ઋતુગીતો/લોકગીતોમાં ઋતુગીતો/બેનડી રુવે પરદેશ

વિકિસ્રોતમાંથી
← (૧૩) માડીજાઇને આણાં ઋતુગીતો
બેનડી રુવે પરદેશ
ઝવેરચંદ મેઘાણી
(૧૫) સરામણ આયો રે →







બેનડી રૂવે પરદેશ


[આ પણ ઉપલા ગીતને મળતું છે; તલ તલ જેટલી વાદળીઓ મગ મગ જેટલાં નાનાં મંડાણ કરે છે. પછી માટે સ્વરૂપે વરસીને તળાવો ભરે છે. સરોવરની પાળે ભાઈ ધોતિયાં ધુએ છે ત્યાં એને વટેમાર્ગુ સાથે બહેનનો સંદેશો મળે છે. ભાઈ બહેનને તેડવા જાય છે, પણ સાસુ નથી છોડતી. ભાઈ ઘરે જઈને માને કહે છે કે સાત દીકરા જન્મજો, પણ એક દીકરી ન જન્મજો ! સાત ભાઈની એકની એક ખોટની બહેનને પણ આટલી પરાધીન બની પરદેશમાં રડવું પડે છે! ]

તલાં તલાં જેવડી વાદળી રે
મગાં જેવડાં મંડાણ.

વરસી વરસી રે વાદળી ને
ભરિયાં ભીમેરાં તળાવ.
 
ઊં’ચાં ધોવે રે વીરડો ધોતિયાં ને
નેચી સરોવર પાળ.

આગે ધોવે રે વીરડા ધોતિયાં ને
તારી બેનીને દેશ.

ત્યાંથી ને વીરડે ઘોડાં ખેડિયાં ને
આવ્યો બેનીને દેશ.

સૂતાં હોય તો રે બેની જાગજો ને
આયા પરદેશી વીર.

ક્યાં રે બાંધું રે બેનડી ઘોડલાં ને
ક્યાં રે વળગાડું હથિયાર ?

ઘોડાં બાંધો રે વીરડા ઘોડારમાં ને
ખૂંટીએ વળગાડો હથિયાર,

ઢાળો ઢાળો રે બેની ઢોલીઆ ને.
[૧] લ્યો ને માતાજીના શોધ!

મેલો મેલો રે વેવાણ મારી બેનડી ને
[૨] સવારી સરામણ ત્રીજ.

નહિ રે મેલું વેવાઈ તારી બેનડી ને
[૩]બારે હાળિયાની ભથવાર.

કાઠો વાળો રે વેવાણ કાછડો ને
ધમકે ઉપાડો ભાર.

[૪] ડુંગર વચે રે વીરા વરૂખડી ને
તેનાં [૫]ત્રીખેરાં પાંદ;

એક ચૂંટ્યે રે વીરડા પાંદડું ને
દેજે માતાજીને શોધ !

બીજું ચુંટ્યે રે વીરા પાંદડું ને
દેજે સાથેણ્યોને શોધ !

ત્રીજું ચૂંટ્યે રે વીરડા પાંદડું ને
દેજે ભોજાયાંને શોધ.

ત્યાંથી તે વીરડે ઘોડલાં ખેડિયાં ને
આયા પોતાને દેશ:

ઢાળો ઢાળો રે માતા ઢોલિયા ને
લ્યોને બેનીના શોધ !

એક મત જલમો માતા ! બેનડી ને
બેનડી રૂવે પરદેશ !

સાતે જલમ્યે રે માતા બેટડા ને
બારે બવટાવા ખેડ.

સાતે ભાઈયાંની એક બેનડી ને
બેનડી રૂવે પરદેશ !

  1. ૧, માતાના સમાચાર સાંભળો
  2. ૨. સારા વારની શ્રાવણી ત્રીજને દિવસે
  3. ૩, બાર: હળ હાંકનારાઓને માટે ખાવાનું રાંધવાનું
  4. ૧. ડુંગર વચ્ચે વૃક્ષ:
  5. ૨. ત્રણ અણીવાળાં