ઉદ્ધવજી વિચારો રે અંતર આપણે

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
ઉદ્ધવજી વિચારો રે અંતર આપણે
દયારામ


ઉદ્ધવજી વિચારો રે અંતર આપણે, વણસમજ્યે શી દેવી રે શીખ?
જોવા કરકંકણ જોઈ એ શીદ આરસી? હોય વિચાર તો પાસે પરીખ ઉદ્ધવજી૦

તમારો તો હરિ વ્યાપક સર્વત્ર છે, ત્યારે કહો અધિક કે ઓછા ક્યાંય?
નિત્ય ઊઠી જાઉં છું શીદ કરી રહ્યા? એવડું શું દાટ્યું છે મધુપુરી માંહ્ય? ઉદ્ધવજી૦

ભમરે છે લોભી ગંધ કમળ ને કેતકી, દૂર થકી લાવે છે સુગંધી ગ્રહી વાય,
તેટલેથી હ્રદયરંજન ન થાતું હોય તો શીદને દોરાય? શીદ કંટકમાં જાય? ઉદ્ધવજી૦

દશે દિશા દીસે ઉદ્યોત ઇન્દુ તણો, પણ જ્યાં લગી અભ્રને ઓથે ચંદ,
સાગર કુમોદાદિક ફૂલે તો ફૂલજો, પણ ચિત્તચકોરને ન ઊપજે આનંદ. ઉદ્ધવજી૦

વિચારો તો મનને સહેજ રઢ રુપની, કોણ જાણે વદન વપુને શું વેર?
વ્યાપકની સાથે કરી કહો કોણે વાતડી, વાતડી વિના તે શી સુખની લહેર? ઉદ્ધવજી૦

ત્યાર લગી દયાના પ્રીતમ નથી ઓળખ્યા, જ્યાર લગી સત્ય નથી સાકાર,
રૂપરસપ્રેમની પીડા તે ત્યારે પ્રીછશો, અનુભવ થાશે ઓધવ કોઈ વાર. ઉદ્ધવજી૦