કંકાવટી/મંડળ ૨/૨૦. ખિલકોડી વહુ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૧૯. સૂરજ પાંદડું વ્રત કંકાવટી
૨૦. ખિલકોડી વહુ.
ઝવેરચંદ મેઘાણી
૨૧. શ્રાવણિયો સોમવાર →ખિલકોડી વહુ


[આ વાર્તા સોમવારના વ્રતને લગતી જણાય છે.]

ક ડોસીમા છે. ડોસીમાએ તો એક ખીલકોડી[૧] પાળી છે. ખીલકોડીને તો ડોસી નવરાવે ધોવરાવે છે, ખવરાવે પીવરાવે છે, પેટની દીકરી પ્રમાણે પાળે છે.

ઝાડવાની ડાળે ઝોળી બાંધીને ડોસી તો ખીલકોડીને હીંચકા નાખતી નાખતી હાલાંવાલાં ગાય છે કે :


હાથના લેશું હજાર
પગના લેશું પાંચસેં
નાકના લેશું નવસેં
તોય મારી ખીલીબાઈને ધરમધોળે દેશું.
સૂઈ જાવ ! ખીલીબાઈ, સૂઈ જાવ !

રોજ રોજ ડોસી તો આમ હાલાંવાલાં ગાય છે. ખીલકોડીને તો મીઠી મીઠી નીંદ આવી જાય છે. ઊઠીને ખીલકોડી તો એક ઝાડેથી બીજે ઝાડે ને બીજે ઝાડેથી ત્રીજા ઝાડે આંટા મારે છે. પાકાં પાકાં વનફળ આરોગે છે. રાત પડે ત્યાં ટપ દઈને ઝાડ માથે ઝોળીમાં પેસી જાય છે.

એક દી તો રાજકુંવર શિકારે નીકળ્યો છે. શિકાર કરતાં કરતાં ભૂલો પડ્યો છે. રાત અંધારી થઈ છે. ને રાજકુંવર તો ડોસીની ઝુંપડીએ આવીને ઉતર્યો છે.

ખીલકોડીને હિચકાવતી હિચકાવતી ડોસી હાલરડાં ગાય છે કે :

હાથના લેશું હજાર
પગના લેશું પાંચસેં
નાકના લેશું નવસેં
તોય મારી ખીલીબાઈને ધરમધોળે દેશું.
સૂઈ જાવ ! ખીલીબાઈ, સૂઈ જાવ !

રાજકુંવરને તો કોત્યક થયું છે. એને તો વિચાર ઉપડ્યો છે કે, આટલા બધા રૂપિયા જેના હાથ-પગનાં મૂલ, એ દીકરી તે કેવીક રૂપાળી હશે ! આભ માયલી અપ્સરા હશે ? પાતાળ માયલી પદમણી હશે ? કેવી હશે ? ને કેવી નહિ હોય ?

ડોસી, ડોસી, તારી દીકરીનું હું માગું નાખું છું. તારી દીકરી મને પરણાવ.

ડોસી કહે કે, અરેરે માડી ! દીકરી કેવી ને પરણવા કેવાં !

ત્યારે તમે હાલાંવાલાં કેનાં ગાવ છો ?

એ તો મારી ખીલકોડીનાં ગાઉં છું. પેટની જણી પ્રમાણે પાળી છે. મારા ઘડપણનો વિસામો છે. આંધળાનું રતન છે. વાંઝણી છું તે ખીલકોડીને રમાડીને મન વાળું છું.

રાજકુમારે તો હઠ લીધી છે કે, મારે તો પરણવું ને પરણવું ! ખીલકોડીનેય પરણવું, જે હોય એને પરણવું; પરણવું ને પરણવું.

બાળારાજા ! બાળાહઠ ! ડોસીએ તો હા પાડી છે. કુલડી ભરીને રૂપિયા માગ્યા છે. રાજકુંવર તો રૂપિયા લેવા ગામમાં ગયા છે.

ડોસીને તો લોભ લાગ્યો છે. એણે તો દોંગાઈ કરી છે. મોટો એક ખાડો ગાળ્યો છે. ખાડા ઉપર કોઠી મેલી છે. કોઠી ઉપર ગોળો મેલ્યો છે, ગોળા ઉપર મોરિયો, ને મોરિયા ઉપર કુલડી મેલી છે. સોંસરવાં સહુને બાંકોરાં પાડ્યા છે.

રાજાનો કુંવર તો રૂપિયા લાવ્યો છે. એ તો કુલડીમાં નાખવા મંડ્યો છે, પણ કુલડી શેય ભરાતી નથી. ખાડો પુરાણો, કોઠી પુરાણી, ગોળો પુરાણો, મોરિયોય પુરાણો, ત્યારે જ કુલડી પુરાણી છે.

ખીલકોડી સાથે ચાર મંગળ વરતીને રાજકુંવર તો ચાલી નીકળ્યો છે. ભેળાં ખીલકોડી રાણીને સંતાડી લીધી છે. ઘેર જાઈને રાજમો'લને સાતમે માળે ખીલકોડીને તો ચડાવી દીધેલ છે.

રાજકુંવર રાણી લાવ્યા ! રાજકુંવર રાણી લાવ્યા, પણ કોઈએ એને દીઠાં નહિ, કેવાં હશે ને કેવાં નહિ ! એવી વાતો ચાલવા લાગી છે.

કુવરની તો ભોજાઈઓએ કહેરાવ્યું છે કે દેવરજી ! દેવરજી ! દેરાણીને પગે પડવા તો મેલો ! અમે સહુ એને આશરવાદ દઈએ : ઘેરે ઝટ ઘોડિયાં બંધાય : અખંડ એનું એવાતણ થાય : એવા એવા આશરવાદ દઈએ : કાંઈ વાતું કરીએ, ને ચીતું કરીએ.

રાજકુંવર તો શી રીતે મેલે ? શો ઉત્તર આપે ? ના, નાની વહુને છ મહિનાનાં વ્રત છે, કે માનવીનાં મોઢાં ન જોવાં, પગની પાનીયે ન દેખાડવી. પાંચની નજરે પડવું જ નહિ.

ભોજાઈઓને તો વિસ્મે થઈ છે. દેરાણી કાળી કૂબડી હશે, લૂલી લંગડી હશે. મૂંગી બહેરી હશે ! કેવી હશે ને કેવી નહિ હોય ! એવા વિચાર થયા છે.

ભોજાઈઓએ તો કરામત કરી છે : એમ ઠરાવ્યું છે કે એના ભાગની ડાંગર ખાંડવા બોલાવીએ.

દેવરજી ! દેવરજી ! દેરાણીને ડાંગર ખાંડવા મેલો. એના ભાગની ડાંગર બીજું કોણ ખાંડશે ?

કુંવર તો મૂંઝાણા છે, જઈને એણે તો ખીલકોડી રાણીને પૂછ્યું છે કે શુ કરશું ? મારી તો લાજ જવા બેઠી છે.

ખીલકોડી રાણી કહે છે કે એમાં શું મુંઝાવ છો ? મારા ભાગની ડાંગર આંહીં મંગાવી દ્યો ને ! રૂપાળી હું ખાંડી નાખીશ.

કુંવરને તો કોત્યક થયું છે. અરેરે, આ વનનું જાનવર, ન મળે હાથ ન મળે જોર, કેમ કરીને ડાંગર ખંડશે ?

એણે તો ભોજાઈઓને કહેરાવ્યું છે કે તમારી દેરાણીના ભાગની ડાંગર આહી મોકલો. ખાંડી દેશે.

ડાંગરના તો ઢગલેઢગલા આવ્યા છે. ખીલકોડી બાઈએ તો વનનાં પંખીને બોલાવ્યાં છે. ઝીણીઝીણી ચાંચાળા ચકલાં આવ્યાં છે. પારેવાં આવ્યાં છે. કાબર આવી છે ને હોલા આવ્યા છે. સહુએ અક્કેકો દાણો લઈને ડાંગર ફોલી નાંખી છે. ફોતરાં ને ચોખા બેય આખેઆખા નોખા પાડી દીધા છે. એકેય ચોખો ખંડિત થવા દીધો નથી. રૂપાળા રૂપાળા ફૂલ સરીખા ચોખા ફોલીને એક કોર ઢગલો કરી દીધો છે. કરી પંખીડાં ઊડી ગયાં છે.

રાજકુંવરે તો ચોખા ભોજાઈઓને મોકલ્યા છે. ભોજાઈઓને તો ભાળીને અચરજ થઈ ગઈ છે, એમને થયું છે કેવી આવી અખંડત ડાંગર ખાંડનાર તે કોણ હશે ને કોણ નહિ હોય ?

ભોજાઈઓએ તો ફરી કહેવરાવ્યું છે કે દેવરજી, દેવરજી, દેરાણીને ગાર કરવા મેલો. એના ભાગની ગાર અમે તો નહિ કરીએ.

કુંવર તો વળી ફરી વાર મૂંઝાણો છે, રાણીને તો કેમ કરીને મોકલવાં તે કાંઈ સૂઝતું નથી. સાતમે માળે જઈ ખીલકોડી વહુને તો વાત કરી છે.

વહુ કહે છે કે એમાં તે શી મૂંઝવણ છે ? મારા ભાગની ગાર નાખી મેલાવજો, રાતે જઈને હું ગાર કરી આવીશ.

કુંવરને તો કોત્યક થયું છે. અરેરે, આ નાનું જાનવર શી રીતે ગાર કરશે ?

રાત પડી ત્યાં તો ખીલકોડી રાણીએ મોરલાને, પોપટને અને પારેવાંને બોલાવ્યાં છે. પંખીડાંએ તો વોકળિયું પાડીને પગથી રૂપાળી ગાર કરી દીધી છે. કેમ જાણે કંકુના ચિતરામણ કર્યાં હોય એવી રૂપાળી ભાત્ય પાડી છે. કરી કારવીને પંખીડાં તો પાછાં ચાલ્યાં ગયાં છે.

સવાર પડ્યું ત્યાં ભોજાઈઓ ગાર જોવા આવી છે. રૂપાળી વોકળિયું પાડીને ગાર કરેલી દીઠી છે. એને તો અચરજ થયું છે કે દેરાણીની આગળીઓ તે કેવીક નમણી હશે ! ને કેવીક નહિ હોય ! મરતલોકનાં માનવીથી આવાં ચિતરામણ તો શે થાય ? દેવરિયાના ઘરમાં કોઈ આભની અપ્સરા હશે ? કે પાતાળની પદમણી હશે ?

કુંવર તો ક્યાય આઘોપાછો થાતો નથી. રાણીને રેઢી મેલતો નથી. પણ એક દી તો કુંવરને ગામતરે જાવાનું થયું છે. ગયા વિના આરો નથી, વારો નથી.

અરેરે ! ખીલકોડી રાણીથી એકલાં રહેવાશે કેમ ! એને જે જણશ જોશે તે દેશે કોણ ? વનનું જાનવર, વાચા ન મળે, મો'લમાં કોઈ માણસ ન મળે, વેત જેવડી કાયા, સુંવાળો જીવ ! શું થાશે ?

રાણીજી ! રાણીજી ! ત્રણ દીની અવધ્યે જાઉં છુ. ચોથે દીએ પાછો આવું છું. પાંજરામાં ત્રણ દી પોગે એટલાં વનફળ મેલી જાઉં છું. પાણી ભરી જાઉં છું. વખત છે ને પાણી ખૂટી જાય, તે સારુ તમારી કોટે કટૂડિયું બાંધી જાઉં છું. ફળિયામાં વાવ છે. ત્યાં જઈને પાણી ભરી પીજો.

ખીલકોડીને તો ડોકી હલાવી છે. તગ તગ આંખે કુવરની સામે જોઈ રહી છે. જાણે જુદા પડવું ગમતું નથી. કુવરને ડીલે ચડીને કોટે બાઝી પડે છે. કુંવરને ગાલે ચાટવા માંડી છે. ઘણાં હેત કરીને હેઠી ઊતરી ગઈ છે. આંખમાં પાણી આણીને કુંવર ચાલી નીકળ્યા છે.

એક દી, બે દી ને ત્રણ દી થઈ ગયા છે. કુંવર તો પાછો આવ્યો નથી. ખીલકોડી રાણીના પાંજરામાં પાણી ખૂટી ગયું છે. ગળે કટૂડિયું બાંધ્યું છે, એની સાથે એ તો વાવમાં ગઈ છે. છેલ્લે પગથિયે પહોચી છે. પણ પાણી નીચું ઊતરી ગયું છે. ડોક લંબાવીને કટૂડિયું પાણીમાં બોળે છે. કટૂડિયું બૂડે છે તે સાથે એનું મોઢુંયે ઢોળાઈ જાય છે. પાણી પીવાતું નથી. તરસે ટળવળે છે. ડોકું વારે વારે નમાવે છે. વારે વારે ડબકાં ખાય છે. વારે વારે કટૂડિયું ભરાય છે ને ઠલવાય છે, ભરાય છે ને ઠલવાય છે.

એ ટાણે ઈશ્વર-પારવતી બેય જણ આકાશને માર્ગે નીકળ્યા છે. પારવતીજી નજર પડી છે. પરભુને તો એણે પરાણે ઊભા રાખ્યા છે. બેય જણ રહ્યાં રહ્યાં જુએ છે.

પારવતીજી બોલ્યાં છે કે, અરે માં’રાજ ! આ ખીલકોડીની દશા મેંથી દેખી જાતી નથી. એના તો પશુના અવતાર, અને મરતલોકનાં માણસ સાથે પનારા પડ્યાં. એના દુ:ખનું નિવારણ કરો !

અરે હે પારવતી ! એવાં તો દુ:ખિયા અપરંપાર પડયા છે. એ સહુનું દુ:ખ ટાળવા રોકાશું તો તપ શી રીતે થાશે ? ચાલો, ચાલો, ચાલ્યાં જઈએ.

નહિ મા’રાજ ! થાય તો ય કરો ને ન થાય તો ય કરો, કરો ને કરો ! એને મનખા-દેઈનાં દાન કરો !

અરે સતી ! એવી હઠ તમે કરશો નહિ. એને હું વારેવારે એવું કરીશ નહિ.

ત્યાં તો પારવતીજી માખી થઈને મહાદેવજીની જટામાં સંતાઈ ગયા છે. મા’દેવજી તો પારવતી વિના આકુળ-વેકુળ થઈ ગયા છે. એણે તો વિલાપ કરવા માંડ્યા છે કે, અરે સતી ! તમે ક્યાં ચાલ્યાં ગયાં ? જ્યાં હો ત્યાંથી પાછા આવો. નીકર હું પ્રાણ નહિ રાખું.

જટામાંથી નીકળીને પારવતીજી તો સન્મુખ આવી ઊભાં છે. પ્રભુજીને તો કહ્યું છે, કે જોયું મા’રાજ ! હું ઘડીક વાર વેગળી થઈ તો તમે વિલાપ માંડ્યા, વાદળ ગજાવ્યું, ત્યારે આ ખીલકોડીને તેના સ્વામી વિના કેવી વપત પડતી હશે ! એ બૂડીને મરી જશે તો એનો સ્વામીનાથ શી રીતે જીવ રાખશે ? માટે ખીલકોડીને મનખા-દેઈ અરપણ કરો.

શિવજીને તો વાતનો ઘૂંટડો ઊતર્યો છે, એણે તો ખીલકોડી ઉપર અમીની છાંટ નાંખી છે. ખીલકોડી તો સોળ વરસની સુંદરી થઈ ગઈ છે. રૂપ તો મા’દેવનાં દીધેલાં છે, એટલે ક્યાંય માતાં નથી. વાવના પાણીમાં એની કાન્તિના ઝળેળાટ પથરાઈ ગયા છે.

રાણીને અંગે તો લૂગડાં નથી. નગન ઊભી રહી છે. લાજની મારી મોલમાં પણ જાતી નથી. વાવમાં ને વાવમાં થંભી ગઈ છે. કુંવર ગામતરે ગયો છે. એને તો પેટમાં ધ્રાસકો પડ્યો છે; અરે એને કોણ ખવરાવશે ? કોણ પીવડાવશે ? પાણી છાણી કોણ પાશે ? ફટય રે અભાગિયા જીવ ! તું ઘરબહાર આવીને ઘરની અસ્ત્રીનેય ભૂલી ગયો !

કુંવરે તો ઘોડો દોટાવી મેલ્યો છે. શ્વાસભર્યો પંથ કાપે છે. શેરમાં આવે છે. મોલમાં જાય છે. પાંજરામાં ખીલકોડીને દીઠી નથી. દોડી દોડીને ઓરડે ઓરડે ગોત્યા કરે છે. પણ રાણીને ક્યાંય ભળતો નથી.

અરેરે! પાણી પીવા વાવમાં ગઈ હશે, ને ત્યાં બૂડી તો નહિ ગઈ હોય ! એવું વિચારીને વાવમાં દોડે છે. છેટેથી વાવમાં ઝળેળાટ ભાળે છે. માંહી ડોકાય ત્યાં નગન ડીલે સુંદરી દીઠી !

સુંદરીએ સાદ કર્યો કે, હે સ્વામીનાથ ! વાંસો દઈને ઊભા રે’જો ! તમારી પાંભરી આંહીં ફગાવજો ! પહેરીને હું બહાર આવું.

રાજકુંવરે પાંભરી ફગાવી છે. વાંસો વાળીને ઉભો છે. સુંદરી બહાર આવી છે.

કુંવરને તો એણે બધી વાત કરી છે, બેય જણાં હરખને આંસુડે નાય છે. તે દીથી ઘર-સંસાર માંડે છે.

હે મા’દેવજી ! એને ફળ્યા એવાં સહુને ફળજો !

  1. ખિસકોલી