કળજુગ આવ્યો હવે કારમો

વિકિસ્રોતમાંથી
ગંગાસતીના ભજનો
કળજુગ આવ્યો હવે કારમો
ગંગાસતી



કળજુગ આવ્યો હવે કારમો

કળજુગ આવ્યો હવે કારમો રે,
તમે સુણજો નર ને નાર,
ભક્તિ ધરમ તે માંહે લોપાશે,
રહેશે નહિ તેની મર્યાદ .... કળજુગ.

ગુરુજીના કીધાં ચેલો નહીં માને
ને ઘેરઘેર જગાવશે જ્યોત
નર ને નારી મળી એકાંતે બેસશે,
ને રહેશે નહિ આત્મ ઓળખાણ ... કળજુગ.

વિષયના વેપારમાં ગુરુજીને વામશે,
જૂઠાં હશે નર ને નાર,
આડ ધરમની ઓથ લેશે,
પણ રાખે નહિ અલખ ઓળખાણ ... કળજુગ.

એક બીજાના અવગુણ જોવાશે
ને કરશે તાણવાણ રે,
કજીયા કલેશની વૃદ્ધિ થાશે ત્યારે,
નહિ આવે ધણી મારો દ્વાર .... કળજુગ.

સાચા મારા ભઈલા અલખ આરાધે
ને ધણી પધારે એને દ્વાર રે,
ગંગા રે સતી એમ બોલિયાં રે,
તમે કરજો સાચાનો સંગ ... કળજુગ.