લખાણ પર જાઓ

કંકાવટી/મંડળ ૨/૩. મુનિવ્રત

વિકિસ્રોતમાંથી
← ૨. બીજ માવડી કંકાવટી
૩. મુનિવ્રત
ઝવેરચંદ મેઘાણી
૪. ગણાગોર →


મુનિવ્રત

વ્રત કરનારી આખો દિવસ અબોલ રહે. સાંજે આકાશમાં તારા ટમકે, તેને દીઠયે મુનિરત છૂટે. પણ છૂટે ક્યારે ? કવિતા ગાય ત્યારે. ઊગતા તારા જ્યારે દેખાય, ગામમાં દેવદેરાંમાં ઝાલરના ઝણકાર થાય, દેવ-નગારાં ઘોરી ઊઠે છે, ત્યારે કન્યા બોલવા લાગે :

અંટ વાગે
ઘંટ વાગે
ઝાલરનો ઝણકાર વાગે
આકાશે ઊગ્યા તારા
બોલે મુનિવાળા !

કોઈ કોઈ ઠેકાણે વળી આમ બોલાય છે :

ઝાલર ઝણકી
કાંસી રણકી
ઊગ્યા તારા
મુનિ મારા
મુનિયાંનાં વ્રત છૂટ્યાં
બોલો મુનિ રામ રામ.