ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર/વિધવા વિવાહનો પ્રચાર

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← સ્ત્રી કેળવણી માટે વિદ્યાસાગરનો પ્રયાસ ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર
વિધવા વિવાહનો પ્રચાર
શિવપ્રસાદ દલપતરામ પંડિત
સંસાર સુધારાનાં બીજાં કાર્યો →


પ્રકરણ ૭ મું

વિધવા વિવાહનો પ્રચાર


વાંચકોને સારીપેઠે માલૂમ હશે કે ૧૯ મા સૈકાના પ્રારમ્ભમાં હિન્દુસ્તાનના અન્યપ્રાન્તોની માફક બંગાળાની સ્ત્રીઓની દશા પણ ઘણી દયાજનક હતી. પતિના મૃત્યુ પછી સતી થવાનો ચાલ એ સમયે દેશમાં પુર જોરમાં પ્રચલિત હતો. ઈ. સ. ૧૮૨૪ ની ૪ ડિસેમ્બરે લૉર્ડ વિલિયમ બેન્ટિકની આજ્ઞાથી સમગ્ર ભારત વર્ષમાં વ્યપેલો આ સતીદાહનો અગ્નિ હોલવી નાંખવામાં આવ્યો. રાજા રામમોહન- રાયના અથાગ પરિશ્રમથી તથા લૉર્ડ વિલિયમ બેન્ટિકની શુભેચ્છાથી આ લજ્જાસ્પદ રિવાજનો અંત આવ્યો. વાંચક ! લજ્જાસ્પદ કોને માટે ? ભારત ૨મણીઓને માટે આરિવાજ લજ્જાસ્પદ હતો એમ હમારૂ લેશમાત્ર પણ કહેવું નથી. ચિંતાના અગ્નિમાં પતિના દેહની સોડ્યમાં સુઈને આત્મ સમર્પણ કરવાથી હિન્દુ રમણીનો ચરિત્રમાં સ્વર્ગીય શોભાનો ભાસ થતો હતો, નારી જતિની અદ્‌ભુત સહનશીલતા પ્રગટ થતી હતી છતાં પણ એ પ્રથા ચાલુ રાખવાને માટે ભારત વર્ષના પુરૂષોએ જે પ્રયત્ન કર્યો હતો ત્હેમને માટે લજ્જાસ્પદ હતો એમાં શો સંદેહ ? જે સહમરણ અથવા સતીનાઅ રિવાજમાં સ્ત્રી જાતિનાં વીરત્વનો અપૂર્વ વિકાસ જણાઈ આવતો હતો, ત્હેમાં પણ જે સ્ત્રીઓ પોતાની ઇચ્છાથી, કોઈના પણ દબાણ વગર, હાસ્યમય વદને, સીતા દેવીની અગ્નિ પરીક્ષાની માફક ચિતામાં પ્રવેશ કરતી હતી અને ઇષ્ટ દેવતાના નામનો જપ કરતી કરતી ભસ્મીભૂત થઈ જતી હતી, તે દેવીરૂપ સાધવી મહિલાઓનું પતિ ભક્તિનું ઋણ ફેડવાને કેટલા સાધુ પુરૂષોએ પત્નિનું સહગમન કે અનુગમન કર્યું છે ? કેટલાએ પત્નીના પછાડી પ્રાણ આપ્યા છે ? પરલોકમાં પતિની સોડ્યમાં સ્થાન મેળવવાની આશા જેમ સ્ત્રીને માટે વાંછનીય છે તેમ પત્નીની સોડ્યમાં સ્થાન મેળવવાની ઇચ્છા શું પતિઓને માટે સ્વાભાવિક નથી. ? સ્ત્રીઓને માટે આવો સખ્ત નિયમ હોવા છતાં પણ પુરુષોને માટે અનેક સ્ત્રી પરણવાનું શાસ્ત્ર સંમત ગણાય એ શું અસંગત નથી ? આવી અસંગતતાના પક્ષપાતી બન્યા રહેવું એ મનુષ્યધર્મની અપૂર્ણતા નથી સૂચવતું ? આવા આવા અનેક વિચારોથી, રાજા રામ મોહનરાયની હિલચાલને અનુમતિ આપીને ભલા બેન્ટિક સાહેબે મહા મહેનતે ભારત લલનાઓને જીવતી ચિતામાંથીતો છોડવી, પણ એથી શું એમના સંકટનો અન્ત આવ્યો ? ના, એમની સ્થિતિતો ચુલામાંથી નીકળીને હોલામાં પડ્યા જેવી થઈ ગઈ. સતીદાહને બદલે જીંદગી પર્યંત કઠણ બ્રહ્મચર્ય વ્રત પાળવાનો નિયમ વિધવાઓને માટે ફરજીયાત થયો. આ વૈધવ્યનો અગ્નિ ચિતાના અગ્નિ કરતાં પણ ખરાબ હતો. ચિતાનો અગ્નિતો દેહને ભસ્મ કરી નાંખતો હતો, પણ આ વૈધવ્યનો અગ્નિતો હૃદયને બાળીને ખાક કરવા લાગ્યો. બાળ વિધવાઓને માટે આના કરતાં વધારે દુઃખ બીજું કયું છે. ? ઘ૨માં સગાં વ્હાલાંની તરફ દષ્ટિપાત કરે છે તો જુએ છે કે પાકી વયની સૌભાગ્યવતી સ્ત્રીઓ બધી જાતનાં સુખ વૈભવ ભોગવી રહી છે, ત્ય્હારે નાદાન કુમળી વયની બાળકીઓ સન્યાસિનીને વેશે ઊંડા દુ:ખ સાગરમાં ડુબેલી છે. ત્હેના મુખ ઉપર વિષાદની એક છાયા છવાઈ રહી છે. પિતા બાળ વયમાં વૈધવ્યને પામેલી પોતાની કન્યાને જીંદગી પર્યન્ત બ્રહ્મચર્ય પાળવાનો આદેશ કરે છે, પણ પોતે ધોળાવાળ સાથે પણ બીજી, ત્રીજી ચોથીવાર કોઈ બાળ કન્યા સાથે લગ્ન કરીને, પરમ સુખમાં દિવસ ગાળે છે, કોમળ હૃદયની કન્યાઓ અને બ્હેનોને કઠોર બ્રહ્મચર્યનું શિક્ષણ આપવાનો શો આ રસ્તો છે ?

વિદ્યાસાગર મહાશય જે સમયે કૉલેજમાં અભ્યાસ કરતા હતા તે સમથથીજ વિધવાઓની દુર્દશા તરફ ત્હેમનું ધ્યાન ખેંચાયું હતું. પોતાના ગુરૂ સંભુચન્દ્ર મહાશયની બાલ પત્નીની વૈધવ્ય દશાથી દુઃખી થઈને, એજ સમયે એમણે મનમાંને મનમાં પ્રતિજ્ઞા લીધી હતી કે વિધવાઓની દશા સુધારવા તન અને ધનથી પ્રયત્ન કરીશ. વિચાર કરતાં એમને એમ લાગ્યું કે વિધવાઓની બ્રહ્મચર્ય જીવનમાં કાંઈક ફેરફાર કરવો આવશ્યક છે, જે વિધવા પતિનું સ્મરણ પોતાના હૃદયમંદિરમાં તાજું રાખીને પાવન હાયાવજજીવન બ્રહ્મચર્ય પાળવાને શક્તિમાન હોય, અને રાજીખુશી હોય, તે ભલે તે પ્રમાણે કરે. એજ એમને માટે શ્રેષ્ઠ ધર્મ છે. એ દેવી સ્વરૂપ સન્નારીઓ માનવ સમાજ આગળ નિઃસ્વાર્થ પ્રેમ અને પરમાર્થ પરાયણતાની મૂર્તિ રૂપે પૂજ્ય ગણાશે. પશુ જ્હેમને પતિ શું અને પતિવ્રતા ધર્મ શો ત્હેની કાંઈ પણ ખબર નથી, જ્હેમનું શારીરિક કે માનસિક બળ કઠણ બ્રહ્મચર્યવ્રત પાળવાને માટે પૂરતું નથી, ત્હેમને માટે ભારત વર્ષના દૂરઅંદેશ નિપૂણ શાસ્ત્રકારોએ અવશ્ય કોઈને કોઈ ઉપાય શોધી કહાડ્યો હશે. એ ઉપાય શોધી કહાડવા માટે વિદ્યાસાગરે શાસ્ત્રોનું ફરીથી અધ્યયન શરૂ કર્યું. શાસ્ત્રોનું મંથન કરીને સાર શોધી કહાડવો એ કેટલું મુશ્કેલ કામ છે તે સહજમાં સમજી શકાય એમ નથી. ઘણા જુના, ઉધઈથી ખવાઈ ગયેલા શાસ્ત્રોના પાનાંઓમાંથી શાસ્ત્રાર્થ શોધી કહાડવામાં એમને કેટલી ધીરજ, સહન શીલતા, અને પરિશ્રમ પૂર્વક કામ કરવું પડ્યું હતું, ત્હેની કલ્પના આપણને સહજમાં આવી શકે એમ નથી. એ સમયમાં, બપોરને વખતે કોઈ એક મિત્રને ત્ય્હાં ભોજન કરી આાવતા અને ત્ય્હાર પછી આખો દહાડો જમતા નહીં. કૉલેજનું કામ સમાપ્ત કરીને સ્હાંજથી તે આખી રાત સૂધી સંસ્કૃત કૉલેજની લાઈબ્રેરીમાંના નાના પ્રકારના ગ્રંથો શોધવામાં ઉધાઈની પેઠે પાનાપાનામાં પ્રવેશ કરી લેતા. કાર્ય સાધન અથવા દેહપાતન એજ ઉદ્દેશથી એ ખંત પૂર્વક આ શુભ કામમાં મંડ્યા રહ્યા હતા. ઈશ્વરે ત્હેમની સાત્વિક બુદ્ધિની અભિલાષા પૂર્ણ કરી. ત્હેમનો પ્રયત્ન સફળ થયો, અને પારાસર સંહિતામાં

વગેરે શ્લોકો મૂળી આવ્યા. આ શ્લોકો વાંચતાં અને ત્હેના અર્થનો વિચાર કરતાં કરતાં તેમના હૃદયમાં ઉત્સાહનો એક વિચિત્ર ઉભરો. ઉભરાઇ આવ્યો. હર્ષઘેલા થઇને, પુસ્તકને ભોંય ઉપર મુકીને એ ઉભા થયા અને જેથી પુકારી ઉઠ્યા ‘મળ્યું છે, મળ્યું છે.’ પાસે બેઠેલા કોઈ ગૃહસ્થે પુછ્યું ‘શું મળ્યું છે?’ ત્હેમણે પ્રફુલ્લ વદને ઉત્તર આપ્યો ‘જ્હેને માટે આટલા દિવસ આટલું બધું દુઃખ વેઠી રહ્યો હતો તે આજ મળ્યું છે.’

આજ ત્હેમના આનંદનો પાર રહ્યો નહીં. રામ મોહનરાયની સતી દાહ-નિવારણની પ્રતિજ્ઞાની માફક ત્હેમણે લીધેલી વૈધવ્ય દુઃખ નિવારણની પ્રતિજ્ઞા ફલીભૂત થવાનાં આશા ચિહ્ન આજ જણાવવા લાગ્યાં. શાસ્ત્રોનાં વચનોનો સંગ્રહ કરીને, ત્હેના અર્થનો નિર્ણય કરીને, બુદ્ધિ અને તર્કનો ઉપયોગ કરીને એમણે વિધવા વિવાહ સંબંધી એક ગ્રન્થ રચ્યો. પરન્તુ એ પુસ્તક રચીને વિધવા વિવાહની આવશ્યકતા સપ્રમાણ ટુંકામાં સિદ્ધ કરી હતી. પરન્તુ એ પુસ્તક રચીને એકદમ પ્રગટ ન કર્યું, પુસ્તક લખ્યા પછી સૌથી પહેલા પિતૃદેવની પાસે ગયા અને વિનય પૂર્વક કહ્યું ‘શાસ્ત્રાદિના પ્રમાણ એકઠાં કરીને મ્હેં વિધવા વિવાદનો પક્ષ સમર્થન કરનારૂં આ પુસ્તક રચ્યું છે. આપ એને સાંભળીને છપાવવાની રજા નહીં આપો ત્ય્હાં સુધી હું એને પ્રગટ નહીં કરી શકું’ ઠાકુરદાસે પુત્રને પુછ્યું ‘જો હું રજા ન આપું તો તું શું કરીશ?’ ઈશ્વરચન્દ્રે કહ્યું ‘એમ થશે તો આપની હયાતીમાં એ ગ્રન્થનો પ્રચાર નહીં કરૂં. આપના સ્વર્ગવાસ પછી જેવી ઈચ્છા તે પ્રમાણે કરીશ’ પિતાએ કહ્યું ‘ઠીક કાલે એકાન્તમાં બેસીને ત્હારી પાસેથી એ પુસ્તક સાંભળીશ અને પછી મ્હારો અભિપ્રાય જણાવીશ.’ બીજે દિવસે વિદ્યાસાગર મહાત્મા પિતા પાસે જઈને એ ગ્રન્થ આદ્યોપાન્ત વાંચી સંભળાવ્યો. બધું સાંભળી રહ્યા પછી ઠાકુરદાસે પુછ્યું ‘ત્હારી ખાત્રી છે કે એમાં લખ્યું છે તે બધુ શાસ્ત્ર સંમત છે ? પુત્રે કહ્યું ‘એમાં મ્હને લેશ માત્ર સંદેહ નથી’ ઉદાર ચિત્ત પિતાએ કહ્યું ‘તો તું એ સંબંધમાં રીતસર પ્રયત્ન કર, મ્હને કાંઈ વાંધો નથી. પિતાજીની આજ્ઞા મળ્યાથી વિદ્યાસાગર હરખાતા હરખાતા માતાજી પાસે ગયા અને ત્હેમને પૂછ્યું. “મા, શાસ્ત્ર શાસ્ત્ર તો તું કાંઈ સ્હમજતી નથી. મ્હેં આ વિધવા વિવાહ સબંધી પુસ્તક લખ્યું છે. પણ ત્હારી રજા વગર મ્હારાથી એ છપાવી શકાય નહીં, શાસ્ત્રમાં વિધવા વિવાહની વિધિ છે.” સરળતાની સૌમ્ય મૂર્તિ રૂપ, ઉન્નત વિચારની અને ઉદાર હૃદયની ભગવતી દેવીએ તરતજ ઉત્તર આપ્યો ‘કાંઈ અડચણ નથી, લોકોની આંખોમાં શૂલ રૂપ, મંગળ કામમાં અમંગાના ચિહ્ન રૂપ, ઘરની બલા ગણાઈ ને રાત દિવસ આંસુનો વરસાદ વરસાવીને જે સ્ત્રીઓ જીંદગી ગાળે છે, ત્હેમનો સંસાર સુખી કરવાનો ઉપાય કરીશ તો તેમાં મ્હારી પૂરી સંમતિ છે. પણ તું એમને (પિતાને) કાંઈ કહીશ નહીં. વિદ્યાસાગરે પૂછ્યું ‘શા માટે ના કહું?’ માતાએ કહ્યું ‘એમ કર્યાથી એમને અડચણ પડશે. કારણ કે તું વિધવા વિવાહના કામમાં પડે તો એમને ઘણી રીત્યે નુક્સાન થયાનો સંભવ છે’ વિદ્યાસાગરે કહ્યું ‘પિતાજીએ તો ક્ય્હારનીએ આજ્ઞા આપી છે.’ કરૂણામયી ભગવતી દેવીનો ઉત્સાહ આ સાંભળીને દસ ગણો વધી ગયો અને ત્હેમણે કહ્યું ‘સારૂં બેશ થયું, હવે બીજી શી જ છે?’ માતા પિતા તરફ વિદ્યાસાગરની ભક્તિ કેવી ઉત્તમ પ્રકારની હતી ત્હેનું આ એક શ્રેષ્ટ ઉદાહરણ છે, ત્હેમનું આ વર્તન જેમ ઉછરતા યુવાન સુધારકોને માટે અનુકરણીય છે, તેમજ સુધારાવાળા માત્ર ઉદ્ધત, ઉચ્છૃંખલ તથા મુરબીઓને માટે પૂજ્યભાવ નહીં ધરાવનારા હોય છે, એવો મિથ્યા આરોપ કરનારાઓનાં મ્હોં બંધ કરનારૂં છે.

ઈ. સ. ૧૮૫૩ માં વિધવા વિવાહનું પુસ્તક પ્રગટ થતાં વારજ, શાન્ત સમુદ્રમાં તોફાન આવે તેમ આખા બંગાળામાં ખળળાટ મચી ગયો, ઘેરઘેર એ વાત ચર્ચાવા લાગી. જ્ય્હાં જાઓ ત્ય્હાં વિદ્યાસાગરનું નામજ સાંભળવામાં આવતું, ઘણાઓએ ત્હેમની દલિલોના ખંડનરૂપે ચોપડીઓ લખી અને ત્હેમાં એમને ખૂબ ગાળો ભાંડી. વર્તમાન પત્રોને તે એક નવો મશાલો મળી શક્યો. ત્હેમણે વિદ્યાસાગરની દલિલોનું ખંડન કરવામાં મનમાની ગાળોનો વરસાદ વરસાપ્યો, કેટલાએકે પરાશર સંહિતાના સ્પષ્ટ અર્થ ઉપર પાણી ફેરવીને ત્હેનો મન ગમતો અર્થ કર્યો, સારાંશકે સાત મહારથીઓએ પાતાનાં અસ્ત્ર શસ્ત્ર લઈને અભિમન્યુને ચારે તરફથી ઘેરી લીધો હતો તેમ આ વખતે વિદ્યાસાગરના પ્રસંગમાં બન્યું, પણ જેમ એ મહાવીરે એ બધા મહારથીઓનો પરાજય કર્યો હતો તેમ, વિદ્યાસાગરે એ ટીકાક્રોના જવાબમાં, ત્હેમના સઘળા ન્હાના મ્હોટા આક્ષેપોના ખુલાસારૂપ એક મ્હોટો ગ્રન્થ લખ્યો. એ ગ્રન્થ પ્રસિદ્ધ થવાથી બધા વિરોધીઓનાં મ્હોં બંધ થઈ ગયાં, અને હજારો માણસો ત્હેમના પક્ષમાં આવ્યા, જો કે ત્હેમના ઉપર આક્ષેપ કરવામાં લોકોએ ત્હેમને અસંખ્ય ગાળો દીધી હતી, તો પણ એમણે ઘણાજ મધુર શબ્દોનો પ્રયોગ કરીને અને પ્રબળ દલિલોનો આધાર લઈનેજ એ લેખકોને શરમાવી નાંખ્યા. થોડું પાણી અગ્નિને જલ્દી હોલવી નાંખે છે, તેમ વિદ્યાસાગરના આ થંડા દિલના જવાબે બધા વિરોધીઓને શાન્ત કરી દીધા. આ હિલચાલ આગળ વધારતાં વિદ્યાસાગરને એક મ્હોટી અડચણ નડી, એ અડચણ એ હતી કે બંગાળામાં દાયભાગના કાયદા મુજબ પુનર્લગ્ન કરેલી સ્ત્રીનાં સંતાન પોતાના પિતાની મિલ્કતના વારસ નહોતા થઈ શક્તા, એટલા માટે ત્હેમણે સરકારને એવી અરજી કરી કે વિધવાના બીજી વારના પતિથી જન્મેલા સંતાનોને દાયભાગના અધિકારી ગણવા. આ અરજી ઉપર બંગાળાના મ્હોટા મ્હોટા જમીનદારો અને વિદ્વાન નામાંક્તિ પંડિતો વગેરેથી એક હજાર સહીઓ હતી. તે ઉપરાંત પ્રસન્ન કુમાર ઠાકુર, પ્યારી ચરણ સરકાર, રાજા પ્રતાપચન્દ્ર વગેરે નામાંક્તિ નરોએ ઘણી સહીઓવાળી બીજી અરજી મોકલી. રાજા મહતાબચન્દ્ર જે એ સમયમાં રાજદરબારમાં ઘણા પ્રતિષ્ઠિત ગણાતા હતા, ત્હેમણે પોતાની તરફથી એક સ્વતંત્ર અરજી લખીને આ મતનુ ઘણી યુક્તિ પૂર્વક પોષણ કર્યું. આ પ્રમાણે લગભગ પચ્ચીસ હજાર કેળવાયેલા મનુષ્યો વિધાવા વિવાહની પક્ષમાં કાયદો ઘડાવવા આતુર છે એ જાણીને બાંગાળામાં ભારે ખળભળાટ મચી રહ્યો. વિદ્યાસાગરના આગ્રહથી ઓનરેબલ જે. પી. ગ્રાન્ટ સાહેબે ગવર્નર જનરલની સભામાં એ બિલને લગતો સવાલ ઉત્સાહ પૂર્વક ઉપાડી લીધો. એ સહૃદય અંગ્રેજે એ પ્રસંગે જે અસરકારક ભાષણ આપ્યું હતું તે દરેક ગૃહસ્થે મનન કરવા યોગ્ય છે. સ્થળ સંકોચને લીધે, હમે તે ઉતારી શકતા નથી, પણ ત્હેમના હૃદય ઉચ્છવાસના છેલ્લા કેટલાક શબ્દો અમે ઉતારવાની લાલચને રોકી શતા નથી. ઓનરેબલ મિસ્ટર ગ્રાન્ટે એ ભાષણમાં કહ્યું હતુ કે ‘જો મ્હારી ખાત્રી થશે કે આ કાયદો પસાર થવાથી એક પણ બાલિકા વૈધવ્યના ત્રાસમાંથી બચશે તો, હું તે એકલીને માટે આ કાયદો પસાર કરાવીશ, જો હું એમ માનતો હોઉં ( જો કે એથી ઉલટી વાતની મ્હારી ખાત્રી છે ) કે આ કાયદો પસાર થવાથી કાંઈ વળશે નહીં, તોપણ હું ફક્ત અંગ્રેજ નામની પ્રતિષ્ઠા ખાતર એ કાયદો પસાર કરાવીશ.’ આ પ્રમાણે ઓ. મિસ્ટર જેમ્સની સહાયતાથી, વિદ્યાસાગરનો ચિરવાંછિત વિધવા વિવાહ વિધાયક દ્વારા તા. ૨૬ મી જુલાઇ ૧૮૫૬ ને રોજ પસાર થયો. આ કાયદો પસાર થવાથી એમનો ઉત્સાહ ઘણો વધી ગયો, અને એ તનમનધનથી એ પ્રયત્નમાં ચાલુ રહ્યા. આખરે શકે ૧૭૭૮ બંગાળી સવંત ૧૨૬૨ ના માગશર વદી ૮ ને રોજ વિદ્યાસાગરની કીર્તિનો દુંદુભીનાદ વાગી રહ્યો. એ દિવસે કલકત્તા નગરમાં પ્રથમ પુનર્લગ્ન થયું. વર કન્યા બન્ને ઉચ્ચ બ્રાહ્મણ જાતિનાં હતાં. કન્યાનું નામ કાલીમતી દેવી હતું અને વરનું નામ શ્રીશચન્દ્ર હતું. શ્રીશચન્દ્ર એક વિદ્વાન બ્રાહ્મણ હતા અને સંસ્કૃતની ઉચ્ચ પરીક્ષા આપીને ‘વિઘારત્ન’ની ઉપાધિ મેળવી હતી. આ લગ્નનો વરઘોડો જોવાને લોકોની પુષ્કળ ભીડ એકઠી થઈ હતી. સુકિયા સ્ટ્રીટ અને ત્હેની પાસેના મહોલાઓ માણસોથી ચીકાર ભવાઈ ગયા હતા. સુલેહનો ભંગ ન થાય એટલા માટે સરકાર તરફથી બબ્બે હાથને છેટે પોલિસનો પહેરો મુકવામાં આવ્યો હતો. આ લગ્ન સમારંભ વખતે કેટલાક રાજા મહારાજાઓ ઉપરાંત કલકત્તાની સંસ્કૃત કૉલેજના અધ્યાપકો સુપ્રસિદ્ધ પંડિત જયનારાયણ તર્કે પંચાનન, ભરતચન્દ્ર શિરોમણી, પ્રેમચન્દ તર્ક વાગીશ અને તારાનાથ તર્કવાચસ્પતિ આદિ વિદ્વાનો હાજર હતા, ત્હેમની સહાયતાથી લગ્નનું બધું કામ કુશલતા પૂર્વક સમાપ્ત થઈ ગયું. વાંચકોની જાણને સારૂ લખવું આવશ્યક છે કે આ કન્યાનો પ્રથમ વિવાહ ચાર વર્ષની વયે થયો હતો અને ત્યાર પછી બે વર્ષે એટલે કે છ વર્ષની કુમળી વયે ત્હેને વૈધવ્ય પ્રાપ્ત થયું હતું.

ત્ય્હાર પછી થોડા દિવસમાં કુલીન કાયસ્થ ગૃહસ્થની બાર વર્ષની વિધવા કન્યાનું પુનર્લગ્નમ થયું. આ કન્યાને એના પિતાએ પોતેજ કન્યા દાન દીધું હતું.

આ પ્રમાણે વિધવા વિવાહનું ગાડું ધીમે ધીમે ચાલવા લાગ્યું. દિનપ્રતિદિન પુનર્લગ્નોન થવા લાગ્યાં; અને એ બધાને વિદ્યાસાગરે થોડી ઘણી મદદ આપી. વિધવા વિવાહની હિલચાલ કરવા માંડી ત્ય્હારથીજ લોકો ત્હેમના શત્રુ થઈ રહ્યા હતા. પણ જ્ય્હારે એ લોકોએ જોયું કે આતો ખરેખાત પુનર્લગ્નો થવા પણ માંડ્યા ત્ય્હારે ત્હેમનો ક્રોધાગ્નિ વધારે સળગી ઉઠ્યો. જે વિદ્યાસાગરને લોકો ત્હેમનાં અપૂર્વ વિદ્યા અને સદાચારને લીધે પૂજતા હતા તેજ વિદ્યાસાગરને હવે લોકો અનેક તરેહની ધમકીઓ કાગળ લખવા લાગ્યા. પણ એ ધર્મવીરે એ બધી તુચ્છ ધમકીઓની જરાપણ પરવા કરી નહીં. ફક્ત પોતાની સાથે શ્રીમન્ત નામનો એક અંગ રક્ષક સીપાઈ હમેશાં રાખતા. એક દિવસ એવું બન્યું કે અડધી રાતે સંસ્કૃત કૉલેજમાંથી ઘેર પાછા આવતી વખતે રસ્તામાં દસબાર માણસોએ હાથમાં છરા સાથે આવીને ત્હેમને ઘેરી લીધા. ભારત વર્ષના એક મહાન્ વિદ્વાન સુધારકનું કાયરતાથી ગુપ્ત ખૂન થવાનો પ્રસંગ આવી પહોંચ્યો. પણ ત્હેમનો નોકર શ્રીમન્ત મોટી ડાંગ લઈને સાથેજ ઉભો હતો. ત્હેને જોતાંજ એ દુષ્ટો અગીઆરા ગણી ગયા.ગુપ્ત ખૂનીઓ હમેશાં કાયરજ હોય છે. આ બનાવ બન્યા પછી ત્હેમના મિત્રોએ ત્હેમને રાતે બહાર ન નીકળવાનો આગ્રહ કર્યો પણ એ એવી સલાહને હસી કહાડતા. પોતાને માથે લાખો શત્રુઓ છે અને તેઓ પોતાને હરેક પ્રકારે હાનિ પહોંચાડવા યત્ન કરે છે એ જાણવા છતાં પણ આ બ્રાહ્મણ કુમારે કહ્યું કે “મ્હારૂં વ્રત ચિતામાં ભસ્મની સાથે જ સમાપ્ત થશે” એ પ્રતિજ્ઞા ત્હેમણે પોતાના કાર્યથી સિદ્ધ કરી આપી.

વાક્ય વીરો ! આ મહાત્માની તરફ જરાક ધ્યાન આપો અને જુઓ કે ખરી પ્રતિજ્ઞા શાને કહે છે. પોતાના કુટુંબ અને જનસમાજના લોકોથી બ્હી જઈને આત્માની વિરુદ્ધ આચરણ કરનારા અને પોતાના સિદ્ધાન્ત ઉપર પાણી ફેરવનારા આપણામાંથી હજારો નીકળશે. તેઓ પણ વિદ્યાસાગરની પેઠે પોતાના આત્માને દૃઢ બનાવે તો કોણ એમનો વાળ વાંકો કરી શકે એમ છે ? વિદ્યાસાગરના શત્રુઓએ ત્હેમને મારી નાખવાની ધમકી આપી પણ આધ્યાત્મિક બળથી ઉત્સાહિત થયેલા વિદ્યાસાગરને કોઈપણ વિધ્ન પહોંચાડી શક્યું નહીં. વાંચકો ! સાધારણ મનુષ્યોનો એવો ભય નિર્મૂળ છે જ્હેના આત્મા ઉપર સત્યતા આરૂઢ છે તેને કોઈ શું કરી શકે એમ છે ? મહાન્ પુરુષ અને સાધારણ પામર મનુષ્યોમાં એ જ ભેદ છે કે મહાન્ પુરુષો સત્યની આગળ પ્રાણની પણ દરકાર કરતા નથી પણ બીજા સાધારણ લોકો જરાપણ આવતા પોતાના સિદ્ધાન્તથી હજાર ગાઉ દૂર ન્હાસે છે આ વિધવા વિવાહના કાર્યમાં હાથ ઘાલતી વખતે વિદ્યાસાગરને સહાયતા આપવાનું અનેક લોકોએ વચન આપ્યું હતું પણ જ્ય્હારે કામ પડ્યું ત્યારે ઘણા ખરા એ તો રસ્તો પકડ્યો. ઉત્સાહી દેશભક્ત રાજનારાયણ બસુ તથા વિશ્વવિખ્યાત વક્તા સ્વદેશ પ્રેમી સુરેન્દ્રનાથ બેનરજીના પિતા સ્વર્ગસ્થ દુર્ગાચરણ બેનરજી તથા બે ચાર બીજા બંગાળી ગૃહસ્થો કેવળ તેમની પડખે ઊભા રહ્યા આ વિધવા વિવાહોમાં હજારો રૂપિયાનું ખર્ચ થતું ત્હેનો ઘણો ભાગ વિદ્યાસાગરને આપવો પડતો હતો. ધીમે ધીમે પૈસાની તંગી પડતી ગઈ. વળી એ જ અરસામાં ૧૮૫૭નો સિપાહીનો બળવો જાગ્યા થી દુશ્મનો એ એવી ગપ ફેલાવી કે સરકારે પુનર્લગ્નનો કાયદો પસાર કર્યો હતો ત્હેના અસંતોષનો આ પરિણામ છે. આવા આવા આક્ષેપોને લીધે થોડા સમય સુધી એ કામ લગભગ બંધ પડી જવા જેવું થયું. વિરુદ્ધ પક્ષના લોકો કહેવા લાગ્યા કે સંયોગ વશ બે ચાર લગ્ન થઈ ગયા. હવે ક્યાં થાય છે ? ધર્મનો નાશ કરીને વિદ્યાસાગર કીર્તિ મેળવે છે. આ તો આ પારકા છોકરાઓને જતી કરવાનો ધંધો છે. પોતાને ઘેર એવું કરે ત્ય્હારે જાણીએ. આખરે એક કસોટીનો સમય પણ ઈશ્વરે આણી આપ્યો. ત્હેમના એકના એક પુત્ર નારાયણચન્દ્રે એક વિધવાને પોતાની સહધર્મિણી તરીકે પસંદ કરી. વિદ્યાસાગરે એ સંબંધને પસંદ કર્યો અને ઘણી ખુશી સાથે પુત્રને લગ્ન કરવાની મંજૂરી આપી. અને બંગાળી સંવત ૧૨૭૭ ના શ્રાવણ વદી ૧૨ ને દિને એકવીસ વર્ષની વયે નારાયણચન્દ્રનું લગ્ન એક બાળ વિધવા સાથે થયું. આ લગ્નથી વિદ્યાસાગરનું હૃદય કેટલું પ્રફુલ્લિત થયું હતું, તથા વિધવા વિવાહના કેટલા ખરા અંતઃકરણથી હિમાયતી હતા એ ત્હેમના લખેલા નીચેના એકપત્ર ઉપરથી જણાઈ આવશે. પોતાના અને નાના ભાઈ શંભુચન્દ્ર ઉપરના પત્રમાં વિદ્યાસાગર લખે છે શ્રાવણ વદી ૧૨ને રોજ બ્રહસ્પતિવારને દિને નારાયણે ભવસુંદરી; પાણી ગ્રહણ કર્યું છે એ ખબર માતૃદેવી વગેરેને જણાવજો.

અગાઉ ત્હમે લખ્યું હતું કે નારાયણના વિવાહ કરવાથી આપણું કુટુમ્બ મ્હારી સાથે ખાનપાનનો વ્યવહાર બંધ કરશે, માટે નારાયણના લગ્નને રોકવું એ આવશ્યક છે. એ સંબંધમાં મારે કહેવાનું એ છે, કે નારાયણે સ્વતઃ પ્રવૃત્ત થઈને આ લગ્ન કર્યું છે; મારી ઈચ્છા કે આગ્રહથી કર્યું નથી. જ્ય્હારે સાંભળ્યું કે વિવાહ નક્કી થઈ ગયો છે, અને કન્યા પણ તૈયાર છે, ત્ય્હારે સગાઈને મારી અનુમતિ ન આપતાં રોકવાનું આચરણ કરવું મારે માટે કોઈપણ રીતે વ્યાજબી ગણાત નહીં. હું વિધવા વિવાહનો પ્રવર્તક છું; મ્હેં ઉદ્યોગ કરીને ઘણાંના પુનર્લગ્ન કરાવ્યા છે; એવી હાલતમાં મારો પુત્ર વિધવા વિવાહ ન કરતા કોઈ કુમારી સાથે લગ્ન કરત, તો હું લોકો આગળ મ્હોં બતાવી શકે નહીં સભ્ય સમાજમાં બિલકુલ તિરસ્કાર યોગ્ય અને શ્રદ્ધાપાત્ર ગણાત. નારાયણે પોતે જાતે થઈને આ લગ્ન કરીને મ્હારૂં મ્હોં ઉજળું રાખ્યું છે અને લોકો આગળ ત્હેને મારા પુત્ર તરીકે ઓળખાવી શકું એવો માર્ગે લીધો છે. વિધવા વિવાહનો પ્રચાર એ મ્હારા જીવનનું સૌથી મુખ્ય સત્કર્મ છે. આ જન્મમાં એથી વધારે સત્કર્મમાં બીજું કરી શકીશ એવો સંભવ નથી. એ વિષયને માટે મ્હેં મારા સર્વસ્વનો ત્યાગ કર્યો છે અને કામ પડે પ્રાણ આપવાનું સ્વીકારતા પરાંગમુખ નહીં થાઉં. આ વિચાર આગળ કુટુમ્બનો કુસંપ એ ઘણી તુચ્છ વાત છે, કુટુંમ્બના મનુષ્યો ખાનપાનનો સંબંધ છોડી દેશે એ ભયથી હું પુત્રને તેના અભિપ્રેત વિધવા વિવાહમાંથી રોકત, તો મ્હારા કરતા વધારે નરાધમ બીજો કોઈ થાત નહીં. વધારે શું કહું ? એંણે સ્વતઃપ્રવૃત્ત થઈને આ વિવાહ કર્યાથી હું પોતાને ચરિતાર્થ માનું છું હું દેશાચારનો બિલકુલ દાસ નથી, પોતાના તેમજ સમાજના કલ્યાણને માટે જે ઉચિત કે આવશ્યક લાગશે તે કરીશ, લોક કે કુટુંબના ભયથી કદી પણ સંકોચ કરીશ નહીં

આખરે મ્હારૂં કહેવું એ છે કે આચાર વ્યવહાર રાખવાનાં જ્હેનામાં સાહસ કે પ્રવૃત્તિ ન હોય તે લોકો ભલે એ વ્યવહાર બંધ કરે એટલા માટે નારાયણ જરા પણ દુઃખી થશે એમ સ્હમજવું નહીં, અને હું પણ કોઈ પણ પ્રકારે એથી સંતુષ્ટ કે નારાજ નહીં થાઉં. મ્હારા વિચાર પ્રમાણે એ બધા વિષયો સ્વતંત્ર ઈચ્છા મુજબ છે. મ્હારી ઈચ્છાને અનુસરીને અથવા મ્હારા આગ્રહને વશ થઈને ચાલવું કોઈને માટે ઉચિત નથી.”

વિધવા વિવાહ સંબંધમાં વિદ્યાસાગરની શુદ્ધ આંતરિક વૃત્તિ દર્શાવવાને તથા ત્હેમના હૃદયની નિષ્કપટતા અને વિચારોની ઉદારતા દર્શાવવા માટે આ પત્ર પુરતો છે.

વિદ્યાસાગરના પુનર્વિવાહ પ્રચાર ને લાગતા આ પ્રકરણને સમાપ્ત કરતા પહેલાં એક પ્રશ્નનો ખુલાસો કરવો આવશ્યક છે કેટલાએક પુછે છે કે વિદ્યાસાગરનો આટલો બધો પ્રયત્ન છતાં પુનર્લગ્નના રિવાજનો પ્રચાર કેમ ન થયો? આ પ્રશ્નનો ઉત્તર એમણે પોતે જ પોતાના પુસ્તકમાં આપ્યો છે એ લખે છે કે મને આશા હતી કે

“મ્હને આશા હતી કે કોઈ સંસારિક રિવાજ ને શાસ્ત્રોક્ત સાબિત કરી આપવાથી જ આ દેશના લોકો ત્હેને માની લઈને તે પ્રમાણે વર્તન કરશે. પણ મ્હારો એ વિચાર જતો રહ્યો છે. મ્હને એવી ખબર નહોતી કે આ દેશના લોકો લૌકિક વ્યવહાર આગળ વેદશાસ્ત્ર ને જરા પણ ગણતા નથી” પોતાના એ પુસ્તકમાં વળી એ લખે છે “ધન્યદેશાચાર ! ત્હારો મહિમા અલૌકિક છે તું ત્હારા ભક્તોને ગુલામગીરી ની બેડી પહેરાવીને તેમના ઉપર સ્વતંત્રપણે રાજ્ય ચલાવી રહ્યો છે.”