એ ચિહ્ન વચ્ચે રૂડો લગાર

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
એ ચિહ્ન વચ્ચે રૂડો લગાર
પ્રેમાનંદ સ્વામીએ ચિહ્ન વચ્ચે રૂડો લગાર, ડાબી તે કોરે વહાલા;
સુંદર એક તિલ મોટો, મારા ચિત્તડાને ચોરે વહાલા ૧

એ તિલથી છે ડાબી કોરે, બે તસુ છેટે વહાલા;
એક તિલને જોતાં સર્વે, ભવદુઃખને મેટે વહાલા ૨

તે તિલથી બે તસુ છેટે, ડાબી કોરમાંહી વહાલા;
સ્તન ઉપર એક તિલ તેમાં, ચિત્ત ચોટ્યું જોઈ વહાલા ૩

બે સ્તનથી ઉપર છે, બે છાપ તણાં ચિહ્ન વહાલા;
એ છબી જોવા સારુ, મારું મન છે આધીન વહાલા ૪

કરીના બે કર સરખી ભુજા, તે દીર્ધ ઉદાર વહાલા;
સંભારતાં તરત તે, ઉતારે ભવપાર વહાલા ૫

જમણી ભુજાને પાસે છે, માંહે ઊભી તે હાર વહાલા;
જોયા જેવા સુંદર મોટા, તિલ રૂડા ચાર વહાલા ૬

જમણી ભુજાના મૂળ થકી છે, ત્રણ તસુ હેઠે વહાલા;
એક છાપનું ચિહ્ન જોતાં, જન્મમરણ મટે વહાલા ૭

તે છાપનું ચિહ્ન રૂડું, તેને પડખે બા'રે વહાલા;
નાના તિલ છે ચાર તેને, જોઉં વારે વારે વહાલા ૮

કુણિયું છે શ્યામ બેઉ કર, કઠણ છે પોંચા વહાલા;
બે તિલ છે બહુ રૂડા, જમણા પોંચાથી ઊંચા વહાલા ૯

જમણા હાથની છેલ્લી આંગળી, તે ઉપર સારો વહાલા;
પ્રેમાનંદ કહે મોટો તિલ એક, લાગે અતિ પ્યારો વહાલા ૧૦