કર પ્રભુ સંગાથે
Appearance
કર પ્રભુ સંગાથે દેવાનંદ સ્વામી |
પદ ૯ રાગ ગરબી.
કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી રે,
મરી જાવું મેલીને ધનમાલ;
અંતકાળે સગું નહિ કોઈનું રે... ○ટેક
સંસ્કારે સંબંધી સર્વે મળ્યાં રે,
એ છે જૂઠી માયા કેરી જાલ... અંતકાળે○ ૧
મારું મારું કરીને ધન મેળવ્યું રે,
તેમાં તારું નથી તલભાર... અંતકાળે○ ૨
સુખ સ્વપ્ના જેવું છે સંસારનું રે,
તેને જાતાં ન લાગે વાર... અંતકાળે○ ૩
માટે સેવે તું સાચા સંતને રે,
તારા ટળશે ત્રિવિધના તાપ... અંતકાળે○ ૪
અતિ મોટાપુરુષને આશરે રે,
બળે પૂર્વ જનમનાં પાપ... અંતકાળે○ ૫
એવું સમજીને ભજ ભગવાનને રે,
સુખકારી સદા ઘનશ્યામ... અંતકાળે○ ૬
દેવાનંદનો વહાલો દુઃખ કાપશે રે,
મનવાંછિત પૂરણ કામ... અંતકાળે○ ૭