એક સત્યવીરની કથા અથવા સોકરેટીસનો બચાવ/પ્રસ્તાવના

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← ઉમેદ એક સત્યવીરની કથા અથવા સોકરેટીસનો બચાવ
પ્રસ્તાવના
મોહનદાસ કરમચંદ ગાંધી
એક સત્યવીરની કથા અથવા સોકરેટીસનો બચાવ →


પ્રસ્તાવના

અતિ મહાપુરૂષ, નીતિવાન, વીર સોકરેટીસ ઈસ્વીસન પૂર્વે ૪૭૧ ની સાલમાં થઈ ગયો. તે ગ્રીસ દેશમાં જન્મ્યો હતો અને તેની જીંદગી નીતિનાં ને પરોપકારનાં કામો ક૨વામાં ગઈ હતી. તેની નીતિ, તેના ગુણો કેટલાક અદેખા માણસો નહિ દેખી શક્યા; તેથી તેની ઉપર ખોટાં તહોમતો મુકવા લાગ્યા; સોકરેટીસ (ઈશ્વરથી) ખુદાથી બહુ ડરીને ચાલનારો હતો, તેથી માણસોની ટીકાની થોડી દરકાર કરતો. તેને મ્હોતનો ભય નહોતો. પોતે સુધારક હતો, અને ગ્રીસની રાજધાની એથેન્સના લોકોમાં જે સડો દાખલ થયો હતો તે કહાડવાને તે મથતો. તેમ કરતાં ઘણા લોકોના સંબંધમાં તે આવતો. જુવાનીઆઓનાં મન ઉપર તેણે બહુ સારી અસર કરી હતી, અને તેઓના ટોળાં તેની પાછળ ફરતાં. આથી કેટલાક લૂંટારાઓને લૂંટવાનું મળતું તે બંધ થયું. માણસોને બગાડીને જેઓ પોતાની કમાણી કરતા તેએાની કમાણીમાં હરકત પહોંચવા લાગી.

એથેન્સમાં એવો નિયમ હતો કે જેઓ ત્યાંના બંધારણ મુજબના ધર્મ પ્રમાણે ન ચાલે, અને બીજાને તેમ નહિ ચાલવાને શીખવે તેને ગુન્હેગાર ગણવો. તેવા માણસોનો ગુન્હો સાબિત થાય તો તેને મ્હોતની સજા થાય.

સોકરેટીસ પોતે રાજ્યધર્મ પ્રમાણે ચાલતો. પણ તેમાં જે પાખંડ દાખલ થયું હતું તે નાબૂદ કરવાનું બીજાઓને બેધડક શીખવતો અને પોતે પાખંડથી દૂર રહેતો. એથેન્સના કાયદા પ્રમાણે આવી જાતના ગુન્હાની તપાસ પંચની આગળ ચાલતી. સોકરેટીસની ઉપર રાજ્યધર્મને તોડવાનું અને બીજાઓને તોડવા માટે શીખવવાનું તોહોમત મુકવામાં આવ્યું હતું, ને તેની તપાસ મહાજનમંડળ પાસે ચાલેલી. મહાજનના ઘણા માણસોને સોકરેટીસના શિક્ષણથી નુકસાન થયું હતું તેથી તેએાને સોકરેટીસ ઉપર દ્વેશભાવ હતો. તેએાએ ખોટી રીતે સોકરેટીસને ગુન્હેગાર ઠરાવ્યો, અને તેને ઝેર પીને મરવાની સજા કરી. કોઈને દેહાંતદંડની શિક્ષા થતી ત્યારે તેનો અંત લાવવાના ઘણા રસ્તા લેવાતા. તેમાંથી સોકરેટીસને ઝેર પીને મરવાની સજા થયેલી.

આ વીર પુરૂષ પોતે ઝેર પીને મરણ પામ્યો અને જે દિવસે તે ઝે૨ પીવાનો હતો તેજ દહાડે તેણે શરીરના નાશવંતપણા ઉપ૨ અને જીવના અમરપણા ઉપર પોતાના એક મિત્ર-સાગરીત આગળ વ્યાખ્યાન કરેલું. એમ કહેવાય છે કે ઝેર લેતાંની છેલ્લી ઘડી સુધી સોકરેટીસ જરાએ ડરેલો નહિ અને તેણે હસમુખે ચહેરે તે પીધેલું. પોતાને જે વ્યાખ્યાન કરવાનું હતું તેનું છેલ્લું વાક્ય બોલીને, જેમ આપણે શરબતનો પ્યાલો રંગથી પીશું તેમ તેણે ઝેરનો પ્યાલો ૨ંગથી પીધો.

આજે દુનિયા સોકરેટીસને સંભારે છે. તેના શિક્ષણથી લાખો માણસને ફાયદો થયો છે. તેની ઉપર તહોમત મુકનારને અને તેને સજા આપનારને દુનિયા વખોડે છે. સેાકરેટીસ તો અમર થઈ ગયો છે અને તેના નામથી ગ્રીસ આખું પંકાયલું છે.

સાકરેટીસે પોતાનો બચાવ કરતાં જે ભાષણ કર્યું તેની નોંધ તેના સાગરીત પ્રખ્યાત પ્લેટોએ લખી છે. તેનો તરજુમો ઘણી ભાષાઓમાં થયો છે, તેનો બચાવ બહુ સરસ અને નીતિના રસથી ભરેલો છે. તેથી અમે તે અહીં આપવા માગીએ છીએ. અમે શબ્દે શબ્દ તરજુમો નહિ આપતાં તેનો મુખ્ય સાર આપીશું.

આપણે દક્ષિણ આફ્રીકામાં બલ્કે આખા હિંદમાં હજી ઘણાં કામો કરવાનાં છે. ત્યારેજ હિંદની હાડમારી દૂર થાય તેમ છે. આપણને સોકરેટીસની માફક જીવતાં અને મરતાં આવડવું જોઈએ. સેાકરેટીસ તે વળી માટે સત્યાગ્રહી હતો. તે પોતાનીજ પ્રજાની સામે સત્યાગ્રહી થયો. તેથી ગ્રીક પ્રજા મોટી થઈ. આપણે કાયર થઈને, અથવા આપણને માન નહિ મળે કે આપણો જીવ જશે, એવી ધાસ્તીથી આપણામાં રહેલી ખામીએા નહિ તપાસીએ, જાણ્યા છતાં તે તરફ પ્રજાનું ધ્યાન નહિ ખેંચીએ ત્યાં લગી, બહારના સેંકડો ઈલાજો લેતાં છતાં - કોંગ્રેસો ભ૨તાં છતાં - એકસ્ટ્રીમીસ્ટ બનતાં છતાં - હિન્દનું ભલું કરવાના નથી - તેનું ભલું તેમ થવાનું નથી. ખરા દરદને પીછાની તેને ઉધાડું કરી, તેને લાગુ પડે તેવા ઈલાજો લઈ જ્યારે હિંદનું બ્હારનું અને અંતરનું શરીર દરદરહિત થઈ ચોખ્ખું થશે ત્યારે અંગ્રેજી કે બીજા જુલમરૂપી જંતુઓ તેને કશી ઈજા પહોંચાડી શકશે નહિ, પણ જો શરીર સડેલું - પોતે સડેલું હશે તો એક જાતના ચેપી જંતુ ચડી બેસશે, અને હિંદ-શરીરને પાયમાલ કરશે.

આ વિચારો ધ્યાનમાં લઈ, સોકરેટીસ જેવા મહાત્માના વાક્યોને અમૃત સમાન જાણી તેના ઘુંટડા અમારા વાંચનાર પીએ અને તેથી અંતર રોગને નસાડી બીજાને એવા રોગ નસાડવામાં મદદ કરે એવા હેતુથી અમે સોકરેટીસના ભાષણનો સા૨ આપીએ છીએ.


મો. ક. ગાંધી.