શકશું.