લખાણ પર જાઓ

ઋતુના રંગ : ૫ :

વિકિસ્રોતમાંથી
← ઋતુના રંગ : ૪ : ઋતુના રંગ
ઋતુના રંગ : ૫ :
ગિજુભાઈ બધેકા
ઋતુના રંગ : ૬ :  →



ઋતુના રંગ : ૫ :

ભાવનગર.

તા. ૧૯ - ૨ - ૩૬

વહાલાં બાળકો !

કાં, આજકાલ શિયાળો છે કે ઉનાળો ? હમણાં ઋતુ બહુ વિચિત્ર છે. સવારે ધુમ્મસ જેવું હોય છે; સૂર્ય લાલ ચોખ્ખો નથી ઊગતો. બપોરે વળી માથું તપે એવો તાપ પડે છે, અને રાતે (આજે તો) પવન સખત ફૂંકાય છે ને ઠંડી લાગે છે. આ ઋતુ એટલે બધા કહે છે કે ઋતુની સંધિ. નહિ શિયાળાની કોરી ઠંડી, નહિ ઉનાળાની કડક ગરમી. હમણાં તો હવામાં ઠંડીને બદલે ભેજ છે, અને ચોખ્ખા તડકાને બદલે વચ્ચે વચ્ચે વાદળિયો તડકો નીકળે છે. આમાં રોગચાળો બહુ ચાલે. શીળી, ઓરી, કફ, ઇન્ફ્લ્યુએન્ઝા, શરદી, બધા રોગો આવે વખતે નીકળે.

આજ તો બાળકોને પણ બરાબર ન ગમ્યું. બહાર ગરમી લાગી એટલે અંદર ઓરડામાં આવી કામે લાગ્યાં; વળી અંદર ઠંડી લાગી એટલે પાછાં અખાડામાં તડકે આવ્યાં. બાળકોને ઋતુઓના ફેરફારની બહુ સારી રીતે ખબર પડે છે. જ્યારે તડકો પડે ત્યારે બધાં બાળકો સંગીતના ઓરડામાં હોય છે, અને ઠંડી પડે ત્યારે લગભગ આખો ઓરડો ખાલી હોય છે. એમ તો પક્ષીઓને, પશુઓને, સૌને હવાના ફેરફારની ખબર તો પડે જ; પણ ખાસ કરીને પક્ષીઓને એની બહુ ખબર પડે છે. તેઓ ગાય, નાચે, માળા કરે, ઈંડાં મૂકે, એ ઉપરથી આપણે જાણી શકીએ કે હમણાં કઈ ઋતુ છે.

આ શિયાળો ઊતરવા આવ્યો ને વસંત બેઠી એટલે પક્ષીઓ વધારે લહેરમાં આવ્યાં છે. સક્કરખોરાના રંગો એટલા તો સુંદર થાય છે, કે બસ ! અને ઝીણી ઝીણી ઘૂઘરીઓ વગાડતો હોય એવું ગળું વગાડે છે, અને લળી લળીને ફૂલોમાંથી રસ ચૂસે છે. એની મસ્તી અને રંગબદલી ઋતુની અસરને કારણે છે. આંબે મોર બેઠા છે, અને કોયલને ગળે ગાન પણ ફૂટવા લાગ્યાં છે. હવે આખો ઉનાળો કોયલ કુહુ કુહુ કુહુ કુહુ કર્યા કરશે. હમણાં પાછું ટુકટુક જરા સંતાઈ ગયું છે; એનો અવાજ આવતો નથી. હમણાં હવા પાછી ઠંડી થઈ ગઈ છે એ એનું કારણ છે. ટુકટુકને ઉનાળો પ્રિય.

વળી જુઓ પેલો ખાખરો જોયો ? ખાખરો એટલે કેસૂડો. ખાખરાને બંગાળીમાં પલાશ કહે છે. જુઓ છો એનાં ફૂલો ? દૂરથી કેવાં સુંદર લાગે છે ? એક કવિએ એને વનની અગ્નિજ્વાળા કહેલ છે. સાચે જ એ કેવાં લાલચોળ છે ! અગ્નિની જ્વાળા જેવાં ? આ કેસૂડાંને લોકો સૂકવે છે. એનું કેસરી લાલ પાણી કરી લોકો હુતાશનીમાં સામસામે ઉડાડે છે. કેસૂડાનું પાણી બહુ સુંદર દેખાય છે. ઉનાળાની જ્યારે લૂ વાશે ત્યારે નાનાં બાળકોને એની માતાઓ કેસૂડાંના પાણીએ નવડાવશે.

હવે તમે નજરે જોઈ શકો છો કે લોકોએ શાલ-દુશાલા બાજુએ મૂક્યા છે; ગરમ બંડીઓ અને ગરમ ફરાકો હવે થોડાં દેખાય છે. હવે તમે પણ ગરમ કપડાં પહેરવાનું છોડી દીધું હશે, અને હવે શગડીએ તાપતાં પણ નહિ હો.

તમે જરા ધ્યાન રાખી પવનની લહરીઓને અનુભવજો. હવે સૂસવતા વાયરા નથી વાતા; હવે હળવી હળવી જરા જરા મીઠી મંદ પવનની લહરી આવવા લાગી છે. થોડે દહાડે આ લહરીઓમાં ખૂબ મીઠાશ આવશે. પછી ઉનાળો જામશે ને પછી લૂ પણ વાશે; પણ એને હજી વાર છે.

વળી આ આંબે મોર પણ બેઠો દેખાય છે. હજી જોકે શરૂઆત છે, પણ એ ઊતરતો શિયાળો ને બેસતી વસંત બતાવે છે. હવે કોયલ આસ્તેથી ટહુકવા લાગી છે, ખરું ?

હવે લોકોનું ધમધમ કામ કરવાનું જોર નરમ પડશે. હવે કામ કરતાં થાક લાગશે અને બગાસાં આવશે. હવે દિવસ ટૂંકો મટી લાંબો થવા લાગ્યો છે. જુઓ ને, પહેલાં તો પાંચ સાડાપાંચે અંધારું થઈ જતું; હવે તો ૬-૩૦ સુધી દિવસ રહે છે અને સાત સુધી અજવાળું રહે છે. સૂરજ ઊગે છે પણ વહેલો. એમ છે, સમજ્યાં ? હવે શિયાળો જવા લાગ્યો છે ને ઉનાળો આવવા લાગ્યો છે. પણ હજી પૂરા ઉનાળાને વાર છે. હજી માટલાનાં પાણી વગર ઠારે ઠંડાં છે; હજી પાછલી રાતે ગોદડાં ઓઢવાં પડે છે. હજી ઘામનું તો નામનિશાને નથી દેખાતું.

વારુ ત્યારે રામરામ !

લિ. તમારો

ગિજુભાઈ