એશિયાનું કલંક યાને કોરીયાની કથા/સુધારાની માયાજાળ, અને છેલ્લી તૈયારી

વિકિસ્રોતમાંથી
← ભીષણ સૌંદર્ય એશિયાનું કલંક યાને કોરીયાની કથા
સુધારાની માયાજાળ, અને છેલ્લી તૈયારી
ઝવેરચંદ મેઘાણી




પ્રકરણ ૧૩ મું.

સુધારાની માયાજાળ, અને છેલ્લી તૈયારી.


સુલેહની સભામાં બેસીને જ્યારે જાપાન દુર્બળ પ્રજાઓના બચાવમાં ગર્જના કરતું હતું, ત્યારે એની પોતાની છાતી થડક થડક થતી હતી. એણે જોયું કે નિર્દોષ શોણિતનો આર્તનાદ દિગ્ દિગન્તરો વીંધીને ચોમેર પહોંચ્યો છે. એના કાળજામાં અવાજ ઉઠ્યો કે શું જવાબ આપવો ?

અંતરનો સેતાન બોલી ઉઠ્યો કે “સુધારા, સુધારા.”

ટોક્યોની સરકારે ઢંઢેરો લખીને અમેરિકા મોકલ્યો. વર્તમાનપત્રોએ એ ઢંઢેરો છાપી નાખ્યો. ઢંઢેરામાં જાપાને કોલ દીધેલો હતો કે “કોરીયાની અમારી વ્હાલી પ્રજાને અમે સમાનભાવે સુખી અને સલામત રાખીશું, પગલે પગલે સ્વરાજ્ય બક્ષીશું, લશ્કરી રાજ્યતંત્રને બદલે સીવીલ રાજ્યવ્યવસ્થા સ્થાપીશું, ગ્રામ્ય સ્વરાજ્ય, અને શહેર સુધરાઈખાતું પ્રજાની ચુંટણીના ધોરણ પર ચલાવીશું, ઇન્સાફના તખ્ત સામે જાપાની કે કોરીયન ઉભયનો એક કાયદે ન્યાય કરીશું.” ઢંઢેરો વાંચી વાંચીને પરદેશીઓ પોતાના પોકારને સફળ થયેલો સમજી બેઠા.

કાળાં કામ કરનારા બે જુના હાકેમોનાં રાજીનામાં મંજુર થયાં. મંજુરીના કાગળમાં જાપાની સચીવ શું લખે છે ? “વર્ષો સુધી ઉજ્જવળ સેવા બજાવનારા આ બે લાયક અધિકારીઓનું રાજીનામુ સ્વીકારતાં મને દુઃખ થાય છે !”

લશ્કરી રાજ્યનો પલ્ટો આરંભાય છે. એક હાથે જાપાની સચીવ અમેરિકાને કોરીયા પરત્વેની પોતાની મમતાના ખાત્રી પત્રો મોકલે છે, અને બીજે હાથે, કતલ ચલાવવા કોરીયાને કિનારે છ હજાર સૈનિકોનો કાફલો પહોંચાડે છે. ‘સુધારા’નો સંદેશો સંભળાવીને તત્કાળ કોરીયાની છાતી ઉપર ત્રણ હજાર વધુ પોલીસો, અને બસો વધુ અમલદારો બંદુકો લઈને ચડી બેસે છે. અત્યાચાર કરનારો જુનો એક પણ અમલદાર કશી શિક્ષા નથી પામતો.

અત્યાર સુધી માત્ર ઇસારે કામ ચાલતું, હવે ‘સુધારા’ જાહેર થયા, એટલે લિખિત હુકમોથી પોલીસને ગોળી ચલાવવાની છૂટ મળી. ઉત્સવોની અંદર પ્રજાને સંગીત કરવાનો પ્રતિબંધ, અને પાંચ પાંચ કુટુંબોના મસ્તક પર અક્કેક અમલદારની (નીમણુક) મલ્લકુસ્તીની મનાઇ, ઉજાણીની મનાઈ, પૂર્ણિમાના ઉત્સવોની મનાઈ, અને એ મનાઈના ઉલ્લંઘનની પાધરી શિક્ષા — આંખો મીંચીને ગોળીઓ છોડવાની.

ઇન્સાફની પ્રથામાં પણ એજ તરેહના સુધારા ! બંદીવાનને કેવળ એકજ પ્રશ્ન પૂછાય. “ફરીવાર કદી પોકારીશ કે ‘અમર રહો મા’ ?” હકારમાં ઉત્તર હોય તો કારાગૃહની અનંત અંધારી યાતનાઓ એની રાહ જોતી. અદાલતમાં આ સવાલનો ઉત્તર એક કુમારિકાએ દીધેલો કે, “છૂટીશ તો ૫હેલી જ તકે હું મારી માતાનું નામ પોકારવાની.” બસ ! કારાગૃહનો ઘોર અંધકાર એ સુકુમાર બાળાના આશામય સંસાર ઉપર ફરી વળ્યો.

વધુ કર્પીણ રીબામણી, વધુ પિશાચી રક્તપાત, વધુ ને વધુ દમન આરંભાયાં—અને તે બધું, સુલેહ શાંતિને નામે, નિર્દોષ અને શાંત પ્રજાજનોની સહીસલામતીને નામે !

સુધારાની ઈંદ્રજાળથી આખી દુનિયા ઠગાણી છે, પણ કોરીયા નથી ઠગાયું. જાપાન કોરીયાના અંતરને ઓળખી નથી શક્યું.

પ્રત્યેક કોરીયાવાસીના પ્રાણમાં આજે ભીષણ કટુતા વ્યાપી રહી છે, અને એ ઝેર જમાનામાં જતાં યે નથી નીકળવાનું. હવે કોરીયા વિચાર નથી કરતું, બુધ્ધિપૂર્વક સમજીને ધિઃક્કાર નથી દેતું, એ ધિઃક્કાર તો એના લોહીના પ્રત્યેક બિન્દુમાં પ્રવેશી ચુક્યો છે, સુધારાનાં છળ કોરીયાના ઝખ્મો નહિ રૂઝાવી શકે. એનું ખૂન પોકારી ઉઠે છે કે “ચાલ્યા જાઓ અમારી ભૂમિ પરથી.” બસ ! એથી કમતી કે વિશેષ કશું યે નહિ.

કોરીયા અત્યારે સ્વાતંત્ર્યને લાયક છે કે નહિ, આંતરરાષ્ટ્રીય સંબંધોની દૃષ્ટિએ જોતાં જાપાન અત્યારે કોરીયાને મુક્ત કરી શકે કે નહિ,—એ સવાલો વિચારવાની કોરીયા ના પાડે છે. હવે તો એ સવાલ સમજણનો નથી, દારૂણ દર્દનો છે, ઉંડા ધિઃક્કારનો છે, સેંકડો વર્ષોના કારી ઝખ્મોનો છે. કોરીયાનું સંતાન ખીજ નથી બતાવતું, આંખો રાતી નથી કરતું, બહુ ઓછું બોલે છે, પણ એના હૈયાની જ્વાળા ચુપચાપ ભડભડી રહી છે.

પણ વિસરશો નહિ, ભ્રાંતિમાં પડશો નહિ, કે ક્રોધાંધ બનીને કોરીયા ભાન ભૂલ્યું છે. ના, ના. દુનિયાની નજરે કોરીયા પાગલ બનીને ચુપચાપ પડેલું દેખાય છે. પણ એ દેશના ઉંડાણમાં વ્યવસ્થિત, વિધવિધ ચળવળ ચાલી રહી છે. શાંગાઈ શહેરની અંદર કોરીયાની કામચલાઉ રાષ્ટ્રીય–સરકાર (Provisoinal Government) ની હમણાં જ બેઠક મળેલી, એ કેવળ નાટકીય તમાશો નહોતો. જાપાનને માલૂમ છે કે દેશભરની અંદર એ દેશી રાજ્યતંત્ર ચુપચાપ ગોઠવાઈ ગયું છે, ને રાજ્ય ચલાવી રહ્યું છે. પણ, એની કચેરીઓ ક્યાં ક્યાં છે, એના અધિકારીઓ કોણ છે, એનાં સાધનો ક્યાંથી ચાલ્યાં આવે છે, તેનું ભાન જાપાની જાસુસોને જરા યે નથી. બીજી ભયાનક બીના પણ જાપાની સરકાર જાણે છે. કે પોતાના જ જાસુસો એ ગુપ્ત રાજ્યતંત્રને મદદ કરી રહ્યા છે. પણ જાપાની સરકાર કોઈ સાચા અપરાધીને નથી શોધી શકી. સેંકડો શકદારો પકડાય છે, દારૂણ સજા પામે છે, પણ પેલું ગુપ્ત રાજ્યતંત્ર પ્રતિદિન પ્રબલ બનતું જાય છે. જાપાન ડાચું વકાસીને જોઈ રહે છે. એ ગુપ્ત કોરીયન સરકાર શાંગાઈ, ઈંગ્લાંડ અને અમેરિકા સાથે પત્રવ્યવહાર ચલાવે છે, નાણાં મેળવે છે. ને મોકલે છે. “સ્વતંત્રતા સમાચાર” ની હજારો નકલો છુપી છપાઈને ઘેર ઘેર પહોંચે છે. હજારો કાસદો પકડાય છે, તો યે એ દેવ–સેનાનું દળ ખૂટતું નથી. બાલકો શાળાની અંદર શિક્ષકોની સામે સર્ટીફીકેટો ચીરી નાખે, પુરૂષો “અમર રહો મા” પોકારે, સોલ્જરો મુંઝાઈને સ્તબ્ધ બને છે, કારણ કતલની કે મારપીટની કશી અસર નથી.

ત્યારે હવે ?

જાપાન મુંઝાયું છે. માર્ગ સૂઝતો નથી, પિસ્તોલો લાઈલાજ બની છે. એની સન્મુખ બે જ રસ્તા ખુલ્લા છે. કાં તો દેશ છોડી ચાલ્યા જવું, નહિ તો બે કરોડ કોરીયાવાસીઓને, ચુકતે હિસાબે રેંસી નાખવા, એ પ્રજાનું અસ્તિત્વ આ ખલ્કની અંદરથી ઉખેડી નાખવું. ત્રીજો માર્ગ નથી, કારણ, કોરીયાએ આખરની તૈયારી કરી મેલી છે, મોતની પથારી બિછાવી રાખી છે, એકે એક પ્રજાજન—એકે એક—પોતાના પ્રાણ બે હાથમાં ધરીને ઉભો છે. એ બીજા કાંઇ સમજતો .




ફાંસીની સજામાંથી બચી આવેલા ડો. સીંગમાન રી. કોરીયન
પ્રજાસત્તાકનો એક મતે ચુંટાયેલો પ્રમુખ. [પા.૨૯]

.

શાંગાઇ નગરમાં સ્થપાએલું કામચલાઉ કોરીયન પ્રજાસત્તાક રાજ્ય મંડળ એ કંઈ
નાટકીય તમાસો નહોતો. [પા. ૧૦૨]

નથી. પિતૃભુમિનો પ્રાણ એ પ્રત્યેકને સ્મશાનમાંથી સાદ કરી રહ્યો છે. પ્રકાશની એને પરવા નથી. અંધકારના–મૃત્યુના–અમર ભુવનમાં દાખલ થવા એ તલસે છે. હવે તો એ બીજા કોઈ દયાળુને વ્હારે ધાવા કાલાવાલા કરતો નથી. સાગરને સામે પારથી આશાના સંદેશા નહિ, પણ મૃત્યુના ઘુઘવાટા એ કિનારે બેઠો બેઠો સાંભળે છે, હજારો વીર વીરાંગનાનાં વૃંદ આકાશની અંદર ચાલ્યા જતાં એ નિહાળે છે. એ હસે છે, પ્રેતની પેઠે હસે છે, અમર દુનિયાનાં એ દર્શન કરે છે, અને પળે પળે પાકારે છે. “અમર રહો મા કોરીયા !”

ત્યારે હવે જાપાને શું ધાર્યું ?

નકશા પર નજર કરો. નકશો એનો ઉત્તર દેશે. કોરીયાને કિનારેથી જાપાની તોપો ખસે કે બીજી જ પ્રભાતે જાપાનનો બીજો કોઈ દુશ્મન પોતાની તોપો ત્યાં માંડશે, ને જાપાન ઉપર ગોળા છોડશે, એવી જાપાનને ધાસ્તી છે. પરંતુ એથી યે ઉંડાણમાં પેલી મહદ્ જાપાન બનવાની મુરાદ, કોરીયાની ગુલામીનું સબળ કારણ છે. કોરીયાની અંદર દારૂગોળો અને સેના જમાવી એક દિવસ ચીનનો કબ્જો લેવો, પછી એશિયાના બીજા પ્રદેશો પર પાંખો પસારવી, સામ્રાજ્ય સ્થાપવું, અને આખરે પાસીફીક મહાસાગરની માલીકી માટે મથવું. કદી નહિ છોડે–કોરીયાને જાપાન રાજીખુશીથી કદી નહિ છોડે.

ત્યારે હવે ? તું શું જવાબ વાળીશ, અયિ બંદિની કોરીયા ? તારી ગરદન તૈયાર છે ને ? ભ્રમણામાં નથી પડવાની કે ? ચિતા ખડકી રાખી છે કે ? ચીસો નહિ પાડેને ? ત્હારાં સંતાનોને જીવતાં સળગાવી દેજે. પણ જોજે હો ! આંખોમાં આંસુ ન આવી જાય. કંઠમાં આક્રંદ ન ઉઠે, હૈયામાં કરૂણા ન ઉભરાય ! અમર રહો, મા કોરીયા.



સમાપ્ત.