કંકાવટી/મંડળ ૨/૨૩. ભાઈબીજ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૨૨.તુલસીવ્રત કંકાવટી
૨૩. ભાઈબીજ
ઝવેરચંદ મેઘાણી
૨૪. ધનુર્માસ  →


ભાઈબીજ


ભાઈબીજ એટલે કારતક મહિનાની અજવાળી બીજ.

તે દા'ડે ભાઈ બેનને ઘેર જમવા જાય. સગી બેન ન હોય તો કાકા, મામા કે માસીની દીકરી બેનને ઘેર જમે.

તેય ન હોય તો પાડોશીની દીકરીને બેન માની લ્યે. ને તે પણ ન મળે તો ગાયને કે નદીને બેન કરે. એય ન હોય તો વનરાઈને બેન કરે.

ભાઈબીજને દા'ડે જમનાજીએ પોતાના ભાઈ જમને જમવા તેડ્યા'તા. ભાઈબેને એકબીજાની પૂજા કરી'તી. જમી કરીને જમરાજે કહ્યું'તું કે હે બેન જમના ! હું તને શી ભેટ આપું ?

ત્યારે જમનાજીએ માગ્યું'તું કે હે ભાઈ, હું તારી નાની બેન, આટલું જ માગું છું કે આજનો દિન ભાઈબીજનો દિન કે'વાજો અને આ દા'ડે મારાં નીરમાં નહાનાર માનવીને તારું તેડું ન થજો ! અને, હે ભાઈ, આજ તું મારે ઘેર આવીને જમ્યો, તેમ રાજના બધા કેદીઓને પણ રાજાઓ ભાઈબીજને દા'ડે પોતપોતાની બેનને ઘેર જમવા જવા દેજો !

જમરાજાએ તો બેનને ભાઈબીજનું આ વરદાન દીધું છે; ને ત્યારથી ભાઈબીજનું વ્રત ચાલેલું છે.