કરણ ઘેલો/પ્રકરણ-૪
← પ્રકરણ ૩ જું | કરણ ઘેલો પ્રકરણ ૪ થું નંદશંકર મહેતા ૧૮૬૬ |
પ્રકરણ ૫ મું → |
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો. |
અરે રામ ! આ શું થયું ? અરે દુષ્ટ દૈવ ! આ તારો શો કોપ ? અરે ભગવાન ! મેં શું કીધું કે મારા ઉપર આટલી ઉપરાઉપરી આફત આવી પડી? રાજાએ તે દહાડે મને ગામ જવાનો હુકમ કીધો તેની મતલબ હવે સમજાઈ. તે દુષ્ટ ચંડાળનો મારૂં ઘરજ ઉખેડી નાંખવાનો વિચાર હતો, એવો કૃતઘ્ની રાજા પૃથ્વી ઉપર કોઈ થયો જ નથી અને થશે પણ નહીં. જ્યારે સારંગદેવ મરી ગયા ત્યારે તેને ગાદીએ બેસાડવાને કેટલી મહેનત કરવી પડી છે ? કેટલી યુક્તિઓ કામે લગાડવી પડી છે ? કેટલાં કાવતરાં કરવાં પડ્યાં છે ? અને એ બધું કર્યા પછી તેને ગાદી મળી ત્યારે તેણે કેવાં કેવાં મને વચન આપ્યાં છે ? પણ ત સઘળાં જુઠાં, 'ગરજ સરી એટલે વૈદ્ય વેરી' એ કહેવત પ્રમાણે થોડા વખતમાં મેં કીધેલો ઉપકાર તે ભુલી ગયો. હું જ મૂર્ખ કે એવા સાપના બચ્ચાને મેં દુધ પાઈને ઉછેર્યું કે તે મોટું થયા પછી પહેલાં તેણે મને જ ડંખ માર્યો. પણ એવી કૃતઘ્નતા પરમેશ્વર સાંખવાનો નથી, પણ ભવિષ્યની વાત શી કરવી ? હમણાં તો તેનાં દુષ્ટ કામનાં સારાં ફળ તે ભોગવે છે, જો તે દહાડે મેં મારી વહુની વાત સાંભળી હોત તો હું ગામ જાત નહીં, અને આ આફત કદાચ આવી પડત નહીં. પણ દૈવની સામે કોણ ડાહ્યા છે? લખીત વાત સો ભવે પણ મટતી નથી. વિધાતાના જે લેખ છે તે પ્રમાણે થયા વિના રહેતું જ નથી. પણ આવું દુઃખ સામટું કોઈને પડ્યું જ નહી હશે. સ્ત્રીને રાજા લઈ ગયો એટલું જ દુઃખ માણસનું અંતઃકરણ કોતરવાને બસ છે; પણ તેની સાથે આ તો મારો નાનો ભાઈ જેને મેં લાડથી ઉછેરેલો, જેને મેં મારા છોકરા જેવો જાણેલો, તે આવે અકાળ મોતે મુએ એથી તો સીમા વળી. અરે કેશવા, તને ધન્ય છે! તેં તારો જીવ આપ્યો, પણ જીવતો રહી આપણા ઘરની સ્ત્રીને પારકાના હાથમાં જવા ન દીધી. તેં તારા જોરનું સાર્થક કીધું. સબળે અબળનું રક્ષણ કરવું જોઈએ તેમ કરવામાં તેં તારો દેહ પાડ્યો તેથી તું હમણાં કૈલાસ લોકમાં બિરાજતો હોઈશ અને તે વિચારથી મારૂં દુઃખ અર્ધું ઓછું થાય છે. પણ એટલું પણ દૈવને બસ ન લાગ્યું. હમણાં જેઠાશાને મોતીશા આવ્યો, તેના કહેવાથી જણાયું કે ગુણસુંદરી સતી થઈ. ને તેના સ્વામીની સાથે બળી મોઈ. એથી હરખાવું કે શોક કરવો તે સમજાતું નથી. ઘર તો જડમૂળથી ઉખડી ગયું. વંશવૃદ્ધિની તો હવે આશા રાખવી ફોકટ. પણ નામ તો અમર રહેવાનું. ગુણસુંદરીના સ્વાત્માર્પણથી આખા કુળની, આખી ન્યાતની પ્રતિષ્ઠા વધી, અને મારી સાત પહેડી તરી. શી માણસની અવસ્થા છે ! મોટાઈ કેવી અનિશ્ચિત છે ! આજ છે અને કાલે નથી. જેવું બીડમાંનું સુકું ઘાસ, જેને બળતાં જરા પણ વાર લાગતી નથી; સૂર્યાસ્ત થતી વખતની જેવી છાયા, તે વખતે તો તે ઘણી મોટી દેખાય છે, પણ થોડી વાર પછી નહીં સરખી થઈ જાય છે; તે તો એક નિદ્રાનું સ્વપ્નું, જાગ્યા એટલે કાંઈ મળે નહી. દસેરાને દહાડે કેવી સ્થિતિ હતી, અને આજ કેવી? આશરે દશ કોશ સુધી દમ ખાધા વિના પગે ચાલીને હું ઈહાં આવી પહોંચ્યો. મારા બધા ચાકર, સિપાઈ આજ કયાં ગયા? હું તો એકલો ફરૂં છું, તો પણ હું જીવું છું એટલી મહાદેવજીની કૃપા છે. જો હું પણ મરી ગયો હોત તો એ દુષ્ટ રાજા સુખેથી બેસત. પણ હું હવે તેનો કાળ થઈ ભટક્યાં કરીશ. અને તેને એક દહાડો પણ ચેન પડવા દઈશ નહીં, એનું વેર લીધા વિના રહેવાનો નથી. અરે! ક્રોધપુત્ર વેર, તું મારી છાતીમાં જાગૃત થા. હવે તારૂં કામ છે. જ્યાં લગી આ દેહમાં આત્મા છે, ત્યાં સુધી તું છાતીમાં જ વાસ કરજે. વેર તો આખા જગતમાં પથરાયલું છે. કદાપિ કેટલાંક પુસ્તકોમાં તેની નિંદા કીધેલી હશે પણ તેથી કાંઈ તેની શક્તિ જરા પણ ઘટી નથી, નિર્જીવ પદાર્થો પણ વેર લે છે. જો હું આ ભીંત ઉપર મારો હાથ ઠોકું તો તે ભીંત મને સામું તેટલું જ મારે છે. તે શું વેર નથી લેતી ? કુતરાને પથ્થર મારીએ તો તે સામે ભસીને કરડવા નથી આવતો ? સાપને પગ તળે છુંદીએ તો તે આપણને કરડીને આપણો પ્રાણ નથી લેતો ? એ પ્રમાણે કયું અવાચક પ્રાણી જેનામાં વેર લેવાની શક્તિ છે તે તેને ઉપદ્રવ કીધા છતાં સામું વેર નથી લેતું ? વળી માણસને ધર્મશાસ્ત્રમાં ક્ષમા કરવી, દયા લાવવી, એ વગેરે બોધ થયા જ કરે છે, તો પણ તેઓ વેર લીધા વિના ચુકતા નથી. દેવતાઓ પણ વેર લે છે એવી વાર્તા આપણે પુરાણમાં કયાં નથી વાંચી ? વેર તો જગતનું રક્ષણ છે જો કોઈ વેર લે નહી તો દુનિયા ચાલે પણ નહી. જો કોઈ માણસને કોઈ ટપલો મારે તો તે સામા બે મારે છે; જો તેનામાં તેમ કરવાનું જોર નહી હોય તો જ ક્ષમા કરે છે, અથવા રાજા આગળ ફરિયાદ કરી તેને શિક્ષા કરાવે છે. એ તો अशक्तिमान भवेत साधु. જો એક માણસ બીજા કોઇનો કાંઇ માલ ચોરી જાય, અથવા તેને બીજી કોઈ પણ રીતે કાંઇ નુકસાન પહોંચાડે તો તેનું તે વેર લે છે. અથવા લેવડાવે છે. ડાહ્યા પુરૂષો કહે છે કે જો સઘળા લોકો પોતાના ઉપર ગુજરેલા અન્યાયને માટે પોતાની મરજી પ્રમાણે વેર લે તો દુનિયાની અવ્યવસ્થા થઇ જાય, અને જલદી તે લય પામે; માટે હરેક ગુન્હાને વાસ્તે રાજાને ફરીયાદ કરવી. અને જો તેનાથી દાદ ન મળે, તો પરમેશ્વર તરફથી ઈનસાફ મળશે જ એવો દૃઢ વિશ્વાસ રાખી બેસવું. પણ રાજા કાંઈ હમેશાં નિષ્પક્ષપતા હોતો નથી, અથવા ખરેખરો ન્યાય કરતો નથી, અને ઘણીએક વખતે તેમ થઈ શકતું પણ નથી. રાજા પોતે જ જ્યારે અપરાધી હોય, ત્યારે તેનો ઇનસાફ કોણ કરે ? કોઈ લાચાર થયા વિના પરમેશ્વરના ઇનસાફ ઉપર રહેવા દેતું નથી. એ તો મન વાળવાની વાત છે. જો મન મોટું રાખી આપણે હરેક ગુન્હેગારને ક્ષમા કરી જવા દઈએ તો દુનિયામાં ગુન્હેગારની સંખ્યા વધી જાય, અને જેટલા ગુન્હા થાય તે સઘળાનું પાપ આપણે માથે પડે. પરમેશ્વરની શિક્ષાથી થોડા જ બીહે છે. કોણ તે જોઈ આવ્યું છે ? જે સરકાર ઈનસાફ મુકી દઈને લોકોને કહે કે જે ગુન્હો કરશે તેનો બદલો તેને પરમેશ્વર તરફથી મળશે તો પછી ગુન્હો કરવાથી કેટલા અટકે છે તે જણાય. માટે વેર તો લેવું જ જોઈએ, અને જ્યારે આપણી બાબતમાં ગુન્હેગાર રાજા છે ત્યારે સ્વહસ્તે વેર લેવું, અને જો તેમ ન લેવાય તો જ તેને પરમેશ્વરને સોંપવો.
એવા વેરના તરંગ સિદ્ધપુરમાં રૂદ્રમાળાના દેવસ્થાનના સરસ્વતી નદી ઉપર જવાનાં પગથીયાંની પગથાળ ઉપર એક જુવાન માણસ રાતને વખતે ફરતો હતો તેના મનમાં ઉઠતા હતા. તેની છાતી ક્રોધથી ઉભરાઈ જતી હતી, અને તેનો ક્રોધ વ્યાજબી છે એમ જાણી સૃષ્ટિ પણ તેવી જ રીતે ક્રોધાયમાન દીસતી હતી. સરસ્વતી નદીમાં એટલું તો જોરથી પૂર વહેતું હતું કે તેમાં ઝાડનાં ઝાડ તથા મુએલ જાનવર ઘસડાઈ જતાં હતાં. આકાશ વાદળાંથી એવું તો ઘેરાઇ ગયલું હતું કે સામો માણસ અથડાય ત્યાં સુધી તેનું મ્હોં દેખાતું નહીં, વરસાદ પણ ઝરમર ઝરમર આવતો હતો, પવન એટલા જોરથી વાતો હતો, કે તેના ઘુઘવાટથી છાતી ધબકયા વિના રહે નહીં. તેની સાથે વાયુબળથી પાણી ગજગજ ઉંચાં ઉછળતાં હતાં. ઝાડો ભોંયની સાથે અફળાતાં, અને કેટલાંએક તો જડમૂળથી ઉખડી જશે એમ લાગતું હતું. આકાશમાં વિજળીના ઝળકાટ થઈ રહ્યા હતા, અને તેથી જ વખતે વખતે અજવાળું પડતું તે વડે રૂદ્રમાળાના કીર્તિસ્તંભ, તેનું નકશીદાર તોરણ, નાનાં નાનાં દહેરાંનાં શિખરો, વગેરે જણાતાં હતાં. વિજળી થઈ રહ્યા પછી ગર્જનાના કડાકા એવા તો જોરથી થતા કે તેના જોરથી તથા પવનથી બધું દેવસ્થાન તુટી પડશે એવી દહેશત લાગતી હતી. એવી વખતે, એટલે જ્યારે ઈશ્વર કોપાયમાન થયો હોય એવો દેખાવ ચોમેર થઈ રહ્યો હતો ત્યારે માણસ ક્રોધને વશ થાય એમાં શું આશ્ચર્ય ? એવે વખતે મનને શાંતિ થવાને બદલે તે વધારે જોશ ઉપર ચઢે. અને જેવો સઘળો દેખાવ કાળો તેવાં કાળાં કામ કરવાને મન પ્રવૃત્ત થાય એમાં શું નવાઈ ? એવી સ્થિતિ તે વખતે માધવના મનની હતી. તેનું શરીર ધ્રુજતું હતું, અને તેના મનની અવસ્થા તેના શરીરની અવસ્થા ઉપરથી જણાઈ આવતી હતી. તેણે મોતીશાના મ્હોંથી ફરી સઘળી વાત સાંભળી લીધી, અને તેથી ઉલટું અગ્નિમાં તેલ હોમાયું. આવી વખતે તેણે મોતીશાનો ઉપકાર પણ માન્યો નહી. જે વખતે માધવના તમામ મિત્રો તેને છોડી ગયા, તે વખતે એ શાહ પોતાનું ઘર, ધણીઆણી, છોકરાં, દોલત તથા બીજું સુખ તજીને પોતાના અસલ મિત્રને સહાય કરવા આવ્યો. જેના ઉપર રાજાની ઈતરાજી થઈ તેની પાસે ઉભા પણ રહેવું નહીં એવો જેઠાશાનો મત હતો, પણ તે ન જાણે તેમ શહેરમાંથી તે નીકળી આવ્યો, મિત્રાચારી તો એવી જ જોઈએ; અને એવી પ્રીતિ જુવાનીમાં જ્યારે અંતઃકરણ ગરમ હોય છે ત્યારે જ થાય છે. ઘડપણમાં જ્યારે સ્વાર્થનું જોર વધે છે ત્યારે પ્રીતિ ઓછી થાય છે, માટે ઘરડા માણસોમાં એવી મિત્રાચારી ક્વચિત જ હોય છે.
રાત ઘણી ગયા પછી મોતીશા તથા માધવ દહેરાંની એક ધર્મશાળામાં સુતા. પણ માધવને ઉંઘ આવે નહીં; વેર વેર તેના આખા શરીરમાં વ્યાપી ગયું હતું અને તે શી રીતે લેવું તેના વિચારમાં ને વિચારમાં તેણે પછાડા માર્યા કીધા. કેટલીએક વારે તે અર્ધ ઉંઘમાં પડ્યો, એટલે તેના સામી એક ઘણી રૂપાળી સ્ત્રી આવીને ઉભી રહી. તેનું તેજ એટલું હતું કે માધવની આંખ ઉઘડી ગઈ અને તે બોલ્યો: “વેરદેવી, તું માનવ હોય કે દાનવ, મૃત્યુલોકમાંની કે સ્વર્ગલોકમાંની ગમે તે હોય, પણ દુષ્ટ કરણ રાજાનું વેર શી રીતે લેવું તે બતાવ.” સ્ત્રી બોલી “અલ્યા માધવ ! તું નાગર છે તેથી તું મારો આશ્રિત છે. હું જગતની માતા, અંબા ભવાની છું, અને મારો વાસ આરાસુર પર્વતની ઉપર છે, માટે તું મારૂં દર્શન કરવાને ત્યાં આવજે એટલે હું તને શું કરવું તે બતાવીશ.” એવું કહી માતાજી અદૃશ્ય થઈ ગયાં, અને માધવ આસપાસ જોવા જાય છે તો ત્યાં કાંઈ જ દીઠું નહી. માધવને હવે નક્કી થયું કે માતાજી મને સહાય થશે, માટે કાલ સવારે ઉઠીને તેનાં દર્શન કરવા જવું, પછી ત્યાંથી જે ઉપદેશ મળશે તે પ્રમાણે ચાલીશ.
એટલો નિશ્ચય કીધાથી તેને જરા શાંતિ થઈ. આખા દહાડાનો થાક લાગ્યો હતો, તથા તેના મનમાં જે ઉથલપાથલ થઇ રહી હતી, એ સઘળાંથી તેના મગજ ઉપર અસર થઇ, તેથી તે નિદ્રાને વશ થયો, અને જ્યારે સૂર્યોદય થયો, અને તડકો તેની આંખ ઉપર આવવા લાગ્યો, ચ૯લીઓ તથા બીજાં પક્ષીઓ શોરબકોર કરવા લાગ્યાં, અને દહેરામાંના સાધુ વેરાગી મોટા અવાજથી રાગ ગાઇ આણીગમ તેણીગમ ફરવા લાગ્યા, ત્યારે જ તે ઉઠ્યો. ઉઠતાં જ વાર ગામમાં જઈ તેણે બે ઘોડા વેચાતા લીધા અને સવારના કામથી પરવારી તે તથા મોતીશા ઘોડાઉપર સવાર થઈ માતાજીના સ્થાનક તરફ જવા નીકળ્યા. મોટે રસ્તે જાય તો રાજાના માણસોના જોવામાં આવે, માટે તેઓ સરસ્વતીને કિનારે કિનારે ચાલ્યા. થોડા દહાડા તો વસ્તીવાળો મુલક આવ્યો, પણ જેમ જેમ તેઓ સરસ્વતીના મુખ આગળ આવતા ગયા તેમ તેમ જમીન વધારે પહાડી તથા જંગલી થતી ગઇ. થોડીએક વાર તેઓનો રસ્તો એક જંગલી પણ રમણીક તથા ફળવાન ખીણમાં થઈને હતો. તે ખીણની આસપાસ ઝાડોથી ઢંકાયલા પહાડો ચોતરફ હતા. આ ઠેકાણે આ એકાંત નદીને કિનારે કિનારે તેઓ ચાલતા હતા તે વખતે સાંજ પડી ત્યારે અઘોર રાન વધારે ભયાનક દીસવા લાગ્યું. વાઘ, વરૂ, શિયાળ ઈત્યાદિ જંગલી જાનવરોનો અવાજ થવા માંડ્યો. અને તેઓની આસપાસ કાળા અને નાગા વનના માણસો કોઈ આઘા ગામોમાં નોબત વગાડતા તેનો કઠોર અવાજ તેઓને કાને પડ્યો. એટલામાં આઘે એક બળતું થયલું નજરે પડયું. ભીલ લોકો તેઓની દેવીને બળીદાન આપતા હતા, અને ભડકું સુકાં લાકડાંમાંથી નીકળીને એક પહાડથી બીજા પહાડ ઉપર મોટા સર્પની પેઠે વિંટળાતું દેખાતું હતું. એવે રસ્તે થઈને તેઓ અંબા ભવાનીના દેવસ્થાન આગળ સરસ્વતી નદીના મુખની પાસે કોટેશ્વર મહાદેવનું દેવાલય છે ત્યાં પહોંચ્યા. અને મહાદેવનાં દર્શન કરી ત્યાં રાત રહ્યા.
બીજે દહાડે, અંબા માતાના દહેરાં તરફ જવાનો રસ્તો ઘણો વિકટ, તથા ત્યાં ચોર અને વાઘનો ભય ઘણો હોવાથી, ચક્રાવો ફરી પહાડની તળેટી ઉપર દાંતા ગામ અંબા માતાના ઘણા માનીતા પરમાર રાજાઓનું હતું ત્યાં તેઓ પહોંચ્યા. તે વખતે માતાજીનો જાત્રાનો વખત ન હતો તોપણ કેટલાંએક માણસો માનતા ચઢાવવાને જતાં હતાં તેઓ તે બંનેને મળ્યાં. તેમની સાથે બીજે દહાડે સવારે પહાડ ઉપર ચઢવા માંડ્યું. ચઢાવ ઘણો લાંબો પણ સરળ હતો, તોપણ ઠેકાણે ઠેકાણે ખડબચડો તથા વાંકો ચુંકો હતો. જાત્રાળુ લોકોએ રાતા, પીળા, ધોળા, ઈત્યાદિ નાના પ્રકારના રંગનાં વસ્ત્ર પહેરેલાં હતાં. કેટલાએક પાસે ચળકતી તરવારો હતી, કેટલાએકનાં અંગ ઉપર ઝળકતાં સોનાનાં ઘરેણાં ઘાલેલાં હતાં, તે સઘળાં તડકામાં ચળકતાં હતાં. તેઓ રસ્તે ચાલતા ત્યારે મેદાન આવતું તેમાં લાંબી હાર દેખાતી, કેટલીએક વાર તો રંગબેરંગી પહાડોથી થોડા ઢંકાઈ જતા. અને કોઈ કોઈ વાર તો ઝાડાના ઓથામાં આવ્યાથી બિલકુલ નજરે પડતા ન હતા. ચઢાવના ઘણા સીધા ભાગની વચ્ચોવચ એક જુની વાવ હતી, ત્યાં સંઘે થોડીવાર મુકામ કીધો. પછી પાણી પી તાજા થઈને આગળ ચાલ્યા, અને ઉદાસ તથા ઉજજડ ટેકરામાંથી નીકળી રમણીય મેદાન ઉપર આવ્યા. તે વખતે આરાસુરના સુગંધીદાર પવનની લહેરોથી તેઓને આનંદ થયો. તે વખતે સંઘમાંના આગળ ચાલનાર લોકોએ બુમ પાડી કે દહેરૂં પાસે આવ્યું. એ બુમ સાંભળતાં જ સઘળા પોતપોતાના ઘોડા ઉપરથી ઉતરી પડ્યા. અને જમીન ઉપર લાંબા થઈ પગે લાગીને “જય અંબે, ” “જય અંબે,” “ અંબે માતકી જય.” એવી બુમ પાડી ઉઠયા. દહેરૂં આરાસુરના પહાડમાં આરાવલી પર્વતની શાખા જ્યાં નૈઋત્ય કોણમાં પુરી થાય છે ત્યાં હતું. તે દહેરું નાનું હતું, અને બીજાં કેટલાંક નામાંકિત દહેરાં કરતાં ઓછું શોભાયમાન હતું. તેની આસપાસ મજબુત કોટ હતો, તેમાં દેવીના પૂજારા, નોકર ચાકરો તથા જાત્રાળુ લોકોને રહેવાને માટે ધર્મશાળાઓ હતી. તેમાં એક નાનું લશ્કર પણ રહેતું હતું, પણ માણસના બળ તથા શસ્ત્રવડે અંબા માતાનું રક્ષણ થાય છે એમ ના કહેવાય માટે બહાર દરવાજો રાખવાને અંબા માતાએ ના કહી હતી. આ દહેરામાં જેનું પૂજન થતું હતું તે મહાદેવની પત્ની, હિમાચળ તથા મેનાની પુત્રી દુર્ગા હતી, ચાંપાનેર આગળ પાવાગઢ ઉપર તેનું ઉગ્ર તથા સર્વ ભક્ષક કાળકાનું રૂપ છે તેવું ત્યાં નહતું પણ ભવાની એટલે સ્વયંભૂની કામ કરવાની શક્તિનું તથા અંબાજી એટલે સૃષ્ટિની માનું રૂપ હતું. આરાસુરનું દહેરું ઘણું પ્રાચીન કાળથી ત્યાં હતું. એવું કહેવામાં આવે છે કે એ ઠેકાણે જ્યારે શ્રીકૃષ્ણ ભગવાન બાળક હતા ત્યારે તેના વાળ લેવડાવ્યા હતા, અને ત્યાર પછી જ્યારે રૂક્ષમણીને શિશુપાળની સાથે પરણવા ન દેતાં તેને ભગવાન લઈ ગયા, ત્યારે તે દેવીનું પૂજન કરવા આવી હતી તે આ ઠેકાણે જ આવી હતી. હજારો વર્ષ થયાં જાત્રાળુ લોકો ત્યાં આવતા તેથી સઘળું આંગણું ઘસાઈ ગયું હતું.
એ દહેરામાં માધવ અને મોતીશા આવ્યા, એક ધર્મશાળામાં ઉતર્યા, અને રસોઈપાણી કરી થાક ખાઈ સાંજની વખતે માતાજીનાં દર્શન કરવા ગયા. માતાજીનું સ્વરૂપ જુદા જુદા લોકોને જુદું જુદું દેખાય છે ખરૂં, પણ માધવને તો જુદાં જ દર્શન થયાં. માતાનો વેશ મ્લેચ્છનો હતો, તેના એક હાથમાં ખડગ હતું, અને બીજા હાથમાં એક માણસની ચોટલી હતી, માતાનું આવું રૂપ જોઈને તે આશ્ચર્ય પામી ઉભો રહ્યો, અને વધારે જોય છે એટલામાં તો માણસ જોર કરી માતાજીના હાથમાંથી નીકળી ગયો, અને તેના હાથમાં તેની ચોટલી રહી ગઈ એવું દીઠું, તેનો અર્થ શું હશે એ વિષે તે ઉંડા વિચારમાં પડ્યો, એટલામાં સિદ્ધપુરનો રૂદ્રમાળાની ધર્મશાળામાં આવેલું સ્વપનું તેને યાદ આવ્યું, તે ઉપરથી તેણે અટકળ કીધી કે મ્લેચ્છનો અર્થ મ્લેચ્છ અથવા તર્ક લોકોને દિલ્હીનો રાજા, અને પેલો માણસ એટલે ગુજરાતનો કરણ રાજા, એ ઉપરથી દિલ્હીનો તુર્ક રાજા કરણને સપડાવશે, પણ તે તેનું રાજ મુકીને નાસી જશે - એ શિવાય બીજો કાંઈ અર્થ દેખાતો નથી, માતાજીએ વેર લેવાનો રસ્તો બતાવ્યો તો ખરો, માટે હવે દિલ્હી જવું અને ગુજરાત ઉપર ચઢાઈ કરવાને ત્યાંના સુલતાનને વિનંતિ કરવી, એવી રીતે તેનો ખુલાસો થયો, તેથી તે ઘણો આનંદ પામીને માતાજીને પગે પડ્યો. પછી ફુલના હાર, નાળીએર, પૈસા, તથા ઘરેણાં માતાજીને ચઢાવ્યાં. વળી તેણે વસ્ત્ર નિશાન, સોના રૂપાનાં વાસણ, ઘંટ, અને માતાની પૂજાનો બીજો કેટલોએક જરૂરી સામાન અર્પણ કીધો. રાત્રે માતાને થાળ મોકલી તેમાં બકરાં, મુરઘાં, ઈત્યાદિ માતાને બળીદાન આપી શકાય એવાં પ્રાણીઓનું માંસ તથા મદિરા મુકેલાં હતાં, માધવ જ્યાં સુધી ત્યાં રહ્યો ત્યાં સુધી ખાવામાં અથવા બીજા કોઈ પણ કામમાં તેણે તેલ વાપર્યું નહી. સઘળે ઠેકાણે તેણે ઘીનો જ ઉપયોગ કર્યા કીધો. માતાજીને માધવે ઘણી કિમતી બાધા ચઢાવી તેથી રાત્રે તેને ચમર કરવા દીધી, તેના બદલામાં વળી તેણે સિદ્ધપુરના ત્રણ ઔદિચ બ્રાહ્મણો ત્યાંના પૂજારી હતા, અને જેઓએ તે કામ દાંતાના રાણાને કેટલાએક પૈસા આપવા કબુલ કરી ઈજારે રાખ્યું હતું, તેઓને કાંઈ આપ્યું. તેઓએ તેને પહેલાં દર્શન કરતી વખતે ચાંલ્લો કીધો હતો.
બીજે દહાડે તેણે તેઓને તથા બીજા બ્રાહ્મણોને સારી પેઠે મિષ્ટાન્ન લેવડાવી તૃપ્ત કીધા, અને યથાયોગ્ય દક્ષિણા આપી જાત્રા પુરી થઈ તેની નિશાનીને કંકુને હાથો તેના ખભા ઉપર દેવડાવ્યો. હવે બીજું કાંઈ કામ રહ્યું નહી, તેથી પાસે માનસરોવરના કાંઠા ઉપર અપરાજીત માતાનું દહેરૂં છે ત્યાં તે દર્શન કરવા ગયા. ત્યાંથી આવ્યા પછી અંબા ભવાનીના દેવસ્થાનની પશ્ચિમે આશરે એક કોશ ઉપર એક પહાડ હતો તે ઉપર ગબરગઢ નામનો કિલ્લો તે વખતે હતો તે જોવાને તેઓને વિચાર થયો. તે પહાડ આગળ નાના નાના ટેકરા એવી રીતે આવી રહેલા હતા કે જે કોઈ તેને આઘેથી જોય તો ત્યાં એક મોટો કમાનદાર દરવાજો હોય એમ લાગે. તે ઉપરથી એવી કથા ચાલે છે કે અંબામાતા તે પહાડના પોલાણમાં રહે છે. જ્યારે માધવે ત્યાં પૂજારીને તે જગાનો મહિમા પુછ્યો, ત્યારે તેણે નીચે પ્રમાણે એક વાત કહી, “કોઈ વખત ઉપર માતાજીની ગાયો ગોવાળીયાની બીજી ગાયોની સાથે આખો દહાડો ચરતી, અને રાતની વખતે આ પહાડમાં પાછી આવતી, એ ગાયો કોની છે તે જાણવાનું પેલા ગોવાળીયાને ઘણું મન થયું, અને ગમે તે થાય તો પણ એ ગાયનો ધણી શોધી કાઢી તેની પાસેથી ચરામણી માગવાનો તેણે નિશ્ચય કીધો. એક સાંજરે જ્યારે ગાય ધારા પ્રમાણે પોતાના ઘેર તરફ વળી, ત્યારે ગોવાળીયો તેની પાછળ ગયો, અને તેની સાથે પહાડમાં પેંઠો. પહાડમાં પેંઠા પછી એક અતિ શોભાયમાન મહેલ આવ્યો, અને તેમાં ઘણા વિશાળ ઓરડાઓ દીઠા, મુખ્ય ઓરડામાં એક હિંડોળા ઉપર માતાજીને બેઠેલાં જોયાં, તેની આસપાસ તેની ઘણીએક સખીઓ હતી. ગોવાળીયો હિંમત પકડીને માતાજી આગળ ગયો, અને પુછ્યું કે આ ગાય તમારી છે? તેણે હા કહી. તે ઉપરથી ગોવાળીયાને વધારે બોલવાની હિંમત આવી. તે બોલ્યો:– “મેં આ ગાયને બાર વર્ષ થયાં ચરાવી છે, માટે હવે મને તેની ચરાઈ આપવી જોઈએ.” માતાજીએ તેની પાસે એક બઈરી ઉભી હતી તેને આજ્ઞા કીધી કે ભોંય ઉપર જવનો ઢગલો પડેલો છે તેમાંથી થોડાએક તેને આપો, તેણે એક સુપડું જવે ભર્યું, અને ગોવાળીયાને આપ્યું. તેણે તે લીધું, અને નાઉમેદ થઈને તથા ખીજવાઈને ઘરની બહાર નીકળ્યો, અને આંગણું આગળ જવ ભોંય ઉપર નાંખી દીધા. પોતાને ઘેર જઈ જોયું તો તેના લુગડાં ઉપર ઘણી ઉંચી જાતના સોનાના કેટલાએક રવા વળગેલા જોયા. ગોવાળીયાએ બીજે દહાડે ફરીથી પહાડમાં પેસવા માંડયું, પણ તેને રસ્તો જડ્યો નહી, અને માતાજીની ગાય પણ ફરીથી ચરવા આવી નહી.”
અંબાજીની પાસે એક નાની નદી ઉપર જંગલી ચંપેલી તથા બીજાં સુગંધીદાર કુલોની એક વાડી જેવું હતું ત્યાં કેટલાંએક સુંદર સફેદ આરસ પહાણનાં બાંધેલાં જૈનધર્મનાં દહેરાં હતાં, ત્યાં જવાનો મોતીશાએ આગ્રહ કીધો, અને તે જૈન થઈને તેની સાથે અંબાજી આવ્યા માટે તેના દહેરાં આગળ ગયા વિના માધવને ચાલે નહી, તેથી તેઓ બંને ત્યાં ગયા. એ દહેરાં વિષે જે દંતકથા તેઓએ સાંભળી તે નીચે પ્રમાણે હતી:– “વિમળશાને માતાએ ઘણું દ્રવ્ય આપ્યું તેથી તેણે ત્યાં પારસનાથનાં ત્રણસેં ને સાઠ દહેરાં બાંધ્યાં; પછી માતાજીએ તેને પૂછ્યું કે એ દહેરાં તેં કોની સહાયતાથી બાંધ્યાં ? ત્યારે તેણે જવાબ દીધો કે ગુરૂની સહાયતાથી. માતાજીએ એને એ પ્રશ્ન ત્રણ વાર પૂછ્યો, પણ ત્રણે વાર તેણે એને એ જ જવાબ દીધો. ત્યારે તેણે તેને કહ્યું કે, “અલ્યા, જેમ નસાય તેમ નાસ.” એક દહેરાંનું ભોયરું જેમાં થઈને દેવલવાડાનાં દહેરાંનાં ભોંયરામાં જવાતું હતું તેમાં તે ઉતર્યો, અને નીચેની સણગમાં થઈને આબુ પહાડ ઉપર નીકળ્યો, પછી માતાજીએ પાંચ સિવાય બધાં દહેરાં બાળી મુકયાં, અને એ વાત સૌ કોઈના જાણ્યામાં આવે માટે તે પાંચ જ રહેવા દીધાં, જે ત્રણસેં ને પંચાવન દહેરાં બાળી મુકયાં તેના બળેલા પથ્થર ભોંય ઉપર પડેલા હતા, તે જોઈ શાહને પક્કી ખાતરી થઈ કે શ્રી અંબાજી કોપાયમાન થઈને તેણે એ દહેરાં બાળી મુકયાં, તેથી તેણે આબુના દેવલવાડામાં એક દેવસ્થાન બાંધ્યું તે ઉપર માતાજીને શાંત કરવાને નીચે પ્રમાણે કેતરાવ્યું.
“તારા પાતરાં જેવા હાથ અશોકનાં ઝાડનાં પાતરાં જેવા રાતા છે. તું અતિ ઘણું સુંદર દીસે છે. તારો રથ કેસરી સિંહ ચલાવે છે. તારા ખોળામાં બે છોકરા છે, એવી તું સતી અંબિકા સદ્દગુણી પુરૂષોના પાપનો નાશ કર.”
“એક વાર રાત્રે વિમળશાને શાણી અંબિકાએ આજ્ઞા કીધી કે આ પહાડ પા૫રહિત જગા છે તે ઉપર યોગનાથનું એક સારૂં દહેરૂં બાંધ.”
“શ્રી વિક્રમાદિત્ય પછી એક હજાર અઠ્યાસી ચોમાસાં ગયાં એટલે ઈ. સ. ૧૦૩૨ માં અર્બુદાના શિખર ઉપર શ્રી આદિદેવનું વિમળે સ્થાપન કીધું તેને હું પૂજું છું.”
એ દહેરાંમાં મોતીશા તથા માધવે દર્શન કીધા પછી ત્યાંથી આબુના પહાડ ઉપર જવાનો તેમણે ઠરાવ કીધો. રસ્તો ઘણો જ રમણિક હતો. એક નાના નાળાની કોરે કોરે તેઓ ચાલ્યા. આકાશમાં એક પણ વાદળું નહતું. અમરાઈમાંથી કોયલો ટઉકો કરતી હતી. જગલનાં બીજાં પક્ષી વાંસની ઝાડીમાંથી સાદ કરતાં હતાં; અને તિતરનાં ટોળેટોળાં ઝાડ ઉપર બેસીને હોલાઓની સાથે આનંદથી સંવાદ ચલાવતાં હતાં. લક્કડખોદ ઝાડનાં થડ ઉપર તેઓની કઠણ ચાંચ ઠોકતી હતી તેના અવાજથી આખું વન ગાજી રહ્યું હતું. ત્યાં નાના પ્રકારનાં સુંદર ફુલ તથા સ્વાદિષ્ટ મેવા નજરે પડતાં હતાં. ઝાડ ઉપર ચઢતી વેલનાં ધોળાં તથા પીળાં ફુલોમાંથી મધમાખીઓ મધ કાઢતી હતી. ત્યાં કોઈ માણસની વસ્તી નહતી. કોઈ કોઈ વાર કોઈ રજપૂત સવાર ઢાલ બાંધીને તથા ભાલો હાથમાં રાખીને અંબાજીનાં દર્શન કરવા જતો હોય તે જોવામાં આવતો; અથવા કોઈ તળાવની પાસે વણજારાઓ ગુણ નાંખીને બળદ છુટા મુકીને પડેલા હતા તે નજરે આવતા હતા. આગળ ચાલતાં એક સપાટ ખીણ આવી તે રેતાળ હતી, પણ તેમાં ઠેકાણે ઠેકાણે ખેડાણ હતું. વળી રસ્તામાં અનાજનાં ખેતર આવતાં, અને વખતે વખતે નાનાં ગામો દેખાતાં, અને આઘેના પહાડમાંથી નીકળેલી નદીઓ વહેતી નજરે પડતી હતી. ત્યાંથી ધુમસે ઘેરાયલો આબુ પહાડ દેખાયો, તેની બાજુએ ઉપર ઝાડ તથા ઝાડી અને નાની નદીઓ દેખાવા માંડી. આગળ જતાં એક ટેકરી ઉપર દોરા જેવો રસ્તો દેખાયો, તે કોઇ ઠેકાણે ચઢતો અને કોઇ ઠેકાણે ઉતરતો હતો. એ રસ્તા ઉપર ઝાડીની ઘટા આવી રહી હતી. તેમાં ચઢતાં ચઢતાં એક કરાડાની નીચે એક મેદાન આવ્યું; ત્યાં ઘણાં શોભાયમાન ઝાડોની વચ્ચોવચ વશિષ્ઠ મુનિનું દહેરૂં હતું; તે દહેરાંની વાડીમાં માધવ તથા મોતીશા થાક ખાવાને ઉતર્યા. એ વાડીમાં ઘણાં સુગંધીદાર ફુલો ઉગેલાં હતાં, તેમાં કેવડાથી તમામ જગા બહેંક બહેંક થઇ રહી હતી. વળી ત્યાં એક પથ્થરના ખડકમાં ગાયનું મ્હોં કોતરેલું હતું, તેમાંથી પાણીને ધોધવો પડી નીચે એક મોટી ટાંકલીમાં પડતો. તેથી કર્ણેન્દ્રિયને પણ ઘણો આનંદ થતો હતો.
મુનિનું દહેરૂં નાનું હતું તેમાં વશિષ્ઠ જેણે અચલેશ્વરના અગ્નિકુંડમાંથી રજપૂતના મૂળ પુરૂષોને કાઢ્યા તે મુનિની કાળા પથ્થરની મૂર્તિ હતી. ત્યાં સવારે, બપોરે અને સાંજરે નોબત વાગતી હતી. તેના નાદથી તે જગ્યા ઘણી રણિયામણી લાગતી હતી. વશિષ્ટમુનિના દહેરા આગળ પથ્થરમાં લાંબાં પગથીયાં કાપી કાઢેલાં છે તે ઉપર થઈને ઉંચે ચઢવાનું હતું. તે ઉપર ચઢતાં ચઢતાં તેઓ આખરે આબુના સપાટ મેદાન ઉપર પહોંચ્યા. તે ઠેકાણે તેઓ ગયા ત્યારે જાણે એક નવા જગતમાં, વાયુમાં તરતા એક બેટમાં આવ્યા હોય એમ તેમને લાગ્યું. તેઓની આસપાસ ચોતરફ ઉંચીનીચી ટેકરીઓ હતી તે ઉપર નાનાં મોટાં ગામો હતાં. તેમાં એક સરોવર હતું, અને એક કરતાં વધારે નાળાં હતાં. તે સઘળી ટેકરીઓમાં સૌથી ઉંચી ટેકરી ઉપર એક મુનિનું નાનું દહેરૂં હતું તે ઉપરથી તેને મુનિનું શિખર કહેતા હતા; અને બીજી એક ટેકરી ઉપર અચળગઢનો પ્રસિદ્ધ કિલ્લો હતો.
આબુના સઘળા પહાડોમાં સૌથી ઉંચો મુનિ-શિખર હતો. તે ઉપર માધવ તથા મોતીશા ચઢ્યા. જ્યારે તેઓ ઉપર ગયા ત્યારે દક્ષિણ તરફથી ઠરી જવાય એવો ટાઢો પવન આવવા લાગ્યો તેથી તેએાએ કાળી કામળી શરીર ઉપર વિંટાળી અને એક ટેકરીની પાછળ ભરાઈને ભોંય ઉપર લાંબા થઈને સુતા. દેખાવ ઘણો ભભકાદાર તથા સુન્દર હતો. તેઓના પગ નીચે વાદળાં આવી રહ્યાં હતાં. અને તેમાંથી સૂર્યનાં કિરણ નીચે ઉતરતાં હતાં. એ ઉંચી, આંખે તમ્મર આવે એવી, ટોચની ઉપર એક નાનું ગોળ મેદાન હતું, તેની આસપાસ એક નીચો કોટ હતો. એક બાજુએ આશરે દશ ગજ ચોરસ ગુફા હતી તેમાં એક મોટો કાળો પથ્થર હતો તે ઉપર વિષ્ણુનો અવતાર જે દત્તભૃગુ તેનાં પગલાં હતાં, તે પાદુકા પૂજવાને માટે જ મોતીશા આટલું જોખમ ખમી ઉપર ચઢ્યો હતો, અને બીજા ખુણામાં સીતાભક્તોના મહાન્ ગુરૂ રામાનંદની પાદુકા હતી. આ ભયાનક સ્થલમાં તે પંથનો એક સાધુ હતો તેણે એક ઘંટ વગાડવા માંડ્યો, અને જ્યારે માધવે તેને દક્ષિણા આપી ત્યારે જ તે ઘંટ વગાડતો બંધ થયો. સાધુની પાદુકાની આસપાસ જાત્રાળુ લોકોની લાકડીઓનો ઢગલો પડ્યો હતો. તેઓ આટલી હિંમત ચલાવી ઉપર આવ્યા તેની યાદગિરીને વાસ્તે તે ઢગલો ત્યાં રાખવામાં આવ્યો હતો. પહાડના ઘણાએક ભાગમાં અગણિત કોતરો હતાં, તે ઉપરથી જણાતું હતું કે ત્યાં આગળના કાળમાં ગુફામાં રહેનાર માણસોની વસ્તી હશે; અને બીજાં ઘણાએક ગોળ બાકાં હતાં તે તોપના ગોળાને વાસ્તે કીધેલાં હોય એમ લાગતું હતું. તે વખતે ચોમાસું તરત જ ગયલું હતું, અને હવા ઘણી સ્વચ્છ હતી તેથી કોઈ કોઈવાર જોધપુરનો કિલ્લો, અને લુણી ઉપરના બાળોવા શહેર સુધીનું રેતીનું મેદાન દેખાતું હતું એટલે દૂર સુધી તો આખો દહાડો નજર પહોંચતી નહતી, તે પણ ભિત્રાલની ફળવાન ખીણ સિરોહી સુધી દેખાતી, તથા પૂર્વ તરફ આશરે પંદર કોશ ઉપર આરાવલીનાં વાદળાં સુધી પહોંચેલા પહાડોની વચ્ચોવચ અંબા ભવાનીનું પ્રખ્યાત દેવાલય નજરે પડતું હતું. નીચે નજર કરતાં એક મોટો કરાડો દેખાતો હતો, પણ ત્યાંથી આંખ ઉંચી કરી જમણી તરફ અર્ધું ચક્કર ફેરવીએ, તો પરમાર રજપૂતોનો કિલ્લો દેખાતો હતો. તેથી વધારે જમણી તરફ દેવલવાડાનાં શિખરો દેખાતાં હતાં, તે ઉપર નાની નાની નદીઓ વહેતી હતી. દેખાવ કેવો જુદો જુદો ? આકાશ આસમાની, મેદાન રેતાળ, દહેરાં સ્ફાટિકનાં, ઝુંપડાં નીચાં, જંગલ મોટાં અને પહાડો ઉંચા નીચા હતાં.
મુનિ-શિખર ઉપરથી ઉતરીને અચળેશ્વરના અગ્નિકુંડ તથા દેવસ્થાન આગળ તેઓ ગયા. અગ્નિકુંડ આશરે ૪પ૦ ગજ લાંબો તથા ૧૨૦ ગજ પહોળેા હતો. તે એક પહાડમાંથી કોતરી કાઢેલો હતો, અને તેની બાજુએ મોટી મોટી ઇંટ ચણી લીધેલી હતી. કુંડની મધ્યે એક પથ્થરનો ટેકરે રહેવા દીધેલો હતો તે ઉપર માતાનું એક દહેરૂં હતું. કુંડના ઉત્તર તરફના મથાળા ઉપર પાંચ પાંડવનાં પાંચ દહેરાં હતાં, પશ્ચિમ બાજુએ આબુનો ઇષ્ટ દેવ જે અચળેશ્વર તેનું દહેરૂં હતું. આ દહેરૂં કાંઈ મોટું અથવા નકશીદાર ન હતું, પણ ઘણું સાદું હતું. તે એક મોટા ચોગાનની વચ્ચોવચ હતું, અને તેની આસપાસ કાળી સ્લેટના પથ્થરનાં બાંધેલાં નાનાં નાનાં દહેરાં હતાં અગ્નિકુંડની પૂર્વ બાજુએ પરમારના મૂળ પુરૂષનું દહેરૂં હતું, આદિપાળની મૂર્તિ તેમાં બેસાડેલી હતી, તે સફેદ આરસની હતી. તેની ઉંચાઈ આશરે અઢી ગજની હતી. ભેંસાસુર એટલે ભેંસના માથાવાળો રાક્ષસ રાત્રે આવીને અગ્નિકુંડનું પવિત્ર પાણી પી જતો હતો, તેને ન આવવા દેવાને પરમેશ્વરે પરમારને સરજાવ્યા. તે ભેંસાસુરને બાણવતી મારી નાંખતો હોય એવી રીતની તે આદિપાળની મૂર્તિ હતી. એ અગ્નિકુંડ જોયા પછી અચળગઢનો કિલ્લો જોવાને તેઓ ગયા. કેટલેક સુધી ઉંચે ચઢ્યા પછી હનુમાન ભાગળમાંથી નીચલા કિલ્લામાં પેંઠા. પછી બીજી ભાગળમાં થઈને અંદરના કિલ્લામાં ગયા તેમાં જોવા લાયક કાંઈ નહતું. કિલ્લામાં એક મોટું તળાવ હતું. તેનું નામ શ્રાવણ ભાદરવો હતું. અને એ ચોમાસાના બે માસનું તેને નામ આપ્યું હતું. તે તેને યોગ્ય જ હતું, કેમકે તે ભર ઉનાળામાં પણ પાણીથી ભરેલું રહેતું હતું.
હવે દેવલવાડા જોવાનું રહ્યું, અને ત્યાં જવા સારૂ તેઓ વશિષ્ઠ મુનિના આશ્રમ આગળ પાછા ગયા. ત્યાંથી તે દેવલવાડા સુધીના રસ્તામાં ખેતીવાડી સારી હતી; લોકોની વસ્તી પણ વધારે હતી; નદીઓ તથા ઝાડો પણ ઘણા જ હતાં; વખતે વખતે જમીન ઉપર લીલો ફરશ બીછાવ્યો હોય એવી લીલી હરિયાળી જેવી જગ્યા આવતી હતી. કમેરે પક્ષી જે બીજે સ્થળે ક્વચિત જ માલમ પડે છે તેનો ત્યાં મધુર સાદ સંભળાતો હતો; અને એક ઝાડીમાં નિર્મળ નદી વહેતી હતી તેમાંથી કોયલનો તીણો તથા સ્પષ્ટ શબ્દ આવતો હતો. સઘળાં ખેતરોમાં અનાજ વાવેલું હતું. અને ઘણા થોડા વખતમાં આબુનાં બાર ગામોમાંથી ચાર તેઓએ વટાવ્યાં. તે ગામોમાં ઘર સુઘડ તથા સુખદાયક અને ગોળાકાર હતાં; તેની ભીંત મટોડીની હતી પણ તે ગેરૂથી રંગેલી હતી; હરેક વહેતા નાળાને કાંઠે ખેતરમાં પાણી સીંચવાનું ચક્કર હતું; ખેતરોની વાડ થોરની હતી તે ઉપર ધોળાં ફુલ હતાં, અને માંહેમાંહે શિવને વહાલાં સેવતીનાં ફુલ હતાં. એક કાળા પથ્થરની ટેકરી ઉપર પુષ્કળ દાઢેમડી હતી. અંજીરીએાની પણ કાંઈ ખોટ નહોતી; દરાખના વેલા કોઇ કોઇ ઠેકાણે દેખાતા હતા; અને એક ઉંડી ખીણમાં મીઠાં લીંબુનાં ઝાડ ઉગેલાં હતાં. આંબાનાં તો વનેવન હતાં; તેનાં લટકતાં આસમાની તથા સફેદ ફુલ ઘણાં જ શોભાયમાન દીસતાં હતાં. આંબાને વિંટળાએલા વેલાને પહાડમાં વસનારા લોકો અંબાત્રી કહેતા, તે તેઓને ઘણા જ ગમતા હોય એમ લાગતું હતું, કેમકે જ્યાં જ્યાં તેઓ પહોંચાય એટલા ઉંચા તે ઉગતા હતા ત્યાં ત્યાંથી તેઓને તોડી લઈ તેઓ ચોટલામાં ગુંથતા અથવા પાઘડીમાં ખોસતા હતા. ઝાડોમાં ઘણી ભીનાશ હતી તેથી તેઓ સેવાળ તથા વેલાથી તમામ ઢકાઈ ગયલાં હતાં. અને અચળગઢ આગળ ખજુરીનાં ઉંચાં ઝાડ પણ મૂળથી તે ટોચ સુધી એ જ પ્રમાણે ઢંકાયલાં હતાં, ફુલોનાં ઝાડ તો ત્યાં પુષ્કળ ઉગેલાં હતાં, તેઓમાં ઘણાં તો ચંપેલી તથા તેના જેવાં બીજા ફુલોનાં હતાં. સોનેરી ચંપાનાં ઝાડ જે ફુલનાં સઘળાં ઝાડોમાં ઉંચામાં ઉંચાં ગણાય છે, જે મેદાન ઉપર ક્વચિત જ જોવામાં આવે છે, અને જેને અગરના ઝાડની પેઠે સો વર્ષમાં એક જ વાર ફુલ આવે છે એવું લોકો કહે છે, તે ઝાડ થોડે થોડે છેટે મોરોથી ભરેલાં ઉગેલાં હતાં, અને તેથી તમામ હવામાં ખુશબો પથરાઇ રહી હતી. નદીઓ અને પહાડો, મેવાનાં ઝાડો, ટેકરીઓ, ઝાડી, અનાજનાં ખેતર, દરાખના વેલા, અને પહાડી કિલ્લા, એવી રીતની બધી શોભા ત્યાં એકઠી થયલી હતી.
ત્યાં એક નખી તળાવ ઘણું જ રમણિક હતું. તેમાંના બેટો ઝાડોથી ભરપૂર હતા અને તેની આસપાસના ટેકરાઓ, તાડ, ખજુર વગેરે ઝાડોથી ઢંકાયલા હતા. તેનાં પાણી ઉપર ઘણા આનંદથી જળકુકડીઓ તરતી હતી. એ તળાવની પાસે દેવલવાડા એટલે દેવલોનું ઠેકાણું હતું. તેઓમાં મુખ્ય દહેરાં તેજપાળ તથા વિમળશાનાં બાંધેલાં હતાં. ઉપર લખ્યા પ્રમાણે વિમળશાનું દહેરૂં ઈ૦ સ૦ ૧૦૩૧માં બંધાયું. તે અગાઉ એ પવિત્ર ડુંગર ઉપર કોઈપણ જૈન લોકોનું દેવસ્થાન નહતું. એ દહેરાં કાંઈ મોટાં અથવા બહારથી ઘણાં શોભાયમાન ન હતાં, પણ અંદરથી તેઓમાં નકશીનું કામ એટલું બધું હતું કે તેઓનું યથાસ્થિત વર્ણન આ ઠેકાણે કરી શકાતું નથી. આગલો ઘુમટ અષ્ટખુણ હતો, અને પાછળ અગણિત ઘુમટો હતા. સઘળાં દહેરા સફેદ સ્ફાટિકનાં હતાં અને તેના ઉપર જે નકશી હતી તે એવી તો બારીક કોતરેલી હતી કે એવી બારીકી મીણ સિવાય બીજી કોઈ પણ વસ્તુમાં થઈ શકે એમ વિચારમાં જ ઉતરી શકે નહી. તેમાં જે ચિત્ર કોતરેલાં હતાં તે નિર્જીવ વસ્તુઓનાં જ હતાં એમ નહી. સ્ત્રીપુરૂષ પોતપોતાનાં કામ કરતાં હોય તેનાં, વહાણનાં તથા વ્યાપારનો સંબંધ રાખતાં, અને રણસંગ્રામમાં યુદ્ધ થતું હોય તેનાં પણ ચિત્રો હતાં. હમણાં એ નકશીદાર દહેરાં જે જે અંગ્રેજ લોકો જોય છે તેઓ તેની ઘણી જ તારીફ કરે છે, અને આ દેશના લોકો ઈમારત બાંધવાના કામમાં તથા નકશી કોતરવામાં આવા પ્રવીણ હતા, એ વાતની તેઓની આ ઠેકાણેનાં દેવસ્થાને જોયાથી ખાતરી થઈ છે.
આવી આવી ઈશ્વરી તથા માણસની કળાથી ઉત્પન્ન થયલી શોભા જોવાથી, આવાં આવાં પવિત્ર સ્થળો તથા દેવભૂમિમાં પગ મુક્યાથી, આવી આવી ચમત્કારી વસ્તુઓ નજરે પડ્યાથી, આવા આવા મહિમાવાળા તથા જાગતાજોત કહેવાતા દેવો તથા દેવીઓનાં દર્શન કીધાથી, માધવનો જીવ એટલો તો પ્રસન્ન થઈ ગયો કે તેના અંતઃકરણમાં જે તોફાન થઈ રહ્યું હતું તે શાંત થયું; તેના હૈયામાં જે વેર દેવીએ વાસો કીધો હતો તે ત્યાંથી ઉઠી એક ખુણે દબાઈ બેઠી, અને તેના ઉપર પડેલું મહાભારત દુઃખ તે ઘણું ખરૂં તો ભુલી જ ગયો. જ્યાં ઈશ્વરે મોકળે હાથે સુખ પાથર્યું છે, જ્યાં ઈશ્વરની મોટાઈ અને શક્તિ પ્રકટ થઇ આવે છે, જ્યાં માણસની અશક્તિ તથા તુચ્છપણું જણાઈ આવે છે, જ્યાં ઈશ્વરનાં કામ કાળ પર્યંત ટકે છે, અને માણસનાં બનાવેલાં કામો થોડી મુદતમાં નાશ પામતાં માલમ પડે છે, જ્યાં પશુ, પક્ષી તથા બીજાં પ્રાણીઓની ઉપર પરમેશ્વરની અનંત દયા ડગલે ડગલે દીઠામાં આવે છે, ત્યાં માણસનું અંતઃકરણ નરમ તથા કોમળ થાય તેમાં શું આશ્ચર્ય ?
માધવના મનમાં જે દુષ્ટ તથા વિપરીત વિચારો ઉત્પન્ન થયલા હતા તે જો કે દબાઈ ગયા હતા, તો પણ તેઓનો સમળો નાશ થયો નહોતો, જ્યાં સુધી આવી રમણિક ભૂમિનો મહિમા રહ્યો ત્યાં સુધી તેનું મન શાંત રહ્યું, પણ જ્યારે તે મેવાડના મેદાન ઉપર નીકળ્યો, અને કાંઈ મનને વિચાર કરવાનું કામ મળે એવા દેખાવો તેના જોવામાં આવ્યા નહી, એટલે તે વિચારો પાછા તેના મનમાં પૂર જોસથી આવવા લાગ્યા. વળી હવે તેઓ બંને એકલા પડ્યા, અને એના એ વિષય ઉપર વાત કરવા લાગ્યા, તેથી દિલની આગ હોલાવવાને બદલે તે વધારે જુસ્સાથી બળવા લાગી; વાટ ઘણી લાંબી દીસવા લાગી, ખાવાપીવા કાંઈ ભાવે નહી, અને તેઓને જો કોઈ સંગાત મળ્યો નહોત, જો એ પ્રમાણે થવાથી તેઓનું મન બીજા વિષય ઉપર ગયું નહોત, તો માધવ રસ્તામાં માંદો પડત, અને તેનું ધારેલું કામ સિદ્ધ કીધા વિના તેનો આત્મા તેનો દેહ મુકીને ચાલ્યો જાત. પણ ગુજરાતના દુર્ભાગ્યને લીધે તથા મ્લેચ્છ લોકોનો દહાડો ચઢતો તેથી તેમ બન્યું નહીં.
તે વખતે ગુજરાતના કેટલાએક લોકો એકઠા મળીને ગોકુળ- મથુરાંજીની જાત્રાએ જતા હતા તેઓ તેમને મળ્યા. આવો સંગાત જોઈને માધવ તથા મોતીશા પણ તેઓમાં સામેલ થયા, અને તેઓ બદ્રીકેદારનાથજીની જાત્રા જાય છે એમ તેઓએ બીજા લોકને કહ્યું, સંઘના લોકો જુદી જુદી જ્ઞાતિના હતા, તેઓ બપોરે કોઈ ઝાડ નીચે જુદા જુદા ચુલા બનાવીને રસોઈ કરતા અને તડકાનો વખત ગાળીને પાછલા પહોરના અને થોડી રાત જાય ત્યાં સુધી ચાલતા. કેટલાએક ઘોડા ઉપર, અને કેટલાએક ગાડામાં બેસીને મુસાફરી કરતા. એ લોકોના સમાગમથી માધવ તથા તેના સોબતીને ઘણી ગમત થઈ, અને તેથી રસ્તો પણ ઘણો નીકળી ગયો, એ સંઘમાં એક વાણિયાની ન્યાતની ઘરડી ડોશી હતી તે એટલી તો વહેમી હતી, તથા તેની પાસે જે પુંજી હતી તે જાળવવાની તેને એટલી તો ફિકર હતી કે બીજા લોકો જાત્રાએ જાય છે તે વખતે પોતાની માલમતા પોતાના ગામમાં સગાને અથવા કોઈ બીજા વિશ્વાસુ માણસને સોંપી આવે છે તેમ તે ડોશીએ કીધું નહતું, આશરે સો મહોર જે તેણે દળી ખાંડીને તથા બીજાં વહીતરાં કરી મેળવી હતી તેનું એક પોટલું બાંધીને તે પોતાની પાસે જ રાખતી, અને રાતે ઉંઘતી વખતે તે પોટલું તેની બગલમાં ઘણા જોરથી દાબીને સુતી, તેની ઉંઘ એવી કુતરાના જેવી હતી કે તેને કોઈ જરા અડકે તે જાગી ઉઠી શેરબકોર કરી આખો સંઘ જગાડી દેતી, એ ડોશીની આવી રીતથી તેને સઘળા ચીઢવતા હતા. આખે રસ્તે મશ્કરી કરતા, અને રાત્રે ઘણી વાર તેને છેડીને વારે વારે તેને ભર ઉંઘમાંથી જગાડ્યાં કરતા હતા. તેને તે પૈસામાંથી એક પણ ખરચવો પડતો ત્યારે તેનો જીવ જ જવો બાકી રહેતો. જાત્રામાં ધર્મદાન થાય અને જે બાકી રહે તેમાંથી તેના મુઆ પછી ન્યાતમાં છૂટું ઘી પીરસાય એ તેની મોટામા મોટી ઉમેદ હતી. જીવતાં તો ન્યાતના તરફની આબરૂ મળી નહીં, ત્યારે મુઆ પછી ઉજવાવું અને ન્યાતના લોકો પાસે વાહવાહ કહેવડાવવી, એ તેને સ્વર્ગ જવા બરોબર ખુશી ઉપજાવનાર હતું; બલકે તેમ કીધાથી વૈકુંઠ જવાશે એમ તેને પક્કી ખાતરી હતી કેમકે તેનો એવો અભિપ્રાય હતો કે જેની મુઆ પાછળ વાહવા થઈ તે પરમેશ્વરને ત્યાં પણ સારી જ ગતિ પામે. તેનો એક ભત્રિજો તેની સાથે આવેલો હતો તે ઘણી ગરીબ હાલતમાં હતો, અને અગર જો તે ડોશીને કાંઈ છોકરાં નહતાં, અને પૈસા ખાનાર એ ભત્રિજા શિવાય બીજું કોઈ નહતું તો પણ જ્યાંસુધી તે જીવતી રહે ત્યાં સુધી તે ભત્રિજો ભુખે મરી જાય તો પણ તેને એક પૈસો પણ આપતી નહી. ડોસીનો વિચાર એવો હતો કે મરતી વખતે તે પુંજી ન્યાતના પટેલને સોંપવી, અને તેમાંથી તેના કહ્યા પ્રમાણે તેની મૈયતનો ખરચ થયા પછી જે બાકી રહે તે તેના ભત્રિજાને સોંપાવવું, એટલું છતાં પણ તે ડોશીનું તેના ભત્રિજા ઉપર ઘણું જ હેત હતું. અને તે જ્યારે માંદો પડતો ત્યારે તે મરશે તો પાછળ કોઈ પોતાને આગ મુકનાર રહેશે નહી એ ફિકરથી તે તેની પોતાના છોકરાના જેટલી બરદાસ્ત કરતી હતી તો પણ જ્યારે તે પૈસાના દુ:ખની વાત તેની આગળ કરતો ત્યારે તે વાત બદલી નાંખતી, અથવા મારી પાસે કાંઈ જ નથી એમ કહેતી. હવે ભત્રિજાને એવી ડોશી ઉપર હેત તો કયાંથી જ હોય ? ચાર દહાડા લાંઘણ કીધી હોય તો પણ ડોશી સુકો રોટલો પણ તેને ખવડાવે નહી તો એક પૈસો તો કયાંથી જ આપે ? માટે તે ડોશીની મરવાની ઘણી આતુરતાથી રાહ જોતો હતો, પણ જેમ તેની તેને મરવાની ઉતાવળ તેમ ડોશીનું આવરદા લાંબું થતું, અને તેને ઘણા ઘણા રોગ થઈ ગયા તો પણ રીઢા વાસણની પેઠે તેના શરીરને જરા પણ નુકસાન લાગ્યું નહતું, ભત્રિજાની પૈસા તરફની અવસ્થા વધારે વધારે ખરાબ થતી ગઈ. અને ડોશીનો લોભ દહાડે દહાડે વધતો ગયો, જ્યારે ડોશી જાત્રાએ જવા નીકળી, ત્યારે તેને તે પૈસા સોંપશે એવી તેણે આશા રાખી તે પણ ભંગ થઈ, ત્યારે પોતાની પાસે જે કાંઈ સામાન હતો તે વેચીને તેના થોડાએક પૈસા ઉપજાવ્યા અને તે લઈ તે પણ ડોશીની સાથે જવા નીકળ્યો. ડોશીને તે જરા પણ પરવડયું નહીં, પણ શું કરે? લાચાર. ભત્રિજાએ જતી વખતે જ નિશ્ચય કીધો કે હવે વધારે વા૨ સબુરી ન રાખતાં રસ્તામાં જ તેને ઠાર કરવી અને તેના પૈસા લઈ લેવા, પણ તે એટલી તો જાગૃત રહેતી તથા ત્યાં લોકોની આખી રાત એટલી તો વસ્તી હતી કે તેના દુષ્ટ વિચાર તેનાથી હજુ સુધી અમલમાં મુકાયા ન હતા. તેને લાગે મળતો નહતો તેથી તે ઘણો હીજરાયા કરતો હતો, અને જેમ જેમ દહાડા જતા ગયા, તેમ તેમ તેના ખુની વિચાર વધારે દૃઢ થતા ગયા.
એક વખત મધ્યરાત્રે સઘળાં ભર ઉઘમાં પડેલાં હતાં તે વખતે પેલો ભત્રિજો ઉઠ્યો, અને તે ડોશી પાસે જઈ એકદમ તેણે તેની ગળચી પકડી, અને તે બુમ પાડવાને મ્હોં ઉઘાડે છે એટલામાં એક ચીથરાનો ડુચો તેમાં ઘાલી દીધો. પછી ડોશીની ગળચી એવા તેા જોરથી દાબી કે તે ગુંગળાઈને તુરત મરણ પામી. ત્યાર પછી તેની બગલમાંથી પોટલું કાઢી પાસેના ઝાડ નીચે એક ખાડો ખોદીને દાટયું. અને ત્યાં સારી પેઠે નિશાની રાખી પાછો સુઈ ગયો. બીજે દહાડે સવારે લોકો જ્યારે વહેલાં ઉઠ્યાં ત્યારે તેઓએ ડોશીને જગાડવા માંડી, પણ ડોશીમા તો સ્વધામ પધારેલાં, તેથી કાંઈ જવાબ દીધો નહી; ત્યારે તેને જગાડવા સારૂ તેની બગલમાં હાથ ઘાલ્યો, પણ પોટલું કાંઈ માલમ પડયું નહીં. તે ઉપરથી સઘળાઓને વહેમ પડ્યો ને દીવો મંગાવીને જોયું તો ડોશીને મુએલી જોઈ, પણ તેનું મોત શી રીતે થયું તે કોઈથી નક્કી થઈ શકે નહીં. એવી ગડબડ થતાં જ તેને ભત્રિજો ત્યાં દોડતો આવ્યો, અને એકદમ મોટે ઘાંટો કાઢી છાતી કુટી રડવા મંડ્યો. ડોશીને કોઈએ મારી નાંખી, અને તેના પૈસા કોઈ લઈ ગયું એવી વાત થવા માંડી, એટલામાં ભત્રિજાએ આંખ લુંછી સાવધ થઈને આસપાસ જોયું અને કહ્યું કે આ નવા જાત્રાળુ આવેલા છે તેમાં એક તો શ્રાવક છે તેથી તે તો એવી હત્યા કરે નહી, પણ બીજો બ્રાહ્મણ છે તેના ઉપર મને ઘણો શક જાય છે, તેણે જ ખુન કીધું હશે, માટે તેને ઝાડો જોવો. એટલું સાંભળતાં જ તેણે તથા બીજા લોકોએ માધવને પકડ્યો, અને તેને સઘળો સામાન જોયો, તેમાં કેટલા એક પૈસા નીકળ્યા તે ડોશીના છે એમ તેનો ભત્રિજો કહેવા લાગ્યો, અને માધવને ઘણુંએ સમજાવ્યો તો પણ તેણે એવું કહ્યાં જ કીધું કે એ તો મારા છે, માધવના કહેવાથી તે ભત્રિજાને પતીજ થઈ નહીં તેથી પાસેના ગામના રાજા આગળ ફરિયાદ કરવી, અને ખરે ખુની માધવ છે કે નહી તેની તજવીજ કરાવવી એમ ઠર્યું.
બીજે દહાડે તેઓ એક મોટા ગામમાં જઈ પહોંચ્યા, ત્યાં ધર્મશાળામાં સઘળા સંઘે ઉતારો કીધો. જ્યારે સઘળા રસોઈ કરવામાં પડ્યા હતા તે વખતે તે ભત્રિજે તે ગામના રાજાના કારભારી આગળ જઈ સઘળી હકીકત કહી. કારભારીને પાનસોપારી પણ મળ્યાં, તેથી તેણે ઠરાવ કીધો કે તપાસ ચાલે તેમાં ભત્રિજાને બચાવી લેવો, પાછલે પહોરે જ્યારે દરબાર ભરાયો ત્યારે ભત્રિજો ત્યાં ગયો અને “ફરિયાદ” “ ફરિયાદ” બુમ પાડી, તે સાંભળી તેને રાજાએ પાસે બોલાવી તેની સઘળી વાત પૂછી લીધી, તેમાં કારભારીએ મરીમસાલો ભભરાવી આપ્યો, તે ઉપરથી રાજાએ હુકમ કીધો કે આવતી કાલે સવારે અગ્નિદિવ્ય કરવું, અને તે બ્રાહ્મણ ગુન્હેગાર છે કે નહી એ વાત નક્કી કરવી. તે વખતે ત્યાં જવાને રાજાએ કારભારીને હુકમ કીધો. બીજે દહાડે સવારે સૂર્યોદયની વખતે ગામના પાદર ઉપર એક લીમડાના ઝાડ આગળ હજારો માણસ જોવા મળ્યાં હતાં, ભત્રિજો આગળથી આવી ઉભો હતો. સંઘના લોકો માધવને લઈને આવ્યા, કારભારી ઝાડ નીચે એક શેતરંજી પથરાવી બેઠો અને થોડેક દૂર દેવતા સળગાવી તેમાં પૈડાંની લોઢાની વાટ એક લુહારે તપાવી લાલચોળ કીધી, તે વાટને કારભારી આગળ મુકી, ત્યારે પહેલાં તો ભત્રિજાને તે વાટ ભોંય ઉપરથી ઉંચકવાનો હુકમ થયો, ભત્રિજો આગળ આવી ઉભો રહ્યો, અને સૂર્ય તરફ મ્હોં ફેરવીને બોલ્યો, “સૂરજ બાપજી ! જો મારામાં સત હોય તો મારા હાથ દાઝવા દેતે માં” એમ કહી વાટને એક આંગળી અડકાડી, એટલે કારભારી બોલી ઉઠ્યો: “ બસ, હવે થયું, એ તે પાર પડ્યો, હવે એ બ્રાહ્મણે વાટ ઉંચકવી જોઈએ.” માધવ વાટને જોઈને થરથર ધ્રુજવા લાગ્યો, અને તેના શરીરમાં તમામ લોહી ઉડી ગયું, તે જોઈને લોકો માંહેમાંહે વાત કરવા લાગ્યા કે આ ચંડાળ બ્રાહ્મણે ખુન કીધું છે. માધવના મનમાં એ સાંભળી ઘણું કષ્ટ થયું, તેથી કોઈ વખત મળે તો ધીરજ આવે એ મતલબથી તેણે એક પાસેના કુવામાં નહાવા જવાની રજા માગી, રજા મળ્યા પછી પોતાનાં લુગડાં ઉતારીને કુવા પાસે ગયો, ત્યાં ઉભો રહી વિચાર કરવા લાગ્યો કે હવે શું કરવું? 'સાચાનો હાથ ન બળે અને જુઠાનો બળે એ તો લોકોને વહેમ છે, એ હું સારી પઠે જાણું છું, સત્યયુગ અને બીજા પાછલા યુગમાં એમ થતું હશે; પણ આ કળિયુગમાં તો એવો પ્રત્યક્ષ ચમત્કાર બનતો નથી. શાસ્ત્રમાં કોઈવાર એમ કહે છે કે કળિયુગમાં ઈશ્વરના ચમત્કાર વધારે જોવામાં આવે છે, અને કોઈવાર કહે છે કે આ યુગમાં સઘળા દેવતાઓ ઉંઘે છે, ત્યારે શું માનવું? જગતમાં ઘણા સત્યવાદી લોકો ભુખે મરે છે, અને જુઠા લોકો પ્રપંચ કરી ગાડીઘોડે બેસીને ફરે છે, ત્યારે પરમેશ્વરની સહાયતા કયાં ગઈ? અગ્નિનો સ્વભાવ જ છે કે જે તેને અડકે તેને તે બાળે. ત્યારે સાચા જુઠાનો મેળ કયાં રહ્યો, માટે જો સાચવટ ઉપર ભરોસો રાખી વાટ હાથે ઉઠાવવા જઈશ તો હાથ બળશે જ, એટલે રાજા તથા લોક મને ખુની ઠરાવશે અને ચંડાળને હાથે મારૂં મોત આવશે. તે કરતાં આ કુવામાં ભુસકો મારી મરવું ઘણું સારું એવું વિચારીને તે કુવામાં પડવા જાય છે, એટલે નીચેથી એક ગેબી શબ્દ સંભળાયો, “सत्यमेव जयते” એ શબ્દ સાંભળીને તે ઘણું આશ્ચર્ય પામ્યો, અને આસપાસ કોઈ માણસ ન હતું તેથી તેની ખાતરી થઈ કે ઈશ્વરે કૃપા કરી મને ધીરજ આપી, પછી તુરતજ પાણી કાઢી સ્નાન કીધું, અને ભીને શરીરે ઉની વાટ આગળ ગયો. ત્યાં જઈને તેણે ઘણીએક વાર સુધી મહાદેવ તથા માતાજીની સ્તુતિ કીધી. પછી સૂર્ય તરફ ફરીને હાથ જોડીને બેલ્યો:– “રે સૂર્યદેવતા, તું પ્રત્યક્ષ દેવ છે, તારાથી છાનું કાંઈ કામ થઈ શકતું નથી, તું સઘળા માણસના મનના વિચાર જાણે છે, માટે જો મેં ડોશીનું ખુન કીધું હોય તો આ વાટ પકડતાં જ મારા હાથ બળી જજો, અને મારા ઉપર જુઠો આરોપ આવ્યો હોય તો જેમ એક ફુલ ઉંચકું તેમ એ વાટ મારાથી ઉંચકાજો.” એટલું કહી વાટ ઉંચકવાની તૈયારી કીધી, પણ જ્યારે તે વાટને ધગધગતી જોઈ અને તેની નીચેની ધૂળ પણ તાપથી તપી ગયેલી લાગી, ત્યારે ફરી તેની હિંમત છુટી ગઈ, અને તે ત્યાંથી પાછો હઠતો હતો એટલામાં તે વાટ ઉપર એક કીડીની હાર ચાલતી હોય એમ તેને ભ્રાંતિ થઈ એ કીડીને ચાલતાં જોઈને તેને ફરીથી ધીરજ આવી અને તેણે તુરત વાટ ઉચકી પોતાની ડોકમાં ભેરવી દીધી. સઘળા લોકો એ તમાશો જોઈ વિસ્મિત થયા, અને માંહેમાંહે કહેવા લાગ્યા કે, આ દુષ્ટ કળિયુગમાં પણ પરમેશ્વર ઉંઘતા નથી, પણ તે સાચાને મદદ કરવાને હજી પ્રવૃત્ત રહે છે. કારભારીએ તે વાટ માધવની ડોકમાંથી કઢાવી નંખાવી અને તેને ઘણું માન આપી રાજાની પાસે લઈ ગયો તેણે તેને બ્રાહ્મણ જાણી તેનું પૂજન કરી કેટલીએક સોનાની મહોર બક્ષિસ કીધી. માધવે કોઈ વખત આગળ દક્ષિણા લીધી નહતી, તો પણ તે વખતે તેની પાસે ઘણા પૈસા નહતા, અને દિલ્હીમાં તેને પોતાનું ધારેલું કામ પાર પાડવામાં પૈસાની કેટલી બધી જરૂર પડશે તે વાત સારી પેઠે તે જાણતો હતો, તેથી ઘણું નાખુશીની સાથે તેણે તે વખતે મહોરો લીધી, અને મોતીશાને બોલાવી સંઘમાંથી જુદા પડી એકલાં મુસાફરી કરવાનો ઠરાવ કીધો.
પહેલે જ દહાડે તેઓ એકલા અને વાટ દેખાડનાર કોઈ ભોમીયો નહી તેથી ભુલા પડ્યા, અને ધોરી રસ્તો છોડીને એક જંગલમાં પેંઠા, જેમ જેમ તેઓ આગળ ચાલતા ગયા તેમ તેમ જંગલ વધારે ગાઢું થતું ગયું, અને જ્યારે સાંજ પડી ત્યારે ત્યાં એટલું તો અંધારૂં થઈ ગયું કે એક ડગલું પણ તેઓનાથી આગળ જવાયું નહી. નિરાશ થઈને તેએાએ ઘોડાઓ ઉપરથી ઉતરીને ઘેાડા ઝાડ સાથે બાંધ્યા જંગલી જનાવરની દહેશતને લીધે તેઓ ઝાડ ઉપર ચઢી ત્યાં આખી રાત સુઈ રહેવાનો મનસુબો કરતા હતા, એટલામાં પાસેના ઝાડમાંથી બે બ્રાહ્મણો હાથમાં નાગી તલવાર લઈને તેઓની સામા ઉભા રહ્યા. જ્યારે તે ચારે જણની આંખ મળી ત્યારે બ્રાહ્મણો બોલ્યાઃ “યજમાન રાજા, કલ્યાણમસ્તુ, અમે દક્ષિણા લેવા આવ્યા છીએ.” માધવે આશ્ચર્ય પામીને તેઓની સામું જોઈને પૂછ્યું “ ગોરમહારાજ ! તલવાર ઉઘાડી રાખી દક્ષિણા માગતાં બ્રાહ્મણોને મેં મારી જીન્દગીમાં આજે જ જોયા. તમારી હકીકત કોઈ વિચક્ષણ હશે, માટે કૃપા કરી તમે કોણ છો, તથા તમારો ધંધો શો છે તે કહો.” બ્રાહ્મણ બોલ્યાઃ “યજમાન રાજા, અમે બે ભાઈઓ છીએ, અને અમે વેદાંતી ધર્મ પાળીએ છીએ. થોડાં વર્ષ ઉપર કાંઈ ધંધો ન મળવાથી અમે એવા તો દરિદ્રી થઈ ગયા, અને તેથી અમારી બાયડીઓ અમને એટલા તો રોજ ઠોક પાડવા લાગી કે કાંઈ પણ ધંધો કરવાનો અમે નિશ્ચય કીધો. એવામાં એક દહાડો એક વ્યાસજી વેદાંત ઉપર કથા કરતા હતા તે સાંભળવાને અમે બેઠા. કથામાં વ્યાસજી બેલ્યા: “આ જગત માયારૂપી છે ભાઈઓ, એક બાજીગરનો ખેલ છે, જેમ જાદુગર લોકો નજરબંધી કરી ધૂળ હોય ત્યાં પાણી દેખાડે છે તેમ માણસ સઘળું ખોટું દેખે છે, જગતમાં આત્મા અને પરમાત્મા સિવાય બીજું કાંઈ નથી, જે જે પ્રાકૃતિક પદાર્થ આપણી ઈંદ્રિયોવડે માલમ પડે છે તેઓ ખરેખર જગતમાં છે જ નહી એ તો માત્ર આભાસ છે, જેમ સ્વપ્નમાં આપણને હજારો વસ્તુ દેખાય છે, અનેક શબ્દ સંભળાય છે, અને સઘળાં ઈંદ્રિયસુખ મળે છે, પણ જાગ્યા એટલે તેમાંનું કાંઈ ત્યાં હોતું નથી, તેમ આ જગતમાં આપણી અવસ્થા સ્વપ્નવત્ છે, પદાર્થ કાંઈ છે જ નહી. માટે રે ભાઈઓ, જગતમાં લોકો પૈસા મેળવવાને જે શ્રમ કરે છે તે સઘળો મિથ્યા છે. જેટલું લોકો મારુંતારું કરે છે, તે ફોકટ છે. અલ્યા મારું કાંઈ નથી અને તારું પણ કાંઈ નથી” એ કથા સાંભળીને અમારા મન ઉપર એટલી તો અસર થઈ કે અમે વેદાંતી થઈ ગયા, અને મારા અને તારામાં કાંઈ અંતર ગણવો નહી એવો નિશ્ચય કીધો. પછી એક વાર અમે અમારા યજમાનને ઘેર કાંઈ કામસર ગયા, ત્યાં એક પૈસાની થેલી પડી હતી તે જોઈને અમે વિચાર કરવા લાગ્યા કે આને માનવી પૈસો કહે છે, પણ ખરેખરે તો તે છે જ નહી, એ તો માત્ર આભાસ છે વળી જગત કારમું છે, તથા આવરદા ક્ષણભંગુર છે, તેથી એ પૈસા મુકીને યજમાનને કોઈ દહાડે જવું પડશે, અથવા એ પૈસા યજમાનને મુકીને જતા રહેશે, એ બેમાંથી એક વાત તો નિશ્ચય બનવાની જ, હવે યજમાન પૈસાને મુકીને હમણાં જાય એવો સંભવ નથી, અને જાય તો પણ તેથી અમને કાંઈ લાભ થાય નહી. ત્યારે પૈસાએ આજે યજમાનને મુકીને જવું જોઈએ. વળી મારુંતારું એ સઘળું મિથ્યા છે, માટે યજમાનના પૈસા અને અમારા પૈસા એમાં ભેદ શો ? એમ વિચારીને તે થેલી ઉંચકી લીધી, અને તે લઈને જતા હતા એટલામાં યજમાનના દુષ્ટ ચાકરોએ અમને પકડ્યા, અને યજમાનના કહેવાથી અમને રાજા આગળ લઈ ગયા. રાજાની આંખ ઉપર પણ માયાની અંધારી બાંધેલી તેથી તેણે મારાતારામાં ભેદ કહ્યો, અને વેદવ્યાસજીના વેદાંતમતથી વિરૂદ્ધ ચાલીને અમને પાંચ વર્ષ બંધીખાનામાં નાંખ્યા, કારાગૃહમાં એટલાં વર્ષ મફતનું, વગર મહેનતે ખાધા પીધા પછી અમને છોડી મુક્યા. હવે શું કરવું ? જગત તો દુષ્ટ માયામાં વિંટાયલું, અને પરમાત્મામાં લય પામવાનાં સાધન શોધવાને બદલે મારાતારામાં લડીમરી ઘાંચીના બળદની પેઠે ચોરાશીલાખના ફેરા ફર્યા કરે છે. એવા લોકોમાં સર્વોત્કૃષ્ટ વેદાંત મત ચલાવવા જઈએ તો સંકટમાં આવી પડીએ, તેથી ઋષિઓની પેઠે વનવાસ કરવો એવો નિશ્ચય કીધો; અને આ જંગલમાં ત્રણ મહીના થયાં આવ્યા છીએ, પણ લાડુ ને ઘી ખાધેલા તે હવે કંદ, મૂળ, ફળાદિનો આહાર શી રીતે થાય ? તેથી કોઈ યજમાન શોધવાને રાતની વખતે નીકળીએ છીએ. તમે પહેલા જ મળ્યા છો, માટે જો તમે વેદવ્યાસજીને માનતા હો તો લુગડાં પાઘડી આદિ જેને તમે તમારું કહો છો તે અમારૂં કરો, નહીં તે આ તલવારવડે તમને પરમાત્માનો મેળાપ કરાવી આપીશું.” માધવને એ બે વેદાંતી બ્રાહ્મણોની વાત સાંભળી ઘણું હસવું આવ્યું, અને પેટના દુ:ખથી તેઓના મગજ ઉપર અસર થઈ છે એમ સમજીને તેઓને એક સોનાની મહોર આપી, તે લઈને આ બંને ઘણા પ્રસન્ન થયા, વિદાય કરતી વખતે માધવે તેઓને બોધ કીધો કે હજી વેદવ્યાસજીનો મત દુનિયામાં ચાલ્યો નથી, માટે હવે પછી જો તમે મારુંતારું સમાન ગણવા જશો, તો આ તમારી જ તલવારથી તમને જ પરમાત્મા સાથે એાળખાણ કરવું પડશે. વેદાંતીભાઈ તેઓને આશીર્વાદ દઈ ચાલતા થયા.