એશિયાનું કલંક યાને કોરીયાની કથા/ભીષણ સૌંદર્ય

વિકિસ્રોતમાંથી
← અમેરિકાની દીલસોજી એશિયાનું કલંક યાને કોરીયાની કથા
ભીષણ સૌંદર્ય
ઝવેરચંદ મેઘાણી
સુધારાની માયાજાળ, અને છેલ્લી તૈયારી →


.



પ્રકરણ ૧૨ મું.

ભીષણ સૌંદર્ય.

દરીયાપારના પ્રવાસીઓ કેમેરા લઇ લઈને આવ્યા, ભાષણો દઈ ગયા, વિનાશની છબીઓ પાડી ગયા, ઘેર જઈને વર્તમાનપત્રોમાં કોરીયાની દુઃખમય કથની ઉપર કરૂણાના થોડાએક શબ્દો લખી કાઢ્યા–સ્વતંત્રતાના સાથીઓ અમેરિકાવાસીઓની મનોવેદના પ્રગટ થઈ ચુકી ! રે ! જાપાનની તલવારોના ઝખ્મો તો રૂઝાશે, પણ આ સ્વાતંત્ર્યપ્રેમી બંધુજનોની કરૂણા રૂપી ક્રૂર મશ્કરીના ઉંડા ઘા રૂઝાતાં વાર લાગશે. દુશ્મનોને હાથે ગળાં રેંસાય, એમાં શુરવીરોને મન પરમ સુખની મીઠાશ છે, અરેરાટીનો ઉચ્ચાર કર્યા વિના પ્રાણ કાઢી આપવામાં તો એક અપૂર્વ ગૌરવ, અદ્‌ભુત મહિમા, અને અપાર શોભા ભરેલ છે. કારણ કે શુરવીર એ મરનારાને “બિચારો” કહી અપમાન દેનાર કોઇ ત્યાં નથી હોતું. કોરીયાનું હૈયું હાહાકાર કરી ઉઠતું હશે કે “ઓ પ્રભુ ! મ્હારા મિત્રોથી મને બચાવી લેજે.”

શા માટે આવ્યા હતા આ વિદેશીઓ ? એક પીડાતી પ્રજાની વ્હારે ધાવા ? દુઃખી અને ઝખ્મી બે કરોડ માનવોના મસ્તક ઉપર અનુકમ્પાનાં બે અશ્રબિન્દુ વરસાવવા ? જાલીમ જાપાનને સાવધાન કરવા ? ના, ના. એવી મિથ્યા અનુકમ્પાની ઘેલછા ડાહ્યા ડમરા વેપારીઓને ન શોભે ! પોતાના કિનારાઓને સાચવીને અમેરિકા આનંદભર્યું મ્હાલે છે. દરીયાપારની લહરીઓમાં ન્હાની ન્હાની પ્રજાઓનાં આક્રંદની ચીસો આવીને એને કાને અથડાય છે, પણ સીગારેટ કે નૃત્ય નાટકના તાનમાં બેઠેલા એ વેપારીનાં નેણાં ઘેરાતાં હોય, તે વેળા એ આર્તનાદની એને શી તમા ? એની તંદ્રા ને એનું ઘેન તો ત્યારે જ ઉડે, કે જ્યારે લ્યુસીટેનીઆના બસો ચારસો દેશ–બંધુઓ ઉપર જર્મન પ્રલયનાં મોજાં ફરી વળે !

અમેરિકાવાસીઓ આવ્યા, તે તો પોતાનાં દેવાલયોની, ને પોતાના ધર્મબંધુઓની પાયમાલી સાંભળીને. અમેરિકાના વેપારીઓએ બૂમરાણ કર્યું, તે તો પેલી પોતાની રેલ્વે કંપનીઓના પાટા કોરીયાની ભૂમિ પરથી જાપાને ઉખેડી નાખ્યા એ બળતરાએ. પચીસ પચીસ વરસ થયાં એનાં વિજળીનાં કારખાનાં કોરીયાની અંદર ચાલતાં, એની તમાકુની પેઢીઓ જામી પડેલી, એના નાખેલા નળોમાંથી કોરીયાવાસીઓને પાણી પહોંચતું, એને હાથે કોરીયાનાં જંગી વ્હાણો બંધાતાં, એના સંચાઓ વડે કોરીયાની ખાણોમાંથી સોનું ખેંચાતું, દારૂગોળો એનાં કારખાનામાં તૈયાર થતો. જાપાને આવીને એ બધું અમેરિકાની પાસેથી ઝુંટવી લીધું. પોતાના વેપારીઓને બેસુમાર હક્કો આપ્યા, એની હરીફાઈ સામે અમેરિકાવાસીઓ હાથ ખંખેરી ચાલતા થયા. એ બળતરા અમેરિકાના અંતરમાંથી બોલી રહી છે, કોરીયા માટેની કોઈ અનુકમ્પા નહિ.

વિદેશી મુસાફરો તો મુગ્ધ હતા પેલી ભવ્ય સરકારી મ્હેલ મહેલાતો ઉપર, સરકારે બંધાવેલા બાગ બગીચાઓ ઉપર અને આખા દેશમાં ઠેર ઠેર બંધાવેલી સુંદર સફાઈદાર સડકો ઉપર. પણ ક્યાં બંધાવેલી હતી એ સુશોભિત સડકો ? વસ્તીવાળા પ્રદેશોમાં નહિ, દૂર દૂરના વેરાનમાં. ગામડાનાં ગરીબ કોરીયનો પોતાનાં ગાડાંઓ ખેતરાઉ અને પહાડી રસ્તાઓ ઉપર સુખેથી ચલાવતા, જરૂર જોગો વેપાર કરી આવતા. એને આવા મનોહર રાજમાર્ગોની જરૂર નહોતી. એ નિર્જન રાજમાર્ગો વેરાનની ભીષણતામાં વધારો કરતા હતા. લોકો એ રાક્ષસી સડકોથી ભય પામતાં. હુ હુ હુ હુ કરતી એ સડક કોરીયાનું હૃદય વીંધીને જાણે ચાલી જતી. પ્રજા પળે પળે કાન માંડીને ચમકી ઉઠતી, કે જાણે એ સડકના હૈયામાં દૂર દૂરથી ચાલ્યા આવતા જાપાની સૈન્યના તાલબંધ કદમના ધબકારા સંભળાય છે, સંગીનો ઝબૂકે છે, તલવારો ખણખણે છે, તોપખાનું માર માર કરતું, આકાશ ગજવતું ચાલ્યું આવે છે. સેના ચાલી આવે છે, રસ્તાના મુલકને આગ લગાડતી આવે છે, દેવળો તોડતી, અને લોકો ઉપર ગોળીઓ છોડતી આવે છે. હાય ! એ જીવલેણ સડકો તો જાપાની સેનાને એ રમ્ય ભૂમિ ઉપર છોડી મૂકવા માટે બાંધવામાં આવેલી. એ મહેલ મહેલાતો અને રાજમાર્ગો બાંધવામાં હજારો લોકોને તલવારની અણીએ વેઠે વળગાડેલાં હતાં. એ જમીનો લોકો પાસેથી જબરદસ્તી કરી ઝૂંટવી લેવામાં આવી હતી. કોરીચાની એ શોભાયમાન ને મોહમયી મહેલાતોના પત્થરો, તે પત્થરો નથી, પણ જીવતાં કોરીયાવાસીઓનાં–મરદો, ઓરતો અને બાલકોનાં–શરીરોના ગંજ ખડકેલા છે. પળે પળે એ પત્થરોમાંથી ઝીણું આક્રંદ ઉઠે છે. કેમેરા લઇને છબી પાડવામાં મશ્ગુલ બનેલા વિદેશી મુસાફર એ આક્રંદ ન સાંભળી શકે.

આ બધી કવિતા નથી. ધગેલા મસ્તકની મિથ્યા કલ્પના નથી. કઠોર સત્ય છે. કોરીયાની શોભા વિસ્તારવા જતાં જાપાની સરકારે, એ દેશનું રાષ્ટ્રીય કરજ ૩૬૮,૨૫૬ ડોલર હતું, તે વધારીને પર,૪૬૧,૮૨૭ ડોલર જેટલે પહોંચાડી દીધું છે. અને વાર્ષિક કર વેરો સને ૧૯૦૫ માં ૩,૫૧,૯૦૭ ડોલર હતો તે વધારીને ૧૯,૮૪૯,૧૨૮ ડોલર સુધી પહોંચાડ્યો છે. બદસુરત દેશને રમણીય બનાવવા જતાં, દેશનું કરજ એકસોતેતાલીસ ગણું વધારી દેવાય, અને પ્રજા ઉપર સાડાપાંચ ગણો કર ચાંપી બેસાડાય એ કાંઇ સાધારણ દિગ્વિજય ન કહેવાય. ‘મહત્‌ જાપાન’ કે ‘મહત્ બ્રીટન’ થવું સ્હેલું નથી. લોકોની ખાનગી મિલ્કતો, રે ! ખુદ બૌદ્ધ દેવાલયોની જમીનો ઝુંટવી લેવામાં છાતી કઠણ કરવી પડે છે ! ત્રણ લાખ જાપાનીઓને વેપાર વાણિજ્ય તેમજ સરકારી નોકરીઓ સોંપી દેવામાં બડી હિંમત વાપરવી પડે છે ! જાપાનીઓને માટે જગ્યા કરી દેવા કોરીયાવાસીઓ દેશ છોડી ચાલી નીકળે, મંચુરીયા અને સાઈબીરીયાના બરફની બખોલોમાં ભરાઈ બેસે, તો ત્યાં પણ જાપાની લશ્કર તત્કાળ પહોંચી જાય. કારણ ? સરકાર કહે છે, કે અમારી પ્રજા જ્યાં જાય ત્યાં એનું રક્ષણ કરવાનો અમારો ધર્મ છે ! મહારાજ્યો આમજ બંધાયાં છે. આ રીતે જ બંધાશે.

આજ કોરીયાની પ્રત્યેક બેન્ક ઉપર જાપાની “સલાહકાર” ચડી બેઠો છે. એની સીલક સરકારી બેંકમાં જ રાખવી પડે છે; ને એ સરકારી બેંકની મુન્સફી સિવાય કોઈ બેંક એ સીલકનાં નાણાં પાછાં મેળવી શકે નહિ. બેંકો ઉપર તો શું, પણ પ્રત્યેક કોરીયન શ્રીમંતની છાતી ઉપર અક્કેક જાપાની Steward (નોકર) ચાંપી દેવામાં આવ્યો છે, કે જે ઘરનો હિસાબ રાખે છે, તેમજ નાણાં પ્રકરણી સલાહ–સૂચના કરે. સરકારના નીમેલા આ સલાહકારની પરવાનગી વિના કોરીયાના શ્રીમંત કશું ખર્ચ કરી શકે નહિ. એ કાયદો તોડનારની મિલ્કત તત્કાળ જપ્ત થાય. એક શ્રીમંતે ચીનની અંદર કોરીયાના તરૂણોને શિક્ષણ દેવાની અભિલાષાએ પેકીંગની અંદર એક શાળા ઉઘાડી. સરકારી અમલદારે એના ઉપર કાવતરાંનો આરોપ મૂક્યો, એની મિલ્કત જપ્ત કરી. ચીનાઈ સરકાર એક સખૂન પણ ન ઉચ્ચારી શકી. બીજા એક ગૃહસ્થે સરકારી બેન્કમાં મૂકેલાં પોતાનાં નાણાંમાંથી એક લાખ સીક્કા ઉપાડવાની પરવાનગી માગી. સરકારે ના પાડી. એણે જીદ કરી. સરકારે એની આખી ઈસ્કામત જપ્ત કરી. કારણ ? એ બદમાશ સરકારની સામે કાવતરું રચતો હતો !