ઓરા આવો છેલ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ઓરા આવો છેલ
પ્રેમાનંદ સ્વામીઓરા આવો છેલ તમારું છોગલું જોઉં રે,
છોગલું જોઉં રે છેલા મારા મનમાં પ્રોઉં રે... ટેક
છોગલું તારું અટક્યું મારા ઉરમાં આવી રે,
મોહન તારી મૂરતિ મારા મનમાં ભાવી રે... ઓરા ૧
મુખતણે મરકલડે મુને ઘેલડી કીધી રે,
સામું જોઈ તમે શામળા શુધ બુધ લીધી રે... ઓરા ૨
શુધ ભૂલી શરીરની દિલ ક્યાંઈ ન ગોઠે રે,
મનડું વીંધ્યું માહેરું નેણાની ચોટે રે... ઓરા ૩
એટલું તો હવે કરજો માણીગર માવા રે,
પ્રેમાનંદનાં નેણમાં રહો આવા ને આવા રે... ઓરા ૪