લખાણ પર જાઓ

કલ્યાણિકા/આત્માનો સગો

વિકિસ્રોતમાંથી
← રસરેલ કલ્યાણિકા
આત્માનો સગો
અરદેશર ખબરદાર
દર્શનની ઝંખના →
. રાગ માઢ - તાલ લાવણી-હીંચ .




આત્માનો સગો

· રાગ માઢ–તાલ લાવણી-હીંચ ·

મારા આત્માનો સગો તું નાથ ! સાહ્ય રે :
મારું મન તુંહીં તુંહીં તુંહીં તુંહીં થાય !
મને મુકીને તું ક્યાં ન કદી જાય રે :
મારું મન તુંહીં તુંહીં તુંહીં તુંહીં થાય ! - (ધ્રુવ)

અંગનાં સગાં સૌ મારાં દૂર થયાં કે
પાસે રહ્યાં ન પરખાય :
હૈયું રડી રડી આખર ઠર્યું આ,
સાચો સગો તો તું જ થાય રે !
મારું મન તુંહીં તુંહીં તુંહીં તુંહીં થાય ! ૧

માટીની મૂર્તિ ને વેળુનાં વહાલુડાં,
દુનિયા ભરી ભરમાય :
ચિત્તનાં ચેતન નહીં અજવાળે આંખને,
તેને તું કેમ દેખાય રે ?
મારું મન તુંહીં તુંહીં તુંહીં તુંહીં થાય ! ૨


ચાંદરણે ચાંદલાની ચંદની હુલાતી,
આવ્યે અમાસ અંધરીય :
નહોતી એ ચાંદલાની જ્યોતિ તો આત્મની,
અવનિ અંધારે અકળાય રે !
મારું મન તુંહીં તુંહીં તુંહીં તુંહીં થાય ! ૩

સામે જોતાં હું તારું ચેતન ચીનું ને
પાસે હું જોઉં તારા પાય :
મારો સગો તું મને મૂકી ન જાય, નાથ !
મૂકી તને હું જાઉં ક્યાંય રે ?
મારું મન તુંહીં તુંહીં તુંહીં તુંહીં થાય ! ૪