ઓ રાણા ! જીવનો સંગાથી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

ઓ રાણા ! જીવનો સંગાથી હરિ વિણ કોઈ નથી…
મારે પ્રભુ ભજવાની હામ રે, મારે હરિ ભજવાને હામ રે, જીવનો૦

ઓ રાણા ! એક રે ગાયને દો દો વાછડાં,
તોય એના જુદારે જુદા લેખ
એક રે બન્યો શિવજીનો પોઠિયો,
બીજો ફરે ઘાંચીડાને ઘેર… જીવનો૦

ઓ રાણા ! એક રે માટીનાં દો દો માટલાં,
તોય એના જુદારે જુદા લેખ
એક ને માટાલું જસોદા માતનું,
બીજું દીસે કલાલને ઘેર... જીવનો૦

ઓ રાણા! એક રે વેલાને બે બે તુંબડાં,
તોય એના જુદા રે જુદા લેખ;
એક રે તુંબડું સાધુના હાથમાં,
બીજું રાવળિયાને ઘેર... જીવનો૦

ઓ રાણા ! એક રે માતાના દો દો બેટડા,
લખ્યા એના જુદા રે જુદા લેખ,
એક રે બેટડો ચોરાશી ધૂણી તપે,
બીજો ઘૂમે લખચોરાશી ફેરા માંહ્ય… જીવનો૦

ઓ રાણા ! એક રે વાંસની દો દો વાંસળી,
તોય એના જુદા જુદા લેખ;
એક રે વાંસળી કાનકુંવરની,
બીજી વાગે વાદીડાને રે ઘેર… જીવનો૦

ઓ રાણા ! ગુરુને પ્રતાપે મીરાં બોલિયાં,
દેજો અમને સંતોના ચરણોમાં વાસ. જીવનો૦

==અન્ય સંસ્કરણ==

હે … કર્મનો સંગાથી રાણા મારૂ કોઇ નથી…
હે…. કર્મનો સંગાથી પ્રભુ વિણ કોઇ નથી…
કે લખ્યા એના જુદા જુદા લેખ (૨)… કર્મનો સંગાથી…
એક રે ગાયના દો દો વાછરુ,
લખ્યા એના જુદા જુદા લેખ
એક રે બન્યો શિવજીનો પોઠીયો,
બીજો કાંઇ ઘાંચીડાને ઘેર… કર્મનો સંગાથી.
એક રે માતાના દો દો દીકરા,
લખ્યા એના જુદા જુદા લેખ
એક ને માથે રે છત્તર ઝૂલતા,
બીજો કાંઇ ભારા વેચી ખાય… કર્મનો સંગાથી.
એક રે માટીના દો દો મોરિયા,
લખ્યા એના જુદા જુદા લેખ
એક ને મોરિયો શિવજીની ગળતી,
બીજો કાંઇ મસાણે મૂકાય….. કર્મનો સંગાથી
એક રે પથ્થરના દો દો ટુકડા,
લખ્યા એના જુદા જુદા લેખ,
એક ની બની રે પ્રભુજીની મૂરતી,
બીજો કાંઇ ધોબીડાને ઘાટ… કર્મનો સંગાથી.
એક રે વેલાના દો દો તુંબડા,
કે લખ્યા એના જુદા જુદા લેખ,
એક રે તુંબડુ સાધુજીના હાથમાં,
બીજુ કાંઇ રાવળીયાને ઘેર… કર્મનો સંગાથી.
એક રે વાંસની દો દો વાંસળી,
કે લખ્યા એના જુદા જુદા લેખ,
એક રે વાંસળી કાનજી કુંવરની,
બીજી વાગે વાદીડાને ઘેર… કર્મનો સંગાથી.
એક રે માતાના દો દો બેટડા,
લખ્યા એના જુદા જુદા લેખ,
એક રે બેટો ચોરાશી ધૂણી તપે,
બીજો લખચોરાશી માંહ્ય… કર્મનો સંગાથી
રોહીદાસ ચરણે મીરાબાઇ બોલીયા,
કે દેજો અમને સંતચરણે વાસ… કર્મનો સંગાથી.