ઋતુના રંગ : ૧૦ :

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ઋતુના રંગ : ૯ : ઋતુના રંગ
ઋતુના રંગ : ૧૦ :
ગિજુભાઈ બધેકા
ઋતુના રંગ : ૧૧ :  →


બાલમંદિર : ભાવનગર.

તા. ૧૩ - ૪ - ૩૬

વહાલાં બાળકો !

અત્યારે બપોરના ત્રણ થયા છે. ગરમીમાપકમાં ૧૦૦ ડિગ્રી ગરમી દેખાય છે. હવા ગરમ છે. આકાશ વાદળાં વિનાનું છે અને તેજસ્વી સૂર્ય ચારેકોર તપી રહ્યો છે. અખાડાનાં રમવાનાં લોઢાનાં સાધનો તપીને ઊનાં થઈ ગયાં છે; અખાડાની રેતી તપી છે; રસ્તાની ધૂળ ઊની થઈ ગઈ છે. બાલમંદિરની ગેલેરીના છાંયામાં કાગડાઓ અને કાબરો ભેગાં થયાં છે. બારીની કમાનમાં કબૂતરો બેઠાંબેઠાં ઘૂઘવે છે. કાગડા કૉ કૉ કરીને ગરમીને વધારે કંટાળારૂપ બનાવે છે. બાલમંદિરમાં જ ભરાઈ બેઠેલાં કબૂતરોનો ઘુઘવાટ શાંતિમાં જ ભંગ પાડે છે. કાબરનું કચકચ જરા ય ગમે તેવું નથી. એ બિચારાં તડકાથી ત્રાસીને અહીં ભરાયાં છે; અત્યારે એમને ક્યાં ઊડાડી મૂકીએ ? ભલે રહ્યાં.

આ તડકામાં દાણાપીઠમાં મજૂરો દાણાની ગૂણો ઉપાડતા હાંફતા હશે; શેઠિયાઓ ગાદી ઉપર પડ્યા પડ્યા પંખો ને આઇસ્ક્રીમ ખાતા હાંફતા હશે, અને કૂતરાઓ લાંબી જીભે ક્યાંક ઠંડું જોઈને ભરાઈ બેસીને હાંફતાં હશે. આ તડકામાં રેલગાડીને દોડવાનું, છોકરાંઓને ભણવાનું, ખેડૂતને ખેડવાનું અને કંદોઈને ગાંઠિયા વણવાનું કામ તો ચાલુ જ છે. આ તડકામાં શેઠાણી પલંગમાં આડે પડખે, બિલાડી કોઠારમાં લાંબે ડિલે, ને ફકીર મસીદને ઓટલે નિરાંતે ઊંઘે છે. આ તડકામાં ભાતભાતના દેખાવો થઈ રહ્યા છે.

વારુ, પણ આ તડકાએ જ આપણને પાંદડાં વિનાના સાવ ડૂંઠા જેવા ગુલમહોરને, જંગલે લૂંટાયેલા હોય એવા ઊમરાને, અને કોઈ દિવસ વસ્ત્ર ન દીઠું હોય એવી પીંપરને નવપલ્લિત કરેલાં છે; અને રાતે પોતાનાં ફૂલોની ગંધથી અવકાશને ભરી દેનાર મોગરો, જૂઈ, રાતરાણી, આ તડકાનાં જ ઋણી છે. આ તડકાને લીધે જ જમીન તપશે ને એ તપશ્ચર્યાને લીધે અવનવાં ધાન્ય અને અવનવી વનસ્પતિની તે માતા થશે. આ તડકો સાગરના જળને આકાશના પ્રવાસે લઈ જઈ વરસાદનાં વાદળાંમાં ભરી દેશે.

ઉનાળો ખીલવા લાગ્યો છે અને એની સાથે બ્રાહ્મણી મેનાના, કાબરના, કોયલના, કાળાકોશીના અને પક્ષી માત્રના કંઠ ખૂલી ગયા છે. પક્ષીના નરો ગાવા લાગ્યા છે ને નાચવા લાગ્યા છે; પક્ષીઓની માદાઓ નાચ અને ગાન જોવા અને ઝીલવા લાગી છે. નર માદાને રીઝવે છે; માદા માળો કરવા ને ઇંડાં મૂકવા રિઝાય છે.

ચકલો ને ચકલી, હોલો ને હોલી, સક્કરખોરો ને સક્કરખોરી, બધાં પક્ષીઓ બબેની જોડી થઈ ગયાં છે ને માળો બાંધવા મંડી પડ્યાં છે. કેટલાંકે તો માળા પૂરા પણ કરી દીધા છે. કોઈ કોઈને માળે બચ્ચાં પણ થઈ ગયાં છે અને બચ્ચાની મા અને બાપ બચ્ચાંને ભાતભાતની ઈયળો ને બીજુંત્રીજું ખવરાવી રહ્યાં છે.

આ આપણા જ આંગણામાં હોલીનું બચ્ચું યે થઈ ગયું; એના માળામાં એક ઇંડું પડેલું છે. એને એણે સેવ્યું લાગતું નથી. હું એને ઉપાડી લાવી સંગ્રહસ્થાનમાં મૂકવાનો વિચાર કરું છું. ગોપાળભાઈવાળી સડકે, સડકની બાજુએ પથરાઓ છે તેની વચ્ચે મૂઠી જાય એટલો ખાડો કે કાણું છે; એમાં દેવચકલીએ ઇંડાં મૂક્યાં હશે. ક્યારે મૂક્યાં એની ખબર મને નથી રહી; પરમ દિવસે બચુભાઈએ મને એ જગ્યા બતાવી. દૂરબીનથી મેં એનો માળો જોયો. ખાડામાં ઘાસ છે અને તેની ઉપર ઝાડનાં કૂણાં મૂળ, રેસાઓ, ઊન, વાળ, રૂ ને એવું એવું પાથરેલું છે. દેવચકલીના માળામાં એવું જ હોય છે. કોઈ વાર એ ક્યાંકથી સાપની કાંચળી પણ ઉપાડી લાવે છે. સુંવાળી મજાની સાપની કાંચળી ! પણ એના બચ્ચાને હૂંફાળું ઘર અને પથારી જોઈએ ના ? એ કાંઈ કાગડા જેવી ખડતલ નથી લાગતી. કાગડાના માળામાં તો લોઢાના સળિયા ને લાકડાનાં ડાંખળાં ને એવું એવું હોય; ને પાથરણા માટે બહુ બહુ તો નારિયેળનાં છાલાં ને એવું હોય.

આ દેવચકલીના સુંદર માળામાં મેં દૂરબીનથી એક બચ્ચું જોયું. સડકની ઊભી બાજુના કાણામાં એટલું બધું અજવાળું નથી, તો પણ બચ્ચું દેખાતું હતું. બચ્ચું મોઢું ફાડીને બેઠું હતું; તેનું મોં અંદરથી લાલ લાલ હતું. દેવચકલો ને દેવચકલી ક્યાંઇક ખાવાનું શોધવા ગયાં હતાં. હું થોડી વાર થોભ્યો ત્યાં તો ક્યાંકથી ઊડતી દેવચકલી આવી ને બચ્ચાના મોઢામાં કાંઈક મૂકી ગઈ; એકાદ બે જીવડાં કે ઇયળ હશે. પછી તો સાંજ પડી એટલે દેખાતું બંધ થયું, અને દેવચકલી માળામાં જઈને બચ્ચા સાથે બેસી ગઈ.

વળી બાજુમાં જ એક પીંપર છે; એની ફરતું પાંજરું છે. પીંપર હજી નાની છે, એને ઉછેરીને મોટી કરવા ફરતું પાંજરું મૂકેલું છે. આ પીંપરની એક ડાળી ઉપર એક માળો લટકે છે. પક્ષીઓની કાંઈ ખૂબી છે ! કાગડો ઊંચા ઝાડની ઊંચી ડાળે માળો બાંધે; હોલી કાં તો થોરના કાંટાની વચ્ચે, કાં તો મેંદી વચ્ચે ને એવે ઠેકાણે માળો બાંધે; ચકલીબાઈ તો જ્યાં આવે ત્યાં માળો બાંધે; છબી પાછળ, ગોખલામાં, કબાટ ઉપર, ઘરની ભીંતે કાણામાં ને ખાડામાં ! કબૂતર પણ એમ જ કૂવામાં, મસીદમાં ને એવે ઠેકાણે બાંધે. નાનો નીલકંઠ ભીંતોમાં એક-દોઢ ફૂટના પોતે કરેલા દરમાં, ટુકટુક વળી પોતે જ લાકડાના થાંભલામાં કોરેલા ઊંડા ઊંડા કાણામાં, દેવચકલી વળી જમીનમાં, દીવાલમાં, મકાનમાં અથવા જ્યાં કાણાં હોય ત્યાં, દરજીડો વળી નામ પ્રમાણે ગુણવાળો ચાંચે ચાંચે બે પાંદડાં સીવીને ખોઈ જેવું બનાવીને તેમાં, અને સક્કરખોરો વળી કોઈ ઝાડની ડાળે લટકતો પોતાનો માળો બાંધે છે. સુગરી પોતાનો માળો ક્યાં બાંધે છે એ તો તમે જાણતા હશો. પક્ષીઓ પણ માણસોની જેમ જુદે જુદે ઠેકાણે ને જાતજાતની રીતે ને જાતજાતનાં સાધનો વડે પોતાના બંગલા બાંધે છે.

તે સાંજે અમે સક્કરખોરાનો પીંપરની ડાળે લટકતો માળો જોયો. માળો અસલ જમરૂખના આકારનો છે, એટલે કે લંબગોળાકાર છે. નાની એવી કોથળી કાંઈક ભરીને લટકાવી હોય એમ આપણને દૂરથી લાગે. આ માળો શાનો બનાવ્યો હશે ? એને વીંખીને તપાસીએ તો ખબર પડે. પણ એમાં તો બચ્ચું હતું એટલે કેમ વીંખાય ? પણ મને ખબર છે કે સક્કરખોરા શાનો માળો બનાવે છે. એ લોકો પોતાનો માળો વાળ, ઝીણું કૂણું ઘાસ, પાતળી નાની ઝાડની સળીઓ, સૂકાં પાંદડાં, રૂ, છાલના કકડા, ફોતરાં અને ચીંથરાંનો બનાવે છે. આ માળો તો સીધો ડાળી ઉપર જ ચોંટાડેલો હતો. કોઈ કોઈ માળા ડાળી ઉપર એક નાની એવી દોરડીથી લટકતા હોય છે. એ દોરડી ઉપર કહ્યાં તેવાં ચીંથરા-બીંથરાની જ બનાવેલી હોય છે. પક્ષીઓના અભ્યાસીઓ કહે છે કે સક્કરખોરા આ બધું કરોળિયાનાં પડોથી ચોંટાડે છે, એટલે બધું ચોંટેલું અને ભેળું રહે છે.

મેં દૂરબીનથી જોયું તો માળામાં એક નાનું એવું બચ્ચું હતું. પણ આવી કોથળીમાં રહેતું બચ્ચું શી રીતે ઓળખાયું હશે, કહો જોઈએ ? જુઓ, એ માળાની એક બાજુએ અંગૂઠાની જાડાઈ જેટલું એક ગોળ કાણું હતું : જેમ કોઠીને કાણું હોય છે એમ. એ કાણાના મોં આગળ એક બચ્ચું બેઠું હતું, અને એ પણ માની અને ખાવાનાની રાહ મોં ફાડીને જોતું હતું. નાના બચ્ચાને બીજું કામ શું ? ખાવું ને ઊંઘવું. નાનાં બાળકોને જ્યારે ભૂખ લાગે ત્યારે ઉંવાઉં ઉંવાઉં કરીને રડે છે, તેમ જ આ બચ્ચાને ભૂખ લાગે ત્યારે ચીં ચીં કરી ચિચિયારી કરી મૂકે છે.

હું માળો જોતો હતો ત્યાં સક્કરખોરી આવી ને ખાવાનું લાવી. માળાની બહારની કોરે પગ ભરાવી લટકી રહી ને બચ્ચાને ખવરાવ્યું. પછી તો તે હળવેથી અંદર ગઈ ને નિરાંતે બેઠી. સાંજ પડવા આવી હતી એટલે માદીકરાને ઊંઘવું હશે !

એક ભીંતમાં બેચાર દરો છે, ને એમાં નાના નીલકંઠનાં ઇંડાં લાગે છે. પણ એ તો ભીંત ખોદીએ અને એનાં ઘર પાડી નાખીએ ત્યારે થાય. એમ એનાં ઇંડાં જોવા માટે એનાં ઘરનાં ઘર કોણ ભાંગે ?

હમણાં ઇંડાં મૂકવાની અને બચ્ચાં ઉછેરવાની ઋતુ છે. પક્ષીઓ બધાં બહુ કામમાં છે, ત્યારે ભેંસોને ગારામાં કે પાણીમાં પડી રહેવું બહુ ગમે છે. ગધેડાને એકાદ વંડીના છાંયામાં ઊભા ઊભા ભૂંકવું ગમે છે, ને માણસોને ગરમી ગરમી કહીને હાથે કરીને હેરાન થવું ગમે છે. પણ માણસોની વાત ન્યારી છે.

ગમે તેમ હોય પણ ઉનાળામાં હાથપગ ન ફાટે, મેલ ન ચડે, ટાઢથી ધ્રૂજવાનું નહિ. વળી ઉનાળામાં આઇસ્ક્રીમ ખાવાની મજા ! વળી મોટા મોટા માણસોને તો ફુવારાના પાણીની ઊડતી ઝણમાં બેઠાં બેઠાં સાંજની હવા ખાવાની પણ મજા ! ઉનાળો ગરીબનો કહેવાય છે તે ખરું ! રાત્રે ગરીબને ટાઢે મરવાનું નહિ !

હવે સખત ઉનાળે મચ્છરો મરવા માંડશે અને માંકડોને લોકો તડકે એની મેળે ખાટલામાં ને ખાટલામાં મરવા દેશે; કેટલાક ખાટલા ખંખેરીને માંકડોને હેઠા પાડી તપેલી જમીનમાં ચડચડવા દેશે. ઝીણાં જીવડાંફીવડાં બધાં આ ગરમીમાં શેકાઈને સ્વધામ પહોંચી જવાનાં !

બીજી બાજુએ પેલા સૂતેલા જીવો સાપ, શેળો, દેડકાં ભેગાં થયાં છે; ને તેમનામાં જગા માટે તકરાર ન થાય તે માટે હિરોન બગલો સવારનો નાસ્તો લેવા કૂંડીએ આવ્યો છે. મચ્છીમાર પણ હમણાં તો લહેરમાં રહે છે ને ઊઘડતી સવારે એકબે દેડકાં પેટમાં પધરાવી પાઠ ભણતો હોય તેવી એકાગ્રતા અને અખંડપણે સીટી વગાડે છે. કાચંડા, કાગડા, ખેરખટ્ટા અને ખીસકોલાંને આજકાલ લહેરના દિવસો છે. જેનાં તેનાં ઇંડાં ઉપાડીને માળાના માળા વસ્તી વિનાના કરે છે. તેઓ પક્ષીઓના વગર નોતર્યા અળખામણા મહેમાનો છે. હમણાં તમે નજર રાખજો, ખેરખટ્ટા ને કાગડા જેની તેની સાથે લડવામાં અને બાડી આંખે જેનો તેનો માળો શોધવામાં હશે. મહા મહેનતે બનાવેલા માળામાં સરખી રીતે એ બચ્ચાં ઉછેરવાં પણ ભારે મુશ્કેલીનું કામ છે. પક્ષીઓ સુખી છે ને લહેરથી ઊડે છે, કમાવા જવું પડતું નથી ને ભણવા પણ જવું પડતું નથી, ને બધી જાતની મજા છે, એમ ન માનતાં. તમને ઘણી વાર પક્ષીઓ થઈ જવાનું મન થાય છે; પણ બાપુ ! એને ય કેટલા ય દુશ્મનો છે. માણસો દુશ્મન, તેમ જ પક્ષીઓ પણ દુશ્મન; ગરોળી, સાપ, કાકીડો, એ બધા પણ દુશ્મન; શકરો ને બાજ પણ દુશ્મન. આ બધામાંથી બચવું ને ચણ મેળવવી, માળા બાંધવા, ઇંડાં સેવવાં, બચ્ચાં ઉછેરવાં ! એને ય કાંઈ ઓછી પીડા છે ? છતાં પક્ષીઓ ખૂબ આનંદી છે. ખોરાક ખાધા પછી જગ્યા માટે લડી લીધા પછી, તેઓ પાછાં લહેર કરે છે, ગાયન ગાય છે ને સુખેથી જીવે છે.

તમે જાણીને ખુશી થશો કે આપણા બાલમંદિરમાં આઇસ્ક્રીમ હતો. તમને આઇસ્ક્રીમ ખાવો બહુ ગમે, ખરું ? ત્રણ ત્રણ વાર આપ્યો તો યે કોઈ પૂરું ધરાય નહિ તો ! આઇસ્ક્રીમ તો ઠીક, પણ તમે લોકો બરફ ખાવાનાં પણ શોખીન. બાપ રે ! એવો ટાઢો ટાઢો બરફ તે તમે કેમ ખાતાં હશો ? તમે તો કડ કડ કરીને ઉડાવ્યે જાઓ છો ! હવે આ ઉનાળામાં બેત્રણ વાર આઇસ્ક્રીમ ઉડાવીશું.

હમણાં બાળકો અખાડામાં રમતાં નથી; શિયાળે બાળકો ઓરડામાં રમતાં ન હતાં. હમણાં બાળકો સંગીતમાં હાજર હોય છે; શિયાળે બાળકો અખાડાના ચકડોળ પર હાજર હતાં. બાળકો ઓરડામાં કામ કરે છે અને મધમાખીઓ બાગમાં કામ કરે છે. આ આટલો તડકો આપણને જ લાગે છે, પણ મધમાખીને જરા ય નથી લાગતો. ફૂલે ફૂલે તે બેસે છે ને મધ લઈ જઈ ક્યાંઈક મધપૂડો બનાવે છે. હોલાને પણ તડકો નથી લાગતો. તેમને તડકામાં 'તેજી ફૂઈ, તેજો ફૂઓ, ડૂબી મૂઓ' એમ ઘૂઘવવું અતિ ગમે છે. સક્કરખોરાને પણ તડકો વરતાતો હોય એમ લાગતું નથી. અંગ્રેજીમાં એનું નામ સનબર્ડ છે.

ઉનાળો ચાલે છે એટલે કીડીઓ કામે લાગી છે. ટીડ્‌ડાં આમતેમ ઊડશે ને મોજ કરશે; ખોરાક એકઠો કરશે નહિ ને ચોમાસે ભૂખે મરશે. વાંદરાં એક ડાળેથી બીજીએ ને બીજી ડાળેથી ત્રીજીએ ઠેકશે, ફળો ખાશે ને હૂકશે, પણ બખોલ કરશે નહિ ને ટાઢે ધ્રૂજશે. કીડીઓએ આગળથી કેડ બાંધી છે. પોતાનાં દર ઊંડાં ને ઊંડાં ખોદવા લાગી છે; ઝીણી ઝીણી ગોળગોળ મટોડી ખોદી ખોદીને જમીન ઉપર લાવે છે; દરની આસપાસ માટીની નાની ઢગલીઓ થઈ ગઈ છે; વળી જ્યાં ત્યાંથી ખોરાક એકઠો કરી ઉપાડી જાય છે. મરેલ પતંગિયું, વીંછી, વાંદો, ગોળ, સાકર, ખાંડ, દાણા, જે ખાવા જેવું હોય તે અખંડ ઉદ્યોગથી ઉપાડે જાય છે. તેઓ ચોમાસા પહેલાં પોતાના કોઠાર ભરી દે છે. કીડીઓ ભિક્ષાવૃત્તિ કે લૂંટફાટ ઉપર નભનારી નથી. સજ્‌જન જેમ તે પોતાનો ખોરાક એકઠો કરે છે અને જરૂર પડે ખાય છે. જરાક બાગમાં ફરવા નીકળો ત્યારે જમીન ઉપર નજર નાખજો તો કીડીઓનાં દર અને કીડીઓનું કામ જોવાની મજા આવશે. કોઈ વાર તો કીડીઓ પોતાનાં ધોળાં ઇંડાં એક દરમાંથી બીજા દરમાં ફેરવતી દેખાશે. બિલાડી જેમ પોતાનાં બચ્ચાંને મોઢામાં લઈ શકે છે, તેમ આટલીક કીડીબાઈ એનું ટાંકણીના માથાથી યે નાનું ઇંડું ઝટપટ મોઢામાં લઈને એવાં તો દોડ્યા જાય છે કે રોક્યાં ન રોકાય પૂછ્યાં ન પૂછાય !

રાતના યે હવે ગરમી રહે છે. કોઈ વાર તો પવન સાવ પડી જાય છે. વિનોદપ્રિયાની ધજા છેક સૂઈ જાય છે. હવે આવી રાતો વધશે, ઉકળાટ થશે ને લોકો ગભરાશે. તોપણ હજી ઠીક છે.

આકાશ ચોખ્ખું રહે છે. અત્યારે અંધારિયું છે એટલે તારાનો દીપમાળ ઝગઝગી રહે છે. મારા ફળિયામાં બેઠાં બેઠાં તારાઓ જોવાની બહુ મજા પડે છે. હમણાં હું તારાઓનો થોડોક અભ્યાસ કરું છું. યાદ રાખજો, આવતે અઠવાડિયે તારાની વાતો લખીશ. તમે અત્યારથી તારાઓ જોવા તો માંડજો.

સવાર ખુશનુમા હોય છે; જોકે કોયલ હજી બહુ જોરમાં નથી કૂંજતી; હજી કાળોકોશી બેપાંચ સૂર કાઢતો નથી; હજી સવારે ઠંડીનો ચમચકારો રહે છે; સવારને વખતે હજી ઓઢવું પડે છે. પણ સવાર પડે કે તરત જ સૂરજ ગરમ થાય છે ને થોડીક વારમાં ઉકળાટ વધવા માંડે છે. તોપણ હજી ઠીક છે; હજી મે અને જૂન માસ આવવા દ્યો.

વારુ ત્યારે, સલામ !

લિ. તમારા

ગિજુભાઈના આશીર્વાદ