લખાણ પર જાઓ

કલમની પીંછીથી/રત્નો ભાંડ

વિકિસ્રોતમાંથી
← નથુ પિંજારો કલમની પીંછીથી
રત્નો ભાંડ
ગિજુભાઈ બધેકા
૧૯૫૦



રત્નો ભાંડ




મે નિશાળમાં ભણતા હતા. મોટા મહેતાજી લાંબી સેાટી લઈ ભણાવતા હતા. નિશાળમાં કલબલ કલબલ થતું હતું અને મહેતાજીઓ બરાડતા હતા.

એકદમ બેચાર છોકરા દોડતા આવ્યા અને મોટા મહેતાજીને કહે માસ્તર સા'બ માસ્તર સા'બ આપણા ડિપોટી સા'બ આવે છે. એ પણે દરવાજા આગળ દેખાય.

મોટા મહેતાજી હેબતાઈ ગયા. એકાએક ડિપોટીસાહેબ કયાંથી? એતો હાંફલા ફાંફલા થઈ ગયા. ટેબલ ઉપરથી ફેંટો માથે મૂક્યો પણ સવળાને બદલે અવળો મૂકાયો. ગભરાટમાં ને ગભરાટમાં મહેતાજીની પાછલી કાછડીનો છેડો છૂટી ગયો. મહેતાજી ડિપોટીને લેવા માટે સામે દોડ્યા. નિશાળ આખી ચૂપચાપ થઈ ગઈ. બધા શિક્ષકો ટાઢાટમ થઈ ગયા.

ત્યાં તો ડિપોટી નજીક આવ્યા. બરાબર ડિપોટીજ. એમાં જરાકે ફેર નહિ. નાકે ચશ્માં, ખભે ખેસ, હાથમાં લાકડી ને માથે ગુજરાતી પાધડી. અસલ ડિપોટીની જ ચાલ.

મહેતાજી અને ડિપોટી નિશાળના બારણા આગળ ભેટાભેટ થઈ ગયા. મહેતાજીએ સલામ કરી આવકાર આપ્યો: “પધારો શા'બ. એાચીંતા કયાંથી?” ત્યાં તો ડિપોટીના મોઢામાંથી બે લાંબા દાંત દેખાયા ને મહેતાજી સમજી ગયા કે આતો પેલો રત્નો ભાંડ. ત્યાં તો રત્નો ભાંડ હસીને બોલ્યો: “વાહ મહેતાજી શા'બ, ભણેલ ગણેલ તમેય છેતરાણા ? લ્યો, હવે રાજી કરો." મહેતાજીએ ચાર છ આના આપી રત્ના ભાંડને રાજી કર્યો.

એક દિ' મારી કાકી વાત કરવા બેઠાં કે આજ તેા ભારે ગમ્મત થઈ. અમે નદીએ બેડાં ઉટકી પાણી ભરતા'તાં ત્યાં એક બીબી આવી ને એ પણ બેડું ઉટકવા લાગી. અસલ બીબી જેવી જ બીબી. પગમાં ચારણી, ડીલે અંગરખો ને નાકે વાળી. અમને થયું આ ગામમાં તો મુસલમાન નથી ને આ બીબી કયાંથી ? ત્યાં તો બીબીએ ઝટ લઈને અમારા ગાળેલા વીરડામાં છાલિયું બેાળ્યું ને પાણી ભર્યું. અમે તો જોઈ જ રહ્યા. અમે કંઈક કહેવા જઈએ ત્યાં તો બીબી લાંબા હાથ કરીને બાઝવા ને પોતાના ઘડાનું પાણી અમારા ઘડા ઉપર નાખવા લાગી. અમે એક ભાઈને સાદ કર્યો ત્યાં તો મોઢામાંથી બે દાંત કાઢ્યા ને ખડખડ હસવા લાગી. અમે તુરત એને ઓળખી ગયાં. અમે કીધું: 'એય, આ તો રત્નો ભાંડ. રોયાને બીબીનો વેષ પણ અસલ આવડે છે.'

પાસે બેઠેલા બાપુએ કહ્યું: “અરે, રત્નો તો અસલ ભાંડ છે. એકવાર એણે ભારે કરેલી. દશેરાનો દિવસ હતો અને દરબારમાં કચેરી ભરાએલી. ગવૈયો ગાતો હતેા. વાહર ઢોળવાવાળા દરબારને વાહર ઢોળતા હતા. છડીદાર છડી પોકારતો હતો. બાપુ બેઠા બેઠા બધું આનંદથી જોતા હતા. એટલામાં સળવળાટ થયો અને કચેરીને બીજે છેડેથી લોકો ઊઠવા લાગ્યા ને સલામ ભરવા લાગ્યા. ચારેકોર કાનમાં કાનમાં વાત થવા લાગી. “ગોરો આવ્યો છે.” “ગોરો આવ્યો છે.” “પ્રાંતનો શા'બ હશે.” “ મોટો શા'બ હશે.” દિવાન સુધીના બધા માણસો એકદમ ઊભા થઈ ગયા.

સાહેબ તો ટટ્ટારને ટટ્ટાર ચાલ્યો આવતેા હતેા. હાથમાં મોટી લાકડી, મોમાં ચિરૂટ, બગલમાં ટોપો અને રોફ તો ક્યાંઈ માય નહિ. અસલ ગોરો જ જોઈ લ્યો. ગાલ તો લાલ લાલ ટમેટા જેવા.

બધા ઊભા થયા પણ જ્યાં બાપુ ઊભા થવા જાય ત્યાં તો રત્નાએ મોઢામાંના બે મોટા દાંત બહાર કાઢ્યા. રત્નો એકદમ સલામ ભરી બોલી ઊઠ્યો: 'ખમા બાપુ, ખમા અન્નદાતા. ઘણું જીવો અમરસંગજી બાપુ.' આખી કચેરી રત્નાની સામે જોઈ રહી. રત્ના ભાંડે દિવાનશા'બ સુધીના સૌને ઊભા કર્યા. ખરો, રત્નો ભાંડ ખરો.

આવું આવું તો રત્નો કેટલુંયે કરે. મનમાં આવે એવો વેષ રત્નો કાઢે, અને બધાયને ભૂલમાં નાખે. પછી છેલ્લી ઘડીએ ખોટા દાંત દેખાડે ને ખડખડ હસે એટલે સૌ જાણે કે આતો ભાંડ !

કાંઈક વાર પરબ હોય, મોટો એવો તહેવાર હોય, ત્યારે રત્નો નવો વેષ કાઢી લાવે ને લોકોને ખુશી કરે.

ગામના છોકરાં તો રત્નાની પાછળ પાછળ ફર્યા જ કરે. એકવાર ખબર પડી કે આ રત્નો છે એટલે તો છોકરાં આઘા ખસે જ નહિ.

રત્નો ભાંડ ખરો વેષધારી. હજી એના જેવો બીજો કોઈ જોયો નથી. એનાં અમે કેટલાયે વેષ જોયેલા કુંભારનો, નગરશેઠનો, વાળંદનો, બ્રાહ્મણનો, પટેલનો, પખાલીનો, બધાયના વેષ અમે જોએલા. રત્નો ભાંડ જિંદગી સુધી સાંભરશે.