કરણ ઘેલો/પ્રકરણ-૧૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← પ્રકરણ-૧૦ કરણ ઘેલો
પ્રકરણ-૧૧
નંદશંકર મહેતા
૧૮૬૬
પ્રકરણ-૧૨ →


માધવ ઉપર કાયમ રહ્યું એટલું જ નહી, પણ તે પાસે ન હોવાથી તેમાં વધારો થયો. એવી સ્થિતિમાં તે બંને મળ્યાં, અને તેઓનું અસલનું હેત તેટલા જ જોરથી પાછું આવ્યું. માધવે શાસ્ત્રીઓની સભા કીધી, અને બ્રાહ્મણની સ્ત્રીનો રજપૂત સાથે બળાત્કારથી સંસર્ગ થયો તેનો દોષ નિવારણ કરવાનું પ્રાયશ્ચિત્ત તેઓની પાસે શોધી કઢાવ્યું. પછી તે પ્રમાણે સઘળી ક્રિયા રૂપસુંદરી પાસે કરાવી, બ્રાહ્મણોને મન માનતી દક્ષણા આપી, અને લાડુનું ભોજન કરાવી, સઘળા બ્રહ્મદેવને સંતોષ્યા. હવે બીજી કાંઈ હરકત રહી નહી તેથી માધવ તથા રૂપસુંદરીએ પાછો પોતાનો ધણીધણિયાણીને સંબંધ જારી કીધો. એ પાછા મળેલા સુખની યાદગીરીને વાસ્તે માધવે વર્તમાન નગર (વઢવાણ)માં એક વાવ બંધાવી તે હજી તેના નામથી ઓળખાય છે.

ગુજરાત સઘળું એક લડાઈમાં જીતાયું તે સમાચાર પાદશાહને હવે કહેવડાવવાના હતા, પણ એકલી ખબર મોકલ્યાથી અલાઉદ્દીન જેવો પાદશાહ પ્રસન્ન થશે નહી એવું અલફખાંને નક્કી હતું, તેણે ગુજરાતની કાંઈ નવાઈની વસ્તુ મોકલવી જોઈએ, અને બ્હાના દાખલ કેટલોએક તે દેશનો ખજાનો પણ મોકલવો જોઈએ. અલાઉદ્દીનનો સ્વભાવ વિષયી હતો, તે અલફખાંને સારી પેઠે માલમ હતું; માટે કોઈ અતિ રૂપાળી સ્ત્રી પાદશાહને જો નજર કરાય તો તેના જેટલો બીજા કશાથી તેને સંતોષ વળે નહીં એમ તે અનુભવથી જાણતો હતો, કરણ રાજાની પટરાણી કૌળારાણીની ખુબસુરતી આખા ભરતખંડમાં પ્રસિદ્ધ હતી. રૂપમાં તથા બીજી હોશીઆરીમાં તે અનુપમ હતી, તથા તેની કીર્તિ દિલ્હી સુધી ફેલાઈ હતી. એવી કૌળારાણીને દિલ્હીમાં પાદશાહ પાસે મોકલવાને અલફખાને ઠરાવ કીધો, અને તે મતલબસર તેણે તેની સઘળે ઠેકાણે શોધ કરાવી, જ્યારે સઘળી તેની તપાસ વ્યર્થ ગઈ અને જ્યારે તેને બીજી રાણીઓથી ખબર મળી કે કૌળારાણી તો શેહેર મૂકીને જતી રહી, ત્યારે તે ઘણો નિરાશ થયો, અને હવે શું કરવું તે તેને સુઝ્યું નહીં. આટલા મોટા લશ્કરમાંથી તથા બળતા મેહેલમાંથી તે શી રીતે નાસી ગઈ, ને તે ક્યે રસ્તે અને કયાં ગઈ, તેના કાંઈ પણ સમાચાર તેને મળ્યા નહી. પણ તેટલા ઉપરથી અલફખાં હિંમત હાર્યો નહી પણ તે જ્યાં હોય ત્યાંથી તેને પકડી આણવાને તેણે ચોતરફ સવારો મોકલ્યા.

જ્યારે અલફખાં કૌળારાણીની રાહ જોતો હતો તે વખતે તે એકલી ઘોડા ઉપર બેસીને પોતાના બાપના દેશ ઝાલાવાડ તરફના રસ્તા ઉપર ઘણી ઉતાવળથી મુસાફરી કરતી હતી. રૂપ હોવાથી જે દહેશત સ્ત્રી જાતને હોય છે તે કૌળારાણી ઉપર આવી પડી. તે મહા ફિકરમાં પડી, ઘોડો દોડાવતી દોડાવતી આગળ જતી હતી, પણ તેનું રૂપ જણાઈ આવશે એવી તેને ક્ષણે ક્ષણે ધાસ્તી પડતી. વેશ બદલ્યો હતો તે છતાં પણ તેને કોઈની સામું જોવાની હિમ્મત નહીં હતી તે ધોરી રસ્તો મૂકી આડે અવળે ઠેકાણેથી જંગલ, પહાડ, તથા વિકટ રસ્તે જતી હતી, તે કોઈ પણ ગામમાં વાસો કરતી ન હતી; પણ કોઈ જંગલમાં એકાંત સ્થળ જોઈ ત્યાં રસોઈપાણી કરી બપોર ગાળતી, તથા તેવે જ ઠેકાણે રાત્રે વાસો કરતી. જે બાગબગીચામાં રહેતી, જેની આગળ રોજ ફુવારા ઉડી રહેતા, જેને ઠંડક કરવાને ખવાસો રોજ પંખા નાંખ્યા કરતા, જેને શરીરે ચંદન અરગજાનો લેપ થતો, તેને હમણાં ફાગણ મહીનાના બપોરનો સખત તડકો ખમવો પડ્યો, જે હમેશાં સુખપાલમાં બેસીને ફરતી તેને ઘોડાની સખત સ્વારી કરવી પડી. જે સવામણ રૂની તળાઈમાં સુતી, તથા જેને નિદ્રા લાવવાને હજારો ઉપાય કરવા પડતા તેને હમણાં ભોંય ઉપર સુકાં પાતરાં ઉપર, અથવા વખતે ઝાડ ઉપર સુવું પડ્યું, અને ત્યાં તેને રાજપલંગ કરતાં મીઠી ઉંઘ આવતી, જે રોજ પકવાન અને બીજાં મિષ્ટ ભોજન આરોગતી તે હમણાં વનફળ અથવા કાંઈ હલકું પાતળું ખાઈને દેહને આધાર આપતી. જેને જરા પણ કામ કરવું પડતું ન હતું, જેનો હુકમ બજાવવાને સેંકડો ખિદમતગારો રજુ રહેતા તેને હાથે રાંધવું પડતું, તથા બીજું સઘળું કામકાજ કરવાને પોતાની જાત સિવાય બીજું કોઈ ત્યાં ન હતું. કેટલાએક દહાડા સુધી એ પ્રમાણે મુસાફરી કરતાં કરતાં એક મોટા અરણ્યમાં તે જઈ પહોંચી, તે જંગલ ઘણું ઘોર તથા બીહામણું હતું, તેમાં ઝાડો તો એટલાં હતાં કે ખરે બપોરે ત્યાં તડકો આવી શકતો નહી, તથા ઝાડોની ઘટાથી ત્યાં સદા અન્ધકાર રહેતો. આગળ પાછળ નાના મોટા ડુંગરો હતા, તથા તેમાંથી નિર્મળ નદીઓ વહેતી હતી. પવનથી ઝાડનાં પાતરાં હાલતાં તેથી ત્યાં નિરંતર શબ્દ થયા જ કરતો, તેની સાથે જ્યારે રાત પડતી ત્યારે શિયાળવાં મોટે અવાજે રડતાં, વાઘ બરાડા પાડતા, તથા બીજાં જંગલી પશુઓ જુદા જુદા અવાજ કરી રાતને ભયંકર કરી નાંખતાં. એવા જંગલમાં કૌળારાણી ભયભીત થઈ ભટકતી અને દેહેશતને લીધે તેનું શરીર વખતે વખતે થરથર ધ્રુજતું. તેને રાની પશુઓથી એકલો ડર હતો એમ ન હતું. તે ઓળખાઈ આવે, અને તેને પકડીને પાછા પાટણ લઇ જઈ મ્લેચ્છ લોકોના સરદારને કોઇ સ્વાધીન કરે તે પણ દેહેશત તેને હતી; વળી તેને ચોરની તરફથી પણ ઘણી ધાસ્તી હતી. એક તો તેના અંગ ઉપર ઘણાં કિમતી ઘરેણાં છુપાવીને રાખેલાં હતાં તે લઈ જવાની લાલચથી ચોર લોકો તેનો કદાપી જીવ લે; અને બીજું તે સ્ત્રી હતી, અને પુરૂષને વેશ માત્ર લીધેલો હતો, તે વેશ નીકળી ગયા પછી તેની ખરી જાત ઉઘાડી પડી આવે, તથા દુષ્ટ લોકો તેને ઉપદ્રવ કરે, તથા તેની પવિત્ર કાયાને ભ્રષ્ટ કરે એ પણ તેને ઘણી ફિકર હતી. એ પ્રમાણે તેને ચોતરફથી ચિંતા વળગેલી હતી. તો પણ તેણે હિંમત તથા ધૈર્ય રાખી આગળ ચાલ્યાં જ કીધું; તથા રસ્તામાં આવતા કોઈ પણ ગામમાં અટકી નહી. સારા ભાગ્યે તેણે મુસલમાનનો વેશ ધારણ કીધેલો હતો. તે વખતે તે લોકોનો એટલો બધો ત્રાસ પડી ગયલો હતો કે રસ્તામાં કોઈએ તેનું નામ પૂછયું નહીં. એથી ઉલટું તે જ્યાં જ્યાં ગઈ ત્યાં ત્યાં તેને માન પ્રતિષ્ઠા મળતાં ગયાં; તથા તેને જે જોઈતું તે સઘળું તેના ડરથી લોકો તુરત આણી આપતાં. પણ એ પ્રમાણેનું નિરાંતપણું ઘણા દહાડા સુધી કાયમ રહ્યું નહીં. જ્યારે તે જંગલ વટાવાની તૈયારીમાં હતી, અને જ્યારે તેની સઘળી દેહેશત તથા ફિકર ચિંતા મટવા ઉપર આવી હતી, તે વખતે એક દહાડો જળ વજળ દહાડો રહ્યો હતો તેવામાં તેની સામે દશ માણસનું ટોળું આવી ઉભું રહ્યું. અને “ લુગડાં ઉતાર ” એવી રીતે તેને મોટે સાદે કહ્યું, કૌળારાણીના શરીરમાંનું તમામ લોહી પાછું હઠીને અન્તઃકરણમાં જઈ રહ્યું, અને ઘોડા ઉપરથી હમણાં પડી જશે એવો વખત આવ્યો. પણ તેણે તે વખતે રજપૂતાણીનું નામ રાખ્યું. હિમ્મત પકડીને તે ઘણી ધરપતથી બોલી: “હું મુસલમાન સવાર છું. અમારા લોકોએ તમારા કરણ રાજાને હરાવ્યો, તથા કતલ કીધો છે; અમે આખું ગુજરાત તાબે કીધું છે; અને અમે હમણાં સઘળા મુલકના ધણી છીએ, અમારા સરદાર સાહેબે મને ગુજરાત સર કીધાના સમાચાર દિલ્હીના પાદશાહ અલાઉદ્દીન ખિલજીને પહોંચાડવા મોકલ્યો છે. હું પાદશાહી કામ ઉપર જાઉં છું. માટે જે તમે મને ઈહાં રોકશો, મને લુંટશો, બીજી રીતે ઉપદ્રવ કરશો, અથવા મારો જાન લેશો તો તમારી કમબખ્તી આવી એમ જાણવું. તમે પાદશાહને ઓળખો છો ? તે આખી જહાનનો રાજા છે. જો તમે તેના માણસને છોડશો તો તમે આકાશ, પૃથ્વી કે પાતાળ ગમે ત્યાં હશો તોપણ ત્યાંથી તે તમને શોધી કાઢશે; તમારાં ઘરબાર બાળી મૂકશે, તમારાં બઈરી છોકરાંને કાપી નાંખશે; અને તમને પણ રીબી રીબીને મારી નાંખશે. માટે દૂર રહો, અને મને તાકીદથી જવા દો, મારી પાછળ બીજા કોઈ આવે તેને ગમે તે કરજો, પણ જો તમને તમારી તથા તમારાં વહાલાંઓની જીન્દગી પ્યારી હોય તો મને છેડશો માં.” આ ધમકીથી ચોરના મન ઉપર જરા પણ અસર થઈ નહી કૌળારાણીના આ ધર૫તના શબ્દ પવનમાં ઉડી ગયા, અને તેથી દેહેશત ખાવાને બદલે આ રાનના પુત્રો ખડખડ હસી પડ્યા. તેઓમાંથી એક આગળ આવી બોલ્યો, “અમારા મનને હિન્દુ અને મુસલમાન, પાદશાહનો માણસ કે ગામનો રાવણીઓ, એ સઘળા સરખા છે. અમે કાંઇ માણસને જોતા નથી, પણ તેની પાસે જે હોય છે તે ઉપર ધ્યાન આપીએ છીએ. તમારા પાદશાહને અમે એાળખતા નથી, અને ઓળખવો પણ નથી. તે અલુદીન ખીચડી કે અલુદીન ઘી ગમે તે હોય તેની અમને શી ચિન્તા છે; અને તે અમને મારી નાંખશે તેની અમને કાંઈ ફિકર નથી, અમે મોતની પડોશમાં રહીએ છીએ, અમે તો મોતની સાથે હળી ગયલા છીએ; મોત તો અમારો સોબતી છે, તેથી અમે તેનાથી જરા પણ ડરતા નથી. તારા પાદશાહથી અને બીજા કોઇથી મોત કરતાં બીજું શું વધારે થઈ શકવાનું છે, માટે ઉતાર લુગડાં, નહી તો બળાત્કારે લઈ લઈશું.” હજી કૌળારાણીએ લુગડાં ઉતારવાની આનાકાની કીધી તેથી તે ચોરને ગુસ્સો ચઢ્યો અને તેઓએ પાસે આવીને તેને ઘોડા ઉપરથી પાડી નાંખી, અને તેનાં લુગડાં કાઢવા માંડ્યાં. ઉપરનું વસ્ત્ર ખસેડતાં મોતી તથા હીરાના હાર જોઇને ચોરોને ઘણું આશ્ચર્ય લાગ્યું, પણ તેવામાં તેનામાં જ્યારે સ્ત્રીનાં લક્ષણ તે ભીલ લોકોએ જોયાં ત્યારે તેઓ એવા તો વિસ્મિત થયા કે ત્યાં હવે શું કરવું તેનો વિચાર કરતા જ ઉભા રહ્યા. કૌળારાણી બેશુદ્ધ થવા જેવી થઇ ગઇ અને અકળામણમાં તે બોલી ઉઠી: “ શિવ શિવા શિવ ! રે ભગવાન ! આ શી અવસ્થામાં આવી પડી છું ! હું કોણ અને આ ભીલ લોકો કોણ ! કોઈ વખત ઉપર તેઓ મારી સામું પણ જોઇ શકતા ન હતા, અને આજે તેઓ મારું આટલું અપમાન કરે છે. અરે મારા ભર્તાર ! અરે કરણ રાજા ! તું શા માટે જ્યાં હોય ત્યાંથી આવીને તારી પરમ પ્રિય સ્ત્રીનું રક્ષણ કરતો નથી ? અરે યમરાજા ! જો મારો ધણી તારી હદમાં હોય તો તેને ત્યાંથી જલદીથી મોકલી દે કે તેની પટરાણીને આ વખતે તેની તલવારના જોરથી આ દુષ્ટ ચોરોના હાથથી મૂકાવે.”કૌળારાણીના આ શબ્દ સાંભળીને ભીલ લોકો ત્રાસ પામ્યા, અને તેઓના મનમાં ખાતરી થઈ કે એ કરણ રાજાની રાણી હશે, તેના દરજ્જા ઉપરથી તથા તેના શરીર ઉપર જે ઘણાં મૂલ્યવાન ઘરેણાં હતાં તે ઉપરથી, જો તેઓના નાયકને ખબર કીધા વિના તેને લુંટી લે, અને સઘળો માલ પોતે રાખે તો નાયક ઘણો કોપાયમાન થાય, અને કાયદો તોડવાની તેઓને ભારે શિક્ષા થાય, એ વિચારથી તેઓએ તેને નાયક પાસે લઈ જવાનો ઠરાવ કીધો. પણ તેઓમાંથી એક જે બીજા કરતાં વધારે લોભી હતો તેને એ વાત ગમી નહી. નાયક પાસે લઈ જઈશું તો તે સઘળું લઈ લેશે, અને તેઓને તેમાંથી ઘણું થોડું મળશે એ વિચારથી તેણે તેના સોબતીઓને કહ્યું –“શું જોયા કરો છો ? તેનું માથું કાપી નાંખો, સઘળાં લુગડાં ઘરેણાં ઉતારી લો; અને તેના મડદાને કોઈ ઠેકાણે ફેંકી દો, નાયક પાસે લઈ જવામાં આપણને શો ફાયદો છે?” બીજા ભીલ લોકોનો અભિપ્રાય તેના જેવો ન હતો. એક સ્ત્રી અને તે વળી આવી મોટી રાણી તેને નકામી મારી નાંખતાં તેઓનું દીલ ચાલ્યું નહી. વળી ઘરેણાં એટલી બધી કિમ્મતનાં હતાં કે વેચવા જવાથી પકડાઈ જવાય, અથવા એ વાત છાની રહે નહીં, એવી તેઓની ખાતરી હતી, માટે તેઓએ તેઓના સોબતીની વાત કાને ધરી નહીં. તેઓ કૌળારાણીને માનપૂર્વક ઉંચકી ઘોડા ઉપર બેસાડી પાસેના ગામમાં તેઓના નાયકના ઘરમાં લઈ ગયા.

નાયક એક ઝુંપડામાં એક ખાટલા ઉપર બેઠેલો હતો. તેની ઉમર ત્રીશ અને ચાળીશની વચ્ચે હતી, પણ તેનો ધંધો ભટકવાનો, તથા જોર વધારે એવો હોવાથી તે પચીશ ત્રીશ વર્ષની વચ્ચેની ઉમરનો હોય એવડો દેખાતો હતો. નાયકને રામ રામ કરી સઘળા ચેારોએ કૌળારાણીની પેહેલેથી તે છેલ્લે સુધી તમામ હકીકત કહી, અને તેને સ્વાધીન કીધી. નાયકે ચોરોને ઘણી શાબાશી આપી, અને થોડા દહાડા પછી તેઓને ભાગ આપવાની કબુલાત આપીને તેઓ સઘળાએાને વદાય કીધા.

જ્યારે નાયક એકલો રહ્યો ત્યારે તેણે કૌળારાણીની તરફ જોયાં કીધું. તેના મનમાં અનેક વિકારો થવા લાગ્યા અને તેની સાથે લગ્નથી જોડાઇ તેને સુખી કરવા તે કૌળારાણીને સમજાવવા લાગ્યો. કૌળાદેવી બીચારી નિરાધાર હતી. તે વખતે તેની વહારે ધાય એવું કોઈ નહોતું તેથી તે કાંઈ પણ બોલ્યા વિના ઉભી રહી. રાત પડી અને નાયક રોજ કરતાં કાંઈક વધારે અફીણ ખાઈ સુતો તે જોઈ કૌળાદેવી ઉઠી અને જગદંબાની સ્તુતિ કરી પોતાની પાસે ખંજર સંતાડી રાખ્યું હતું તેવડે તે નાયકને કારી જખમ મારી તેને પળવારમાં યમ શરણ મોકલી દીધો. પછી પોતે નાયકનાં લુગડાં પેહેરી વાડામાં ગઈ. ત્યાં તેના ઘેાડામાંથી એક સારો જલદ ઘોડો પસંદ કરી તે ઉપર સ્વાર થઈ રાત્રે ને રાત્રે આગળ ચાલી. નાયક જાણીને તેને કોઈએ હરકત કીધી નહી, અને સવારે જ્યારે નાયકના ઘરનાં માણસોને તેના મોતની ખબર પડી, અને ત્યાર પછી તે ખબર આખા ગામમાં પથરાઈ, અને ગામના કેટલાએક લોકો કૌળારાણીને પકડવાને નીકળ્યા, ત્યારે તે ઘણે આઘે ચાલી ગઈ હતી. કૌળારાણીને ખાતરી હતી કે સવારે ગામના લોકો તેની પાછળ લાગશે, અને જો તે આગળ ચાલ્યાં કરશે તો કોઈ દહાડો પણ તે પકડાઈ જશે. એ દેહેશતથી એક ગામ આવ્યું ત્યાંના રાજા પાસે થોડા દહાડા સુધી રહેવાનો તેણે ઠરાવ કીધો. રાજાની આગળ તેણે પોતાની સઘળી હકીકત કહી, અને તે સાંભળીને તેને એટલી તો દયા આવી કે પોતાને માથે ભારે જોખમ ખમીને તેને રાખવાનું તેણે કબુલ કીધું, સંકટમાં આવી પડેલા માણસોને સહાયતા ન કરવી એમ કેમ થાય ? તેમાં વળી આશ્રય માગનાર સ્ત્રી એટલે ના કહેવી એ તો મુશ્કેલ જ.

જ્યારે કૌળારાણી તે ગામમાં શત્રુના ભયથી બચી, તે વખતે ભીલના નાયકના માણસો ઘોડા ઉપર બેસીને તેને પકડવાને આવતા હતા. એ ભીલ લોકોને, અલફખાંએ પણ તે જ કામને માટે મોકલેલા સવારો મળ્યા. તે બંને ટોળાનાં માણસોએ માંહેમાંહે વાતચિત કરવા માંડી તે ઉપરથી મુસલમાન સવારોની ખાતરી થઈ કે જે રાણીને તેઓ શોધે છે તે જ નાયકને મારનાર છે. એ સઘળા તે ગામ તરફ ચાલ્યા, પણ રસ્તામાં તેઓ બન્નેની વચ્ચે મોટી તકરાર થઈ. જો કૌળારાણી પકડાય તો તેને પોતાના ગામમાં લઈ જવી, અને નાયકનાં બઈરાંછોકરાંની સમક્ષ તેનો રીબીરીબીને પ્રાણ લેવો એવો તે ભીલોનો મનસુબો હતો. મુસલમાન સવારોને એવો હુકમ મળેલો હતો કે તેને જીવતી પકડીને અલફખાંની રૂબરૂ રજુ કરવી. હવે એ બે વાત શી રીતે બને? માટે તેઓ માંહેમાંહે તકરાર ઉપરથી ગાળાગાળી ઉપર આવ્યા, અને તેમ કરતાં મારામારી ઉપર વાત આવી ગઇ. બંને તરફના કેટલાક માણસો કપાઇ ગયા, અને જો બંને તરફ બે વૃદ્ધ માણસો વચ્ચે પડ્યા ન હોત તે તેઓ સઘળા ત્યાં અનંતકાળ પણ વાસ કરત; કૌળારાણી સુખેથી પોતાના બાપ પાસે જઈ પહોંચત; અને અલફખાં ઘણો જ નાઉમેદ થઈ જાત. પણ એમ થવા દેવાની ઈશ્વરની મરજી ન હતી. બે વૃદ્ધ માણસોએ એવું સમાધાન કીધું કે જે લોકો તેને પહેલી પકડે તેઓ તેને લઈ જાય. બંને તરફના માણસોએ એ વાત કબુલ કીધી, પણ મુસલમાન સવારો મનમાં ભીલો ઉપર ઘણાં ખીજવાઈ રહેલા હતા, અને જે કદાપિ રાણી ભીલોના હાથમાં આવશે તો તેઓ તેને લઇ જશે, તેઓની સઘળી મહેનત નિષ્ફળ જશે, તથા અલફખાંને ખુશ કરી પોતાનો ફાયદો કરી લેવાનો આવો પ્રસંગ ફરીથી આવશે નહી, એ સઘળી વાત ઉપર નજર રાખીને તેઓએ ભીલ લોકોને નક્કી કરવાને નિશ્ચય કીધો. પછી એક રાત્રે જ્યારે તેઓ સઘળા સુતેલા હતા, તે વખતે મુસલમાન સવારો સંકેત પ્રમાણે એકદમ ઉઠ્યા, અને સઘળા ભીલ લોકોને કતલ કીધા. એ નિર્દય કામ ઉંઘતાં માણસો ઉપર કીધા પછી તેઓ ગામમાં પેંઠા, અને ત્યાં રાણીની તજવીજ કરવા લાગ્યા. દૈવયોગે એવું બન્યું કે રાજાના હજામને તેઓએ તે બાબદ પુછ્યું. સઘળા દેશોમાં હજામની જીભ ઘણી લાંબી તથા પેટ ઘણું નાનું હોય છે, તે પ્રમાણે તેણે તેઓને કહી દીધું કે ઈહાંના રાજાના મહેલમાં એક બે દહાડા થયાં એક પરેાણો આવેલ છે તેને રાજાજીએ ઘણો સત્કાર કીધેલો છે. સવારોને નક્કી થયું કે એ જ કૌળારાણી હશે તેથી તેઓએ રાજાને તુરત સંદેશો મોકલ્યો કે જે નવો માણસ તેની પાસે આવેલો છે તેને અમારે સ્વાધીન કરવો શરણાગતને શત્રુના હાથમાં આપી દેવો એ સમાન બીજું કાંઈ મોટું પાપ નથી એમ સમજીને, તથા કૌળારાણીએ ઘણા કાલાવાલા કીધા તેથી દયા લાવીને રાજાએ થોડી વાર આનાકાની કીધી, પણ જ્યારે સવાર લોકોના ઉપરીએ ફરી કહેવડાવ્યું કે અમારા કહેવા પ્રમાણે એકદમ કરશો નહી તે આખું પાદશાહી લશ્કર તમારા ગામ ઉપર તુટી પડશે, તમારું સઘળું રાજ્ય ઉજડ કરશે, અને તમને ગાદીએથી ઉઠાડી મુકશે, ત્યારે તે રાજા ભય પામ્યો, અને કૌળારાણીને એ સઘળી વાત સમજાવીને કહી. તેણે તે ગામમાંથી નાસી જવાનો ઠરાવ કીધો. પણ જો તે એ પ્રમાણે કરે તો મુસલમાન લોકોના મનમાં એવું આવે કે તેણે તેને જાણી જોઈને જવા દીધી અને તેઓ તેના ઉપર તેઓનો સઘળો ક્રોધ કાઢે, તેથી તેણે દરવાનોને હુકમ આપ્યો કે જે અજાણ્યો માણસ ગામ બહાર જવાનું કરે તેને પકડી પાદશાહી સવારોના ઉપરિને સ્વાધીન કરવો. તે પ્રમાણે જ્યારે કૌળારાણી તે રાત્રે ગામ બહાર જવાનું કરતી હતી તે વખતે દરવાને તેને પકડીને તે ઉપરિને સોંપી દીધી. તે મરદના વેશમાં બઈરી છે એ જાણવામાં કાંઈ મુશ્કેલી પડી નહી, અને જ્યારે એ પ્રમાણે નક્કી થયું ત્યારે તે કરણ રાજાની નાસી ગયેલી રાણી સિવાય બીજું કોઈ નહીં હોય એમ તેઓની ખાતરી થઈ, પોતાની મહેનત સફળ થઈ, તથા અલફખાં તેઓના ઉપર ઘણો પ્રસન્ન થશે એવી ઉમેદથી તેઓ કૌળારાણીને લઈ ઘણી ઝડપથી પાટણમાં આવી પહોંચ્યા. કૌળારાણી જીવતી હાથ આવી, તથા તેને અલાઉદ્દીન પાદશાહ પાસે મોકલીશ તો તે ઘણો ખુશ થશે એ વિચારથી અલફખાંના મનમાં હર્ષ માયો નહી. કૌળારાણીને બીજે દહાડે રાજમહેલમાં લાવ્યા, અને ત્યાં તેને બીજી રાણીઓ પાસે એળખાવી. તેની ચામડીને રંગ તડકાથી શામળો પડી ગયો હતો, તથા તેણે જે મ્હોંડા ઉપર રંગ લગાડ્યો હતો તેની અસર હજી સુધી કાયમ હતી, તેથી તેની ખુબસુરતી અલફખાંના સાંભળ્યા પ્રમાણે જણાઈ નહી, બીજી રાણીઓના કહેવાથી તેને એક મહિને મહેલમાં રહેવા દીધી; અને એ પ્રમાણે થવાથી તેની મરજી વિરૂદ્ધ તેનું સુંદર રૂપ પાછું આવ્યું. મહીનો વીત્યા પછી અલફખાંએ તેને જ્યારે જોઈ ત્યારે તેનામાં આવો ફેરફાર થયલો જોઈને તે ઘણો જ આશ્ચર્ય પામ્યો, અને તેની અપ્સરા કરતાં પણ વધારે રૂપાળી કાંતિ જોઈને તેનો જીવ ઘણો આકુળવ્યાકુળ થયો, તેની આગળ તે સૌન્દર્યના એક માનવી અવતાર, આરસની એક પુતળી જેવી ઉભી રહી, તેને અલાઉદ્દીન પાદશાહ પાસે મોકલી દેવાનો તેનો મનસુબો છે તે તેને કહી સંભળાવ્યો, અને દિલ્હીમાં જઈ પાદશાહના ઝનાનખાનામાં મુખ્ય રાણીની મિસાલે રહેવા જવાની તૈયારી કરવાને તેણે કહ્યું. કૌળારાણી માઠામાં માઠા સમાચાર સાંભળવાને તૈયાર જ હતી, તેથી આ વાત જાણતાં જરા પણ તે ગભરાઈ નહીં, પણ ડોકું હલાવીને પોતાના ઓરડામાં ચાલી ગઈ, થોડા દહાડા પછી શેહેરમાં એક મોટી ધામધુમની સાથે સવારી નીકળી ત્યારે જ પાટણ શેહેરના લોકોએ જાણ્યું કે ગુજરાતની રાણી, અતિ રૂપાળી કૌળાદેવી, મ્લેચ્છ પાદશાહનો મેહેલ શણગારવા જાય છે. લોકો તે સવારી જોવાને કોઈ બહાર આવ્યા નહી. સઘળા ઘણા મોટા શોકમાં પડ્યા. કૌળારાણીનું અન્તઃકરણ લોકોની પ્રીતિ જોઈને ભરાઈ આવ્યું, અને પોતાની જન્મભૂમિ હવે છોડવાનો વખત આવ્યો, એ દુ:ખથી તેના મન ઉપર એવી તે અસર થઈ કે તે ઘણા જોરથી રડી, અને નીચે પ્રમાણે તેણે વિલાપ કીધો-

લલિત છંદ.
કરણ રાજ ! તું, ક્યાંહ રે ગયો; નગર છોડીને, શીદ રે રહ્યો;
કરમ ફુટિયું, પ્રાણ જાય રે, સુખ સદા ગયું, હાય હાય રે.
તુજ વિના હવે, અન્ન ના ગમે, મન તણી મહા, વેદના દમે;
દરદ તાહરૂં, ના ખમાય રે; સુખ સદા ગયું, હાય હાય રે.
કરમની કથા, જાય ના કથી, દુઃખ સમુદ્રનો, પાર તે નથી;
ફિકર ચિત્તમાં, ના સમાય રે; સુખ સદા ગયું, હાય હાય રે.
કનકદેવલી ? ક્યાંહ રે હશે; રઝળતી મુકી, ક્યાં હવે જશે;
ધીરજ છાતીમાં, ના રખાય રે, સુખ સદા ગયું, હાય હાય રે.
રજપૂતો ! તમે, ન્યાત જાત રે, સકળ સ્નેહિઓ, માત ભ્રાત રે;
વિરહ તે તણો, કેમ થાય રે, સુખ સદા ગયું, હાય હાય રે,
પરમ પ્રિય જે, બાપ તેમણે; કસર ના કિધી, મૂજ કારણે;
વચન મીઠડાં, ના ભુલાય રે, સુખ સદા ગયું, હાય હાય રે.
ગૂર્જર દેશ ! રે, જન્મભૂમિ તું; અવતરી ત્યહાં, પાંપણી જ હું;
અધમ લોકને, હાથ જાઉં રે, સુખ સદા ગયું, હાય હાય રે.
ધરમ મૂકિને, મ્લેચ્છ થાઉં છું; કુળવિચાર સૌ, છોડી જાઉં છું;
તુરકડા વચ્ચે, ના વસાય રે; સુખ સદા ગયું, હાય હાય રે.
ઘરધણી મુઓ, દીકરી ગઈ; નગર છોડિઉં, ભ્રષ્ટ તો થઈ;
અખુટ પાપ તે, ના કપાય રે, સુખ સદા ગયું, હાય હાય રે.
અખિલ વિશ્વમાં, તું જ જે ધણી; અકળ ઈશ જે, છે દયા ઘણી;
તુજ કૃપા થકી, શાંતિ થાય રે, સુખ સદા ગયું, હાય હાય રે.
પ્રકરણ ૧૧ મું.

સૃષ્ટિમાંનાં ઘણાં રમણિય સ્થળો જ્યાં અપ્સરાઓ પણ રમવા આવે, તથા સ્વર્ગવાસીઓને પણ વાસ કરવો ગમે, એવા એક રળિયામણા સ્થળમાં એક કિલ્લો બાંધેલો હતો, અને તેની નીચે એક સુંદર નાનું શહેર વસેલું હતું, એ શેહેરની ચોતરફ ઉંચા ઉંચા પહાડોનો કોટ થઈ રહેલો હતો; અને તેમાંનાં ઘરો વચલા પોલાણમાં ચઢતાં ઉતરતાં ઘણાં જ ખુબસુરત હારબંધ બાંધેલાં હતાં. આ શેહેરનું પહાડોને લીધે પરમેશ્વર તરફથી રક્ષણ થયેલું હતું, તો પણ તેનો વધારે બચાવ કરવા સારૂ તેની આસપાસ ફરતે ઘણા મજબુત પથ્થરનો કોટ હતો, અને તેની સાથે વળી એક ઉંચી ટેકરી જેની નીચે સઘળું શેહેર આવી રહ્યું હતું, તે ઉપર એક કિલ્લો બાંધેલો હતો. એ શહેરનું નામ બાગલાણ હતું, અને તે દેવગઢના રાજા રામદેવના તાબામાં હતું. કિલ્લો ઘણો મજબુત તથા શોભીતો હતા, અને તેમાં રહેવાને સારુ ઘણો વગ હતો, વળી તેની આસપાસની જગા પણ એવી શોભાયમાન હતી કે તેનું યથાસ્થિત વર્ણન કોઈ મોટા કવિની કલ્પનાશક્તિથી પણ થઈ શકે નહી. ચોતરફ ઉંચા ઉંચા પહાડો હતા અને તેઓ સૂર્યોદય અથવા સૂર્યાસ્ત થતી વખતે એવા તો મનોહર લાગતા કે તે જોવાને જેટલો શ્રમ તથા પૈસો ખરચ કરીએ તેટલો સઘળો વળી જાય. તેઓના ઉપર પુષ્કળ ઝાડી હતી, અને સાગ, આંબા વગેરે ઝાડો નાટકશાળાની બેઠકની પેઠે એક ઉપર એક ઉગેલાં હતાં તે જોઈને આંખને આનંદ તથા સંતોષ ઉપજતો હતો, એ ઝાડીઓમાં વાઘ, રીંછ વગેરે રાની પશુઓ નિરંકુશ અમલ ચલાવતાં હતાં, અને તેઓના રાજ્યપદ વિષે તકરાર લેનાર માણસ ત્યાં કવચિત જ આવતું હતું, નાનાં મોટાં પક્ષીઓ ઘણા ભરપૂર નાદથી તે સ્થળને ગજાવી મુકતાં, અને તેઓનાં સુંદર રંગબેરંગી પીંછાનો ઝળકાટ તડકામાં પડતો તે જોઈને ઈશ્વરની લીલાથી મન વિસ્મિત થયા વિના રહેતું જ નહીં. વળી ઠેકાણે ઠેકાણે નાની નાની નદીઓ વહેતી હતી, અને જ્યારે તેઓ ઉંચી જગાએથી ઉતરતી, અને પથરાઓ ઉપર અથડાતી, નાના છોડવા તથા પુલોને છુંદતી, તથા પહાડોના ઘસારાથી કાળા નાના કાંકરાએામાં રમતી આગળ ચાલતી, ત્યારે તેમની સ્થિતિ જોઈને આપણને આપણી બાલ્યાવસ્થા યાદ આવ્યા વિના રેહેતી નહી, બીજી કેટલીએક નદીઓ ઉંચા ટેકરાઓ ઉપરથી નીચે પડતી તેના મોટા ધોધવાથી ગર્જના થઈ રેહેતી, તેના ઉપર ફીણના જે ગોટા આવતા, અને તેના ઉપર જ્યારે સૂર્યનાં કિરણ પડતાં ત્યારે તેઓનું વક્રીભવન થઈને તેઓમાંના સાત જુદા જુદા રંગો છુટા પડીને ઈદ્રના ધનુષ્ય જેવો આકાર ત્યાં થતો તે ઘણો જ આશ્ચર્યકારક લાગતો હતો. એવા ધોધવાઓ નીચે પડીને આગળ વેહેતા, કેટલાએક નીચે પડી ત્યાં એકઠા થઈ રેહેતા, એટલે ત્યાં નીતર્યું કાચ જેવું તળાવ બનતું, અને કેટલીએક નદીએાના જુસ્સાથી જમીન ઘસાઈને ત્યાં મોટી મોટી ખાઈઓ થતી, અને તેમાંથી તેઓ વિજળીને વેગે દોડતી. જ્યારે ચોમાસામાં અષાડ મહિનામાં વાદળાંથી ઘોર ઘટા થઈ રહેતી, તથા વિજળીના ચમકારા અને મેઘગર્જનાના કડાકા થતા ત્યારે તે જગાનો દેખાવ ખરેખરે દબદબા ભરેલો તથા ભયાનક થઈ રેહેતો હતો. વાદળાં તો જાણે આપણા પગ નીચે ગોટા ને ગોટા અથવા ધુમસની પેઠે પથરાયલાં દેખાતાં હતાં, અને તેઓ પીગળીને પાણીનાં ટીપાં થઈ નીચે પડતાં તે આપણને લાગતું જ નહી, વિજળી ઝાડ અથવા ટેકરીઓની ટોચથી ખેંચાઈ આવીને પડતી તે વખતે પથ્થરોના ફાટવાથી તથા ઝાડોના પડવાથી મોટા મોટા અવાજ થતા હતા, વળી ગર્જનાના શબ્દ પણ એક પહાડ ઉપર અથડાઈ બીજા ઉપર પડતા; અને ત્યાંથી અથડાઈ ત્રીજાને લાગતા, અને એવી રીતે થયાથી ગડગડાટના કડાકા ને કડાકા કેટલીએક વાર સુધી પહોંચ્યાં જ કરતા. વરસાદ પણ ત્યાં એટલો બધો વરસતો કે તેનો ખ્યાલ મેદાનમાં વસનારાઓથી થઈ શકે નહી. એ સઘળું પાણી એકઠું થઈ નદીઓમાં વહેતું તેથી તે સઘળાં ઝરણો ભરપૂર થઈ જતાં હતાં. ઉનાળાના સખત તાપથી ઝાડો બળી ગયેલાં હોય, પથ્થરો તપી ગયલા હોય, તથા પહાડો જે ખાવા ધાતા હોય એમ દેખાતા હોય, ત્યાં સઘળે લીલું કુંજાર થઈ રહેતું. ઝાડો ઉપર આકાશમાંથી વૃષ્ટિ રૂપી અમૃત પડતું, તેથી તેઓ સજીવન થઈ, પાછાં પ્રફુલ્લિત થઈ શોભાયમાન દેખાતાં, તથા પાણીનો પુષ્કળ મારો હોવાથી સઘળે થંડક થંડક થઈ રેહેતી, તથા શીતળ વાયુથી અગણિત ફુલેાની સુગંધ ઘસડાઈ આવતી. 'ડુંગરા દૂરથી રળિયામણા' એ જે કેહેવત છે તે તે વખતે ખોટી પડતી. અને તેઓ આઘેના કરતાં પાસેથી વધારે રળિયામણા દેખાતા હતા. એવી જગાએ જે કિલ્લો હતો તેની છેક અંદરના ઓરડામાં બે જણાં બેઠાં બેઠાં વાત કરતાં હતાં.

એ બે જણમાંથી એક પુરૂષ તથા એક સ્ત્રી હતી પુરૂષ હતો તેની ઉમર ચાળીશ વર્ષની લગભગ હતી, પણ તેટલા કાળની અસર સાધારણ માણસના શરીર ઉપર જોવામાં આવે છે તે કરતાં તેની ઉપર વધારે દેખાતી હતી. કોઈ પણ તનદુરસ્ત માણસની જુવાની ચાળીશ વર્ષે જતી રેહેતી નથી, અને કેટલાએક દેશમાં તો તે વખતે માણસ ભરજુવાનીમાં ગણાય છે. પણ તે પુરૂષનાં વર્ષ વધારે ઝડપથી દોડ્યાં હતાં, તથા કાળચકનો ઘસારો તેના ઉપર વધારે થયો હતો. તેનું શરીર પ૦ અથવા પપ વર્ષની ઉમરના માણસના જેવું દેખાતું હતું. ઘણી ચિન્તાથી તેના ગાલ બેસી ગયલા હતા, તથા સર્વાંગે નિમાળા સફેદ થઈ ગયા હતા, તો પણ તેની આંખમાથી જુસ્સો હજી મરી ગયલો ન હતો, અને તેના બંને ડોળા અગરજો ઉંડા પેઠેલા હતા તો પણ તેઓમાં હજી શુરાતનનું તેજ હતું. તેની શિકલ ઉપરથી હજી જણાતું હતું કે તેનામાંથી તેનો અવિચારી હઠીલો સ્વભાવ ગયલો ન હતો. તેને સધળો દેખાવ માન આપવા યોગ્ય હતો, અને તેણે કોઈ વેળા સારા દહાડા જોયા હોય એમ તેને જોતાં જ જણાતું હતું.

એ માણસ કોણ હતો તે વાંચનારાઓએ જાણ્યું તે હશે, તેને છેલ્લી વાર મળ્યાને આજે લાંબાં નવ વર્ષ થયાં હતાં, તો પણ ઉપલા ટુંકા વર્ણનથી તે ઓળખાઈ આવ્યો હશે. તે ઓપણો મિત્ર કરણ વાઘેલો ગુજરાતનો છેલ્લો રજપૂત રાજા હતો, જે દહાડે પાટણની પડોશમાં રજપૂત સૈન્ય કપાઈ ગયું, જે દહાડે મ્લેચ્છ લોકો જય પામી આખા ગુજરાતનું રાજ્ય લઈ બેઠા, જે દહાડે માધવનું વેર તૃપ્ત થયું, અને જે દહાડે ગુજરાતના શૂરા સામંતો અણહિલપુરને છેલ્લા રામરામ કરી ઘોડા દોડાવી મૂકી દેશ છેડી ચાલ્યા ગયા, તે દહાડે કરણ મરણતોલ ઘાયલ થયો, અને તેને ઓળખીને હરપાળ તેને સાંઢણી ઉપર બેસાડીને ગુજરાતની સરહદપાર લઈ જવાને નીકળ્યો, એ સઘળું આપણે કહી ગયા છીએ. જ્યારે કરણ બાગલાણ શેહેર આગળ આવ્યો ત્યારે તે થાકથી તથા ઘાથી એવો અશક્ત થઈ ગયેા હતે કે તેનું આવર્દા પુરૂં થવા આવ્યું છે, એમ જાણી હરપાળે તેને તે શેહેરમાં રાખ્યો, અને તેની એવી અવસ્થાના સમાચાર રામદેવને દેવગઢમાં કેહેવડાવ્યા. નિર્બળને આશ્રય આપવો એ રજપૂતનો તથા તે વખતના રાજાઓનો મુખ્ય ગુણ હતો; અને અગરજો તેને દિલ્હીના પાદશાહને ઘણો ધાક હતો, અને તેને આશ્રય આપ્યાથી અલફખાંને ઘણો ક્રોધ ચઢશે એમ તે નક્કી જાણતો હતો, તો પણ આવી વખતે મહાપાપથી દુર્દશામાં આવી પડેલા, તેના કરતાં સઘળી વાતે શ્રેષ્ઠ, એવા ગુજરાતના રાજાને મરવાને નિરાંતની જગા આપવાની તેનાથી ના કેહેવાઈ નહી. ત્યાં રહેવાની રજા મળી એટલે તેને તે કિલ્લામાં રાખ્યો, અને જે વૈદ્યો મળી આવ્યા તેઓના ઉપચાર કરવામાં આવ્યા, પણ ઘા ઘણા કારી વાગેલા, તથા તેના મનમાં મહાભારત તોફાન ચાલતું, તે સાથે આ સઘળા બનાવથી તેની નિદ્રા અથવા આરામનો પણ નાશ થયો હતો, તેથી અગરજો મોત તો અટક્યું તોપણ પીડા ઘણી જ વાર પોંહોંચી, અને વૈદ્યોના ઉપાય તેના ઘા ઉપર કેટલીએક વાર સુધી તો બિલકુલ ચાલ્યા જ નહીં. જ્યારે તે શરીરની તથા મનની પીડાથી ટળવળતો તથા બરાડાબરાડ પાડતો હતો, જ્યારે તે મહા વ્યથામાંથી છુટવાને સારૂ ક્ષણે ક્ષણે મૃત્યુની પ્રાર્થના કરતો હતો, તે વખતે પરમેશ્વરે તેની સામું જોયું, તેને આટલું કષ્ટ જોઈને પરમ દયાળુ ઈશ્વરને કરૂણા આવી. તેના દુ:ખરૂપી અરણ્યમાં સુખનો પાણીને ઝરે દેખાયો. તેની અવસ્થાના અધિકારમાં શાંતિનું કિરણ પ્રકાશ્યું. તેની દુર્દશાની તપેલી ભોંય ઉપર દિલાસારૂપી ઓસનાં ટીપાં પડ્યાં, અને આફતનો શેતાન તેને ઉપદ્રવ કરતો હતો તેમાંથી તેનું રક્ષણ કરવાને બે ફિરસ્તા જાણે આકાશમાંથી ઉતર્યા.

જ્યારે કૌળારાણીએ મેહેલને આગ લગાડી ત્યારે તેની બે નાની દીકરીઓ કનકદેવી તથા દેવળદેવીને તેણે એક ચાકરને સોંપી પોતાના બાપ પાસે ઝાલાવાડમાં મોકલી હતી. રસ્તામાં તે ચાકરને ખબર મળી કે કરણ રાજા હજી જીવે છે, તથા તે બાગલાણમાં રહેલો છે, તે સાંભળીને તેણે તેનો રસ્તો બદલ્યો, અને તેના મહાભારત દુઃખમાં તેની પુત્રીઓના મેળાપથી તેને જે સુખ થશે તે ઉપર વિચાર કરીને, તથા છોકરીઓ ઉપર માના બાપ કરતાં પોતાના બાપનો વધારે હક્ક છે, એમ જાણીને તેઓને તેની પાસે લઈ જવાને નીકળ્યો. રસ્તામાં ઘણીએક અડચણો ભોગવીને તથા ઘણાંએક સંકટોનું નિવારણ કરીને અંતે તે બાગલાણના કિલ્લા પાસે સહીસલામત પહોંચ્યો, અને કરણ રાજાની બે બાથમાં તેની કુમળી વયની બે દીકરીઓ ભરાઈ. આવી વખતે આવી અવસ્થામાં બાપ તથા દીકરીઓનો મેળાપ થયો તે વખતે તે દુર્ભાગ્ય રાજાને જે બેહદ આનંદ થયો તેનું વર્ણન થઈ શકતું નથી. મોટી છોકરી આઠ વર્ષની હતી, તે ઘરમાં સઘળું સ્ત્રીનું કામકાજ કરતી, અને તેની સંભાળથી તથા તેની ઘરબાબતની સઘળી ગોઠવણથી કરણ રાજાના ઘા ધીમે ધીમે રૂઝાવા લાગ્યા, અને તે કેટલીક વાર પછી બિલકુલ સારો થયો, માણસના સુખને વાસ્તે બઈરાં કેટલાં અગત્યનાં થઈ પડે છે તે જ્યાં તેમની ખોટ પડે ત્યાં જ જાણવામાં આવે છે, તેઓનો ઉપયોગ ઘણા લોકો બરાબર સમજતા નથી, તથા તેઓની કિમ્મત જોઈએ તેટલી તેઓ કરતા નથી, પુરૂષ અને બઈરીના ગુણોમાં પરમેશ્વરે મોટો તફાવત રાખેલો છે. અગરજો કેટલાએક માણસોમાં બઈરાના ગુણો અને કેટલીક સ્ત્રીઓમાં માણસના હોય છે, તો પણ તેઓ સાધારણ નિયમથી ઉલટાં છે. સામાન્ય નિયમ તો એવો છે કે પુરૂષોમાં કામકાજ કરવાના અને એવા બીજા સખત ગુણો હોય છે, અને સ્ત્રીઓમાં સહન કરવાના અને નરમ ગુણો માલમ પડે છે. દયા, મનની કોમળતા, ધૈર્ય, વગેરે બીજાને સુખી કરવાને જરૂરના ગુણો ઘણું કરીને સ્ત્રીવર્ગમાં વધારે હોય છે. એ જ કારણને લીધે તેઓ ઘર ચલાવવાને તથા પોતાના ધણીને સુખ ઉપજાવવાને વધારે લાયક છે. જ્યારે માણસ કોઈ આફતમાં આવી પડે છે ત્યારે તેને બઈરી સિવાય બીજું કોઈ શાંત કરી શકતું નથી. જ્યારે તેના મનમાં જુસ્સો ચઢી જાય છે ત્યારે તેની મનો વૃત્તિઓને નરમ પાડવાને તેને જ ઈશ્વરે સજેલી છે; પણ વિશેષે કરીને જ્યારે તેના ઉપર મંદવાડ આવી પડે છે, જ્યારે તેની એક નાના બાળકની પેઠે બરદાસ્ત લેવી પડે છે, જ્યારે તેનો સ્વભાવ એવો ચીઢિયો થઈ જાય છે કે તેનો બોલ બીજા કોઈ સાંખી શકતા નથી, તે જ વખતે બઈરીનું ખરેખરું કામ પડે છે, તે જ વખતે તેની ખરી કીમત થાય છે, અને તે જ વખતે તેનું દુઃખ મટાડવાને પરમેશ્વરે તેને મેકલી હોય એમ પુરૂષને લાગે છે તેની ચાકરી કરવાની રીતથી જ અર્ધું દરદ ઓછું થાય છે. તેના મધુર શબ્દો રામબાણ ઓસડ જેવા થઈ પડે છે, અને તેના નરમ હાથ શરીર ઉપર ફરે છે એટલે જ ઘણી ઠંડક થાય છે; માણસને તેની જીંદગીના હરેક ભાગમાં સ્ત્રીથી સુખ મળે છે. નાનપણમાં તેને માની ઘણી જ જરૂર હોય છે, બલકે તેના આવર્દાનો આધાર ઘણું કરીને તેની મા અથવા એવી બીજી કોઈ સ્ત્રી હોય છે, મોટપણે તેની પાની વડે તે સંસારરૂપી સાગરમાં વધારે ચેહનથી સફર કરી શકે છે, અને જે કમનસીબથી તેની સ્ત્રી તેના પહેલાં મરણ પામે તો કેટલુંક સ્ત્રીનું કામ તેની છેકરી ચલાવી શકે છે, કરણ રાજાને પણ તે જ પ્રમાણે થયું. કનકદેવીનું સઘળું લક્ષ પોતાના બાપને આરામ કરવા તરફ તથા તેની પીડા જેમ બને તેમ ઓછી કરવા તરફ હતું, અને તેમ કરવા સારૂ તેની ઉમર પ્રમાણે તેનાથી જેટલો બની શક્યો તેટલો તેણે શ્રમ કીધો, અને પરમેશ્વરની કૃપાથી તે સઘળો સફળ થયો. નાની છોકરી જે દેવળદેવી હતી તે તે વખતે માત્ર ચાર વર્ષની હતી, તથા તેનાથી પોતાની બેહેનના જેવું કામ થઈ શકતું નહતું, તો પણ તેના બાળપણના જુદા જુદા ખેલથી, તેમના કાલાકાલા બોલથી, તથા ખરા દીલથી પોતાના બાપને ખુશ કરવાનો તે જે પ્રયત્ન કરતી હતી તેથી કરણ રાજાને અર્ધો આરામ થયો. એ બે છોકરીઓ તેના બાપને ખરેખરાં રત્નો હતાં, અને અગરજો તેણે દુનિયામાં સઘળું ખેાયું હતું તોપણ તે મોટો ખજાનો તેને નસીબે રહી ગયો હતો. તેઓ તેના ઘા ઉપર ઠંડા મલમના જેવી હતી. જેમ ભુખ્યાને અન્ન, જેમ તરસ્યાને પાણી, જેમ દર્દીને ઔષધ, તેમ કરણ રાજાને એ બે છોકરીઓ હતી. જેમ જેમ સઘળી દુનિયાએ તેનો વધારે ત્યાગ કીધો, તેમ તેમ તેઓએ તેને પ્રેમની જાળમાં વધારે સાંકળી લીધો. જ્યારે બીજા લોકો તેને આડી અાંખે જોવા લાગ્યા તે વખતે તેઓ પ્રીતિથી ભરપૂર નેત્રથી તેને નિહાળતી હતી. જ્યારે તેના ખોટા મિત્રો લીલા વનનાં સૂડાની પેઠે ઉડી ગયા ત્યારે ઈશ્વરે તેને શુદ્ધ પ્રેમવાળી પુત્રી મેળવી આપી. અને જ્યારે તેના ચાકરો, સિપાઈઓ, વગેરે કામ કરનારા જતા રહ્યા ત્યારે તેને ભાડુતીએણ નહી પણ ખરા હેતવાળી મદદ કરનાર પુત્રી આવી મળી.

એ પ્રમાણે કરણનું સુખ માત્ર પાંચ વર્ષ સુધી પહોંચ્યું, પરમેશ્વરની ગતિ અકળ છે, તથા તેનાં કામોનાં કારણો શોધી કઢાય એવાં નથી. આટલું બધું સંકટ ભોગવ્યા પછી કરણ રાજાને જે થોડું સુખ મળ્યું તે તેને ઘણી મુદ્દત સુધી અથવા તેના જીવતાં સુધી પહોંચશે એવી આશા રાખવામાં આવે, અને ઈશ્વર મરતાને વધારે મારશે નહી એવી કલ્પના થાય; પણ એ આશા તથા ક૯પના ઘણી વાર ખેાટી પડે છે. માણસ ઉપર જ્યારે દુ:ખ આવી પડે છે ત્યારે ઘણું કરીને સામટું જ આવી પડે છે, અને એ સઘળી આફતોમાં જે માણસ પોતાનું ધૈર્ય છોડતો નથી, તથા પરમેશ્વર ઉપરનો જેનો દૃઢ વિશ્વાસ, જરા પણ ડગતો નથી તે માણસ ખરેખરે ધર્મી, તથા તે જ ખરેખરો ઈશ્વરનો ભક્ત જાણવો, માણસના વિશ્વાસની તથા ભક્તિની એ પ્રમાણે પરમેશ્વર પરીક્ષા લે છે તેમાંથી ઘણા જ થોડા પસાર થાય છે. હમણાં તો કરણ રાજાનો વારો આવ્યો, અને જે વખતે તેનાં આગલાં દુઃખોના ઘા પૂરેપૂરા હુજુ રૂઝાયા નહતા, તથા જે વખતે સુખનો જરા સ્વાદ ચાખવા માંડ્યો હતો, તે વખતે તેને એક બીજો કારી જખમ લાગ્યો. મોતના દૂત તેના એકાંત કિલ્લા ઉપર ઉતર્યા, અને એક ઝપાટો મારી તેની વ્હાલી છોકરી કનકદેવી જે હમણાં તેર વર્ષની થઈ હતી, જે તેનાં સઘળાં સુખનું મૂળ હતું, જે તેની નિર્બળ અવસ્થાનો આધાર હતો તેને ઘસડી ગયા. આ અકસ્માત આવી પડેલા દૈવકોપથી કરણને જે મહાવ્યથા થઈ તેનું વર્ણન કરવાની કાંઈ જરૂર નથી. તે યથાસ્થિત થઈ શકે પણ નહી; ને થાય તો પણ તેથી વાંચનારાઓને સંતા૫ માત્ર ઉપજે, તેથી તે ઉપર પડદો ઢાંકી દઈ બીજાં ચાર વર્ષ કુદી જઇને ઈ૦ સ૦ ૧૩૦૬ ના વર્ષના અષાડ મહીનામાં જે બનાવ બન્યો તેનું વર્ણન કરીએ છીએ.

તે વખતે એવું બન્યું કે બાગલાણથી આશરે દશ કોશ ઉપર એક વાઘ અને વાઘણે રાહ પાડી. તેઓએ આસપાસનાં ગામોનાં ઢોર એટલાં તો મારી નાંખ્યાં, તથા લોકમાં એટલો તો ત્રાસ પાડ્યો કે તેને મારવાને ગામેગામથી લોકો એકઠા થયા; પણ તે એવાં વિક્રાળ, જોરાવર તથા ચપળ હતાં કે તેમને મારવામાં કેટલાએક લોકોના પ્રાણ ગયા તો પણ તેમાંથી એક પણ મુવું નહીં. એ વાઘોની વાત દેવગઢના રાજાને કાને પડી, તેથી તેણે પોતાના બે છોકરા ભીમદેવ તથા શંકળદેવને તેમને મારવાને તથા લોકોને નુકશાન થતું બચાવવાને મોકલ્યા. ભીમદેવની ઉમર આશરે ૨૫ વર્ષની હતી, અને બહાદુરીમાં તે રજપૂતના નામને એબ લગાડે એવો ન હતો, બીજો શંકળદેવ હતો તે રૂપમાં તથા શૂરાતનમાં ઈંદ્રના જેવો હતો, અને તેના ગુણો તથા સ્વભાવ ઉંચી જાતના રજપૂતને શોભા આપે એવા હતા. તે હજુ પરણેલો નહતો, અને તેના ચિત્તને આકર્ષણ કરે એવી કોઈ સુંદરી તેના જોવામાં હજુ આવી ન હતી. તેઓ બંને હાથી ઉપર સવાર થઈ બાણ, ભાલા વગેરે શસ્ત્ર સજી કેટલાંક માણસો સાથે લઇ નીકળ્યા; અને બે દહાડે બાગલાણની પડોસમાં તેઓએ મુકામ કીધો. કરણ રાજાને પણ શિકારનો ઘણો શોખ હતો, તથા એવાં કામોમાં પડ્યાથી તેના દુ:ખમાં થોડી વાર ઘટાડો થશે એમ જાણીને તેઓએ તેને સંદેશો મોકલ્યો, અને પોતાની સાથે આવવાની તેને વિનંતિ કીધી. કરણરાજાએ પણ કાંઈ કામ જડે તો તેમાં પડી કાળ નિર્ગમન કરવાનો ઠરાવ કીધો હતો, તથા જે કામોમાં શૂરાતન દેખાડવાનો પ્રસંગ આવે તે કામો ઉપર તેને ઘણો શોખ હતો, તેથી શિકારમાં જવાને તેણે કબુલ કીધું. તેણે હજુ સુધી દેવળદેવીને વીહીલી મુકી નહતી, તેથી તેને એકલી રાખીને જતાં તેનું મન માન્યું નહીં. તેણે દેવળદેવીને પોતાની સાથે લીધી, અને હથિયાર બાંધીને તે ભીમદેવ તથા શંકળદેવને જઈને મળ્યો. પછી તેઓ સઘળા જે જંગલમાં પેલા વાઘો હતા ત્યાં ગયા; અને એક માંડવો તૈયાર કરાવીને તે ઉપર દેવળદેવી તથા કેટલાંએક માણસોને રાખી કરણ તથા દેવગઢના બે રાજપુત્રો જંગલમાં આગળ ચાલ્યા. ગામના કેટલાએક લોકોએ ઘાડી ઝાડી તથા કોતરો આગળ જઈ મોટા અવાજ કીધા, અને વાઘને ભય પમાડીને બહાર કાઢવાને ઘણીએક તરેહના પ્રયત્નો કીધા. એટલામાં કીકીયારી કરી વાઘ એક છલંગ મારી બહાર નીકળ્યો, અને એક પંજાના સપાટાથી ગામના એક માણસને મરણતોલ કરી ભોંય ઉપર પાડ્યો, એટલે બધા જીવ લઇને નાઠા. તેએામાંથી એકની ગરદન પકડી તેને પણ મારી નીચે પાડ્યો, તે વખતે કરણે એક તીર માર્યું પણ તેની ચપળતાને લીધે જ્યાં તાકીને માર્યું હતું ત્યાં ન વાગતાં તેને પુંછડી આગળ જખમ લાગ્યો. વાઘે ખીજવાઈને દોડ કીધી તે વખતે ત્રણ રજપૂતો સિવાય સઘળા નાસવા લાગ્યા. વાઘે આવી ભીમદેવના હાથી ઉપર તલપ મારી, અને જો તે જ ક્ષણે શંકળદેવે એક તીર મારી વાઘને પાછો પાડ્યો ન હોત તો તે હાથીનો નિશ્ચય કાળ આવત, અને ભીમદેવની શી દશા થાત એ કહેવાય નહીં. પણ શંકળદેવના તીરનો ઘા તેના કલેજામાં વાગ્યો તેથી તે પડ્યો. તે જ વખતે ભીમદેવે નીચે ઉતરીને તેના મ્હોંમાં એક ભાલો માર્યો, તેની સાથે લોહીનો ધોધવો તેના મ્હોંમાંથી નીકળ્યો, અને એક ભયંકર ચીસ પાડી તે જોરાવર વાઘ, તે વનના પશુઓનો રાજા, તે પ્રાણઘાતક પશુ, તે અગણિત હિંસા કરનારૂં જાનવર મુડદું થઈ ચતુપાટ પડ્યું. પણ તેની મરતી વખતની ચીસથી આખું રાન ગાજી રહ્યું, અને તેનો અવાજ એક ભાગમાં તેની માદા પડેલી હતી ત્યાં સંભળાયો. પોતાના સ્વામીનો કોઇએ પ્રાણ લીધો તેનું વેર લેવાને કોધના આવેશથી તેણે છલંગ મારી અને વિજળીને વેગે દોડતી આવી. તેને મારવાને કોઈને વખત મળ્યો નહી, એટલામાં તો તે માંડવા સાથે અથડાઈ, અને તેના ધણીને મારનાર માંડવા ઉપરના માણસો હશે એમ ધારી તેના એક ટેકાને તે વળગી. વાઘમાં જોર અતીશય હોય છે, અગરજો કે તે ઝાડ ઉપર ચઢી શકતો નથી, તોપણ કોઈ નબળા પાતળા ઝાડને તેના ઘણા જ સામર્થ્યવડે તે તોડી પાડી શકે છે. આ વખતે વાઘણે તે માંડવાના એક ટેકાને એટલા જોરથી આચકો માર્યો કે તે આખો માંડવો એક મોટા અવાજ સાથે નીચે કકડી પડ્યો. તે ઉપર જે માણસો હતાં તેઓમાંથી કેટલાંક જીવ લઈને નાઠાં, કેટલાંએકનાં શરીર આટલે ઉંચેથી પડવાથી એવાં તો બેહેર મારી ગયાં કે તેઓથી તુરત ઉઠાયું જ નહી, અને બાકીનાં ભયથી એવાં બેભાન થઈ ગયાં કે તેઓને શું બન્યું તેની કંઈ ખબર રહી નહી. વાઘણે પોતાના પંજાવડે એક બે માણસોને સખત જખમી કીધાં, અને દેવળદેવી બાહોશ જેવી પડી હતી તે ઉપર તલાપ મારવાની તૈયારી કીધી. પણ જ્યારે આ પૃથ્વી ઉપરની અપ્સરા, આ નિર્દોષ છોકરી, આ કરણ રાજાના જીવનો આધાર જીન્દગી અને મોતની હદ ઉપર આવી પડી હતી, બલકે જ્યારે તે મૃત્યુના અગાધ કરાડા ઉપર નિમાળાને આધારે લટકેલી હતી, જ્યારે તેને મદદ કરે એવું કોઈ દેખાતું ન હતું, તે વખતે પાસેની ઝાડીમાંથી એક માણસે આવી તે વાઘણ ઉપર તલવારનો ઘા કીધો, અને જેવી તે પાછી ફરી તેના ઉપર હુમલો કરવાનું કરે છે એટલામાં તેના મ્હોંડાની વકાશમાં તેણે ભાલો એવા જોરથી ખોસી ઘાલ્યો કે તે તેના દાંત પાડી નાંખીને તેના તાળવામાં ભોંકાયો. એ ઘા તેને વાસ્તે બસ હતો. એક મોટી ભયાનક ચીસ પાડી તે તમરી ખાઈ નીચે પડી, અને પડતાંને વાર તેના તલવાર વતી તે માણસે કડકે કડકા કરી નાંખ્યા. જોખમનો વખત તો ગયો; મોતનું વાદળું ઘસડાઈ ગયું; ભરદરિયાના ભારે તોફાનમાંથી વહાણ લગભગ ભાંગી પડતું બચ્યું; તો પણ આવા અચાનક મોતના ભયથી તેને જે આચકો લાગ્યો હતો, તેની અસર જલદીથી જતી રહી નહી. દેવળદેવી કેટલીએક વાર બેશુદ્ધ રહી, અને તેને જાગૃત કરવાને ગમે તેટલા ઉપાય કામે લગાડ્યા તો પણ તેથી કંઈ વળ્યું નહી. કરણ તો પોતાની અતિ વહાલી છોકરીને આવી અવસ્થામાં જોઈને ઘેલા જેવો થઈ ગયો, અને તેનાથી તો તેને શુદ્ધિમાં આણવાને કાંઈ બન્યું નહી. શંકળદેવનું સઘળું તન અને મન એ કામમાં લાગેલું હતું, અને તેની મેહેનત તથા અગણિત યુક્તિઓને લીધે જ તેને પાછી શુદ્ધિ આવી જે વખતે દેવળદેવીએ આંખ ઉઘાડી, ત્યારે તેના પ્રાણ બચાવનાર શંકળદેવ ઉપર તેણે પોતાની નજર માંડી. તેટલી નજર જ શંકળદેવના મનનું હરણ કરવાને બસ હતી. તેની આંખમાં ઉપકાર તથા પ્રીતિ એ બંને એકઠાં મળેલાં હતાં, તેની અસર જલદીથી થઈ ગઈ. ધનવંત્રી તથા લુકમાન હકીમોએ ઔષધનાં જુદાં જુદાં મિશ્રણો કીધાં હશે, તેઓની અસર પણ આવી તત્કાળ થઈ નહીં હોય. એ દૃષ્ટિ પડ્યા પછી શંકળદેવની આખી જીન્દગી જ બદલાઈ ગઈ; તે એક નવો જ માણસ થયો; અને નવા નવા વિકારો તેના મનમાં એક પછી એક આવવા લાગ્યા. તે સઘળાની એકઠી થયલી અસર તેનાથી ખમાઇ નહીં. તેથી તે ગભરાટમાં ત્યાંથી નાસી ગયો અને એક ઝાડને ઓથે બેસી સ્વપ્નવત્ અવસ્થામાં કેટલીએક વાર સુધી પડી રહ્યો.

વાઘ તથા વાઘણ મરાયાં, અને દેવળદેવીના હોશ ઠેકાણે આવ્યા, એટલે ત્યાં વધારે વાર રહેવાનું કાંઈ પ્રયોજન રહ્યું નહી, તેથી તેઓ સઘળાઓએ કુચ કીધી. ગામડાંના લોકો ખુશ થઈને પોતાને ઘેર ગયા. કરણ તથા દેવળદેવી બાગલાણના કિલ્લામાં ગયાં, અને ભીમદેવ તથા શંકળદેવ દેવગઢ તરફ વળ્યા. દેવળદેવીના હૃદયમાં શંકળદેવની અનુપમ મૂર્તિ કોતરાઈ હતી, તે પોતાના પ્રીતમનાં દર્શનને માટે રાત દિવસ ચિન્તાતુર દેખાતી અને તેના વિયોગથી શોકમાં જ નિમગ્ન રહેતી હતી. શ્રાવણ માસના એક ખુશનુમા દિવસે દેવળદેવી પોતાની વાડીમાં શંકળદેવ વિષે જ વિચાર કરતી હતી, એટલામાં વાડીના કોટ ઉપરથી એક માણસે ભુસકો માર્યો હોય એમ લાગ્યું અને દેવળદેવી તે તરફ જોય છે તો તેની સમક્ષ તેના પ્રાણથી પણ અધિક વહાલા શંકળદેવને ઉભેલો દીઠો. થોડી વાર સુધી તે બંને જણાં પ્રેમના આવેશથી સ્તબ્ધ બની એકબીજાની સામું ટગર ટગર જોતાં ઉભાં રહ્યાં. પણ પછી તરત જ તેઓ બંને પાસે ઉભાં અને સૂર્ય તરફ દૃષ્ટિ કરી પોતાનો પવિત્ર પ્રેમ અચળ રાખવા બંને જણે પ્રતિજ્ઞા લીધી. શંકળદેવ પછી પોતાની વહાલીને દુઃખસાગરમાં ડુબતી મુકી ત્યાંથી ચાલી નીકળ્યો.

ચેહેન તથા નિશ્ચિન્તપણામાં દહાડા જતાં વાર લાગતી નથી, તેમ દેવળદેવીને થયું. તેના પ્રાણપ્રિયની સાથે મેળાપ થયો તે જાણે ગઈ કાલે જ થયો હોય એમ તેને લાગતું હતું. એટલામાં એક દહાડો દેવગઢથી એક ભાટ તથા રાજગોર બાગલાણના કિલ્લામાં આવ્યા. કરણ રાજાએ તેઓનો ઘણો સત્કાર કીધો, અને તેઓને આવવાનું કારણ પૂછયું, ભાટે કેટલીએક ભાટાઈ કીધા પછી દેવગિરિના રાજ્યનો વિસ્તાર, તેની દોલત વગેરે વૈભવનાં ઘણા વિસ્તારે વખાણ કીધાં. અને પછી શંકળદેવને યુધિષ્ઠિર, અર્જુન, વિક્રમ, ભોજ, આદિ ઘણા એક નામાંકિત, સદ્દગુણી, તથા પરાક્રમી રાજાઓની ઉપમા આપી, અને વાઘના શિકારના દહાડાથી તે વાડીના મેળાપના દહાડા સુધી જે જે બન્યું હતું તે વર્ણવ્યું, દેવગઢના રાજા સાથે સંબન્ધ કરવાથી જે જે લાભ થશે તે સઘળા કહી સંભળાવ્યા, અને છેલ્લે શંકળદેવને વાસ્તે દેવળદેવીની માગણી કીધી.

કરણ રાજાને આ ભાટની વાત સાંભળીને ઘણો ક્રોધ ચઢ્યો. તેના મ્હેાં ઉપર લોહી ચઢી આવ્યું, અને તે રીસે ભરાઈને બોલ્યો: “અરે! ભાટજી ! જો કે હું મારું સઘળું રાજ્ય ખોઇ બેઠો છું, મારી પરમ પ્રિય સ્ત્રીને બળાત્કારે દિલ્હીના મ્લેચ્છ પાદશાહ પાસે ઘસડી ગયા છે, નિર્ધન, અશક્ત તથા રામદેવના આશ્રયમાં આવી રહ્યો છું, તો પણ હજી તમે ધારો છો એટલે અધમ થયો નથી. હજી મારામાંથી રજપૂતનું લોહી ગયલું નથી. હજી મારે ક્ષત્રીનો ટેક કાયમ છે; માટે તમારા કહેવા પ્રમાણે હું કદી કરનાર નથી. શું વાઘેલા રજપૂતે પોતાની કન્યા એક મરેઠા સાથે પરણાવવી ? શું હંસણીને કાગડાના ટોળામાં ભેળવવી? શું ગાયને ગધેડામાં સામેલ કરવી ? એ કદી થનાર નથી. તમારો રાજા ગમે તેવો મોટો હશે, તમારું રાજ્ય ગમે તેટલું બળવાન, ધનવાન તથા વિસ્તીર્ણ હશે, તથા શંકળદેવમાં સઘળા દેવતાના ગુણો એકઠા થયા હશે, તો પણ તે મરેઠો, તે રજપૂતની કન્યા વરવાને યોગ્ય નથી. મારા પડતા દહાડામાં સઘળા મારૂં અપમાન કરે છે; હવે છેલ્લો વારો રામદેવનો આવ્યો. તેણે પણ હવે કાંઈ કસર રાખી નહી. હજી મારામાં સામર્થ્ય છે, હું જીવું છું, અને જ્યાંસુધી આ દેહમાં પ્રાણ છે ત્યાં સુધી મારા નામને, મારા કુળને, તથા મારી જાતને કદી કલંક લગાડવા દઈશ નહી. આ ઉંચા કુળની કન્યા નીચ કુળના વરને પરણાવું ? મારા ઉપર આથી વધારે આફત આવી પડે, મને કાપીને કડકા કરે, તો પણ હું એમ થવા દઉં નહીં. અમારા લોકો પુત્રીના જન્મથી ઘણો શોક કરે છે તે વાજબી છે. તેઓ પોતાની આબરૂને ડાઘ ન પડવા દેવાને કુમળા બાળકની હત્યા કરે છે તેમાં તેઓનો કાંઈ વાંક નથી. મરેઠા જોડે રાજકન્યાનાં લગ્ન કરવાં ? આકાશ તુટી પડે, પૃથ્વી રસાતાળ જાય, તો પણ હું તેમ થવા નહી દઉં. માટે તમારા રાજાને કહેજો કે તમે મારું ઘણું જ અપમાન કીધું છે, તમારી આશા કદી સફળ થવાની નથી; તથા તમારું બોલવું કદી પ્રમાણ થવાનું નથી. શંકળદેવ તથા દેવળદેવીએ ગુપ્ત રીતે લગ્ન કીધાં હશે તે રદ છે. દેવળદેવીનો મારી રજા સિવાય કાંઈ પણ પ્રતિજ્ઞા કરવાને અખતિયાર નથી. તે હજી નાદાન છે તેથી તેનું કીધેલું મંજુર થાય નહીં, માટે મારી સાફ ના છે. તમે ઘણું કરશો તો મને આ જગાએથી કાઢી મૂકશો, પણ તેથી હું બીહીતો નથી. ચોખંડ પૃથ્વી પડી છે તેમાં ગમે તે એક ખુણામાં પડી રહી મારો આવર્દા પુરો કરીશ; પછી મારા મુઆ પછી જે કરવું હોય તે કરજો.” એટલું કહી તેણે ભાટ તથા રાજ્યગોરને વદાય કીધા.