લખાણ પર જાઓ

એશિયાનું કલંક યાને કોરીયાની કથા/અમેરિકાની દીલસોજી

વિકિસ્રોતમાંથી
← વેદનાની મીઠાશ એશિયાનું કલંક યાને કોરીયાની કથા
અમેરિકાની દીલસોજી
ઝવેરચંદ મેઘાણી
ભીષણ સૌંદર્ય →


.


પ્રકરણ ૧૧ મું.

અમેરિકાની દીલસોજી.

સુવોન નગરને સ્ટેશને ઉતરીને એક અમેરીકાવાસી બાઈસીકલ ઉપર ચાલ્યો જતો હતો. થોડે દૂરના એક ગામડામાંજ એને જવું હતું, છતાં એ પ્રવાસી છૂપાતો છૂપાતો પહાડોની પ્રદક્ષિણા ફરીને જતો હતો. એને ખબર હતી કે સીધે રસ્તે જાપાની પહેરગીરોનું થાણું છે, સિપાહીઓ એને આગળ જવા નહિ આપે.

ઘણા ગાઉનો ઘેરાવો ખાઇને એ મુસાફર એક ગામડામાં દાખલ થયો. લોકોને એ પૂછવા લાગ્યો કે “આંહી આગ લાગી હતી ને ?” થરથરતાં ગામલોકોએ એક ઉદ્‌ગાર પણ ન કાઢ્યો. પ્રવાસી સમજી ગયો. ગામમાં સરકારી અમલદારો હાજર હતા.

સરકારી અમલદારો સીધાવ્યા પછી લોકોએ આવીને મુસાફરને વાતો કરી.

૧૫ મી તારીખે બપોરે સોલ્જરો ગામમાં આવેલા. હુકમ કાઢ્યો કે “દેવાલયમાં હાજર થાઓ, ભાષણ દેવું છે.” ઓગણત્રીસ ખ્રીસ્તીઓ દેવાલયમાં ગયા, ને દિગ્મૂઢ બની બેઠા. પલવારમાં તો સોલ્જરો દેવાલયને વીંટળાઈ વળ્યા, બારીઓમાંથી બંદુકો છોડી; શ્રોતાજનો મરાયા, ઘવાયા, ત્યાં તો સોલ્જરોએ દેવળને આગ લગાડી. બહાર નીકળવા દોડનારાને સંગીનથી વીંધ્યા. ગોળીબાર સાંભળીને બે શ્રોતાઓની સ્ત્રીઓ તપાસ કરવા આવી. ગાળીઓના વરસાદમાં થઈને દેવાલયમાં જવા લાગી, ત્યાં તો બન્નેને સોલ્જરોએ કાપી નાખી. પછી સોલ્જરો ગામને આગ લગાડીને ચાલી નીકળ્યા.

બીજા એક ગામડામાં લોકોએ સ્વાધીનતાની ચીસ પાડી છપ્પન લોકોને પોલીસ થાણામાં બોલાવવામાં આવ્યા. દરવાજા બંધ કરીને દિવાલ ઉપરથી સિપાહીઓએ ગોળીઓ છોડી. તમામ લોકોના પ્રાણ ઉડી ગયા.

ત્રીજા એક ગામડાને આગ લગાડી સોલ્જરો ઉભા ઉભા એની જ્વાળાઓ જોઇ રહ્યા હતા. લોકો પોતાનાં ઘરબારની આગ બુઝાવવા દોડ્યાં. સોલ્જરોની ગોળી છુટી, સંગીનો ઘોંચાયાં, મારપીટ પડી. ગામવાસીઓ પણ પોતાના સુંદર ગામને સળગતું જોતાં જોતાં ઉભા રહ્યાં.

ગામડે ગામડે આગ લાગે, માતાઓ સ્તનપર વળગેલાં બાળકોને લઈ ભાગે, પિતાઓ મોટાં છોકરાંને ઉપાડી ન્હાસે, પાછળ સોલ્જરોની ગોળીઓ છૂટતી આવે: આવાં તો કેટલાંયે ગામડાં ભસ્મીભૂત બની ગયાં. એનાં વર્ણનમાં કલ્પનાના રંગો નથી પૂરી શકાતા.

એકાદ ઘર સળગતું જોયું છે ? એ સ્ત્રીઓની ચીસો, બચ્ચાંઓના આક્રંદ ને મરદોના હાકલ પડકારા કાને પડ્યાં છે ? ખાઉં ખાઉં કરતી જ્વાળાઓ આંહીંથી ત્યાં દોડતી, સંહાર કરતી નિહાળી છે ? સેંકડો લોકોની સહાય, અને સાંત્વન વચ્ચે પણ શી શી ભયાનકતા માત્ર એક ઘરની આગમાંથી ઉભી થાય છે ! ખ્યાલ કરો, કોરીયાની અંદર સરકાર આખાં ગામડાં ને ગામડાં સળગાવી મૂકે, બુઝાવવા જનારનો બંદુકે પ્રાણ કાઢી નાખે.

અને આ બધો વિનાશ શું એ ચાર પાગલ બની ગએલા સોલ્જરોએ પોતાની મોજને ખાતર કરેલો ? જાપાની લશ્કરની સખ્ત દેખરેખમાં મગદૂર નથી એક પણ સૈનિકની કે પોતાની જવાબદારી ઉપર એ એક ગોળીબાર પણ કરી શકે. સેનાપતિઓના હુકમો હતા. સોલ્જરોની આખીને આખી ટુકડીઓ ફરતી હતી.

પરદેશીઓએ એ ધ્વંસ નજરે નિહાળ્યો, ગવર્નરની પાસે પોકાર પહોંચાડ્યો, એ પાયમાલીની છબીઓ બતાવી ગવર્નરે દિલગીરી દર્શાવી ગુન્હેગારોને નશીયતે પહોંચાડવાનું વચન આપ્યું. એક પણ અપરાધીને સજા નથી થઈ. રે ! રૂખ્સદ તો નથી મળી, પણ પગારમાં કશો ઘટાડો યે નથી થયો !

ત્યારે શું આ કૃત્યો કેવળ કોરીયાની સરકારનાં જ હતાં ? જાપાની પ્રજાનો જરાયે અપરાધ નહોતો ? એણે શું આ નિર્દોષ આશ્રિત પ્રજાના ધ્વંસ ઉપર કદી એક પણ આંસુ વરસાવ્યું છે ? ઇતિહાસ ના પાડે છે. જાપાનની પ્રજા આ બધી વિગત જાણતી હતી. કોઈ પણ પ્રજાજને આ જુલ્મ સામે આંગળી ઉંચી નથી કરી, તિરસ્કાર નથી પ્રગટ કર્યો. જાપાનની પ્રજા તો ‘મહત્ જાપાન’ નાં સ્વપ્નાં જોતી હતી !

પરંતુ યુરોપી પરદેશીઓ તો ટોળાબંધ કોરીયામાં વસતા હતા. અમેરિકાવાસીઓનો હાહાકાર શું સામે કિનારે પોતાની ભૂમિમાં ન પહોંચ્યો ? આવા દારૂણ ધ્વંસની એક પણ કથની કાં કોઇએ પોતાને ઘેર ન લખી મોકલી ?

કારણ એટલું જ કે ટપાલખાતું ને તારખાનું સરકારના હાથમાં હતું. પત્રવ્યવહાર ઉપર સજ્જડ ચોકી ગોઠવાઈ ગઈ હતી. એક પણ સમાચાર એ ચોકીદારોની નજર ચુકાવી કોરીયાના સીમાડા ન વટાવી શકે. અમેરિકામાં બેઠેલા કોરીયાવાસી પોતાને ઘેર કાગળો લખે એ સરકારી ચોકીદાર ફોડે; એ કાગળમાં સરકારના કારભારને લગતી લગારે હકીકત હોય તો એ કાગળના ધણીને સજા થાય. આની બેવડી અસર થાય. કોરીયાવાસી રાજ્યદ્વારી ખબરો લખતો અટકે, ને પરદેશથી એવા ખબર મેળવતો બંધ થાય. કોરીયામાં વસનારો અમેરિકાવાસી પોતાને દેશ જઈ જાપાની સરકારના સંબંધમાં કશુ ભાષણ કરે, કે લેખ લખે, તો કોરીયન કોન્સલ એ ભાષણ કે લેખ કોરીયા સરકારને મોકલે. પેલો અમેરિકાવાસી પાછો કોરીયામાં આવે એટલે એને કોરીયા છોડી જવાનો આદેશ મળે.

ત્યારે અમેરીકાવાસીઓ કોરીયાની હાલત સંબધે કેવી માહીતી ધરાવતા ? એ માહીતી આપનાર કોણ ? એ માહીતી આપનાર સરકાર પોતે. શી રીતે ? પોતાનાં પક્ષનાં વર્તમાનપત્રો મારફત આંકડાશાસ્ત્રમાં કાબેલ બનેલી સરકાર, હકીકતો અને વિગતોને શણગારવામાં પ્રવીણ કોરીયન સરકાર શી શી અસરો ન કરી શકે ?

પરદેશીઓ અંજાઈ જાય એવી એ ઈંદ્રજાળ હતી.

એટલુંજ બસ ન હોય. જાપાન મનુષ્યસ્વભાવ જાણતું હતું. મનુષ્યના અંતરાત્માને–રે આખી ને આખી પ્રજાના અંતરાત્માને–ખરીદી લેવાની કળા જાપાને પશ્ચિમને ચરણે બેસી આબાદ કેળવી લીધેલી. સુલેહની પરિષદ્‌ને સમયે જાપાને યુરોપી રાજ્યોની અંદર એક કરોડ ડોલર (ચાર કરોડ રૂપીયા) છૂટે હાથે વેરી દીધેલા હતા. અત્યારે પણ અમેરિકાનું હૃદય હાથ રાખવા માટે જાપાન દર વરસે લાખો ડોલરો એટલે કરોડો રૂપીયા ખરચી રહ્યું છે. છાપાંઓ જાપાનની વાહવા પોકારે તેનો આ મર્મ છે. વક્તાઓ ઠેર ઠેર જાપાનની રાજનીતિનાં યશોગાન ગાય તેનો આ મર્મ છે. બીજી બાજુ જાપાનીઓ અમેરિકાની અંદર મોટાં મોટાં મંડળો ખોલે છે, વરસે વરસે મિજબાનીઓ ને મ્હેફિલો થાય છે. બબ્બે હજાર ઇજ્જતદાર અમેરિકાવાસીઓ એ મંડળના સભાસદો છે. મ્હેફીલનાં મેજ ઉપર પેટ ભરીને પછી દારૂની છલકતી પ્યાલીઓ ઉડાવતા ઉડાવતા અમેરિકાવાસીઓ ફીદા થઈને જાપાનની સ્તુતિ કરે છે.

જાપાની અત્યાચારના બચાવનો એક નમુનો લઈએ. ૧૯૧૯ ની ઝુમ્બેશ સંબધે એક અમેરિકાવાસી લેખક અમેરિકામાં લખે છે કે “બદમાશોને ‘અમર રહો મા’ એવો ધ્વનિ કરવાના ત્રીશ ત્રીશ પૈસા મળે છે. ત્રીશ પૈસાને ખાતર આ બદમાશો ટોળે વળે, બૂમો પાડે, પોલીસ થાણાં ઉપર હલ્લો કરે, પત્થર ફેંકે, પછી તો જાપાની સૈનિકો સરખાં શાંત માણસોને પણ ખીજ તો ચડેજ ને !”

બરાબર છે ! કોરીયાની બઝારમાં મનુષ્યનો જાન સસ્તે ભાવે મળી શકે છે ! પણ એટલો તો સસ્તો નહિજ, કે ત્રીશ પૈસાને ખાતર કોરીયાવાસી વીંધાઈ જવા કે કપાઈ જવા તૈયાર થઈ જાય !

આખરે ઈન્દ્રજાળ ભેદાણી. કેટલાએક મીશનરીઓ રેલ્વેમાં બેસી છેક ચીનમાં પહોંચ્યા, ને ત્યાંથી પોતાને દેશ કાગળો રવાના કર્યા. અમેરિકાનાં વર્તમાનપત્રોમાં કોલાહલ ચાલ્યો. જાપાની અધિકારીઓએ ઘણા યે ખુલાસા ચોમેરથી બહાર પાડ્યા. પણ અમેરિકાવાસીને મન સંદેહ રહી ગયો. એક મંડળી કોરીયામાં આવવા તૈયાર થઈ. એ ઇસારો થતાં તો જાપાની સરકારનાં ભાડુતી વર્તમાનપત્રોએ બૂમરાણ મચાવ્યું કે “જાશો ના, જાશે ના, કોરીયામાં કોલેરા ચાલે છે.” પણ પેલી મંડળી માની નહિ. એટલે બીજી બૂમ પડી કે “ખબરદાર તમારી જીંદગી જોખમમાં છે. કોરીયામાં તમારા પ્રાણ લેવા એક કાવતરૂં રચાય છે.” પણ પેલા મહેમાનોનાં હૈયાં થડક્યાં નહિ. જાપાની સરકારે જણાવ્યું કે “તમે તો નહિ સમજો, પણ અમારા માનવંત મિજબાન તરીકે તમારૂં રક્ષણ કરવાની અમારી ફરજ છે. ફિકર નહિ; તમારી સાથે અમારી પોલીસ હાજર રહેશે. સાવધાન, પોલીસની સૂચનાને અનુસરજો, નહિ તો જોખમ છે.”

મિજબાનોનું મંડળ આવી પહોંચવાનું હતું તે દિવસે સ્ટેશનથી ઉતારાના મુકામ સુધી રસ્તા પર સિપાહીઓ ઉભેલા કોરીયાવાસીઓ અમેરિકાના મિજબાનોને આવકાર દેવા હોંશે ભર્યા દોડ્યાં આવ્યાં.

પોલીસે તલવાર કાઢી, નાદાનોને નસાડ્યાં. મહેમાનોની ગાડી ગામમાં નીકળી ત્યારે બન્ને બાજુ પોલીસ, અને રસ્તો સ્મશાન સમો નિર્જન ! મિજબાનો ચકિત થયા. ક્યાં હતો કોલેરા ? ક્યાં ગયું પેલું કાવરૂં ?

મહેમાનોએ હઠ પકડી કે અમારે તો દેશ જોવો છે. સરકાર કહે કે તમને લૂંટવા ને મારી નાખવા મોટી ટોળી ખડી થઈ છે. મહેમાનો કહે ફિકર નહિ. સરકાર સમજી કે ચોક્ખી ના નહિ પડાય. પણ એક ઇલાજ હતો. કોરીયાવાસીઓનેજ મહેમાનો પાસે આવવા ન દેવા !

મહેમાનોને મ્હેફિલો પર મ્હેફિલોઅપાવા લાગી. સરકારી નિશાળો, કચેરીઓ, અદાલતો, બતાવવામાં આવ્યાં. મહેમાનો મહેમાનીમાંજ તલ્લીન બન્યા. મિષ્ટાન્ને કોનું મ્હોં નથી ભાંગી નાખ્યું ?

આખી મંડળીમાં એક માણસ મક્કમ રહ્યો. એણે તો હઠ પકડી કે મ્હારે આ દેશવાસીઓને જોવાં છે. એણે જણાવ્યું કે હું એકલોજ આથડીશ. મારી સાથે પોલીસ નહિ. એણે એક સભા ભરી. મંડપમાં મેદની માતી નથી. મહેમાનનું ભાષણ બધાં તલ્લીન બની સાંભળે છે. ત્યાં તો સોલ્જરોનાં સંગીનો ઝબૂક્યાં. શ્રોતાજનોની ધરપકડ ચાલી. મહેમાનને કહેવામાં આવ્યું કે કૃપા કરી ચાલ્યા જાઓ.” મહેમાને આંખો ફાડી જણાવ્યું કે “પહેલી બેડી મને પહેરાવો. પછી જ આ નિર્દોષ મંડળીને તમે આંહીથી લઈ જઈ શકશે.” એકજ આદમીની મક્કમતા ! સેના શરમાઈને ચાલી ગઈ.

આ એક મિજબાનના મનમાં એવો તિરસ્કાર, એવો કોપ વ્યાપી ગયો કે એણે પોતાની મંડળીનો સંગાથ છોડ્યો, એકાકી એ આખા કોરીયામાં રખડ્યો. અમેરિકામાં જઈને એણે આખું ભોપાળું એના નગ્ન સ્વરૂપમાં રજુ કર્યું.

એ મંડળીના નિવાસ દરમ્યાન સરકાર શુ કર્યા કરતી હતી ? તારો પર તારો છૂટતા હતા કે મહેમાનો વિરૂદ્ધ કાવતરૂં ચાલે છે, મહેમાનોની ગાડીને પટકવા માટે પાટા ઉખેડી નાખેલા છે, બોમ્બ છૂટવાની તૈયારી છે.

અમેરિકામાં પાછાં આવતાં એક પણ મુસાફરે આ રેલગાડીના અકસ્માત, કાવતરાં કે બોમ્બ વિષે એક ઉચ્ચાર, સરખો યે નથી કર્યો. ઉલ્ટું મિજબાનોએ ઠેર ઠેર જણાવ્યું કે એ રમણીય ભૂમિનાં લોકો-પુરૂષો, સ્ત્રીઓ ને બચ્ચાંઓ, -સ્ટેશને સ્ટેશને આઘે ઉભાં ઊભાં અમારી સામે દયામણી આંખે નિહાળી રહ્યાં હતાં. ક્વચિત કવચિત એ હર્ષનાદ કરતાં હતાં, પણ ઘણું ખરું તો એ ચુપચાપ ઉભાં રહેતાં. એની ચુપકીદીમાં અમે એનાં હૈયાં વાંચી શકતા. એના પ્રાણ પરદેશી સત્તાની સામે પોકારતા હતા.