કચ્છનો કાર્તિકેય/કેટલાક વિઘ્નો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← 'રાઓ'પદવી અને સાધનપ્રાપ્તિ કચ્છનો કાર્તિકેય
કેટલાક વિઘ્નો
વિશનજી ચતુર્ભુજ ઠક્કુર
૧૯૨૨
ભીષણયુદ્ધ અની વિજયલાભ →


એકાદશ પરિચ્છેદ
કેટલાંક વિઘ્નો

રાત્રિના દ્વિતીય પ્રહરનો અર્ધ ભાગ વીતી ચૂક્યો હતો અને મધ્યનિશા થવામાં અર્ધ પ્રહરનો જ અવકાશ હતો. શિબિરની રક્ષામાટે કેટલાક નિયત કરાયલા પ્રહરીઓ વિના અન્ય સર્વ સૈનિકો ખાનપાનના વ્યવસાયથી મુક્ત થઈને નિદ્રાવશ થઈ ગયા હતા અને તેથી સમસ્ત શિબિરમાં શાંતિનું સામ્રાજ્ય વ્યાપી ગયું હતું. ખેંગારજી તથા સાયબજી પોતાના તંબૂમાં અદ્યાપિ જાગતા અને છચ્છર તથા રણમલ્લ સાથે હવે પછીના પોતાના કાર્યક્રમવિષયક વાર્તાલાપ કરતા બેઠા હતા. એવામાં એક પ્રહરીએ આવીને એવા સમાચાર આપ્યા કે: "કચ્છનો શિવજી નામનો કોઈ એક લુહાણો રાજકર્મચારી આવ્યો છે અને કોઈ અગત્યના કાર્યમાટે તે અત્યારે જ રાવ સાહેબ સાથે મુલાકાત કરવા માગે છે, તો દાસને શી આજ્ઞા છે ?" ખેંગારજી તથા સાયબજીને શિવજીનું વિશેષ સ્મરણ નહોતું, પરંતુ છચ્છર બૂટાએ તેનું નામ સાંભળતાં જ તેને તરત ઓળખી લીધો અને તેથી તેને ત્યાં લઈ આવવામાટેની પ્રહરીને આજ્ઞા અપાવી દીધી. શિવજી આવ્યો અને ખેંગારજી તથા સાયબજીને અત્યંત પૂજ્ય ભાવથી નમન કરીને કહેવા લાગ્યો કે:—

"કચ્છ દેશના રાજમુકુટ તથા રાજસિંહાસનના સત્ય ઉત્તરાધિકારી અને અમારા અન્નદાતા યુવરાજશ્રી ખેંગારજી, આપ ઉભય બંધુઓના ભયથી દુષ્ટ જામ રાવળનું હૃદય અદ્યાપિ ભયભીત રહ્યા કરે છે અને તેથી આપના અસ્તિત્વને આ સંસારમાંથી મટાડી નાખવામાટેના તેના ઉધોગો ચાલૂ જ છે. જેણે આપને શોધી કાઢવામાટે ભીંયા કક્કલના નિર્દોષ પુત્રોને નિર્દયતાથી ઘાત કર્યો હતો, તે દુષ્ટ ચામુંડરાજ તથા બીજા ચાર પાંચ સરદારોને જામ રાવળે અહમ્મદાબાદમાં આપની તપાસ કરવામાટે તથા જો આપ ત્યાં હો, તો કોઈ પણ રીતે આપનો ઘાત કરવા અથવા કરાવવામાટે રવાના કર્યા છે અને જો આપ અહમ્મદાબાદમાં હો, તો ગુપ્ત રીતે આપને આ ભેદ જણાવી દેવામાટે હું મારી ઇચ્છાથી જ જામ રાવળની આજ્ઞા લઈને તેમની સાથે આવ્યો છું. ચામુંડરાજ તથા બીજા સરદારો વિલાસી, આળસૂ તથા સુખેચ્છુ હોવાથી માર્ગમાં અમને ધાર્યા કરતાં વધારે કાળ થઈ ગયો અને તેથી અહમ્મદાબાદ પહોંચવામાં સ્વાભાવિક જ વિલંબ થયો છે. આજે પ્રભાતમાં અમો અહીંથી અડધા ગાઉ૫ર આવેલા ગ્રામમાં આવ્યા છીએ અને આવતી કાલે અમારો અહમ્મદાબાદની દિશામાં પ્રયાણ કરવાનો વિચાર હતો; પણ એટલામાં અહમ્મદાબાદમાં આપે દર્શાવેલી અપૂર્વ વીરતા, સુલ્તાનના જીવનની આપના હસ્તથી થયેલી રક્ષા તથા સુલ્તાને આપને આપેલી સહાયતાના સમાચાર અહમ્મદાબાદથી આવેલા કેટલાક ગામડિયાઓના મુખથી અમારા સાંભળવામાં આવ્યા અને આપ સૈન્ય લઇને કચ્છ દેશના અધિકારને જામ રાવળ પાસેથી પાછો લેવામાટે નીકળ્યા છો અને આ સ્થાનમાં છાવણી નાખીને આજની રાત વીતાડવાના છો, એ વાર્તા પણ અહીંના ખેડુતોએ વિયારૂ વખતે અમને જણાવી. આપ આટલા બધા નિકટમાં છો, એ વાર્તા સાંભળતાં જ આપના દર્શનમાટે મારું હૃદય આતુર થઈ રહ્યું અને તેથી ચામુંડરાજને 'મને છાવણીની પરિસ્થિતિને જોઈ આવવાની આજ્ઞા આપો એટલે જો લાગ ફાવે તો રાતે છાવણીમાં ઘુસી જઇને આપણે ખેંગારજી તથા સાયબજીના જીવનને સમાપ્ત કરી નાખીશું;' આ પ્રમાણે સમજાવી હું અત્યારે અહીં આવ્યો છું. એક વાર આ દીન દાસે આપ ઉભય બંધુઓના પ્રાણ બચાવ્યા છે અને આજે મારો એવો વિચાર છે કે દુષ્ટ ચામુંડરાજ તથા બીજા સરદારોને ભોળવીને હું અહીં લઈ આવું અને આપ તેમને યોગ્ય શિક્ષા આપો એટલે આ વિઘ્ન આટલેથી જ ટળી જાય. મહારાજ, અત્યારે આપણા એક સમયના સ્વર્ગતુલ્ય કચ્છ દેશમાં એટલી બધી અરાજકતા વ્યાપી ગઈ છે કે રાજા તથા તેના અધિકારીઓ ધનલોલુપ, વિષયલોલુપ તથા અત્યાચારી હોવાથી પ્રતિદિવસ કેટલીક સધવા સુંદરીઓ વિધવા થાય છે; તેમના વિલાપથી ભૂમિ આર્દ્ર થઈ જાય છે; નિત્ય નવીન સંકટ તથા નવીન દુઃખોની વૃષ્ટિ થતી હોવાથી પ્રજા પોકાર કરીને પરમેશ્વરની કરુણા યાચે છે અને એ સર્વ આક્રોશોનો જે પ્રતિધ્વનિ ગગનતલમાંથી ઉત્પન્ન થાય છે, તેને સાંભળતાં જાણે આપણા દેશ પ્રમાણે આકાશ પણ દુઃખથી વિલાપ કરતો હોયની ! તેવો જ ભાસ થયા કરે છે. પ્રજાની પીડાના એ સમાચાર અખંડ અને અષ્ટૌપ્રહર સાંભળવાથી હૃદય ચીરાઈ જાય છે અને શોકના અતિરેકથી શિરાઓમાંના શોણિતનું અભિસરણ પણ અટકી જાય છે ! કચ્છની પ્રજા આપના વરદ હસ્તથી કચ્છનો ક્યારે ઉદ્ધાર થાય, એની જ આતુર હૃદયથી પ્રતીક્ષા કરી રહી છે. મારો ધર્મ બજાવ્યો છે એટલે હવે શું કરવું અને શું નહિ, એનો નિર્ણય આપ શ્રીમાને જ કરવાનો છે."

શિવજી લુહાણાની આવી અપૂર્વ રાજભક્તિને જોઈને ખેંગારજીના હૃદયમાં અત્યંત પ્રસન્નતાનો આવિર્ભાવ થયો અને તેથી તે શિવજીને અનેકશ: ધન્યવાદ આપતો કહેવા લાગ્યો કે: “શિવજીભાઈ, અમારી આપત્તિની વેળામાં પણ અમારા પ્રતિ તમો આવી સદ્‌ભાવના ધરાવો છો; એક વાર તમોએ અમારા પ્રાણ બચાવ્યા છે અને આજે પણ અમારા સંકટને નિવારવા માટે તૈયાર થયા છો, એ તમારા ઉપકારોમાટે જો અમો તમને ધન્યવાદ ન આપીએ, તો તે અમારી કૃતઘ્નતા જ કહેવાય. અસ્તુ: તમારા એ ઉપકારોનો બદલો યોગ્ય સમય આવતાં તમને અવશ્ય મળશે. અત્યારે તો તમારી ઇચ્છા અનુસાર તે દુષ્ટોને ભોળવીને અહીં લાવો એટલે તેમને તેમનાં દુષ્કૃત્યોની યોગ્ય શિક્ષા અહીં જ મળી જાય. ત્યારપછી તમો અમારી સાથે જ રહેજો અને અમારા સહાયક થજો.”

શિવજી ગામભણી જવાને રવાના થયો અને તેના જવા પછી છાવણીમાં સૈનિકોને સાવધ રહેવાની અને શિત્રજી નામના લુહાણા વિના અન્ય જેટલા અજ્ઞાત મનુષ્યો છાવણીમાં આવે તે સર્વને ચતુર્ભુજ કરીને ખેંગારજી સમક્ષ લઈ આવવાની સૂચના છચ્છરે આપી દીધી. લગભગ ઉષઃકાળમાં સર્વ સૈનિકો તેમ જ ખેંગારજી તથા સારબજી પણ મીઠી ઊંઘમાં પડ્યા હશે એમ ધારીને ચામુંડરાજે શિવજીના અનુમોદનથી પોતાના સાથીઓ સહિત છાવણીમાં પ્રવેશ કર્યો અને જ્યારે તેઓ છાવણીના મધ્યભાગમાં આવ્યા એટલે અચાનક સાવધ રહેલા સૈનિકોએ તેમને પકડી, હાથમાં બેડીઓ પહેરાવીને ખેંગારજી સમક્ષ હાજર કરી દીધા. ચામુંડરાજ તથા તેના બીજા સાથીઓએ કચ્છમાં અનેક પ્રકારના અત્યાચાર તથા માનવહત્યા જેવા દુષ્ટાચાર કરેલા હોવાથી ખેંગારજીની આજ્ઞાથી સૈનિકોએ તત્કાળ તેમનો શિરચ્છેદ કરી નાખ્યો અને શિવજી ખેંગારજી તથા સાયબજીનો એક વિશ્વાસપાત્ર અંગરક્ષક નીમાયો.

પ્રથમ મંજિલમાં જ નરહત્યાકાંડનો આરંભ થયો અને એક ભયાનક વિઘ્ન તો અનાયાસ ટળી ગયું. પ્રભાતમાં સૈન્ય પોતાના માર્ગમાં આગળ વધ્યું અને મંજિલ દર મંજિલ મુકામ કરતી ખેંગારજીની એ સેના સાતમે કે આઠમે દિવસે મોરબીની સીમામાં આવી પહોંચી.

*****

અત્યારનું મોરબી નગર મચ્છુ નદીને તીરે રાજકોટથી ઉત્તરે પાંત્રીસ માઈલપર આવેલું છે અને આપણી નવલકથાના સમયમાં પણ એ જ મોરબી નગર હતું. જૂનું મોરબી ગામ કે જે મોર-મયૂર જેઠવાએ વસાવેલું કહેવાય છે તે મચ્છુ નદીના પૂર્વ તીર પ્રાન્તમાં હાલના મોરબી નગરથી લગભગ અડધો ગાઉ દૂર છે. તે ગામ પ્રથમ મયૂરધ્વજપૂરી અને પછીથી ભીમ્મોર નામથી ઓળખાતું હતું. હાલના નગરનું નામ તેની પાસે મોરબો નામક ડુંગર છે તે ઉપરથી પડ્યું છે, એ ડુંગર આગળ સંગજી જેઠવાએ એક વાઘેલા રાજાને હરાવી પોતાના વિજયની કીર્તિને અવિચળ રાખવામાટે મયૂરધ્વજપુરીની નદીની પેલી મેર હાલનું નગર વસાવ્યું હતું. પછીથી પંદરમા સૈકાની આખર અને સોળમા સૈકાની શરૂઆતમાં લડાઈ બખેડાને લીધે મયુરધ્વજપુરી ઉજ્જડ થઈ ગઈ એટલે મોરબીની વસતી ધીમે ધીમે વધવા લાગી અને ઘણાખરા ધનાઢ્ય વ્યાપારીઓ જુની મયૂરધ્વજપુરીને ત્યાગીને નવા મોરબી નગરમાં આવીને વસવા માંડ્યા. અમદાવાદમાં જે વેળાયે સુલ્તાનોનું રાજ્ય હતું, તે વેળાયે મોરબી ફતેહખાન બલોચનું જાગીરી ગામ હતું; પણ પછીથી તે જૂનાગઢના ઘોરી જાગીરદારોના હાથમાં ગયું હતું અને આપણી કથાના સમયમાં ત્યાંનો જાગીરદાર નવાબખાન ઘોરી હતો કે જેના પર સુલ્તાન બેગડાએ મોરબી ખેંગારજીને સોપવા માટેનો પરવાનો લખી આપ્યો હતો. મોરબી ખેંગારજીને સોપાવવામાં સુલ્તાનનો એ ઉદ્દેશ હતો કે કચ્છમાં પ્રવેશ કરવાના માર્ગનો મોરબી અને તેના તાબાના વવાણિયાથી જ આરંભ થયો હતો એટલે જો ત્યાં ખેંગારજીની સત્તા હોય, તો ત્યાંથી ખેંગારજી જામ રાવળને પૂરતો ત્રાસ આપી શકે, એ સ્વાભાવિક જ હતું.

પરંતુ મોરબી તત્કાળ ખેંગારજીના હાથમાં આવ્યું નહિ; કારણ કે, નવ્વાબખાન ઘોરી બહુ જ અભિમાની અને મદોન્મત્ત તેમ જ બલાઢ્ય જાગીરદાર હોવાથી તેણે સુલ્તાનના પરવાનાનો સ્પષ્ટ શબ્દોમાં અસ્વીકાર કર્યો અને તેથી મોરબીમાં જ યુદ્ધના મંગલાચરણનો પ્રસંગ કદાચિત્ ઉપસ્થિત થશે, એવો સ્પષ્ટ રંગ દેખાવા લાગ્યો. નવાબખાનને એવો સંદેશો મોકલવામાં આવ્યો કે: “જો સુલ્તાન સલામતના ફર્માનને માન આપીને આજથી ચાર દિવસમાં તમો મોરબી અમારા હાથમાં નહિ સોપો, તો પાંચમે દિવસે તમારા પર ચઢાઈ કરીને મોરબીનો અધિકાર બળાત્કારે તમારી પાસેથી લેવામાં આવશે.” પરંતુ નવ્વાબખાન બેપરવા જ રહ્યો અને યુદ્ધની તૈયારીઓ ચાલવા લાગી. હજી યુદ્ધનો આરંભ થયો નહોતો એટલામાં એક તરફથી સુલ્તાન બેગડાની ખેંગારજીને મળેલી સહાયતાની વાર્તા કચ્છમાં પહોંચી ગયેલી હોવાથી જામ હમીરજીના પક્ષના જે મનુષ્યોને જામ રાવળે રંજાડ્યા હતા, તે સર્વ મનુષ્યો હોથી નોધણજીની સરદારી તળે મોરબી મુકામે ખેંગારજીને આવી મળ્યા અને બીજી તરફથી મોરબીના ઘોરીઓની વિનાશકાળે વિપરીત બુદ્ધિ થવાથી એક ઘોરીએ પોતાના કામદાર સારસ્વત જાતિના કાળા જોશીની ગાયને મારી નાખી એટલે તે જોશીનો ભાણેજ રૂધો જોશી રાવશ્રી ખેંગારજીનો શુભેચ્છક અને મળતિયો હોવાથી તેણે કાળાને એટલે કે પોતાના મામાને ઊંધું ચતું સમજાવીને મોરબીના દરવાજા ઊઘડાવી દીધા. મોરબીના દરવાજા ઉઘડતાં જ ખેંગારજીએ મોરબીમાં પ્રવેશ કરી નવ્વાબખાન ઘોરીને મારી નાખીને મોરબીપર પોતાનો કબ્જો કરી લીધો. એ બીજા વિઘ્નનું પણ અલ્પ પરિશ્રમથી નિવારણ થઈ ગયું. મોરબીમાં અલૈયાજી પણ ખેંગારજીને પોતાથી અપાય તેટલી બીજી સહાયતા આપવાના ઉદ્દેશથી આવી મળ્યો.

*  *  *  *  * 
મોરબીમાં સ્થિર થયા પછી ખેંગારજીના મનમાં એવો વિચાર થવા લાગ્યો કે: “મોરબીમાં રહીને કચ્છમાં જામ રાવળ સામે લઢવા જવું, એ અત્યંત કઠિન કાર્ય છે; કારણ કે, એક તો અંતર અધિક છે અને વળી વચ્ચે રણ પડે છે એટલે ચોમાસામાં તો બહુધા કચ્છમાં જઈ જ ન શકાય અને જવાય, તો ૫ણ બહુ દુ:ખ વેઠવાં પડે; એટલામાટે જો સાપરમાં થાણું રાખવાની સગવડ થઈ જાય, તો વધારે સારુ.” આવા વિચારથી ખેંગારજીએ પોતાના ઓરમાન ભાઈ અલૈયાજીને તથા હોથી નોંધણજીને સાપરના દેદાવંશના અબડા જામ પાસે શિષ્ટતામાટે મોકલ્યા. અબડા જામે તેમની વાર્તાને સાંભળી લઈને કહ્યું કે:“આજની રાત તમો અહીં રહી જાઓ એટલે હું વિચાર કરીને આવતી કાલે આનો જવાબ આપીશ.” તેઓ તેના વચનમાં વિશ્વાસ રાખીને તેના અતિથિ તરીકે ત્યાં રહ્યા; પરંતુ અબડો જામ જામ રાવળનો મિત્ર તથા પક્ષપાતી હેવાથી રાતે જ પોતાના વચનમાં વિશ્વાસ રાખી અતિથિ તરીકે પોતાના ઘરમાં રહેલા અલૈયાજીનો તે ચાંડાલે વિશ્વાસઘાતકતાથી ઘાત કરાવી નાખ્યો. અબડાની આ વિશ્વાસઘાતકવાના અને અલૈયાજીના ઘાતના સમાચાર હોથી નોધણજીએ મોરબીમાં આવીને ખેંગારજીને સંભળાવતાં જ ખેંગારજીનો ક્રોધ અનિવાર્ય થયો અને તે એક પળ માત્રનો પણ વિલંબ ન કરતાં સૈન્ય સહિત સાપર૫ર ચઢી ગયો. અબડા જામમાં ખેંગારજી સાથે યુદ્ધના ક્ષેત્રમાં સામી છાતીએ લઢવાની કે ટક્કર ઝીલવાની લેશ માત્ર પણ શક્તિ ન હોવાથી તે પોતાના મુખમાં તૃણ લઈને ખેંગારજી સમક્ષ આવ્યો અને અપરાધની ક્ષમા માગતો તેનાં ચરણોમાં નમી પડ્યો. શુદ્ધ ક્ષત્રિયો શરણાગતનો સંહાર કદાપિ નથી કરતા, એવો પરાપૂર્વને નિયમ હોવાથી ખેંગારજીએ ઉદારતાથી અબડાને તેના ઘોર અપરાધની ક્ષમા આપી દીધી અને તેની સાથે એવો ઠરાવ થયો કે ખેંગારજીએ સાપરમાં રહીને રાવળનાં ગામો મારવાં


રોગી સ્ત્રીઓનું અમૃત.
એમ્બ્રોશીયા

એમ્બ્રોશીયા સ્ત્રીઓની વ્યાધિ દુર કરવા માટે નવાઈ જેવી દવા છે.

સ્ત્રીઓની પ્રકૃતિ ગર્ભાશયના બીગાડથી બગડે છે. તેથી પેડુમાં દુખાવો રહે છે. રૂતુ નિયમિત આવતું નહોવાથી અગર તો ઓછું વધારે આવવાથી શરીરમાં રોગ થાય છે. તેના માટે એમ્બ્રોશીયા ફત્તેહમંદ અને તુરત ફાયદો આપે તેવી દવા છે.

ઘણી વખત સ્ત્રીઓ બેકાળજીથી શરીર બગાડે છે અને તેથી રોગ ઘર કરે છે. શરૂમાં રોગની અસર વધુ જણાતી નથી પણ જ્યારે તે જોરપર આવે છે ત્યારે જીવન શક્તિ ક્ષીણ થાય છે. બેચેની રહે છે. હાથ પગમાં દર્દ થાય છે. જીર્ણ જ્વર, ઉધરસ, દમ, ક્ષય, હીસ્ટીરીઆ એવાં દર્દો થઈ શરીર તદ્દન અશકત થઈ જાય છે.

આવાં દર્દો સુધારવા માટે એમ્બ્રોશીયા દવાનો ઉપયોગ ઘણોજ અકસીર થઈ પડે છે. ડોક્ટરો વાપરવા ભલામણ કરે છે.

ઉત્તમ, નિરોગી સંતાનનો ખરો આધાર માતાની તંદુરસ્તીપર રહે છે. ખાસ કરીને સ્ત્રીઓએ નિરોગી રહેવા માટે ખાત્રીવાળી નિર્ભય એમ્બ્રોશીયા દવાનો ઉપયોગ કરવો જોઈએ.

કીંમત બાટલી ૧ ના રૂ. ૨),
 

વધુ માટે લખો- સોલ એજંટસ

વીરીયલ એજન્સી.
પ્રિન્સેસ સ્ટ્રીટ મુંબઈ ૨.
 

દવા મંગાવનારને ઇટોનીઆ સેન્ટનું સુગંધી કાર્ડ મોકલવામાં આવશે.

અને તેથી જે કાંઈ પણ પ્રાપ્ત થાય, તેનો એક ચતુર્થાંશ અબડાને આપી અલૈયાજીના વધના વૈરભાવને વિસારી મૂકવો.

ખેંગારજીએ તો અબડાને તેના ભયાનક અપરાધની ક્ષમા આપવામાં પોતાની ઉદારતાનો અલૌકિક પરિચય કરાવ્યો; પરંતુ હોથી નોંધણજી કે જે અબડા જામની માસીનો દીકરો ભાઈ થયો હતો તેના હૃદયમાં અબડાની તે વિશ્વાસઘાતકતા દિવસ અને રાત ખટક્યા કરતી હતી એટલે તેણે એક દિવસ અવસર સાધીને અબડાની હત્યા કરી નાખી. આ બનાવ બનવાથી સાપર અને સાપર પ્રગણાને ખાલ્સા કરીને ખેંગારજી સાપરના સિંહાસને આરૂઢ થયા અને એ પ્રસંગના સ્મરણને અવિચલ રાખવામાટે સાપરનું નામ બદલીને રાપર કરવામાં આવ્યું. આ રાજ્યાભિષેકના પ્રસંગે સેંસે સિંધલે ખેંગારજીના મસ્તકપર ઢાલનું છત્ર ધર્યું હતું અને મોકળસિંહ પખેજીએ કાળા ધાબળાનું નજરાણું કર્યું હતું. આવી રીતે કચ્છના એક ભાગમાં ખેંગારજીની રાજસત્તાનો આરંભ થઈ ચૂક્યો અને તે તેમની ભાવિસત્તાનું પૂર્વ ચિન્હ હતું, એમ કોઈ પણ કહી શકે તેમ છે.

સાપર મેળવતાં ઐલયાજીના પ્રાણનો ભોગ આપ્યો, એ વિઘ્ન કાંઇ જેવું તેવું નહોતું, પરંતુ રાજ્ય મેળવતાં મરણની ભીતિ તો આરંભમાં જ હોય છે, એ તત્વના વિચારથી હૃદયને શાંત કરીને ખેંગારજી તથા સાયબજી પોતાના વ્યવસાયમાં આગળ વધતા રહ્યા અને જામ રાવળને ત્રાસ આપવાનો તેમણે ભીષણતાથી આરંભ કરી દીધા.

કચ્છમાં તે વેળાયે જાગીરદારીની પદ્ધતિ અધિક પરિમાણમાં હોવાથી જૂદા જુદા ઘણા જાગીરદારો હતા અને તેઓ કચ્છના જામ સાહેબને અમુક ભોગ અથવા ખંડણી આપીને પોતપોતાની જાગીરનાં ગ્રામોમાં પોતાની સ્વતંત્ર સત્તા ચલાવતા હતા. એ જાગીરદારોમાંના કેટલાક જાગીરદાર જામ રાવળના પક્ષના હતા એટલે ખેંગારજીએ પ્રથમ જામ રાવળના પક્ષના તે જાગીરદારોની જાગીરોને તથા જામ રાવળની પોતાની ભૂમિને ધીમે ધીમે એક પછી એક અનુક્રમે આક્રમણ કરીને પોતાના અધિકારમાં લેવા માંડી. એમ કરવામાં તેનો એ ઉદ્દેશ હતો કે, જાગીરદારો પોતાના અને પોતાની જાગીરના બચાવના કાર્યમાં રોકાશે એટલે જામ રાવળને સૈન્યની સહાયતા તથા ધનની સહાયતા આપી શકશે નહિ અને તેથી જામ રાવળ યુદ્ધભૂમિમાં લડવા માટે ભાગ્યે જ આવી શકશે; અર્થાત્ ઘોર યુદ્ધ ન થવાથી અકારણ મનુષ્યહાનિ થતી અટકશે અને ઇષ્ટકાર્યની એટલે કે, કચ્છમાં પોતાની સત્તાના પાયાને દૃઢ કરવાના કાર્યની સિદ્ધિ પણ થતી જશે. સાપર ગ્રામ અને સાપર પ્રગણાનો અધિકાર તો ખેંગારજીના હસ્તમાં આવી ગયો હતો એટલે ત્યારપછી જામ રાવળ સાથે ગાઢ મૈત્રીસંબંધ ધરાવતા જામ ડાડરજી અથવા દાદરજીનાં એક પછી એક સર્વ ગ્રામો ખેંગારજીએ હસ્તગત કરવા માંડ્યાં અને એવી જ રીતે અન્ય ભૂમિ પણ લઈ લીધી. ત્રણ કે ચાર વર્ષના એવા પ્રયત્નથી કચ્છ રાજ્યની લગભગ અર્ધભૂમિ ખેંગારજીની થઈ ગઈ. જામ રાવળ પોતાના રાજ્યની અર્ધભૂમિ જતાં સૂધી ખેંગારજી સાથે યુદ્ધ કરવાને તૈયાર નહોતો થયો તેનું કારણ ઐતિહાસિકો એવું બતાવે છે કે, જ્યારે ખેંગારજીનો આમ વિજય થતો ગયો ત્યારે જામ રાવળે આશાપૂર્ણા માતાની આરાધના કરી હતી અને આશાપૂર્ણા માતાએ તેને એમ કહ્યું હતું કે: "તેં મારા શપથ લેવા છતાં વિશ્વાસઘાત કરીને જામ હમ્મીરજીની હત્યા કરી છે, એટલે હવે આ કચ્છની ભૂમિમાંથી તો તારાં અન્ન અને જળ ઊઠી ગયાં છે; પણ જો તું સામે કાંઠે જઈશ, તો ત્યાં કદાચિત્ તારી ભાગ્યનો ઉદય થશે !" અર્થાત્ માતાના આ વચનથી તેનો એ તો નિશ્ચય થઈ ગયો હતો કે:' હવે મને વિજય મળવાનો નથી !' અને તેથી જ તેણે ખેંગારજી સાથે લડવાનો યત્ન આદર્યો નહોતો. પરંતુ તેને આવી રીતે શાંત રહેલો જોઈને ખેંગારજીનો ઉત્સાહ વધતો ગયો અને તેથી હવે તેણે રાવળની રાજધાનીમાં રમખાણની શરૂઆત કરી દીધી.

ખેંગારજી પોતાના અમુક સૈન્ય સહિત જામ રાવળની રાજધાની બાડાની નજદીકમાં આવી પહોંચ્યો. ત્યાં લલિયા ખવાસની સરદારી તળે પાંચસેં માણસો પાંચસે ઘોડાને ચારતા હતા. તે ચારનાર માણસો પરોઢિયામાં ઝાડે જંગલ ગયા હતા તે વેળાયે રાવ ખેંગારજીએ ધસારો કરીને તે સર્વ અશ્વોને હસ્તગત કરી પોતાના પદસંચારી સૈનિકોને આપી દીધા. આ કારણથી લાલો ખવાસ રાવ સાથે લડવા આવ્યો, પણ ખવાસ સાથે લડવાની પોતાની યોગ્યતા ન હોવાથી રાવે પોતાના મૈયા બારાચ નામક સરદારને તેની સામે લડવા માટે મોકલ્યો અને તેણે લાલાને યુદ્ધમાં ઠાર કરી નાખ્યો. જે સ્થાનમાં મૈયાએ લાલાને ગડથલું ખવરાવ્યું હતું, તે સ્થાનમાં તે ઘટનાના સ્મરણમાટે પછીથી ગુડથલ નામક ગ્રામ વસાવવામાં આવ્યું હતું કે જે અદ્યાપિ કાયમ છે.

દેવીના વચનથી વિજય મળવાની આશા ન હોવા છતાં પણ જ્યારે ખેંગારજીની ધૃષ્ટતા આટલી સીમા પર્યન્ત આવી પહોંચી એટલે જામ રાવળના હૃદયમાં પણ ક્રોધ તથા વૈરનો ભીષણ અગ્નિ પ્રકટી નીક્ળ્યો અને “કદાચિત વિજય ન મળે, તો ચિંતા નહિ; પરંતુ કચ્છને છોડતાં પણ બે હાથ ખેંગારજીને અવશ્ય બતાવવા જોઈએ અને કચ્છનું રાજ્ય તેને મોંઘા મૂલ્યથી આપવું જોઈએ!' એવા વિચારથી તેણે ખેંગારજી સાથેના યુદ્ધમાટેની તૈયારીઓ કરવા માંડી. ખેંગારજીને જ્યારે તેની એ યુદ્ધવિષયક તૈયારીઓના સમાચાર મળ્યા એટલે પોતાના રાજ્યપ્રાપ્તિરૂપ માર્ગમાં આવેલા આ વિઘ્નને નિવારવામાટેની તથા યુદ્ધમાં વિજયને મેળવવામાટેની તેણે પણ યોગ્ય તૈયારીઓ કરવા માંડી.

જામ રાવળ સાથેના આ યુદ્ધમાં ખેંગારજીના ભાગ્યની અંતિમ પરીક્ષા થવાની હોવાથી જે સૈન્યબળનો અત્યાર સુધી તેણે અત્યંત કરકસરથી વ્યય કર્યા હતો, તે સૈન્યબળનો એ યુદ્ધમાં તેટલી જ ઉદારતા અને તેટલા જ મુક્ત હસ્તથી વ્યય કરવાનો તેમ જ રણભૂમિમાં અલૌકિક વીરતાનું દર્શન કરાવીને ભારતવર્ષના ઇતિહાસમાં પોતાના નામને અમર કરવાનો તેણે પોતાના હ્રદયમાં દૃઢ નિશ્ચય કરી લીધો. ઉભય પક્ષ તરફથી નિયત થયેલ યુદ્ધનો દિવસ આવી લાગતાં ઉભયપક્ષીય સૈન્યો આવીને રણાંગણમાં ઉપસ્થિત થયાં અને પોતપોતાના સ્વામીની આજ્ઞાની પ્રતીક્ષા કરવા લાગ્યાં.

-+-+-+-+-