ઋતુના રંગ : ૪ :

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ઋતુના રંગ : ૩ : ઋતુના રંગ
ઋતુના રંગ : ૪ :
ગિજુભાઈ બધેકા
ઋતુના રંગ : ૫ :  →


ભાવનગર.

તા. ૧૨ - ૨ - ૩૬

વહાલાં બાળકો !

હજી શિયાળો ચાલે છે. એમ એ કાંઈ ઝટ નહિ જાય. ટાઢ હોળી તાપીને જશે, અને જતાં જતાં પૂછડું પછાડશે. તે વખતે છેલ્લી વારની ઠંડી પડી જશે.

હા, હમણાં જરા ગરમ હવા થઈ છે. ગિજુભાઈએ ગરમ બંડી કાઢી નાખી છે. ગિજુભાઈને ટાઢ બહુ વાય છે; જ્યારે ગિજુભાઈ બંડી કાઢી નાખે ત્યારે સમજવું કે હવે ઉનાળો નજીક છે.

પણ હજી શિયાળાનો વા વારંવાર વાય છે. શિયાળુ પંખીઓ હજી અહીં છે. શિયાળો ગાળવા આવેલું થરથરા હજી એક થાંભલેથી બીજે થાંભલે બેસે છે, અને જરા નીચે બેસી પાછું ઊંચું થઈ ઊડી જાય છે. પેટ અને નીચલો ભાગ ઈંટ જેવો લાલ અને ઉપલો કાળો, એવો એનો રંગ છે; જરાક નિરાંતે જોશો તો તુરત તે ઓળખાશે. તે ઝટઝટ ઊડી જાય છે, એટલે તમને નિરાંતે જોવા તો નહિ જ દે.

વારુ, હવે થોડીક ગરમીની શરૂઆત થઈ છે, એટલે ટુકટુક દેખાવા લાગ્યું છે. આપણા વાળાના થાંભલે તે બેઠેલું દેખાશે. થાંભલામાં હવે તે પોતાની ચાંચે ગોળ ઊભો ખાડો પાડશે, અને આગળ ઉપર તેમાં તે પોતાના માળા મૂકશે. ટુકટુક પોતાનો માળો બાંધતું નથી, પણ લાકડામાં ખોદી કાઢે છે.

ટુકટુક રૂપાળું પક્ષી છે. તેની ચાંચનો ઉપરનો ભાગ લાલ રંગનો છે, અને પીછાં લીલા રંગનાં છે; તેને જોવું ગમે તેવું છે.

હવે જેમ ગરમી વધતી જશે તેમ તેમ ટુકટુક બોલશે. પોતાનું ડોકું એક વાર જમણી બાજુ અને બીજી વાર ડાબી બાજુ હલાવશે, અને દરેક વખતે તે ટુક.....ટુક બોલશે. આપણે અજાણ્યા હોઈએ તો આપણને લાગે કે આમ કોણ કરતું હશે ? કોઈને પક્ષીનો વહેમ તો જાય જ નહિ. જ્યારે બરાબર ગરમી પડશે ત્યારે તેનો એવો અવાજ આવશે કે જાણે કોઈ લુહાર ઠામ ઘડે છે. ટણિંગ ટણિંગ એવો અવાજ આવશે. એટલે તો કેટલાક એને લુહારીડો કહે છે. અંગ્રેજીમાં તેને કોપરસ્મીથ કહે છે.

વારુ, હવે શિયાળો ઊતરશે એટલે ગરીબ લોકો રાજી થશે. હાથેપગે ચડી ગયેલો મેલ એની મેળાએ મેળાએ ઊખડશે. એવી કહેવત છે કે " ફાગણે ફુવડનો ય મેલ જાય. "

હમણાં જામફળ-જમરૂખ સુંદર આવે છે. જામફળ ધોળાં અને રાતાં બે જાતનાં થાય છે. તમને કઈ જાતનાં ભાવે છે ? મને તો બન્ને જાતનાં ભાવે છે. શિયાળાનું બીજું ફળ બોર છે. એ તો તમે ધરાઈને ખાતાં હશો. આપણે એક વાર બાલમંદિરમાં ગાજર અને બોર આણ્યાં હતાં, ખરું ? ગાજર ફળ નથી પણ કંદમૂળ છે. ગાજર ખવાય, હો ! ગાજરમાં વિટામીન છે. અમે નાના હતા ત્યારે ગાજર બહુ ખાતા. કરડ કરડ ખાધે જ રાખતા. એનો વચલો ભાગ ન ખાતા; એ કડવા જેવો લાગે. ગાજર ખાઓ, મૂળા ખાઓ, રીંગણાં ને પાપડી ખાઓ; આ બધાં શિયાળુ શાક ખાઓ. ચણા-રીંગણાંનું શાક પણ ખાશો જ ખાશો.

બાકી તમારે ત્યાં અડદિયો, ગડદિયો, ગૂંદરિયો, બૂંદરિયો, એવા પાક કર્યા હોય તો તે પણ ખાઓ; બદામપાક ને સાલમપાક ખાઓ. ગરીબનાં છોકરાં રોટલા ખાય, તમે પાક ખાઓ.

આ તો શિયાળો છે; હવે ઉનાળો આવશે. તે વખતે દાઢી ડગડગાવે એવી ટાઢ કેવી હતી તે પણ તમે ભૂલી જશો. તે વખતે કહેશો કે શિયાળો કેવો હતો ? વારંવાર શિયાળો આવશે ને વારંવાર પાછું તમે ભૂલી જશો. એમ છે, ત્યારે ! એ જ.

લિ. તમારો

ગિજુભાઈ

(પૂર્ણ)