લખાણ પર જાઓ

કરણ ઘેલો/પ્રકરણ-૧૩

વિકિસ્રોતમાંથી
← પ્રકરણ ૧૨ મું કરણ ઘેલો
પ્રકરણ ૧૩ મું
નંદશંકર મહેતા
૧૮૬૬
પ્રકરણ ૧૪ મું →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


પ્રકરણ ૧૩ મું.

જુવાન પુરૂષ અથવા સ્ત્રી જે પેહેલી જ વાર પ્રીતિ બાંધે છે તેમાં અટકાવ થવાથી તેને જે દુ:ખ ઉપજે છે તે સૌથી આકરૂં છે. એમ થવાથી તેનું હૈયું ફાટી જાય છે; તેના શરીરમાં અવ્યવસ્થા થઇ જાય છે અને દુનિયા સ્મશાન જેવી ઉદાસ લાગે છે. તેને કાંઈ કામ ધંધો સુઝતો નથી; અને જો તે જગાનો ફેરફાર કરી અથવા બીજી કોઈ પણ રીતે તે બાબતના સઘળા વિચારો ખસેડી નાંખે નહી તો તેની ખરાબી થઈ જાય છે. જ્યાં પ્રીતિમાં થોડી મુદ્દત સુધી પોંહોંચે એવો જ અટકાવ થયો હોય, જ્યાં નિરાશાના અંધકારમાં આશાનું કાંઈ પણ ઝાંખું કિરણ આવતું હોય ત્યાં તો ધીરજ રાખી શકાય છે, તથા વખતે તેથી વધારે કાંઈ અસાધારણ પ્રયત્ન પણ થઈ શકે છે; પણ જ્યાં આશાનું ઢાંકણું દેવાયું ત્યાં સુખનું ઢાંકણું દેવાયું એમ સમજવું. ઘણાએક પુરૂષો જ્યારે એવી અવસ્થામાં આવી પડે છે ત્યારે દેશાટન કરે છે, અને ત્યાંના નવા નવા પદાર્થો જોવાથી, નવાં નવાં કામોમાં પડવાથી, તથા વખતે કોઈ નવી સુંદરીના સમાગમમાં થતા સુખથી આગલું દુઃખ નિવારણ કરી શકે છે.પણ સ્ત્રીઓને એ પ્રમાણે થવું કઠણ પડે છે. તેઓનું અન્તઃકરણ વધારે નરમ હોય છે, તથા તેઓનાં હૈયાં ઉપર મીણની પેઠે પ્યારની છાપ વધારે મજબુત બેસી જાય છે તે જલદીથી ભુસાઈ જતી નથી;તેઓને બીજા દેશમાં અથવા બીજા શહેરોમાં ફરવા જવાનું ઘણી વખતે બની આવતું નથી, તથા નવી વાત ગ્રહણ કરી જુની વાત વિસારી નાંખવાને ક્વચિત જ પ્રસંગ આવે છે; તેઓ મુંઝાયાં કરે છે, તેઓ બળ્યાં કરે છે, તેઓ જે નાજુક પ્રકૃતિનાં હોય ત્યારે તો તેમનાં શરીરમાં રોગ પ્રવેશ કરે છે અને ક્ષયરોગથી તેઓનો અન્ત આવે છે. એ પ્રમાણે કાંઈ હમેશાં જ બનતું નથી, તે પણ પ્રીતિમાં આશાભંગ થવાથી પુરૂષો કરતાં તેમને વધારે દુઃખ થાય છે.

કરણે શંકળદેવનું માગું પાછું વાળ્યું ત્યારથી દેવળદેવીના સુખનો સૂર્ય અસ્ત પામ્યો. આશાને લીધે જે ઉમંગ તેને થયેલો તે જતો રહ્યો. તેના મ્હેાં ઉપર ઉદાસીનું વાદળું ફરી વળ્યું, તેનું શરીર ગળવા લાગ્યું; તથા ધીમે નાશકારક તાવ તેના શરીરમાં દાખલ થયો. તેનું ખુશકારક હસવું બંધ પડી ગયું; તેના રાગમાંથી સઘળી મીઠાશ ઉડી ગઈ; તેની વાણીની મધુરતા જતી રહી; અને જ ખુલ્લા દિલથી તથા ઉલ્લાસથી તે ચાલતી તે ચાલ હવે બિલકુલ બદલાઈ ગઈ. આ સઘળા ફેરફાર જોઈને કરણને પણ ઘણી દિલગીરી થઈ. પૈસા, વ્હાલ અને બીજા ઘણાએક ઉપાયોથી તેની અસલ સ્થિતિ પાછી લાવવાને તેણે ઘણાં ફાંફાં માર્યા; પણ જેનું માથું દુઃખે તેના પેટ ઉપર ઓસડ ચોપડવાથી શો ફાયદો? જેના કલેજામાં ઘા લાગેલો તેને બહારના ઉપાય શી રીતે કામ લાગે ? જ્યાંસુધી તેના અન્તઃકરણમાંનો કીડો જીવતો રહે ત્યાંસુધી જે જે ઉપાય કરે તે સર્વે વ્યર્થ જાય જ.

એવી ઉદાસ વૃત્તિમાં આવી પડેલી પુત્રીની સાથે કરણ રાજા એક દહાડો બેઠો હતો, તથા તેની દિલગીરી કાઢી નાંખવાને તેને શિખામણ દેતો હતો, એવામાં એક મુસલમાન અમીર કેટલાંએક માણસ લઈને બાગલાણના કિલ્લામાં આવ્યો. અકસ્માત આવો માણસ આવી રીતે તેના એકાંત રહેવાના ઠેકાણામાં આવ્યો તે જોઈને કરણ રાજાને મોટું આશ્ચર્ય લાગ્યું, તથા તેના જીવને મોટી ફાળ પડી. એ નવતર આવનારથી કાંઈ માઠાં જ પરિણામ નીવડશે એવી તેને સ્વાભાવિક પ્રેરણા થઈ આવી, અને હવે શી વધારે ખરાબી થશે એ વિચારથી તેણે એક મોટો નિશાસો મૂક્યો. તેને સઘળી ફીકર પોતાને પુત્રીને વાસ્તે હતી. એ અમૂલ્ય રત્નને કોઈ લુંટારો લઇ જશે એ તેને મ્હોટી દેહેશત હતી. પોતાને વાસ્તે તેને જરા પણ ધાસ્તી ન હતી. તેના ઉપર તો દુઃખના એવા અને એટલા ઢગલા આવી પડ્યા હતા કે એ કરતાં વધારે દુ:ખ તેની કલ્પનામાં પણ આવતું ન હતું. લુંટાયલાને ભય શેનો? તેણે સર્વસ્વ ખોયું હતું; હવે જવાનું કાંઈ બાકી રહ્યું ન હતું. કાંઈ પણ પુછપરછ કર્યા વિના તે અમીર કરણની રેહેવાની જગા ઉપર આવ્યો, ઘોડા ઉપરથી તે ઉતરી પડ્યો, પોતાનાં માણસોને કિલ્લાના જુદા જુદા ભાગમાં રહેવાને મોકલી દીધાં; ઘોડા સઘળા ઘોડશાળામાં બંધાવી દીધા અને પોતે એકલો રજપૂતની આબરૂ તથા મોટા મન ઉપર વિશ્વાસ રાખી ઘરમાં પેંઠો. કરણે તેને અન્દરના ઓરડામાં આવવાની રજા આપી; પોતાની છોકરીને એક બીજા એરિડામાં મોકલી દીધી, અને તે અમીરનું સન્માન કરી ઉભા થઈને તેને બેસવાની જગા આપી. મુસલમાન લોકો ઘણું કરીને બોલવામાં ઘણા હોંશિયાર તથા વાચાળ હોય છે, તેઓની બોલીમાં એક જાતની નરમાશ તથા મિઠાશ હોય છે, તેઓ ઘણી નમ્રતાથી તથા લાયકીથી બોલે છે, તેથી તે અમીરને પોતાની ધારેલી વાત એકદમ કાઢવામાં કાંઈ મુશ્કેલી પડી નહી, અને તે વાત તેણે એવી ચતુરાઈથી ચલાવી કે કરણ તેના દુઃખથી ઘણો ચીઢીયો થઈ ગયો હતો તો પણ તેણે તેની વાત અથથી ઈતિ સુધી ધીરજથી સાંભળી લીધી. તે બોલ્યોઃ “હું સઘળી જહાંનનો પાદશાહ અલાઉદ્દીન જેનું તખત દિલ્હી શહેરમાં છે તેના દરબારનો અમીર છું. દેવગઢનો રામદેવ રાજા ત્રણ વર્ષ થયાં ખંડણી આપતો નથી, તથા દક્ષિણના બીજા રાજાઓ પાદશાહને નામના જ માત્ર તાબે હોય એમ વર્તે છે. તેઓના ઉપર સત્તા કાયમ બેસાડવાને પાદશાહે એક મોટું લશ્કર મોકલ્યું છે. તેની મતલબ આખો દક્ષિણ દેશ જીતવાની છે. અમારું લશ્કર કેવું બળવાન હોય છે તથા તે કેવાં કેવાં કામો કરી શકે છે તે તો હવે તમારી આગળ કહેવાની જરૂર નથી. તેનાં પરાક્રમનો વિસ્તાર કરવાને હું ચાહતો નથી, કેમકે તેમ કીધાથી તમારું દુ:ખ તાજું થઈ આવે. એ લશ્કરની સંખ્યા અગણિત છે, તેમાં માત્ર એક લાખ સ્વાર છે, તેનો સરદાર નાયબ મલેક કાફુર છે, તે ઘણો આગ્રહી, શૂરો, તથા લડાઈના કામમાં પ્રવીણ છે. તેની સાથે બીજા ઘણાં બુજર્ગ, દાના, તથા લડાઈના કામમાં ઘણા માહિતગાર એવા અમીર લોકો મસલતદાર છે. તેઓની છાવણી હાલમાં ખાનદેશમાં સુલતાનપુરમાં છે. ત્યાંથી કાંઈ સંદેશો કહેવાને મલેક નાયબ કાફુરે પાદશાહ અલાઉદ્દીનના હુકમથી મને મોકલ્યો છે. તે સંદેશે શો છે તે હું તમને જણાવું છું. તમને ખબર તે હશે કે તમારી રાણી કૌળાદેવી હાલમાં પાદશાહના જનાનખાનામાં મુખ્ય દરજજો ભોગવે છે. તે પટરાણી થઈ પડી છે; તેની સત્તા પાદશાહ ઉપર ઘણી છે, અને પાદશાહ તેને કોઈ વાતની ના કહી શકતો નથી. એ કૌળારાણીને બે દીકરીઓ હતી તેમાંથી એક મરી ગઈ છે, બીજી તેર વર્ષની જેનું નામ દેવળદેવી છે તે તમારી સાથે રહે છે. તેની માને તેના વિના જરા પણ ગમતું નથી. તે બેને ઘણાં વર્ષ થયાં વિયોગ થયો છે, તેથી તેને મળવાને સુલતાન ઘણાં આતુર છે. અલબતાં તમારા કરતાં તેનો છોકરી ઉપર વધારે હક્ક છે, તેને પોતાની છોકરી ઉપર એટલો તો હજી પ્યાર છે કે તેના વિના તેની તબિયતમાં બિગાડ થશે; વળી તે છોકરી ઈહાં છે તે કરતાં પાદશાહની પાસે મોટા દરબારમાં સુલતાના સાહેબની સાથે રહેશે તો વધારે સુખી થશે, બેગમ સાહેબે પાદશાહ આગળ દેવળદેવીને તેડાવવાની ઘણી જ ખાહેશ દેખાડી છે. પાદશાહે તેની અરજ મંજુર કીધી છે અને તે પ્રમાણે મલેક કાફુરને એવો હુકમ કીધો છે કે જો દેવળદેવીને જીવતી દિલ્હી નહી લાવે તો તેનું માથું કાપી નાંખવામાં આવશે. એ પ્રમાણે પાદશાહે સખત હુકમ કીધો છે. માટે તમારે તે છોકરી આપ્યા વિના છુટકો નથી, માટે જો તમે તમારી દીકરીનું સુખ ચહાતા હો તો આનાકાની કીધા વગર મને આપી દો, હમણાં તેની ઉમર એટલી છે કે તેને માની સંભાળની ઘણી જ જરૂર છે તેને પણ હમણાં માની ખોટ લાગતી હશે તે ત્યાં જવાથી પુરી પડશે, હમણાં તે અન્ધારામાં એક ખુણામાં સંતાઈ રહી છે તેને અજવાળામાં લાવી તેનું સુંદર ચિત્તાકર્ષક રૂપ જગતમાં પ્રસિદ્ધ કરવું જ જોઈએ, હમણાં તે અમૂલ્ય પાણીદાર રત્ન અગાધ અંધાર મહાસાગરના ઉંડા કોતરમાં પડી રહ્યું છે તેને કોઈ ચોકસીને આપી કોઈ વીંટીમાં જડવું જ જોઈએ. હમણાં તે એક ખુબસુરત ખુશબોદાર ફુલ જંગલમાં ઉગેલું છે, અને તેની સુગંધ નકામી વેરાઈ જાય છે તેને બદલે કેઈ માળીને ત્યાં લાવી કોઈ ગોટાની વચ્ચોવચ મૂકવું જ જોઈએ. તમે તેને ઈહાં રાખીને શું કરશો ? તેની આ વયે નિરંતર તમને જ જોયાં કર્યાથી તેને સંતોષ કેમ થાય ? તમારા જેટલી વૃદ્ધ ઉમરને માણસ તે તેને યોગ્ય સોબતી શી રીતે થઈ શકે ? જ્યાં સુધી દેવળદેવી તમારી પાસે છે ત્યાં સુધી તે ટોળામાંથી જુદી પડેલી હરણી જેવી છે, પાણીમાંથી બહાર કાઢેલી માછલીના જેવી છે, જો તમે તેને પાણીમાં પાછી નહી મૂકી દો તો તે ટળવળીને મરી જશે. તમે એક પતંગને દીવા પાસેથી આધું કીધું છે તે ત્યાં રહેશે ત્યાં સુધી તેને સુખશાતા કેમ વળશે ? તમે વાડીમાંથી એક ફુલનો રોપો મારવાડનો રેતીના રણમાં રોપ્યો છે તે ત્યાં પાણી વિના કેમ ઉછરશે ? વાડીનાં ફુલોમાં રમનારી પોપટીને તમે ત્યાંથી ખસેડીને ઘરમાં મૂકી છે ત્યાં તેને ખુલ્લા તડકામાં ઉડવાને બદલે ભોંય ઉપર ચાલવાનું મળે તેથી તે કેમ રાજી થશે ? માટે મારા કહ્યા પ્રમાણે કરો. જો તમે એમ કરશો તો તમને પણ ઘણે ફાયદો થશે, તમને કદાપિ એ શરતથી તમારૂં રાજ્ય પાછું મળશે, તમને ખંડણી તો બીજા રાજાઓની પેઠે આપવી પડશે તો પણ તમે રાજા કહેવાશો; તમારૂં ગયલું સુખ સઘળું પાછું મળશે, પાદશાહ તમારા ઉપર ઘણી મેહેરબાની રાખશે, અને આવી દુર્બળ કંગાળ અવસ્થામાં રહેવાને બદલે તમે સઘળી વાતે પહેલાંના જેવા સુખી થશો. આવો વખત ફરીથી આવવાનો નથી; એક તેર વર્ષની બાળકીના બદલામાં લાખો રૂપીયા તમને મળે છે, થોડુંએક નુકશાન વેઠ્યાથી બેસુમાર લાભ થાય છે, માટે એ વાત ઉપર પાકો વિચાર કરીને જવાબ દેજો. ઉતાવળ કરવાનું કાંઈ કામ નથી. લક્ષ્મી ચાંલ્લો કરવા આવી છે, ત્યારે મ્હેાં ધોવા જશો માં. તમે રાજવંશી છો, તમે કેટલાંએક વર્ષ સુધી એક મોટા દેશ ઉપર રાજય ચલાવ્યું છે, માટે તમને વધારે કહેવાની જરૂર નથી, હું તમારી તરફથી નકારની તો આશા રાખતો જ નથી; પણ જો કદાચ તમારા દુર્ભાગ્યને લીધે, તથા પડતા દહાડામાં માણસની અક્કલ ઉંધી થઈ જાય છે તેને લીધે જો તમે ના કહેશો તો થોડે અંતરે એક મોટું સૈન્ય તૈયાર છે તે ઈહાં આવી બળાત્કારે તે છોકરીને પકડી જશે પછી તમારું કાંઈ ચાલવાનું નથી અને તેમાં તમારી શોભા પણ રહેશે નહી.”

આટલી વાત સાંભળતાં સાંભળતાં જ કરણને વારે વારે ક્રોધનો આવેશ તો આવતો હતો, પણ તેણે અત્યાર સુધી તેના મન ઉપર અંકુશ રાખ્યો હતો, હવે જ્યારે તેને બેલવાનો વારો આવ્યો ત્યારે તેનું મન તેને વશ રહ્યું નહી. તેણે જુસ્સાથી જવાબ દીધો-“અગર જો આસમાન તુટી પડે, અગર ધરતી રસાતાળ જાય, અગર પાદશાહ પોતે તથા તેથી પણ વધારે ખુદ પરમેશ્વર મારી પાસેથી એ છોકરી માગવા આવે તો પણ હું તેને ખુશીથી તો કદી આપું નહી. હું હમણાં એવી અવસ્થામાં છું કે મને કોઈ માણસનો ડર રહ્યો નથી. મેં મારું સઘળું સર્વસ્વ ખોયું છે. હવે મારી પાસે જવાનું બાકી રહ્યું નથી. મારા ઉપર સઘળી જાતની આફત પડી ચુકી છે. હવે વધારે અથવા એથી મોટી આફત બીજી છે જ નહી. તેથી હું તમારા પાદશાહથી, તમારા મલેક કાફુરથી તથા તેના અગણિત લશ્કરથી જરા પણ બીહીતો નથી. હજુ રજપૂતો એટલા અધમ થઈ ગયા નથી, હજુ તેઓમાં આબરૂનો છેક નાશ થઈ ગયો નથી, હજુ તેઓમાંથી જાતનો તથા કુળનો અહંકાર એટલો ગયો નથી કે તેઓ પોતાનું રક્ષણ, પોતાનો લાભ, પોતાનું સુખ, પોતાની દીકરી પારકાને આપીને માગે ના, ના, એવો દહાડો હજુ આવ્યો નથી, અને આવતાં ઘણી વાર છે. છોકરીને મ્લેચ્છ પાદશાહને આપું? તેને દુષ્ટ ચંડાળ લોકોને સોંપું ? તેને તેના બાપના કટ્ટા શત્રુને, તેના બાપનું વગર કારણે રાજ્ય હરણ કરનારને, તેને આવી દુર્દશામાં લાવનારને ત્યાં મોકલું ? એમ કદી થનાર નથી, જયાં લગી આ ઘટમાં પ્રાણ છે, જ્યાં સુધી આ શરીરમાં રૂધિર વહે છે, જ્યાં સુધી તલવાર પકડવાને આ હાથ સલામત છે, ત્યાં સુધી હું એ છોકરીને મારા હાથમાંથી જવા દેવાનો નથી. તેને લેતાં પહેલાં તેના રક્ષણને અર્થે મારો પ્રાણ અર્પણ કરવાને તૈયાર છું. મારા મોત પછી તેનું જે થાય તે ખરૂં, પણ શું કરણને વાસ્તે જગતમાં એમ કહેવાશે કે તેણે જીવતાં પોતાના સ્વાર્થને સારૂ પોતાની છોકરી વેચી? કદી નહીં. હું તેને મારે હાથે કાપી નાંખીશ; એ કુમળું ફુલ અપવિત્ર તથા અધમ હાથમાં જાય તે કરતાં હું તેને તોડી નાંખીશ; એ પાણીદાર અમૂલ્ય મોતી કોઈ નીચના શરીરને શણગારે તે કરતાં હું તેને ભાંગી ચૂરેચૂરા કરી નાંખીશ. એ વાતની અમને રજપૂતને કાંઈ શરમ નથી. તેથી અમારી કાંઈ અપ્રતિષ્ઠા થવાની નથી. તે તો અમારો અસલથી ચાલ્યો આવેલો સંપ્રદાય જ છે. અમે તો અમારા કુળની લાજ રાખવાને તથા હલકા માણસને અમારી કન્યા આપવી ન પડે માટે છોકરીઓને જન્મતાં જ દુધપીતી કરીએ છીએ. મેં તેને જીવતી રાખી, મ્હોટી થવા દીધી, એ જ મેં ભૂલ કીધી. પણ હજી શું ગયું છે? એક તલવારના ઘાથી ધારેલું કામ બની આવશે. એક ઘાથી મારી, મારા કુળની, મારી જાતની, મારા દેશની આબરૂ રહેશે. એક ઘાથી તમારા પાદશાહની ઉમેદ અફળ થશે. અને એક ઘાથી મારી છોકરી અપવિત્ર થતી બચશે. અરે ચંડાળ, દુષ્ટ, પાપણી કૌળાદેવી! હવે તને રાણી શા માટે કહું? અરે ! મ્હેં તને કેટલું સુખ દીધું છે ? મેં તને કેટલાં લાડ લડાવ્યાં છે? મેં તારો મ્હોંમાંથી પડતો બોલ ઝીલ્યો છે, મેં તને પટરાણી બનાવી હતી તે સઘળાનો બદલો તું આજ બહુ સારો લેવા નીકળી છે ? તને એ જ યોગ્ય છે ! અરે ! તું તારા ધણી, તારી છોકરી, માબાપ, સગાંવહાલાં, ન્યાતજાત, દેશ, એ સઘળું છોડીને ધર્મથી ભ્રષ્ટ થઈ. એક મ્લેચ્છ પાદશાહના ઝનાનખાનામાં મહાલે છે, તું જીવતા વરે બીજાને વરી, તેં એક ભવમાં બે ભવ કીધા, તું હમણાં એક દુષ્ટ અધર્મી પુરૂષની બાથમાં પૈસાને લોભે ભરાઈ છે, અને સઘળી જાતનાં સુખ ભોગવે છે, તેની હું અદેખાઇ કરતો નથી; પણ તું મારી જરા પણ દયા રાખતી નથી, તું મારી અવસ્થા જોતી નથી, તું મારા અથાગ દુ:ખ ઉપર કાંઈ પણ નજર કરતી નથી; તું કેવી સ્વાર્થી કે તને એટલાં બધાં સુખ છતાં છોકરીનું પણ સુખ જોઇએ છીએ, અને હું સઘળી રીતે પાયમાલ થઈ ગયલો, હું આ મઠમાં સાધુની પેઠે દુનિયાનો તથા સુખનો ત્યાગ કરી બેઠેલો; હું એક છોકરી ઉપર મારા થોડા સુખને વાસ્તે આધાર રાખી રહેલો, તેટલું પણ સુખ તું મારી પાસેથી લઈ લેવા માગે છે ? અરે ભુંડી ! તારી છોકરી આવવાથી તારા સુખમાં તો તેથી ઘણો જ થોડો વધારો થવાનો છે, પણ હું તો તેના વિના ટળવળીને રઝળી રખડીને મરણ પામીશ. તે સઘળું પાપ તારે માથે. અરે દુષ્ટ ! તું દુખીયાને વધારે દુખીયો કરવા ચાહે છે, તને કોઈ દહાડો સુખ થવાનું નથી. તું પણ મારી પેઠે દુ:ખી જ થશે. હમણાં તો તારા સુખના મધ્યાહ્‌નનો સૂર્ય છે, પણ કોઇ વખત પણ સાંજ પડશે, કોઇ વખત પણ તે અસ્ત થશે, અને પછી ઘોર અંધારૂં થઈ જશે. પણ હું મિથ્યા શોક શા માટે કરું છું ! અને આ સંદેશો લાવનારને શા માટે ખોટી કરું છું ? તમે અમીર સાહેબ ! જઈને તમારા સરદારને કહો કે જ્યાં સુધી હું જીવતો છું ત્યાં સુધી દેવળદેવીને કદી આપનાર નથી. તમારાથી જે થાય તે સુખેથી કરી લેવું.”

પેલા અમીરે જોયું કે તેની સાથે વધારે વાત કરવામાં કાંઈ ફળ નથી, અને તે એવો ગુસ્સા ઉપર ચઢી ગયો છે, તથા એવા હઠીલા સ્વભાવનો દેખાય છે કે નરમ ઉપાયથી માનવાનો નથી તેથી તે વધારે બોલ્યા સિવાય ઉઠી ગયો, અને તેણે જતી વખતે કરણને એટલું જ કહ્યું-“હજી વખત છે, કબુલ કરવું હોય તો હજી કરો. હું જઇને આ પ્રમાણે સઘળી હકીકત નાયબ મલેક કાફુરને જાહેર કરીશ. તે બધું લશ્કર લઇને તમારા ઉપર ચઢી આવશે, અને બળાત્કારે દેવળદેવીને લઇ જશે, અને હમણાં તેને રાજીખુશીથી આપવાથી જે લાભ થશે તે તે વખતે થવાનો નથી માટે પછી પસ્તાશો તેથી વિચાર કરો.” કરણ રાજાએ કાંઇ જ જવાબ દીધો નહીં તે ઉપરથી જણાયું કે હજી તે કબુલ કરતો નથી, તથા પોતાની હઠીલાઈ મૂકતો નથી તેથી તે અમીર ત્યાંથી ચાલ્યો ગયો અને કરણનો જવાબ સુલતાનપુર જઈ મલેક કાફુરને કહ્યો. આ જવાબ સાંભળીને કાફુર ઘણો ગુસ્સે થયો, અને બે ત્રણ દહાડા પછી બીજો માણસ પાછો કરણની પાસે તેણે મોકલ્યો; તે પણ તે જ જવાબ લઈને પાછો આવ્યો. પાદશાહનો હુકમ થયેલો એટલે દેવળદેવીને લાવવી તો જોઇએ. અલાઉદ્દીને તેને બે ત્રણ વાર ટોકી ટોકીને કહ્યું હતું. તેણે તેને લાવવાનું વચન આપ્યું હતું, તથા તે જે હાથમાં નહી આવે તો કૌળારાણી કોપાયમાન થશે, અને તેની સત્તા પાદશાહ ઉપર એટલી તો છે કે તેના કહેવાથી તે પણ ક્રોધાયમાન થશે, અને તે જ્યારે રોશે ભરાયો ત્યારે આપણું માથું સલામત રહેશે નહી એવી કાફુરને પક્કી ખાતરી હતી. પણ એ કામ કાફુરને એટલું તો હલકું લાગ્યું કે પોતે બાગલાણ ઉપર સઘળા લશ્કર સાથે જઈ ત્યાં વખત ખોવો એ તેને જરૂરનું લાગ્યું નહી. દક્ષિણ દેશ જીતી ત્યાંથી અગણિત દોલત લુંટી લાવવી, તેમાંથી કેટલોએક ભાગ સિપાઈઓને, સરદારોને, તથા તેની સાથે આવેલા અમીરોને વહેંચી આપવો અને બાકી રહેલો ઘણો ભાગ કોઈ દહાડો તખ્ત મેળવવાને કામ આવે માટે પોતાને સારૂ રાખવો એ તેની મુખ્ય મતલબ હતી. તે ઉપર જ તેની નજર હતી. ત્યારે આવા હલકા કામમાં ગુંથાવાથી શું ફળ ? તે કામ બીજાઓ પણ કરી શકે માટે તેણે જાતે શા માટે તસ્દી લેવી જોઈએ ? એવો વિચાર કરી તેણે ગુજરાતના સુબા અલફખાંને લખી મોકલ્યું કે, તમારે એક મોટું લશ્કર લઈ અમારી છાવણીમાં જેમ બને તેમ જલદીથી આવી મળવું. વળી તમારે બાગલાણને રસ્તે આવવું, અને ત્યાં કરણ રહે છે તેની પાસેથી ગમે તે ઉપાયથી અને જરૂર પડે તો લડાઈ કરીને પણ તેની છોકરી દેવળદેવીને જીવતી પકડી ઘણી આબરૂની સાથે અમારી પાસે લાવવી. જો એ છોકરી તમારે હાથ આવશે નહીં, જો તે તમારા હાથમાંથી છટકી જશે, અથવા તમે તેને જવા દેશો, તો પાદશાહની તમારા ઉપર ઘણી જ ઈતરાજી થશે. અને તમારે પછી તમારો જીવ ખોવાની જ તૈયારી રાખવી. એ પ્રમાણે અલફખાં ઉપર પાટણ ખત મોકલીને મલેક કાફુરે સુલતાનપુરથી પોતાની છાવણી ઉઠાવી. આણીગમ કરણ રાજા પણ ઉંડા વિચારમાં પડ્યો. હવે શું કરવું તે તેને સુઝયું નહી, છોકરી આપવાની ના કહી તેથી મ્લેચ્છ લશ્કરનો સરદાર ગુસ્સે થશે; એમાં કાંઈ શક ન હતો, સાંભળ્યા પ્રમાણે અલાઉદ્દીન ઘણો ક્રૂર સ્વભાવનો હતો. તે કદી પોતાનો હુકમ ફેરવતો નહી. તેના કહેવા પ્રમાણે જો કામ ન થાય તો તે એટલો કોપાયમાન થતો કે જે શખસની તે ગફલત થઈ હોય તે પછી અમીર હોય કે ફકીર હોય તોપણ તેને પોતાના જાન ઉપરથી ફારગતી અપાવતો. માટે તેનો હુકમ અમલમાં લાવ્યા વગર કોઇથી પણ ચાલતું નહી. થોડી મુદ્દતમાં સઘળું લશ્કર આ કિલ્લા ઉપર તુટી પડશે ત્યારે શું કરવું? લડાઈ તો શી રીતે કરાશે ? માણસ નથી, પૈસા નથી, તથા બીજી સામગ્રી પણ નથી. અરે પરમેશ્વર ! તું મારા રંક ઉપર દયા લાવીને જો. શું મારે અંતે દેવળદેવીને આપી દેવી પડશે ? અરે એ વિચારથી જ મારી કાયા થરથર ધ્રુજે છે, તથા મારા મનમાં ઉકળાટ થઈ આવે છે. પણ હવે આળસુ બેસી રહેવાનો વખત નથી. હવે કાન ફફડાવીને જાગૃત થવું જોઈએ. હવે પ્રારબ્ધ ઉપર બેસી રહેવામાં મૂર્ખાઇ છે. જો હું મહેનત કરીશ તો પરમેશ્વર મને મદદ કરશે; જો હું આળસુની પેઠે નશીબ ઉપર બેસી નહી રહેતાં કાંઈ પ્રયત્ન કરીશ તો દેવતાઓ એક કુમળી અબળાની વહારે ધાશે. જો હું યથા સામર્થ્ય કાંઇ ઉપાય કરીશ તો કોઈ પણ આ બીચારી નિર્દોષ પશુને વાઘના પંજામાંથી છોડાવશે. માટે આળસ ! તું જા; નશીબ ! તું દૂર બેસ; અને મારી વહાલી ઢાલ તલવાર તથા ધનુષ્ય બાણ ! તમે મારી પાસે આવો. તમારું કામ હવે પડ્યું છે, માટે તમે મારા સંકટમાંથી મને ઉગારો, અને મારી પરમ પ્રિય દીકરીનું સુખ મને કાયમ રખાવો. હજી ગુજરાતમાં ઘણાએક શૂરા સામંતો અંગીઠીમાંના અંગારાની પેઠે રાખમાં દબાઈ રહેલા હશે; હજી ઘણાએક બહાદૂર રજપૂતો દુશ્મનોનું લોહી પીવાને તરસ્યા હશે. હજી ગુજરાતમાં કેટલાએક લોકોના મનમાં મુસલમાનો ઉપર વેર લેવાનું હશે. હવે વખત આવ્યો છે. શું તેઓ એવા નિમકહરામ થઈ ગયા હશે કે આ વખતે તેઓના જુના, દુઃખમાં પડેલા રાજાની મદદે નહી આવે ? શું તેઓના મનમાંથી શરમ તથા આબરૂ એટલી જતી રહી હશે કે પોતાના દેશનો બચાવ નહી કરે ? શું તેઓને પોતાના દેશ ઉપરથી એટલી બધી પ્રીતિ ઉડી ગઇ હશે કે તેઓ નામરદ હીચકારાની પેઠે પારકા દુષ્ટ મ્લેચ્છ લોકોનો જુલમ મુગા મુગા ખમ્યાં કરશે ? શું આવી વખતે તે ચંડાળ લોકો ઉપર વેર લેવાને મારી સાથે સામેલ થશે નહી ? હું ધારૂં છું કે હજી એવો વખત આવ્યો નથી, હજી છેક લોકોમાંથી પાણી ગયું નથી; માટે મારા ઉપર જે આફત આવી પડી છે તેની તેઓને ખબર કરવી, તથા આવી વખતે મારી મદદ કરવાને સઘળા રજપૂતોને વિનંતિ કરવી.

એ પ્રમાણે વિચાર કરી કરણ રાજાએ કેટલાએક લેાકેાને પત્ર લખ્યા, અને ગુજરાતમાં સઘળે ઠેકાણે જાસુસો મોકલ્યા. થોડા દહાડા ગયા એટલે હથિયારબંધ રજપૂતો બાગલાણમાં આવવા લાગ્યા. કેટલાએક સામંતો પોતાના વગના માણસોને સાથે લઇને આવ્યા, અને એ પ્રમાણે એક મહીનામાં પાંચ હજાર માણસ એકઠાં થયાં, ધન્ય છે એ રજપૂતોને ! શાબાશ છે બીજા લડવા આવેલા લોકોને ? આ લડાઇમાં જીતવાની ઘણી જ થોડી આશા હતી; હારવાનો સંભવ ઘણો જ હતો; મોત તેઓના મ્હોં સામું તાક્યાં કરતું હતું; એવું છતાં પણ આ બહાદૂર લોકો પોતાના જીવની આશા મૂકીને મોતને મળવા સારુ પોતાનાં ઘરબાર, બઈરી, છેકરાં વગેરેને મૂકીને પોતાના જુના રાજાને મદદ કરવા આવ્યા ! કરણ હમણાં કાંઈ રાજા ન હતો, તેની તરફથી તેઓને કોઈ રીતનો ભય કિંવા લાભ ન હતો, તે કાંઇ તેઓને પગાર આપવાનો ન હતો, તેની તરફથી તેઓને કાંઈ પણ પ્રકારની આશા ન હતી, તેની પાસે તેઓને કશી વાતે નુકશાન પોહોંચાડવાની શક્તિ ન હતી, તે છતાં તેઓ શા માટે આવ્યા ? ફક્ત રાજા ઉપર પ્રીતિ, ફક્ત પોતાના દેશનું અભિમાન. અને ફક્ત પોતાના દેશીને સહાય થવાની ઉત્તમ વૃત્તિ. અરે ! એ સઘળું હમણાં આપણા દેશમાંથી જતું રહ્યું છે ! અને તે જવાથી જ આપણા લોકો આજ પરતંત્ર થયા છે. પાંચ હજાર લશ્કર આટલી ટુંકી મુદતમાં એકઠું થશે, એવું કરણના સ્વપ્નમાં પણ નહતું પણ જ્યારે તેણે એ સઘળા લડવાની હોંસથી ભરપૂર તથા તેની ઉપર આવી પ્રીતિ રાખનારા માણસોને આવેલા જોયા ત્યારે તેના હૈયામાં હર્ષ માયો નહીં, તેનામાં લડાઈને જુસ્સો પાછો આવ્યો અને તે પાછો રાતદહાડો લડાઈની તૈયારી કરવા મંડી ગયો. કિલ્લામાં જે કાંઈ ભાંગેલું તુટલું હતું તે તુરત સમરાવી દીધું. જંગલમાંથી ભાથાના ભારે ભારા મંગાવ્યા, તીરોની અણી કાઢવાને સઘળા લુહારોની દુકાનમાં ભઠ્ઠી તથા હથોડા ધમધોકાર ચાલવા માંડ્યા, ખાનદેશથી વણજારાઓને બોલાવી બાગલાણના રહેવાસી તથા સઘળા સિપાઈઓ તથા તેઓની સાથે આવેલાં સઘળાં માણસોને લાંબા વખત સુધી ચાલે એટલું અનાજ ભરાવવા માંડ્યું, અને બાકીનું વખતે વખતે પુરૂ પાડવાનો તેઓની સાથે બન્દોબસ્ત કીધો. આ વખતે કરણે પોતાનો હઠીલો સ્વભાવ, જરા મૂકી દીધો તથા એકલા પોતાના મત પ્રમાણે જ ચાલવું એ જે તેની નુકસાનકારક ટેવ હતી તે હાલ છોડી દીધી. સઘળા કામમાં તે પોતાના સામંતોની સલાહ લેવા લાગ્યો, અને ગમે તેવો હલકો સિપાઈ હોય તો પણ તેને બોલવાની તેણે રજા આપી, અને તેનો અભિપ્રાય ખોટો હોય તો કરણ તેને તકરારથી ખાતરી કરી આપતો અને જો ખરો હોય તો તેને સ્વીકાર કરી તે પ્રમાણે ચાલતો. જો આવી વર્તણુક તેણે પહેલાં રાખી હોત તો તેનું રાજ્ય કદાપિ જાત નહીં, અથવા જાત તો ઘણી મુદતે તથા શ્રમ કરાવીને તથા દુશ્મનોની ઘણી ખરાબી થયા પછી જાત. પણ માણસ ઘણું કરીને અનુભવથી ડાહ્યું થાય છે, તે ઠોકરો ખાઈને જ શીખે છે. પહેલવહેલાં જ વિચાર કરી સાચે રસ્તે ચાલનારા તથા ખરી રીતે કામ કરનારા થોડા જ હોય છે. તો પણ હમણાં કરણે જે ડહાપણ વાપર્યું, તથા જે યોગ્ય રીતે સઘળું કામ કીધું, તેનાં ફળ કેટલીએક વાર સુધી સારાં નીપજ્યાં, અને તેની અસર બીજાં જુદાં જ કારણો જે તેના હાથમાં બિલકુલ ન હતાં તેઓથી જ તુટી. જ્યારે કરણ આવી રીતે લડાઈ કરવાની તૈયારીમાં પડેલો હતો તે વખતે આપણે જરા પાટણ તરફ નજર કરીએ. નવ વર્ષ થયાં તે શેહેર મુસલમાનોના હાથમાં આવેલું હતું, એટલી ટુંકી મુદ્દતમાં પણ તેમાં ઘણો ફેરફાર થઈ ગયો હતો. દિલ્હીથી જે જુદા જુદા સુબાઓ ત્યાં મોકલવામાં આવ્યા હતા તેઓ પાદશાહની નજરથી દૂર પડેલા તેથી ઘણો જ જુલમ લોકો ઉપર કરતા હતા, તેઓને તેમની નોકરી કેટલી મુદ્દત પહોંચશે, એ વાતનો જ નિશ્ચય ન હતો. નોકરીમાંથી કાઢી મૂકયા પછી ઘણું કરીને તેઓની પાસેથી એવો તે ભારે દંડ પાદશાહ લેતો કે જો તેઓ એકલા પોતાના પગાર ઉપર જ રહે તો ચાકરી કીધા પછી પ્રામાણિકપણે મેળવેલી સઘળી દોલત તેઓની ઘસડાઈ જાય. તેઓ જુલમ કરી રૈયત પાસેથી લાખો રૂપિયા ખાઈ જાય છે એવો પાદશાહના મનનો સિદ્ધાંત હતો. તેમાં જે કોઈ વ્યાજબી રીતે ચાલે તે પણ તે લુચ્ચો ગણાય, અને તેની અવસ્થા પણ લુચ્ચાના જેવી જ થાય ત્યારે પ્રામાણિકપણે કોણ ચાલે? પાદશાહના આ દૃઢ વિચારનું પરિણામ એટલું જ થયું કે દેશની આમદાની સરકારને એાછી થઈ. રૈયત પાસેથી ઘણાં જ વધારે પૈસા લેવામાં આવ્યા, અને તે પૈસા સુબાના ખાનગી ખજાનામાં ભરાયા, જમીન ઉપર મહેસુલ વધારી દીધું અને ખેડુતો ભુખે મરવા લાગ્યા, તથા તેઓના ઉપર ઘણો જ જુલમ ગુજરવા લાગ્યો, વેપારની વસ્તુઓ ઉપર જકાત પહેલાં કરતાં ચેાગણી થઈ તેથી વ્યાપાર પણ તુટવા લાગ્યો, વેપારીઓને ઘણું નુકશાન પહોંચ્યું, અને શેહેરમાંથી દોલતનો પણ ઘટાડો થયો. સહેજ અન્યાયને માટે સારા સારા આબરૂદાર લોકોને પકડી મંગાવી તેઓને એટલી તો દેહશત આપવામાં આવતી, તથા વખતે તેઓના શરીરને ભયંકર યંત્રો વડે એટલું તે દુઃખ દેવામાં આવતું કે તેઓ આવી અવસ્થામાંથી છૂટવાને માગે તેટલું અથવા ઘણામાં ઘણું આપી શકાય તેટલું દ્રવ્ય આપીને મુગે મ્હોંએ ઘેર જતા, જે લોકોએ પૈસો મેળવી સંગ્રહ કીધો એવો તેઓના ઉપર શક આવે, અથવા જેઓ પોતાની આબરૂને ઘણી પ્યારી ગણે છે એવી બે લોકમાં વાત ચાલે કે તેઓના ઉપર જુઠાં તોહોમ્મત મુકીને તેઓની ઘણી ગેરઆબરૂ કરવામાં આવતી, અને જ્યારે તેઓ સુબાનું ગજવું ભરી આપતા ત્યારે જ તેઓનો છૂટકો થતો. બીજી ઘણી એક જાતના પહેલાં સાંભળવામાં ન આવેલા કરો લોકો ઉપર બેસાડ્યા; તેઓમાં જઝીયાથી, તેને ઉઘરાવવાની ક્રૂર તથા સખત રીતથી, અને ઉઘરાતદારની લુચ્ચાઈ તથા જુલમથી લોકો ત્રાહ્ય ત્રાહ્ય કરવા લાગ્યા. પ્રજાની મિલકત તથા જીંદગી જરા પણ સલામત ન હતાં. તેઓનો વીમો લાખો રૂપીઆના 'પ્રીમિઅમે' પણ કોઈ ઉતારે નહીં. જે દહાડો જાય તે ગનીમત, જે પૈસા સલામત રહ્યા, જે જીવતા સુધી તેની પાસે રહ્યા તે જ તેના, અને રાત્રે સુઈને બીજે દહાડે સહીસલામત ઉઠે ત્યારે જ એક દહાડો જીવ્યા એમ કહેવાય. એ પ્રમાણેનો જુલમ ચાલી રહેલો હતો. રજપૂતાના રાજ્યમાં બઈરાઓને ફરવા હરવાની છૂટ હતી તે સઘળી જતી રહી. જે બઈરી ખુલ્લી રીતે રસ્તામાં ફરે તેને મુસલમાન લોકો તે ગમે તેવી આબરૂદાર હોય તો પણ કસબણ સમજતા હતા, અને તેનું ઘણું અપમાન કરતા હતા, તેથી બીચારાં બઈરાનું તે સુખ પુરું થયું; તેઓ સઘળે ઠેકાણે કેદીની પેઠે ગોંધાયાં; આબરૂદાર લોકોના ઘરમાં જનાનખાનાનો હોજલ પડદો પળાવા લાગ્યો; અને એ પ્રમાણે થવાથી બઈરાંની રીતભાતમાં તથા ચાલચલણમાં પણ માઠો ફેરફાર થવા લાગ્યો. ગરીબ લોકનાં બઈરાં જેને જાતે રળવાની ફિકર હતી, તથા જેને બહાર ફર્યા હર્યા વિના ચાલે નહી એવું હતું, તેઓ જ માત્ર ઘણી લાચારીથી બહાર ખુલ્લાં નીકળતાં, તે બીચારાંને પણ ઘણી દેહશત રહેતી, અને તેઓમાંથી કદાપિ કોઈ દેખાવડું હોય તે તેની ખરેખરી કમબખતી જ જાણવી. તે બાપડીની તે ડગલે ડગલે ફજેતી. ધર્મને પણ એજ પ્રમાણે ધક્કો લાગ્યો, તેનું પણ એ જ પ્રમાણે અપમાન થવા લાગ્યું. સવારના પોહોરમાં જ્યારે મસજીદોમાંથી મુલ્લાં બાંગ પોકારે ત્યારે કોઈ પણ દેવસ્થાનમાં ઘંટ, શંખ, વગેરે બીજાં વાજીન્ત્રો વગાડવાની ઘણી સખત મનાઈ કરવામાં આવી હતી, મસજીદ આગળ કોઈ પણ હિન્દુઓ વાજીન્ત્ર વગાડે તો તેને ભારે શિક્ષા થતી હતી. મુસલમાન લોકોને ધર્મ સંબંધી કોઈ પણ કામમાં ભોગ જોગે કોઈ હિન્દુ હરકત કરે તો તેણે તો પોતાના જીવની આશા છોડી જ દેવી. એથી ઉલટું, હિન્દુઓના ધર્મ સંબંધી સઘળાં કામોમાં હરકત કરવાની હરેક મુસલમાનને રજા હતી. રજા સ્પષ્ટ તો આપેલી નહી, પણ તેવી હરકત કરનારને કાંઈ પણ સજા થતી નહી. એટલે તેમ કરવાથી રજા મળેલી હોય તેના જેવું જ હતું. હિન્દુઓથી ખુલ્લી રીતે કોઈ પણ ક્રિયા થઈ શકતી નહી, કેમકે છેક સુબાથી તે એક હલકા મુસલમાન ઝાડુ કાઢનાર સુધી સઘળાને ખાતરી હતી કે હિન્દુઓનો ધર્મ પાખંડી, શેતાનનો બનાવેલો, તથા જેમ બને તેમ જલદીથી જડમૂળથી ઉખેડી નાંખવા જેવો છે. એવા ધર્મને હરકત કરવામાં, તથા જોર જુલમથી હિન્દુના મ્હોંમાં થુંકીને તથા બિસમિલ્લા બોલાવીને તેને મુસલમાન કરવામાં મોટો સવાબ છે, એમ તેઓ માનતા, રોજ રોજ કેટલાએક હિન્દુઓ પૈસાની તથા આબરૂની લાલચથી મુસલમાન થતા. કેટલાએક તો લોકો ઉપર જુલમ કરી શકાશે એવા વિચારથી તથા રાજ્ય કરનાર વર્ગમાં ભળી જવાથી મોટો અધિકાર મળશે, તથા હિન્દુ તરીકે તેમના ઉપર જે જુલમ ગુજરતા હતા તે બધામાંથી છૂટા થવાશે, એ મતલબથી જ પોતાનો ધર્મ છોડીને દીન મહમ્મદનું નામ ધારણ કરતા હતા. કેટલાએક બીચારાને તો મુસલમાનો પકડીને બળાત્કારે વટાળતા, અને કેટલાએકને તો લાલચ આપી બિસમિલ્લા બોલાવતા, પછી તેઓ ભીખ માગીને ખાતા અને મસજિદોમાં સુઈ રહેતા.

હિન્દુઓના દેવની તથા દેવસ્થાનોની અને તેઓની સાથે તેઓના પૂજારીઓ તથા બ્રાહ્મણોની પણ તેવી જ દુર્દશા થઈ. દેવસ્થાનોના અંગના ઘણાએક હક્કો સુબાએ છીનવી લીધા, પૂજારીઓને પૂજા બદલ જે મળતું તે બંધ કીધું, બ્રાહ્મણોને જે હક્ક તથા વર્ષાસન આગલા હિન્દુ રાજાઓએ કરી આપ્યાં હતાં તેઓમાંનાં ઘણાં ખરાં અટકાવ્યાં, દેવોને સઘળે ઠેકાણે અપમાન થવા લાગ્યું, કેટલેએક ઠેકાણેથી તેઓનાં દેહેરાંમાંથી તેઓને કાઢી ફેંકી દીધા, તેઓનાં દેવાલય ઉપરને હજારો વર્ષનો ભોગવટો રદ કીધો, ઘણાંએક દેહેરાંઓ ભાંગી નાંખી તથા કેટલાંએકમાં થોડો ઘણો ફેરફાર કરી તેઓની મસજિદ બનાવી, અને જ્યાં ઘંટાનો અવાજ તથા શંખનાદ સંભળાતો હતો ત્યાં મુલ્લાં બાંગ પોકારવા લાગ્યા. બીજે કેટલેક ઠેકાણે ખાનગી લોકોનાં ઘરો તોડી પાડીને ત્યાં મસજિદો બાંધી, શેહેરની વચ્ચોવચ એક ઘણું જ શોભાયમાન તથા મોટું પંકાયેલું મહાદેવનું દેવસ્થાન હતું તે અલફખાંએ તોડાવી પાડીને ત્યાં જુમા મસજિદ બંધાવી. તે ઘણી જ મોટી તથા રોનકદાર હતી. તે ધોળા સંગેમરમરની બાંધેલી હતી, તથા તેમાં સ્તંભો એટલા બધા હતા કે તેઓને ગણવામાં ભુલ પડ્યા વિના રહે જ નહીં. એ મસજિદ તુટેલી ભાંગેલી હજી પણ છે. એ ઠેકાણે અલફખાં તથા મોટા મોટા અધિકારીઓ નિમાજ પઢવાને આવતા હતા.

એ પ્રમાણે આરંભમાં જ મુસલમાન લોકોએ હિન્દુ ઉપર જુલમ કીધો. જૈનમાર્ગી તથા શૈવમાર્ગીઓ બંને પોતાનું આદ્ય વેર ભૂલી જઈને એકઠા થઈ બંનેના ધર્મની આવી ખરાબી જોઈને અફસોસ કરવા લાગ્યા. જુલમની ફરિયાદ તે કોને કરે ? દિલ્હી તો ઘણું વેગળું પડ્યું, ત્યાં જઈ શી રીતે કરાય ? માટે જ્યારે તેઓને ફરિયાદ કરવાની જગા રહી નહી ત્યારે હરેક જુલમને પ્રસંગે પહેલાં તો તેઓ હુલ્લડ ઉઠાવવા લાગ્યા, પણ મુસલમાનેનું લશ્કર પાસે જ હતું તે તેઓના ઉપર તુટી પડતું, અને જરા પણ દયા રાખ્યા વિના તેઓને ઘાસની પેઠે વાઢી નાંખતું, આખરે તેઓનું કંઈ વળતું નહી. મફતના હજારો માર્યા જતા, અને એ પ્રમાણે સામે થવાથી જુલમ તો વધતો જતો, તેથી તેઓ ધીમે ધીમે બકરાં જેવા થઈને બેઠા. તેઓનો જુસ્સો નરમ પડી ગયો, તેઓનું શુરાતન નબળું પડવા લાગ્યું, અને તેઓની તલવાર તથા બીજાં લડાઈનાં શાસ્ત્રો કટાવા લાગ્યાં, બીચારા હિન્દુઓ ભાજી ખાઉ જેવા થઈ ગયા. લડવાને બદલે બડબડવાનું કામ વધારે ચાલ્યું. જેમ જેમ તલવાર કટાતી ગઈ તેમ તેમ જીભ વધારે તેજ થતી ગઈ, અને ગુલામગીરી તથા જુલમ ઘણા દહાડા મુંગા મુંગા સહન કરવાથી જુઠું બોલવાની ટેવ, ઢોંગ, લુચ્ચાઈ, હલકાઈ, નબળાઈ, આળસ વગેરે ઘણાએક દુર્ગુણો એ લોકમાં આવ્યા. પરદેશી જુલમી રાજ્યમાં રહેવાથી એ સઘળા દુર્ગુણો આવ્યા વિના રહેતા જ નથી તે પ્રમાણે હિન્દુઓને થયું, અને તેઓનાં મન પર એટલા તો જોરથી ચાંહોટ્યા કે તેઓની અસર આજ પાંચસેં વર્ષ થવા આવ્યાં તો પણ છેક ગઈ નથી.

મલેક કાફુરનો હુકમ અલફખાંને પોહોંચતાં તેણે લડાઈની તૈયારી કરવા માંડી, અને થોડી મુદ્દતમાં તેણે દશ હજાર માણસ એકઠાં કીધાં. એટલું લશ્કર લઈને તે પાટણ શહેરથી નીકળ્યો. કરણ રાજા જ્યારે નવ વર્ષ ઉપર એવા જ કામને સારૂ પાટણ શહેરમાંથી છેલ્લી વારે ગયો ત્યારે લોકોને જેવો ઉમંગ હતો તથા તેના વિજયને વાસ્તે જેવી આતુરતા લોકોએ બતાવી હતી તેવું આ વખતે કાંઈ જ જોવામાં આવ્યું નહીં. રસ્તામાં લશ્કરના માણસો સિવાય બીજું કોઈ ન હતું. કોઈએ તેઓને આશીર્વાદ દીધો નહી, તથા કોઈએ પરમેશ્વર પાસે તેઓનો જય પણ માગ્યો નહી. લોકો ઘણા દિલગીરીમાં હતા, અને અંતઃકરણમાં એવું ચાહતા હતા કે એ સઘળું લશ્કર ધુળધાણી મળી જાય તો સારું, તેઓ માજી રાજાને રોજ રોજ સંભાર્યા કરતા હતા. અને તેને લીધે તેઓની કરણ ઉપર એટલી તો પ્રીતિ વધી ગઈ હતી કે તેની પ્યારી કુંવરી મુસલમાનોને હાથ ન જાય, તથા કરણની અને તેની મદદે ગયલા રજપૂતોની અને તમામ હિન્દુ લોકોની આબરૂ રહે એમ ઇચ્છતા હતા. પણ તેઓને આશા ઘણી થોડી હતી; તેઓ અલ્લાઉદ્દીન પાદશાહનો સ્વભાવ સારી પેઠે જાણતા હતા, તેઓને ખબર હતી કે જે વાત પાદશાહ મન ઉપર લેતો તે વાત તે પાર પાડ્યા વિના રહેતો જ નહીં; તેઓને માલુમ હતું કે મુસલમાનોનું સામર્થ્ય ઘણું હોવાથી જો આ લશ્કરથી ધારેલું કામ બનશે નહી તો બીજું લશ્કર મોકલશે અને કરણની પાસે તો થોડાં માણસો હતાં, તેથી તેઓ જો કપાઈ ગયાં તો તેઓની જગાએ બીજાં આવવાનાં નથી, તથા તેની આવી પડતી હાલતમાં તથા તેના શત્રુઓની આવી ચઢતી અવસ્થામાં કોઈ રાજારાણા પણ તેને મદદ કરવાના નથી તેથી નિરાશ થઇને તેઓ પરમેશ્વર ઉપર ભરોસો રાખીને શું થાય છે, તે જાણવાની રાહા જોઈ બેશી રહ્યા.

એક મહીનામાં અલફખાં પોતાના લશ્કર સહિત બાગલાણ જવાના બે પહાડો વચ્ચેના એક સાંકડા રસ્તા આગળ આવ્યો. આગળ આપણે કહેલું છે કે બાગલાણની ચોતરફ મોટા ઉંચા પહાડો હતા, અને તે શહેરમાં જવાના ચાર દિશાએ ચાર રસ્તા હતા. એ રસ્તાઓ બે ઉંચા પહાડોની વચ્ચે થઈને હતા, અને તેઓ એવા તે સાંકડા હતા કે તેમાંથી ચાર પાંચ માણસો અને કેટલેક ઠેકાણે ઘણામાં ઘણાં દશ માણસો સાથે એક હારમાં ચાલી શકે, એ પ્રમાણે હોવાથી તેઓને બચાવ કરવો, એ સહેલું કામ હતું. એવે ઠેકાણે થોડા બહાદુર માણસો ઉભા રહે તો તેમનાથી દસ ગણાં માણસોને આવતાં તેઓ રોકી શકે. વળી પહાડોની ટોચ ઉપરથી બીજાં માણસો નીચેના લશ્કર ઉપર પુષ્કળ માર ચલાવી શકે અને નીચેના લોકો ઉપલાઓને ઘણું નુકશાન કરી શકે નહી, એ જ પ્રમાણે થરમૉપિલી આગળ થોડા જ યુનાની લોકોએ અસંખ્ય ઈરાનીઓને રોક્યા હતા, અને એ જ પ્રમાણે હમણાં ત્રણસેં રજપૂત સિપાઈઓએ પણ અલફખાંનું તમામ લશ્કર અટકાવ્યું.

કરણે પહાડોમાં થઈને બાગલાણમાં આવવાના સઘળા રસ્તા સાચવવા માણસો રાખ્યાં, અને એ પ્રમાણે નાકાબંધી કરી પોતે થોડાંએક માણસો સાથે રાખી પહાડોનાં મથાળાં ઉપર ફર્યા કીધું. જ્યારે તેને ખબર પડી કે ફલાણે નાકે દુશમન આવ્યા ત્યારે તે રસ્તાની બે બાજુ ઉપરના બે પહાડોની ટોચ ઉપર પોતાના માણસોને રાખી ઉભો રહ્યો. લડાઈને વાસ્તે સઘળી ગોઠવણ કીધી, તથા જુદા જુદા સામંતેાએ શાં શાં કામ કરવાં, લડાઈનો શી રીતે પ્રારંભ કરવો, શી રીતે તેને ચલાવવી, કોણે કોને મદદ આપવી, વગેરે ઘણોએક બંદોબસ્ત કીધો, અલફખાંએ થોડેક દૂર છાવણી નાંખી એક જાસુસ કરણની પાસે મોકલ્યો. અને તેને કહેવડાવ્યું કે “તમારે તમારી છોકરી જલદીથી અમારે સ્વાધીન કરી દેવી, એટલે અમે તમને કાંઈ પણ ઉપદ્રવ કીધા સિવાય પાછા ફરીશું, અને તેમ કીધાથી અમારા માણસનો, પૈસાનો, તથા વખતને જે બચાવ થશે તેને બદલો અપાવવાને અમે અમારા મુખ્ય સરદાર નાયબ મલેક કાફુરને તમારે વાસ્તે ભલામણ કરીશું. તે આ વાત પાદશાહને જણાવશે એટલે તમને માટે ફાયદો થયા વિના રેહેશે નહીં. માટે જો તમને તમારો તથા તમારા માણસોનો જીવ વહાલો હોય, જો તમારે આ નિષ્ફળ પ્રયત્ન કરવામાં પૈસા નકામા નાંખી ન દેવા હોય, અને તમારે જો સુખેથી રહેવું હોય તો અમારા કેહેવા પ્રમાણે તરત અમલ કરો, તમે અમથાં મોતનાં ફાંફાં મારો છો. તમે શું એમ ધારો છો કે તમારાં મુઠીમાં સમાય એટલાં માણસથી અમારૂં લશ્કર જીતાવાનું છે ? શું એક મોટી જોરાવર નદીનું પૂર હાથે વતી અટકાવી શકાશે ? આસમાન તુટી પડશે તેને પગે વતી ઝીલી લઈ પોતાનાં બચ્ચાંનું રક્ષણ કરવાની મતલબથી ટીટોડી ઉંચા પગ રાખી સુવે છે તેના જેવી બેવકુફી તમારામાં છે, એમ હોવું જોઈએ તો નહીં, માટે ડાહ્યા થાઓ; વિચાર કરો; અને કોઈ બે અક્કલ, વિચાર વગરના માણસની શિખામણ ઉપરથી તમે આ મુડદાંઓ એકઠાં કરી મોત માગી લ્યો છો, બળતી આગમાં ઝંપાલાવાનું કરો છો, તથા કાળને વગર બોલાવે મળવા જાઓ છે, એ કામ એક કોરે મૂકો. જો તમે લડવા લાયક શત્રુ હોત તો તમારી સાથે હાથ મેળવવા અમે જરા પણ આચકો ખાત નહી. પણ તમારી આવી હાલતમાં તમારી સાથે લડતાં અમને શરમ લાગે છે, અમને ધિઃકાર આવે છે, અમને તમારી ઉપર દયા આવે છે. વળી તમને જીતવામાં આબરૂ શી ? સિંહે એક ઉંદર માર્યો એમાં કાંઈ સિંહની પ્રતિષ્ઠા વધતી નથી, માત્ર ઉંદરનો જીવ જાય છે. એક પેહેલવાને એક નાના બાળકને માર્યું તેમાં પહેલવાનની શોભા શી ? માટે આ લડાઈનો ઢોંગ મુકી દો, એવી છોકરાંની રમતથી અમે ડરવાના નથી. અમારા કહ્યા પ્રમાણે દેવળદેવીને આપી દો, મોડા કે વહેલાં એમ કીધા વિના તો છૂટકો નથી ત્યારે ભુંજીને વાવતા માં. જે કર્યા વિના ચાલે જ નહી તે તુરત કરવામાં ઘણો લાભ છે માટે તમારો શો જવાબ છે તે જલદીથી કહો.”

કરણ બોલ્યોઃ “અમે રજપૂત મોતથી બીહીતા નથી. અમે મરવાને જ આવેલા છીએ, તે જીવતા પાછા ઘેર જવાના નથી. અમે તમને, તમારા પાદશાહને, તમારા લશ્કરને ધિઃકારીએ છીએ, અમને સહાય કરનાર પરમેશ્વર છે. અમે એક તેનો ભરોંસે તથા સત્યને આધારે લડીએ છીએ. પછી જો હારીશું તો અમારાથી જેટલું બન્યું તેટલું કીધું એટલો જ અમને સંતોષ થશે. માટે જ્યાં સુધી અમે જીવતા છીએ ત્યાં સુધી દેવળદેવીને અમે કદી તમારે સ્વાધીન કરનાર નથી. કદી નહી, કદી નહી, કદી નહી, જો લેવી હોય તો આવીને લઈ જાઓ. એટલો જ મારો જવાબ છે, તે જેણે તમને મોકલ્યા હોય તેમને પહોંચાડજો.”

જાસૂસે જઈને અલફખાંને કરણનો જવાબ સંભળાવ્યો, તે ઉપરથી અલફખાંને ઘણોજ ક્રોધ ચઢ્યો, અને તેણે એકદમ કુચ કરી આ જુઠી હિંમતવાળા ઘેલા રજપૂતડાઓને મારીને હાંકી મૂકવાનો લશ્કરને હુકમ કીધો. મુસલમાન સીપાઇઓ સહેજ જીત મળશે, એવો પૂરો ભરોસો રાખી તથા કોઈક્ષુદ્ર પ્રાણીને પગતળે છુંદી નાંખવું હોય એટલી બેપરવાઈ રાખીને આગળ ચાલ્યા. પણ જ્યારે તેઓએ રજપૂતો પાસે નાકું છેડાવવાનો પ્રયત્ન કીધો ત્યારે તેઓને તેઓની ભૂલ માલમ પડી, દુશ્મન કાંઈ ધિ:કારવા લાયક ન હતા, પાસે આવતાં જ રજપૂતોએ એવો તાકીને તેઓના ઉપર બાણનો માર ચલાવ્યો કે મુસલમાન સીપાઈઓની હાર તુટી, તેઓ આશ્ચર્ય પામી ઉભા રહ્યા, અને આગળ જવાની તેઓમાં હિંમત રહી નહી. અલફખાંએ તેઓની હિમ્મત જાગૃત કરવાને ઘણી મહેનત કીધી, તથા તેઓને ઘણા સમજાવ્યા, પણ આ પહેલા જ સપાટાથી તેઓમાં એવી તો દેહેશત ભરાઈ ગઈ તથા આટલાં થોડાં માણસોની હિંમત જોઈને તેઓ એવા તે વિસ્મિત થયા કે તેઓ થોડી વાર સુધી જડ ભરતની પેઠે ઉભા જ રહ્યા, અને પછી એકાએક તેએાએ પીઠ ફેરવી નાસવા માંડ્યું, અલફખાં ઘણો ગુસ્સે થયો, પણ લાચાર, તે શું કરે ? તોપણ તેઓ થોડેક સુધી નાઠા પછી તેણે તેઓને અટકાવ્યા, તે દહાડો તો જવા દીધો, પણ બીજે દહાડે પાછી ચઢાઈ કીધી. આ વખતે પહાડ નીચેનાં માણસોએ આગલા દહાડાની પેઠે બાણની વૃષ્ટિ કીધી, પણ તેથી મુસલમાને ઉપર ઘણી અસર થઈ નહી. તેઓ આગળ વધ્યા જ ગયા. રજપૂતોને પાછા હઠવું પડ્યું, અને જેમ જેમ તેઓ પાછા હઠતા ગયા તેમ તેમ મુસલમાનો આગળ વધતા ગયા. જ્યારે તેઓ સાંકડી નાળમાં ફસાઈ ગયા ત્યારે રજપૂતોએ અટકી પડવા માંડ્યું અને ઉપરથી કરણના માણસોએ તીરનો માર નીચે ચલાવ્યો. મુસલમાનેએ આવું ધાર્યું ન હતું. તેઓના ઉપર બે તરફથી હુમલો એક્કી વખતે થયો. જો ઉપરના શત્રુ સામે પોતાનો બચાવ કરવા જાય તો નીચેના માણસે તેઓને ભાલેવતી વીંધી નાંખે. અને એથી ઉલટું કરવા જાય તે ઉપરથી તીરને વરસાદ વરસે. એ પ્રમાણે થવાથી મુસલમાન સીપાઈઓ ઘણાં અકળાઈ ગયા. તેઓની એકેક હારમાં પાંચ કરતાં વધારે માણસ રહી શકે એટલી જગા નહી હોવાને લીધે તેઓનું કાંઈ જોર ચાલ્યું નહીં. તેઓમાંથી ઉપરાઉપરી માણસો મરવા લાગ્યાં, અને આગળ કાંઈ થાગ લાગશે નહીં, એવું વિચારીને તેએા વેરાઈ ગયાં; તેઓમાં ભંગાણ પડ્યું, તથા છૂટક છૂટક સઘળાં નાસવા લાગ્યાં, આવી અવસ્થામાં રજપૂતોએ એક ધસારો કરી દુશમનના ઘણાએકને કાપી નાંખ્યા, અને પાછા પોતાને નાકે જઈ ઉભા રહ્યા. જો કરણ રાજાએ દોડ કીધી હોત તો તેની મોટી મૂર્ખાઈ થાત. કેમકે તે મેદાનમાં પડત અને તેના દુશ્મન પાછા ફરીને તેને સપડાવત તો તેની ખરાબી થયા વિના રેહેત નહીં. પણ આ વખતે પહેલાંના જેટલી તેણે બહાદૂરી તો બતાવી પણ તેની સાથે ડહાપણ વધારે વાપર્યું. જો એટલું ડહાપણ તે વખતે વાપર્યું હોત, જો હમણાંની પેઠે તે બીજા અનુભવી તથા પ્રવીણ શૂરા સામંતેાની સલાહ પ્રમાણે ત્યારે ચાલ્યો હોત તો તેને આ દહાડો આવત નહી. આ વખતે તેના ડહાપણનું ફળ એ થયું કે મુસલમાન લશ્કરનું કાંઈ ચાલ્યું નહીં. તેઓ રોજ રોજ તેના ઉપર હુમલો કરતા. પણ હરેક વખતે હાર ખાધા વિના તેઓ પાછા જતા નહી, મુસલમાન સીપાઈઓ ઘણા ગભરાયા તથા ચીઢવાયા. તેઓનો સરદાર પણ ઘણો ગુસ્સે થયો, અને જય પામ્યા સિવાય ત્યાંથી જવું નહીં, એવો તેણે પક્કો ઠરાવ કીધો. પણ તેનાં માણસો ઘણાં મરાયાં, બાકી રહેલાં નિરાશ તથા નાહિમ્મત થઈ ગયાં. અને બીજા સીપાઈઓ એકઠા કરવાને તેણે જે મેહેનત કીધી તે હજી સુધી પાર પડી નહી. તેને ઘણી જ શરમ લાગી, તથા આટલાં થોડાં માણસને તેનાથી હાંકી કઢાતાં નથી, એ વાત જો મલેક કાફુર અથવા પાદશાહ જાણશે તો તેની કેવી ફજેતી થશે, તથા આગળ જે જે પરાક્રમો કરી તેણે કીર્તિ મેળવી હતી, તે સઘળી આ સેહેજ વાતમાં ડુબી જશે, એવી ચિંતા થવા લાગી. તેણે ઘણાં ફાંફાં માર્યા, તેણે લશ્કર ઉપાડી છાનામાના બીજા રસ્તાઓમાંથી જવાનું કીધું, પણ જ્યાં જ્યાં તે ગયો ત્યાં ત્યાં તેની સામે તૈયાર થયેલા રજપૂતો લડવાને નીકળ્યા, અને કરણ પણ પોતાના માણસોની સાથે બહુરૂપી અથવા ભૂત હોય તે પ્રમાણે રસ્તાને મથાળે માલમ પડ્યો. એ પ્રમાણે બે મહીના સુધી કરણ રાજાએ ઘણા ડહાપણથી તથા બહાદુરીથી લડાઈ ચલાવી, અને અલફખાંએ ગમે તેટલા પ્રયત્ન કીધા તો પણ તેને કોઈ પણ રસ્તે બાગલાણ આવવા દીધો નહીં. મુસલમાન સીપાઈઓ થાકી ગયા, અને તેઓનાં ઘણાંએક માણસો માર્યા ગયાં હતા તેથી અલફખાંએ ઠરાવ કીધો કે જ્યાં સુધી નવા બોલાવેલા સીપાઈઓ આવી પોંહોંચે ત્યાં સુધી લડાઈનું કામ બંધ રાખી એક ઠેકાણે છાવણી નાંખીને રેહેવું. એ ઠરાવથી કરણને પણ મોટો ફાયદો થયો. તે પણ લડી લડીને કાયર થઈ ગયો હતો; તેને ઘણા એક જખમ વાગ્યા હતા, તથા લડાઈની થાક તથા ફિકર ચિંતાથી તેનું મન બેબાકળું થઈ ગયું હતું. તેને આરામ લેવાની ઘણી જ જરૂર હતી, તેનાં માણસો અસલ પાંચ હજાર હતાં તે મરતાં તથા ઘાયલ થતાં માત્ર બે હજાર રહી ગયાં હતાં. તેઓ પણ ઘણાં અશક્ત થઇ ગયાં હતાં, માટે જે થોડો વિરામ મળ્યો તેથી બન્ને તરફનાં માણસોને ફાયદો થયો, હવે કરણ રાજાએ પોતાની વ્યવસ્થા ઉપર વિચાર કરવા માંડ્યો અને આગળ પાછળની તમામ હકીકત જોતાં તેના મનમાં ઘણી ઉદાસી ઉત્પન્ન થઈ. જે બે હજાર માણસ રહી ગયાં તેમાં ઘટાડો થયાં કરવાનો, વધારાની તો તેને કદી આશા ન હતી; એથી ઉલટું તેને ખબર હતી કે મુસલમાનોના લશ્કરમાં જલદીથી વધારો થવાનો હતો, અને જ્યારે તેઓની મદદે નવા સીપાઈઓ આવશે ત્યારે પોતાનાં થોડાં રહી ગયેલાં માણસો તેની સાથે લડી શકશે નહી, એવી તેને ખાતરી હતી. અંતે તેઓ બાગલાણનો કિલ્લો સર કરવાના, અને તેને અંતે તેઓ બળાત્કારે દેવળદેવીને લઈ જવાના એ પણ નિશ્ચય હતું. લડવાથી માત્ર દહાડા નીકળે છે; બીજો કાંઈ ફાયદો નથી. તેના હાથ નીચેના સીપાઈઓને પણ મરવા સિવાય બીજી કાંઈ આશા ન હતી, અને મરવાની સાથે પણ જે કામને વાસ્તે મુસલમાન લોકો આવેલા છે તે સિદ્ધ કીધા વિના તેઓ પાછા જવાના નથી, એવી તેમના મનની ખાતરી હતી.

હવે કરણે શું કરવું ? લડી લડીને પોતાનાં માણસોનાં નકામા જીવ ખોવડાવવા, પોતે પોતાને હાથે મરવું કે લડાઈનો અંત આવે; અથવા પોતાની પુત્રી દેવળદેવી જે આ લડાઈનું સઘળું કારણ હતું તેને તેણે મારી નાંખવી કે પછી લડાઈ આગળ ચલાવવાની મતલબ રહે નહી. એ ત્રણે રસ્તા ભયંકર હતા. લડવાથી કાંઈ ફળ ન હતું. તેમાં માત્ર માણસો તરફનું નુકશાન થયાં કરતું. પોતાના હાથે તો કેમ મરાય ? એ વાત પણ કરણને ગમે નહીં. આપઘાત કરવામાં ઘણું પાપ છે, એમ તે જાણતે હતો; અપઘાત કરવાથી નરક કુંડમાં પડાય એમ તેણે સાંભળ્યું હતું તથા આપઘાતથી લોકોમાં અપકીર્તિ થાય એ નક્કી હતું. વળી જે નર જીવે તેને સઘળું મળે; મુઆ પછી સઘળી આશા છોડવાની છે; માટે આપઘાત તો કરવો નહીં. હવે દેવળદેવીને મારી નાખ્યા સિવાય બીજો કોઈ ઉપાય રહ્યો નહી. એ કામ ઘણું દુષ્ટ, ભયંકર, અસ્વાભાવિક તથા ચંડાળને લાયક, તો પણ તેવું કામ કરવાને રજપૂતોને થોડી જ ફીકર હોય છે. તેઓના તો આબરૂ વિષે ઘણા જ વિલક્ષણ વિચાર હોય છે, જે વાતમાં તેઓએ આબરૂ માની લીધી તે વાતમાં ગમે તેવું ક્રૂર કામ કરવું પડે તો પણ તેઓ જરા પણ આચકો ખાતા નથી. વળી તેના વિચાર પ્રમાણે સ્ત્રી જાતિને આબરૂ સૈૌથી વધારે પ્યારી હોવી જોઈએ, અને તેઓના ભાટચારણના રાસા તથા દંતકથા ઉપરથી જણાય છે, કે ઘણાંક બઈરાંએ આબરૂનું પ્રતિપાલન કરવાને જ પોતાનો વહાલો પ્રાણ અર્પણ કરેલો છે. માટે આવી વખતે દેવળદેવીએ પણ મુસલમાનોના હાથમાં પડવા કરતાં પોતાને હાથે પોતાનો પ્રાણ કાઢવો જોઈએ, અને જ્યારે તે પોતાની મેળે તેમ કરતી નથી, ત્યારે કોઈએ તેને વાસ્તે તે કામ કરવું જોઈએ.

એ પ્રમાણે એક રાત્રે કરણ પોતાના મનમાં વિચાર કરતો હતો. ઘરમાં સઘળાં ચુપાચુપ સુઈ ગયલાં હતાં. એક દીવો માત્ર ઝાંખો ઝાંખો બળ્યાં કરતો હતો, અને મધ્યરાત્રને સમયે તેનો સુવાનો ઓરડો જાણે ખાવા ધાતો હોય એવો દેખાતો હતો. એવે વખતે વિચાર કરતાં કરતાં એટલો તો તે જુસ્સા ઉપર ચઢી ગયો, તથા તેને એટલું તો શૂર ચઢી આવ્યું કે પથારી ઉપરથી એક છલંગ મારી તે કૂદી પડ્યો અને પોતાની તલવાર ખેંચી જે ખાટલા ઉપર દેવળદેવી સુતેલી હતી ત્યાં જઈને ઉભો રહ્યો. દેવળદેવી ભર નિદ્રામાં સુતેલી હતી. તેના સુંદર કેશ છુટા વખેરાઈ ગયલા ગમે તેમ પડેલા હતા. તેની ચળકતી આંખો ઉપર પોપચાં અડધાં બીડાયલાં હતાં, તે રાત્રે જેમ કમળના પુલની પાંખડીઓ બંધ થાય છે તેના જેવી દેખાતી હતી. તેના ઓઠ જરા જરા આઘા રહેલા હતા, તેમાંથી તેનો ખુશબોદાર શ્વાસ નીકળતો હતો, અને એક ખીલેલા ગુલાબની પેઠે તેઓ મન્દમન્દ હસતા હોય એમ દેખાતા હતા. તેનું આખું શરીર નિદ્રાને વશ થઈ બેભાન પડ્યું હતું. અને તેનું સુંદર વદન નિર્દોષપણાને લીધે આનન્દમાં દેખાતું હતું. તે સ્વર્ગથી ઉતરી આવેલી અપ્સરાના જેવી લાગતી હતી, તેને માત્ર જોવાથી જ ગમે તેવા ખુની માણસનું પણ ખુન ઉતરી જાય, આવા પરલોકના પ્રાણીને ઉપદ્રવ સરખો પણ થાય નહી તો પછી તેને મારવાને કયા દુષ્ટ ચંડાળનો હાથ ઉપડે ? વળી આ ઠેકાણે તો તેનો બાપ જ ખુની હતો. તે બંનેની વચ્ચે સહવાસથી ઘણો જ ગાઢો પ્યાર બંધાયલો હતો. જેથી જ્યારે કરણે તેની ઉંઘતી દીકરીનું મ્હોં જોયું એટલે તુરત તેના હાથમાંથી તલવાર નીચે પડી ગઈ અને તે ત્યાં સ્તબ્ધ થઈને ઉભો રહ્યો. અરે ! હું કેવો રાક્ષસ ! હું કેવો રાની પશુ ! કે આવું નિર્દય કામ કરવા તૈયાર થયો હતો. અરે પરમેશ્વર ! તેં ઠીક વખતે મને રોક્યો, નહી તો આજ હું મારી આ તલવાર મારી છોકરીના અંત:કરણમાં ખેાસત. શિવ ! શિવ ! શિવ ! રે ભગવાન ! હું આ શું કરતો હતો ? શું હું મારે હાથે મારૂં વાવેલું કુમળું ઝાડ કાપી નાંખતો હતો ? શું મારે હાથે મારી જીન્દગીનો આધાર તોડી નાંખતો હતો ? તે કરતાં તેને શંકળદેવને પરણાવવામાં શી હરકત છે? તેને તેની સાથે પરણવું બહુ ગમે છે; શંકળદેવને વાસ્તે હરઘડી હિજરાયાં કરે છે; તેણે શંકળદેવના વિયોગથી પોતાની સઘળી કાયા ગાળી નાંખી છે ત્યારે જો હું તેને દેવગઢ પરણાવું તો લડાઇ પતી જાય. દેવગઢનો રાજા તેનું રક્ષણ કરવાને સમર્થ છે, અને તેને તો જુદા કારણને સારૂ અલાઉદ્દીનના લશ્કર સાથે યુદ્ધ કરવું જ છે. માટે તેની સાથે એ છોકરીનું લગ્ન કરવું. તેની જાત હલકી તો છે ખરી, તે મરેઠો છે માટે તેની પદવી રજપૂતોના જેટલી તો નથી તો પણ તેઓ યાદવ છે; અને આવી લાચારીને વખતે કુળ જોવામાં કાંઈ ફાયદો નથી ઉલટું નુકસાન છે. માટે શંકળદેવ તથા દેવળદેવીએ જે ખાનગી લગ્નની પ્રતિજ્ઞા કીધી છે તે મારે મંજુર છે. એ ઠરાવથી તેને શાંતિ થઈ, અને તેના મનનું તોફાન નરમ પડી, તેને ઉંઘ આવી.

આ વાત બન્યા પછી થોડેક દહાડે કરણની છાવણીમાં એવી બુમ ચાલી કે દેવગઢ તરફથી એક લશ્કર આવે છે. તે કોનું હશે એ ન જાણવાથી કરણના સીપાઈઓમાં ઘણો ગભરાટ થયો, અને તેઓના મનમાં એવો સંદેહ ઉપજ્યો કે જે લશ્કરની મુસલમાન લોકો રાહ જોય છે તે એજ હશે. તેથી તેઓ સઘળા તેને અટકાવવાને તૈયાર થઇ ગયા. અલફખાંએ એવું ધાર્યું કે મને જતાં વાર લાગી તેથી મલેક કાફુરે મને આ મદદ મોકલી હશે તેથી તેનાં માણસો ઘણાં ખુશ થયાં, અને આ નવા આવનારાઓને આદરમાન આપવાને તેઓ સઘળા તત્પર થઈ રહ્યા. જ્યારે તે લશ્કર થોડું પાસે આવ્યું ત્યારે એવું માલમ પડ્યું કે, એ તો ભીમદેવ થોડાંએક માણસે લઈને આવે છે, પણ તેની આવવાની શી મતલબ હશે તે કોઈના જાણ્યામાં આવ્યું નહી. અલફખાંનને હવે નક્કી થયું કે જેઓ આવે છે તેઓ તેના મદદગાર નથી પણ ઉલટા શત્રુ છે માટે તેઓને અટકાવી પાછા વાળવા જોઈએ, અને તે કારણસર તેણે પોતાનાં થોડાં માણસો આગળ મોકલ્યાં. કરણ પણ ઘણા સંદેહમાં પડ્યો. ભીમદેવની લશ્કર લઇને આવવાની શી મતલબ હશે? શું તેનો વિચાર દેવળદેવીને બળાત્કારે લઇ જવાનો હશે ? જો એમ હશે તે પહેલાંથી જ હું તેને મારી ખુશી બતાવીશ, પછી તે શામાટે જોર કરશે ? શું તેનો વિચાર ફરીથી દેવળદેવીનું માગું કરવાનો હશે ? એમ હોય (હોય તો કેવું સારૂં ) તો હું તેના ઉપર જાતે મોટો ઉપકાર કરતો હોઉં એવું દેખાડી કેટલીએક શરતે તેની વાત કબુલ કરીશ. તે અલફખાંને મદદ કરવાને તો આવ્યો નહી જ હશે તેને અને અલાઉદ્દીન પાદશાહને તો કટ્ટુ વેર છે પણ હવે તે આવશે ત્યારે સઘળી વાત જલદીથી જણાઈ આવશે.

ભીમદેવે પોતાની સામે લડવાને મુસલમાનોનું એક લશ્કર આવે છે એમ જાણીને, તથા લડાઈ કરી વખત ખોવાની તેની ખુશી ન હતી તેથી પોતાનો રસ્તે બદલ્યો, અને એક અજાણે માર્ગથી પોતાનું લશકર લઇ જઈ જલદીથી કરણની છાવણીમાં જઈ પોંહોંચ્યો. મુસલમાન લોકોની ટુકડી ઘણે આગળ ગઈ, પણ ભીમદેવનાં માણસોને કંઇ દીઠાં નહીં, આસપાસનાં ગામના લોકોએ ખોટી ખબર આપી તેઓને આણીગમ તેણીગમ ઘણા રઝળાવ્યા, અને પછી તેઓ જ્યારે કટ્ટી ઝાડીમાં સપડાઈ ગયા ત્યારે તેઓના ઉપર ગામડીયા તથા પહાડી લોક તુટી પડ્યા. આવે વખતે થોડાએક મુસલમાન લોકો શું કરે ? તેઓને નાસવાનો કાંઇ રસ્તો જડે નહી, ચોતરફથી ઘેરાઈ ગયા તેથી તેઓ નિરાશ થઈ મારીને મરવું, એવો નિશ્ચય કરી લડવાને ઉભા રહ્યા. પણ શેરને માથે સવાશેર, અજાણે ઠેકાણે ઝાડી અને પહાડોની વચ્ચેવચ આવી ગયેલા અને દુશ્મન એક પણ જણાય નહીં, પણ તેઓનાં તીરને વરસાદ માથા ઉપર વરસ્યાં જ કરે, તેથી એક બે દહાડામાં તેઓ સઘળા માર્યા ગયા, અને તેઓમાંથી એક પણ પોતાના સોબતીઓની ખબર કરવાને અલફખાંની પાસે જઈ શકયો નહી.

ભીમદેવનું કરણે ઘણું સન્માન કીધું તથા તેને પરોણો જાણી પોતાની પાસે રાખ્યો, રસ્તાની મુસાફરીથી જે થાક લાગ્યો હતો તે ઉતર્યા પછી ભીમદેવે દેવળદેવીની વાત કાઢી, અને કરણને સમજાવીને કહ્યું કે “શંકળદેવ તથા દેવળદેવીની વચ્ચે અસાધારણ પ્યાર બંધાયેલો છે. શંકળદેવ દેવળદેવી વિના ક્ષયરોગમાં પડ્યો છે; અને તેને જો તે નહી મળશે તે તેનું નક્કી મૃત્યુ થશે, દેવળદેવીને પણ તે જ પ્રમાણે તેને વાસ્તે લાગતું હશે. હવે તેઓને પરણાવવામાં તમારી તરફથી શી હરકત છે? કુળની. બીજી કાંઈ નથી. પણ તમે મારા અભિપ્રાય પ્રમાણે એવા મુર્ખ નહીં હો કે એવી જુજ વાતને વાસ્તે તમારી છોકરીના સુખનો નાશ કરશો, તથા તમને થતા લાભ મૂકી દેશો. કુળની વાત ઘણી જ નજીવી છે. જેવા તમે રજપૂત તેવા અમે યાદવ છીએ. માટે એ લગ્ન કરવામાં તમને કાંઈ કલંક લાગવાનું નથી; પણ ફાયદા કેટલા થશે એને તે વિચાર કરો. આ સઘળી લડાઈ દેવળદેવીને વાસ્તે છે. જો અલફખાંને ખબર થશે કે જે રાજકન્યા લેવા આવ્યા છીએ તે તો બીજાના હાથમાં જઈ ચુકી તો તે તુરત છાવણી ઉપાડી અમારી સાથે લડવાને આવશે, પછી અમે છીએ અને તેઓ છે. વળી અમે તમને માણસની તથા પૈસાની મદદ કરીશું, એટલે જ્યાં સુધી મારાથી દેવળદેવીને લઈને દેવગઢ પહોંચાશે નહી ત્યાં સુધી આપણે બચાવ કરી શકીશું. માટે મારી વાત કબુલ કરો.”

કરણને એ સઘળું સાંભળવાની આશા જ હતી, તથા તેને શો જવાબ દેવો, એ પણ તેણે આગળથી નક્કી કરી રાખેલો જ હતો. તેપણ તે બહારથી ઘણો દિલગીર જણાયો, અને થોડી વાર સુધી જવાબ દેવામાં આનાકાની કીધી. પણ જ્યારે તેના ભીમદેવે ઘણા કાલાવાલા કીધા, ત્યારે તે બોલ્યોઃ “તમે કહો છો તે સઘળું ખરું છે, તમારા ભાઈ સાથે મારી દીકરીનું લગ્ન કીધાથી તમે ફાયદા બતાવો છે તે મને થાય તો ખરા, પણ કુળની વાત ઉપરથી જ મારૂં મન આચકો ખાઈ જાય છે. હલકા કુળમાં છોકરીનાં લગ્ન કરવાં એમાં અમે ઘણામાં ઘણી ગેરુઆબરૂ માનીએ છીએ, પણ જો શંકળદેવને નહીં પરણાવું તો તે મ્લેચ્છ તુરકડાએાના હાથમાં પડશે, એ પણ વિચારવું જોઈએ. તમને અમે હલકા ગણીએ છીએ. તો પણ તમે મુસલમાનો કરતાં લાખ, કરોડ દરજજે સારા છો, માટે બેમાંથી તમારી સાથે સંબંધ કરવો વધારે સારો છે, એમ સમજી તમારી વાત કબુલ કરૂં છું. પણ તમારાથી એ દેવળદેવીને ઈહાંથી શી રીતે લઈ જવાશે ? અલફખાંની મદદે એક મોટું લશ્કર એક બે દહાડામાં આવનાર છે, તે આવે તેની અગાઉ તમારે ઈહાંથી જવું જોઈએ. હું પણ તમારી સાથે આવીશ, અને તમારી લડાઈમાં સામેલ થઈ મારાથી બનશે એટલી મદદ કરીશ. માટે હવે ઉતાવળથી દેવળદેવીને લઈને આપણે સઘળાએ કોઈ આડે અવળે રસ્તે બહાર નીકળી જવું જોઈએ. દેવગઢ પહોંચ્યા એટલે પા૨ ૫ડ્યા, ”