ઋતુના રંગ : ૧૧ :

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ઋતુના રંગ : ૧૦ : ઋતુના રંગ
ઋતુના રંગ : ૧૧ :
ગિજુભાઈ બધેકા
ઋતુના રંગ : ૧૨ :  →


ભાવનગર.

તા. ૧ - ૫ - ૩૬

વહાલાં બાળકો !

અત્યારે બપોર છે; ખરા બપોર છે. ધોમ ધખ્યો છે. બાર ઉપર બે વાગ્યા છે. ધીમી ધીમી લૂ વાય છે. ઝાડ અને છોડ પાંદડાં નમાવી લંછાઈ ગયાં છે. વસ્તુમાત્ર ગરમ ગરમ થઈ ગઈ છે; મારું ખાદીનું પેરણ પણ ગરમ છે.

આ ગરમીમાં છાંયો શોધી કાગડા કા કા કરે છે; બ્રાહ્મણી, મેના અને કાબરો બોલે છે. અત્યારે બીજાં પક્ષીઓ સંભળાતાં નથી.

છતાં સવાર હજી ઠંડી છે. સવારનો પવન મીઠો આવે છે. ઊગતા સૂર્યના કિરણમાં આજે કોયલ કુહુ કુહુ કરતી હતી. કોયલ એટલે નર; કોયલમાં માદા કુહુ કુહુ કરી કૂંજતી નથી. આપણે માનીએ છીએ કે કોયલ નારી બોલે છે તે ખોટું છે; પક્ષીઓમાં નર ગાય છે. હવે કોયલના કંઠ બરાબર ઊઘડશે. આંબાવાડિયામાં તો કોયલના કૂજનની હેલી જામશે.

બ્રાહ્મણી પણ હમણાં તો સુંદર મીઠું બોલે છે. ઉનાળે ઝાડને જેમ પાંદડાં ફૂટે છે તેમ પક્ષીઓનાં ગળાં ફૂટે છે. બ્રાહ્મણી એટલું તો મીઠું બોલે છે કે સાંભળવાનું ગમે છે; એનો મંજુલ રવ મનને આનંદ આપે છે. એનો બોલ લાવણ્યભર્યો અને જાણે કે આપણને પ્રિય થવા બોલાતો હોય તેવો લાગે છે. બ્રાહ્મણી મેના તમે જોઈ છે ? કાબરની એ જાત છે; એને માથે ચોટલી છે. પણ એવી તો મજાની ઓળાવેલી રહે છે કે બસ !

ગઈ કાલે જ મેં મુનિયાનાં નાનાં નાનાં બચ્ચાં જોયાં. મુનિયા ચકલીથી જરી મોટું પક્ષી છે. નાનાં નાનાં મુનિયાં હજી તો વાડે વાડે ફરે છે; ચોમાસે એ મોટાં થઈ જશે અને ઘણે ઠેકાણે એ દેખાવા લાગશે. હમણાં તો ઉનાળો છે એટલે બચ્ચાં થવાનો ને મોટાં થવાનો વખત છે. મોટે ભાગે પક્ષીમાત્ર એપ્રિલથી સપ્ટેમ્બર સુધી ઇંડાં મૂકશે, સેવશે ને બચ્ચાંને ઉછેરશે.

કાબર પણ હવે માળો તૈયાર કરવા લાગી છે. કાબર કલબલ કલબલ કરવામાંથી ને વાતો કરવામાંથી નવરી થાય ત્યારે માળો બાંધે ને ! ચોમાસે એનાં બચ્ચાં થશે એની હગારમાંથી ઝીણી જીવાત થશે, અને પછી જેના ઘરની દીવાલમાં કાબરનો માળો હશે તેના ઘરમાં ઝીણી જીવાત ચાલી નીકળશે. વારુ, હજી તો ઉનાળો છે; ચોમાસું આવે ત્યારે વળી એની વાત.

પેલી દેવચકલીનો માળો કોઈએ વીંખી નાખ્યો ને કોઈ તેનાં ઇંડાં ને બચ્ચું ઉડાવી ગયું, કાં તો કાગડાભાઈ હશે ને કાં તો સાપ હશે. બિચારી દેવચકલી ! નાનું એવું ઘર મહામહેનતે કરેલું, અને કોઈએ તે ભાંગીને ભૂકો કરી નાખ્યું !

પણ ફિકર નહિ. હજી ઉનાળો ચાલે છે. દેવચકલી આગળ ફરી વાર દેવચકલો નાચશે અને ગાશે. ફરી વાર દેવચકલી ને દેવચકલો માળો બાંધશે અને ફરી વાર દેવચકલી ઇંડાં મૂકશે. એમ તો કેટલાંક પક્ષીઓ બેત્રણ વાર આ ઉનાળામાં ઇંડાં મૂકશે.

સક્કરખોરાનું પારણું પીંપરે ઝૂલે છે અને અંદર બેઠેલું બચ્ચું બાદશાહના બેટા જેમ લહેર કરે છે; મા પણ અંદર બેઠી બેઠી તેની સાથે ઝૂલે છે; એ હાલરડાં ગાતી હશે !

આજકાલનું આકાશ હું જોઉં છું. હમણાં તો ચંદ્ર અરધો છે. આ ચંદ્રના અજવાળામાં હું સપ્તર્ષિઓ જોઉં છું. ઉત્તર તરફ આવેલા છે; જુઓ ને, મને તો બરાબર મૂકતાં પણ નથી આવડતા. જુઓ, ડાબી બાજુ ખુણામાં ટપકું છે તે ધ્રુવ તારો છે. આ ધ્રુવ તારો સ્થિર તારો ગણાય છે. એની ફરતા આ સાત ઋષિઓના તારા ફર્યા કરે છે. ધ્રુવ તારો ધ્રુવજી તપ કરવા ગયા હતા અને તપથી પ્રસન્ન થઈ ભગવાને જેને અવિચળ પદ આપ્યું હતું તે ઉપરથી કહેવાય છે. તમે એની વાર્તા તો સાંભળી જ હશે : પેલી ઉત્તાનપાદ રાજાને બે પુત્ર હતા; એક ધ્રુવજી અને બીજો ઉત્તમ, વગેરે. વાર્તા ન સાંભળી હોય તો કોઈને પૂછજો; આ વાર્તા તો બધાને આવડતી હોય છે.

આજકાલના ચંદ્રના અજવાળે રાતના નવેક વાગે હરણાં પશ્ચિમ તરફ નમી ગયાં દેખાય છે. દૂર છે એ તારા ને વ્યાધ કહે છે, અને ચાર પાયાની ખાટલી વચ્ચે ત્રણ ટપકાં છે તે હરણાં કહેવાય છે; વ્યાધ એની પાછળ પડેલો છે. આની પણ વાર્તા છે; સુંદર છે. એમ તો આકાશના તારા ને ગ્રહોની ઘણી વાર્તાઓ છે, અને એની વાતો પણ રસિક છે. પણ મને એ બધું નથી આવડતું. હજી તો હું તારાનું શાસ્ત્ર હમણાં જ શીખવા માંડ્યો છું.

તમે એટલું તો કરો. રોજ રોજ આકાશ સામે જોયા જ કરો. અને તારાઓ કેવા કેવા હોય અને ક્યાં ક્યાં દેખાય છે એ તપાસો. ઉનાળે, શિયાળે, ચોમાસે, નોખા નોખા તારા તમને દેખાશે. કેમ જાણે તારાઓની પણ ઋતુ આવતી હોય, એમ તમને લાગશે. પછી તમને થશે કે એમ શાથી થતું હશે ? અને પછી તમે જેને તેને પૂછવા લાગશો પછી તમે જાણશો કે પૃથ્વી આવી રીતે ફરે છે, ને તારાઓ શું છે ને કેવડા છે, ક્યાં છે વગેરે વગેરે. આપણને એમાં ઝાઝું આવડે નહિ, એટલે મૂંગા જ રહીશું.

ગોપાળરાવનો ગુલમહોર ફૂલે ફાલી ઊઠ્યો છે. પાનખરમાં એને એક પણ પાંદડું નહોતું રહ્યું; એમ લાગતું હતું કે એ સાવ સુકાઈ ગયો છે. પણ હમણાં તો લીલાંછમ પાંદડાંથી લીલો લીલો થઈ ગયો છે, અને ડાળે ડાળે લાલ ફૂલના ગુચ્છાથી તો તે કાંઈ શોભે છે ! ઘરનાં આંગણામાં મોટી એવી ફૂલદાની જેવો એ સુંદર લાગે છે. નીચે ઊભા ઊભા જોઈએ તો એ ફૂલે ગૂંથેલા છત્તર જેવું લાગે. બાલમંદિર જેટલે ઊંચે ચડીને જોઈએ તો ફૂલના બુટ્ટા ભરેલો ગાલીચો અધ્ધર પાથર્યો હોય એવું લાગે ! ઓણ તો મારા ગુલમહોરને પહેલવહેલાં જ ફૂલો આવ્યા છે; હજી તો ફૂલો બેસતાં જાય છે; સવારે ઊઠીને હું ગુલમહોર જ જોઉં છું, ને એનાં કેટલાં ફૂલો વધ્યાં તેની તપાસ કરું છું.

ખરો ઉનાળો છે પણ ઝાડનાં કુમળાંમાં કુમળાં પાંદડાં આ વખતે ફૂટે છે. ચોમાસામાં ઘાસ ઊગી નીકળે ખરું; ઉનાળામાં એ સુકાઈ જાય. પણ એ જ ઉનાળે મોટાં ઝાડોને પાંદડાં ને ફળો આણે. વાત એમ છે કે તડકો ઝાડને એકંદરે પસંદ છે. તડકામાં પ્રાણ છે, જીવન છે. ઝાડનાં પાંદડાં વડે ઝાડ પોતાનામાં ગરમી લે છે. એ ગરમી વડે તે જમીનમાંથી ખોરાક મેળવે છે ને તેને પચાવે છે. એટલે જો ઝાડને પાણી મળે, ખાતર મળે, પણ સૂરજનો તડકો ન મળે તો તેને અન્ન પચે નહિ અને તે મોટું ન થાય. ઝાડનાં પાંદડાં લીલાં થાય છે તે સૂરજના તડકાને લીધે થાય છે. તમે નવાઈ પામશો કે પાંદડાં પોતાની પાછળના ભાગમાં આવેલાં ઝીણાં ઝીણાં કાણાં વાટે તડકો લે છે. તમે જોશો તો દેખાશે કે દરેકે દરેક પાંદડું સૂરજના તડકા ભણી વળવાની મહેનત કરતું હશે, અને વળેલું હશે. ઝાડ અને વેલાઓ પોતાનાં પાંદડાં એવી જ રીતે ઉગાડે છે કે તે સૂરજનો તડકો સહેજે લઈ શકે. પાંદડાંઓ એકબીજાં ઉપર તડકા માટે પડાપડી કરતાં નથી; પણ એવી રીતે ગોઠવાય છે કે બધાંને લાભ થાય અને ધક્કાધક્કી ન થાય.

આવો બાળી નાખે એવો ઉનાળો કાંઈ જેવોતેવો ઉપયોગી નહિ સમજતાં. ચોમાસું એને આધારે થાય. ખરી રીતે શિયાળો અને ઉનાળો મુખ્ય ઋતુ ગણાય.

હમણાં ગરોળી, કાકીડો ને બધાં પણ પોતાનાં ઇંડાં મૂકવા માંડ્યાં છે. મગર પણ ગરમ ગરમ રેતીમાં પોતાનાં ઇંડાં મૂકશે. ગરોળીનાં ઇંડાં ધોળાં અને ગોળ હોય છે. ડાહીબેનના કબાટમાંથી પરમ દહાડે બેત્રણ ઇંડાં નીકળ્યાં હતાં. આજકાલ ગરોળીનાં નાનાં નાનાં બચ્ચાં જ્યાં ત્યાં દોડમદોડ કરે છે. નવાં બચ્ચાંને દુનિયા નવી નવી લાગે એટલે કાંઈ ઘરડાં માવતર જેમ બેસી ન રહે; એ તો લહેર કરવા નીકળી પડે. એટલામાં વળી એક સમળી કે કાગડો ઉપાડી પણ જાય ! નાની નાની ઉંદરડીઓ જ્યાં ત્યાં દેખાશે; સાપની માશીઓ પણ દેખાશે. વીંછીઓ, સાપ, કાનખજૂરા, એ બધાં હમણાં જન્મશે અને જીવવા માટે દોડશે. વિષ્ણુભાઈએ ગઈકાલે જ નાનો એવો વીંછી નાહકનો મારી નાખ્યો.

આંબે કેરીઓ અને રાયણ ઉપર રાયણો તો ક્યારની આવી ગઈ. લીમડે લીંબોળી હજી નાની નાની છે. મીઠો સુવાસભર્યો કોર ખરવા માંડ્યો અને તેની પાછળ લીંબોળી ડોકિયાં કરવા લાગી. મારા આંગણાને લીમડે તો બોર બોર જેવડી લીંબોળી થઈ પણ ગઈ ! કેવો સુંદર એનો રંગ ને આકાર છે ! મને તો બહુ ગમે છે. પેપડી હવે ખૂબ મોટી થઈ છે; પીંપરનું જીવન પેપડીમય થઈ ગયું છે. આજુબાજુની પીંપરો પેપડીથી ઢંકાઈ ગઈ છે, ત્યારે સામેની બોરડીનાં પાંદડાં ખરવા લાગ્યાં છે. બોરડીના દિવસો વહેલા આવ્યા ને વહેલા ગયા. એક વાર બોરડી બોરથી સુંદર હતી; આજે બોર વિનાની બોડી છે. પણ બધા દહાડા કાંઈ સરખા રહે છે ?

અમારા ઘર પછવાડે એક લીમડાની ડાળી ઉપર મધ બેઠું છે. નાની થાળી જેવડું એ હજી થયું છે. દી બધો એની ઉપર મધમાખીઓ બેઠી જ હોય છે. અહીંતહીંથી મધમાખીઓ મધ લઈ આવે છે. હું સવારમાં ઊઠું તો ગુલાબમાં મધમાખીઓ બેઠી હોય છે; ત્યાંથી તે મધ લેતી હોય છે. આપણે ઉડાડીએ તો યે ઊડે નહિ. એમ તો મધમાખીઓ બારે માસ મધ બનાવ્યા કરે; પણ જ્યારે જ્યારે મધભર્યાં ફૂલો ઊઘડે ત્યારે ત્યારે તે ખૂબ જ મધ બનાવે. અહાહા ! મધમાખીઓ કાંઈ કામઢી ! એક ઘડી પણ નવરી ન પડે. મધપૂડાની તો મોટી મોટી ચોપડીઓ લખેલી છે. મધમાખીઓ કેવી રીતે મધપૂડો બાંધે ને ક્યાંથી ને કેવી રીતે મધ લાવે ને બધાં કેવી રીતે ખાય, ઇંડાં ક્યાં મૂકે ને બચ્ચાં કેમ થાય, ને એવી એવી વાતો તો બહુ સુંદર છે. એમાં એક રાણી હોય છે; એનું કામ ઇંડાં જ મૂકવાનું; એને બીજું કામ નહિ. બીજી નોકર માખીઓ એને સારું સારું મધ ખવરાવે ને સાચવીને રાખે. અરે, આવી તો ઘણી ય વાતો છે. અમારા ઘર પછવાડેનું મધ અમારા નોકર બોરાએ બતાવ્યું હતું. બેચાર પથ્થરો વચ્ચે પોલાણ હતું, એમાં એ હતું. પણ જ્યારે અમે તે જોવા ગયા ત્યારે માખીઓ તેમાંથી ઊડી ગઈ હતી. ખાલી પૂડો અમે લઈ આવ્યા ને અમારા સંગ્રહસ્થાનમાં મૂક્યો. આવી આવી વસ્તુઓનું અમે સંગ્રહસ્થાન કરીએ છીએ. આ પૂડો મીણનો હતો. આપણે મીણ જોઈએ છીએ તે માખીઓએ બનાવેલું હોય છે. ઝીણાં ઝીણાં છ ખાનાંનો મધપૂડો મીણનો બનેલો હોય છે. તમે કોઈ વાર હાથમાં લઈ જોશો તો ખબર પડશે. માખીઓ ન હતી એટલે અમે વગર મહેનતે મધપૂડો લઈ શક્યા. માખીઓ હોય તો આપણને વીંટળાઈ વળે અને આખે ડિલે આપણને ચટચટ ચટકાવી નાખે ! પણ હોશિયાર લોકો બહુ ખુબીથી મધપૂડા ઉપરથી મધ પાડી શકે છે, ને એક પણ માખીને કરડવા દેતા નથી.

મેં એક જણને મારી નજરે મધ પાડતાં જોયો હતો. લૂગડાને સળગાવીને તેનો ધુમાડો દીધો એટલે માખીઓ બેભાન થઈ ગઈ. પછી તેણે ઝટકો માર્યો એટલે મધપૂડાની બધી માખીઓ જમીન પર ઢગલો થઈ ગઈ. પછી તેણે મધપૂડો અમને બતાવ્યો, મધ બતાવ્યું, ઇંડાં બતાવ્યાં, રાણીનો મહેલ બતાવ્યો, બધું બતાવ્યું.

ઉનાળાની વાત કરતાં કરતાં આ તો મધપૂડાની વાત થઈ. વારુ ત્યારે, સલામ !

હજી ઉનાળો કાંઈ ચાલ્યો જવાનો નથી. હજી તો ઘામ થશે ને અકળાઈ જશું. પછી વરસાદનું મોં ભાળશું.

લિ. શુભેચ્છક

ગિજુભાઈ