એક નિરંજન નામની સાથે મન બાંધ્યો રે મારો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

એક નિરંજન નામ સાથે, મન બાંધ્યો હે મારો રે,
ગુરુ પ્રતાપ સાધુકી સંગત, આયો ભવનો આરો રે…
એક નિરંજન…

ફૂડ કપટમાં કાંઈ નવ રાચ્યો, સતનો મારગ સાયો રે ;
ગુરુ વચનમાં જ્ઞાન કથીને, નિત ગંગામાં નાયો રે…
એક નિરંજન…

ઘટ પરકાશ્યા, ગુરુગમ લાધી, આવ્યો ચોરાશીનો છેડો રે ;
ભ્રાંતિ ભ્રમણા ભવની ભાંગી, શિવે જીવ સમાણો રે…
એક નિરંજન…

જળ ઝાંઝવામાં કોઈ ન ભૂલો, જૂઠો જગત સંસારો રે ;
ભાણ કહે ભગવતને ભજીયેં, જેનો સકલ ભુવન પસારો રે…
એક નિરંજન…